સ્વાધ્યાયલોક—૮/પ્રથમ વર્ષ


પ્રથમ વર્ષ

ગુજરાતના શિક્ષણના ઇતિહાસમાં ૨૦મી સદીનો પાંચમો દાયકો આચાર્ય સન્તપ્રસાદ ભટ્ટને નામે નોંધાશે. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં આ દાયકા દરમિયાન એમનું અધ્યાપનકાર્ય એ આ ઇતિહાસનું એક ઉજ્જ્વલ પ્રકરણ છે. ભટ્ટસાહેબમાં વિદ્વત્તા અને રસિકતાનો વિરલ સુમેળ થયો છે. એ રસિક વિદ્વાન છે. આ દાયકા દરમિયાન હું એમનો વિદ્યાર્થી હતો. એટલે હું પ્રત્યક્ષ અંગત અનુભવને આધારે સહેજ પણ સંકોચ વિના પ્રમાણ આપી શકું છું કે એ સમયના મારા જેવા માત્ર એમની કૉલેજના જ વિદ્યાર્થીઓ પર નહિ પણ અન્યત્ર પણ અસંખ્ય વિદ્યાર્થીઓ પર અને માત્ર વિદ્યાર્થીઓ પર જ નહિ પણ સમગ્ર ગુજરાતમાં એમના પૂર્વકાલીન અને અનુકાલીન એવા અનેક બૌદ્ધિકો અને સર્જકો પર માત્ર એમની વિદ્વત્તાનો અને રસિકતાનો જ નહિ પણ એમના સભર અને સમૃદ્ધ વ્યક્તિત્વનો પણ અનન્ય પ્રભાવ હતો. જેટલી એમની તેજસ્વી બુદ્ધિ છે એટલું જ એમનું વત્સલ હૃદય છે. ભટ્ટસાહેબ ત્યારે બૌદ્ધિક અને સર્જક ગુજરાતની પ્રેરણામૂર્તિ હતા. આ સદીના છઠ્ઠા દાયકાના આરંભે જ ૧૯૫૨ના જાન્યુઆરીમાં સ્વતંત્ર લોકશાહી ભારતની પ્રથમ ચૂંટણી યોજવામાં આવી. મુંબઈ રાજ્યની ધારાસભાની અમદાવાદ મતવિસ્તારની બેઠક માટેની ચૂંટણીમાંના ઉમેદવારોમાં સમાજવાદી પક્ષના એક ઉમેદવાર હતા. એ ભટ્ટસાહેબના પરમ અંગત મિત્ર હતા. વળી ભટ્ટસાહેબ ત્યારે સમાજવાદી પક્ષના સભ્ય હતા. એથી એમને માટેના ચૂંટણીપ્રચારમાં અમદાવાદની શેરીએ-શેરીએ અને ગલીએ-ગલીએ અસંખ્ય જાહેર સભાઓમાં દિવસોના દિવસો લગી રોજ રાતે ત્રણેકની સરેરાશ સંખ્યામાં અનેક રાજકીય ભાષણો કર્યાં. આ ભાષણોની અમદાવાદની આમપ્રજા પર અદ્ભુત અસર હતી, જાદુઈ ભૂરકી હતી. આ દિવસો દરમિયાન અમદાવાદના નાના-નાના દુકાનદારો–કણિયા, કાછિયા, દરજી, પાનવાળા સુઘ્ઘાં–ની દુકાનો સાંજે પાંચ વાગે વહેલી બંધ થતી હતી. લોક ભટ્ટસાહેબની પાછળ ગાંડું હતું. એમની પાછળ-પાછળ ફરતું હતું. લોક એમની વાગ્મિતા પર વારી ગયું હતું. હવે ભટ્ટસાહેબ માત્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રોફેસર ન હતા. અમદાવાદની નિરક્ષર આમ પ્રજાના પણ શિક્ષક હતા. ભારતની શિશુ લોકશાહીના શિક્ષક હતા. હું એનો સતત સાક્ષી હતો. ચૂંટણીમાં એમના ઉમેદવારનો પરાજય થયો હતો. પણ પછી એ જ વરસમાં ભટ્ટસાહેબ પોતે મુંબઈ રાજ્યની ધારાસભાના વરિષ્ઠ ગૃહ માટેની ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર હતા. અને ચૂંટણીમાં એમનો વિજય થયો હતો. પણ મુંબઈ રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષનો વિજય થયો હતો. મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષ સત્તાસ્થાને હતો. મુંબઈ રાજ્યની ધારાસભાના વરિષ્ઠ ગૃહમાં શાસક પક્ષના સભ્યો અને સવિશેષ તો એમના નેતાથી વિરોધ પક્ષના લગભગ નેતા જેવા ભટ્ટસાહેબની બુદ્ધિનું તેજ અને એમનું વિચાર અને વાણીનું સ્વાતંત્ર્ય સહન થાય એટલો લોકશાહીનો વિજય થયો ન હતો. ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ પક્ષનો વિજય થયો હતો. કેન્દ્રમાં પણ કૉંગ્રેસ પક્ષ સત્તાસ્થાને હતો. અને ગુજરાતના એક અગ્રણી રાજકીય નેતા લોકસભાના સ્પીકરપદે નિયુક્ત થયા હતા. અને એ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજના સંચાલક મંડળમાં પણ સત્તાસ્થાને હતા. એમણે ભટ્ટસાહેબ પાસે ખુલાસો માગ્યો : તમે શિક્ષક છો. તમે રાજકારણમાં શા માટે સક્રિય થયા છો? અગાઉ ભટ્ટસાહેબે એમના મિત્ર માટેના ચૂંટણીપ્રચારમાં ભાષણો કર્યાં ત્યારે એમણે આવો ખુલાસો માગ્યો ન હતો. એ મિત્ર ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર હતા, પણ એ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજના સંચાલક મંડળમાં પણ સત્તાસ્થાને હતા. ખુલાસો માગનારના સહકાર્યકર હતા. વળી ચૂંટણીમાં એમનો પરાજય થયો હતો. જ્યારે ભટ્ટસાહેબ ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર હતા અને લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં માત્ર શિક્ષક હતા. વળી ચૂંટણીમાં એમનો વિજય થયો હતો. ભારતના બંધારણમાં કોઈ પણ નાગરિકને ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર છે. વળી ધારાસભા કે એના વરિષ્ઠ ગૃહ માટેની ચૂંટણીમાં તો શિક્ષકો માટેનો અલગ મતદાર વિભાગ પણ છે. વળી એ વરસે તો સરકારી કૉલેજોના શિક્ષકોને પણ ધારાસભાના વરિષ્ઠ ગૃહની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર સરકારે આપ્યો હતો. એટલું જ નહિ, મુંબઈ રાજ્યના રાજ્યપાલ મુંબઈ રાજ્યની ધારાસભાના વરિષ્ઠ ગૃહ માટેના નિયુક્ત જાહેર સભ્યોમાં એક કૉલેજના આચાર્ય અને એક યુનિવર્સિટીના મહામાત્રનો સમાસ કર્યો હતો. આજે પણ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં શિક્ષણકારને નિયુક્ત કરે છે. જે ભારતની પ્રથમ લોકસભાના પ્રથમ સ્પીકર હોય એમનો તો ભારતના બંધારણનું રક્ષણ કરવાનો પ્રથમ અને પવિત્ર ધર્મ હોય. પણ જ્યારે બંધારણનું રક્ષણ કરવાનો જેમનો પ્રથમ અને પવિત્ર ધર્મ હોય તે જ એનું ભક્ષણ કરવાની આવી ચેષ્ટા કરે, ‘તમે શિક્ષક છો. તમે રાજકારણમાં શા માટે સક્રિય થયા છો?’ એવો ખુલાસો માગે ત્યારે એનો શો ખુલાસો હોય? ભટ્ટસાહેબે ખુલાસો ન આપ્યો, રાજીનામું આપ્યું. અને તરત જ ૧૯૫૩ના જૂનના ‘સંસ્કૃતિ’ના અંકમાં પહેલે પાને ઉમાશંકર જોશીએ ગુજરાતના રાજકારણની અને શિક્ષણકારણની આ દુઃખદ અને દુર્ભાગી ઘટના પરથી ‘શિક્ષકો અને રાજકારણ’ લઘુગદ્યલેખમાં કરુણપ્રશસ્તિ રચી અને બીજે પાને ‘સમયરંગ’માં આ ઘટનાના ઉલ્લેખ સાથે એનું વિવરણ કર્યું. આ ઘટના વિશે અહીં આમ સહેજ વિગતે એટલા માટે ઉલ્લેખ કર્યો કે પછીથી મુંબઈ રાજ્યનું અને હવે ગુજરાત રાજ્યનું અને ગુજરાત યુનિવર્સિટીનું જે ઉત્તરોત્તર ક્રમે ક્રમે વધુ ને વધુ નૈતિક અને બૌદ્ધિક અધ:પતન થતું રહ્યું છે એનું રહસ્ય એમાં પ્રગટ થાય છે. પણ એથીય વિશેષ તો ‘ગુજરાત લૉ સોસાયટી આર્ટ્સ કૉલેજ’ના અવતરણનું રહસ્ય પણ એમાં પ્રગટ થાય છે. આમ, હવે ભટ્ટસાહેબ મુક્ત હતા. ત્યારે એ એમના ઉજ્જ્વલ અને યશસ્વી શિક્ષણકાર્યથી શિક્ષણ જગતમાં એમના અનુકાલીનોનો આદર અને પૂર્વકાલીનોનો પ્રેમ પામી ચૂક્યા હતા. એમણે ત્યારે શિક્ષણકારણમાં જે વડીલ મુત્સદ્દીઓ હતાં એમનું હૃદય પણ જીતી લીધું હતું. ‘ગુજરાત લૉ સૉસાયટી’ સંચાલિત ‘સર લલ્લુભાઈ આશારામ શાહ લૉ કૉલેજ’માં ત્યારે મુકુન્દરાય ઠાકોર આચાર્યપદે હતા. એમની ઉદારતા અને મહત્ત્વાકાંક્ષા હવે ભટ્ટસાહેબ મુક્ત છે અને એમની સેવામાં સુલભ છે એ સમાચારથી સતેજ ન થાય તો જ નવાઈ! મુકુન્દરાય ઠાકોર એક સાહસિક મનુષ્ય હતા. એ કોઈ રાજકીય વિચારધારાના શાસ્ત્રી ન હતા, કેવળ ધારાશાસ્ત્રી હતા; પણ બાહોશ અને બહાદુર ધારાશાસ્ત્રી હતા. એમના પ્રયત્નથી ૧૯૫૩માં ગુજરાત લૉ સોસાયટીના સંચાલકમંડળે એક આર્ટ્સ કૉલેજ’ સ્થાપવાનો વિચાર કર્યો. ‘ગુજરાત લૉ સોસાયટી’ પાસે મોટું ફંડ એકઠું થયું હતું. એથી કોઈ દાતાના દાન પર આ આર્ટ્સ કૉલેજ સ્થાપવાના વિચારનો આધાર ન હતો. એથી કોઈ દાતાના, કોઈ વ્યક્તિવિશેષના નામે આ આર્ટ્સ કૉલેજ સ્થાપવાનું આવશ્યક ન હતું. એથી એનું નામાભિધાન કર્યું ‘સર લલ્લુભાઈ આશારામ લૉ કૉલેજનો આર્ટ્સ વિભાગ’ અને એથી અનિવાર્યપણે હવે ‘સર લલ્લુભાઈ આશારામ લૉ કૉલેજ’ને પણ ‘સર લલ્લુભાઈ આશારામ લો કૉલેજનો લો વિભાગ’ એવું નવું નામાભિધાન પ્રાપ્ત થયું. અને એ આર્ટ્સ વિભાગને અત્યારનું નવું નામાભિધાન ‘ગુજરાત લો સોસાયટી આર્ટ્સ કૉલેજ’ પ્રાપ્ત થયું ત્યાં લગી અસ્તિત્વમાં રહ્યું. આમ ૧૯૫૩માં ‘ગુજરાત લો સૉસાયટી’ના સંચાલકમંડળે આ આર્ટ્સ વિભાગ સ્થાપવાનો નિર્ણય કર્યો અને ભટ્ટસાહેબને એમાં એમની સેવાઓ અર્પણ કરવાને આમંત્રણ આપ્યું. ભટ્ટસાહેબ નહિ તો ‘ગુજરાત લો સૉસાયટી આર્ટ્સ કૉલેજ’ નહિ! ૧૯૫૦થી હું લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતો. આમ તો હું ૧૯૪૪થી ૧૯૪૬ અને ૧૯૪૮થી ૧૯૫૦ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં પૂર્વસ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થી હતો એટલે ભટ્ટસાહેબનો વિદ્યાર્થી હતોપણ ૧૯૫૦થી એમનો સહકાર્યકર હતો. ‘ગુજરાત લૉ સૉસાયટી’ના સંચાલકમંડળે ભટ્ટસાહેબને એમની સેવાઓ અર્પણ કરવાને આમંત્રણ આપ્યું પછી મને પણ એવું આમંત્રણ આપ્યું એથી મેં પણ ૧૯૫૩માં લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાંથી રાજીનામું આપ્યું અને હું આ આર્ટ્સ વિભાગમાં નિયુક્ત થયો. ત્યાં લગી અમદાવાદમાં બે આર્ટ્સ કૉલેજો હતી : ગુજરાત કૉલેજ અને લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજ. હવે આ ત્રીજી આર્ટ્સ કૉલેજ અસ્તિત્વમાં આવી, ૧૯૫૩માં આર્ટ્સ વિભાગે ગુજરાત યુનિવર્સિટી સાથે બે વર્ષના અભ્યાસનું શિક્ષણ આપવા માટેનું જોડાણ કર્યું હતું અને તત્પૂરતો અધ્યાપકોનો પ્રબંધ કર્યો હતો. પ્રથમ વર્ષથી જ મુકુન્દ ભટ્ટ અને રવીન્દ્ર ઠાકોર અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. પછી ૧૯૫૫માં ચાર વર્ષના સંપૂર્ણ અભ્યાસક્રમનું શિક્ષણ આપવા માટેનું જોડાણ કર્યું હતું અને વધુ અધ્યાપકોનો પ્રબંધ કર્યો હતો. ભટ્ટસાહેબે લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાંથી રાજીનામું આપ્યું છે અને એ ‘સર લલ્લુભાઈ આશારામ લૉ કૉલેજના આર્ટ્સ વિભાગ’માં નિયુક્ત થયા છે એ સમાચાર પ્રાપ્ત થયા કે ૧૯૫૩ના જૂનમાં લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજના ફર્સ્ટ ઇયર આર્ટ્સના વર્ગના સોએક વિદ્યાર્થીઓએ એ કૉલેજનો ત્યાગ કર્યો અને ‘ભટ્ટસાહેબની કૉલેજ’માં ઇન્ટરમીડિયેટ આર્ટ્સના વર્ગમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો. એથી આર્ટ્સ વિભાગનો ઇન્ટરમીડિયેટ આર્ટ્સનો વર્ગ પ્રથમ વર્ષના પ્રથમ દિવસથી જ ભર્યોભર્યો હતો. ત્યારે કૉલેજનું મકાન રૂપકડું હતું. ૧૯૩૦થી મૂળ ભોંયતળિયાનું મકાન હતું એની પર હવે એક વધુ માળ રચ્યો હતો. પછવાડે એક હૉસ્ટેલના મેદાન સિવાય આજુબાજુ અન્ય એક પણ મકાન ન હતું. હૉસ્ટેલનું મકાન પણ એટલું જ રૂપકડું હતું. જમણી બાજુ આજે છે એથી પણ વધુ મોટું મેદાન હતું. ત્યાં નિયમિત ક્રિકેટની તાલીમ ચાલતી હતી. ત્યારે ક્રિકેટના જગતમાં ‘સર લલ્લુભાઈ આશારામ શાહ લૉ કૉલેજ’ની ક્રિકેટ ટીમનું નામ હતું. પછી ૧૯૫૬–૫૭માં આ મેદાનમાં મહાગુજરાત આંદોલનની વિરાટ સભાઓ પણ યોજાતી હતી. આવી એક સભા વિશે ૧૯૫૭માં મેં એક કાવ્ય ‘મેદાનમાં’ પણ રચ્યું હતું. ત્યારે અમદાવાદની વસ્તી આજે છે એનાથી અરધી હતી. કૉલેજનો વિસ્તાર જેટલો સુન્દર હતો એટલો જ શાન્ત હતો. લૉ વિભાગનું કામકાજ સવારે ચાલતું હતું. એથી આર્ટ્સ વિભાગનું કામકાજ બપોરે ચાલતું હતું. ઠાકોર સાહેબ, ખારોડ સાહેબ અને પંડિત સાહેબનો કૉલેજમાંથી ઘરે જવાનો સમય તે અમારો — ભટ્ટ સાહેબનો અને મારો — ઘરેથી કૉલેજ આવવાનો સમય. ભટ્ટ સાહેબ અને હું સાયકલ પર મોટે ભાગે સાથે ઘરેથી કૉલેજ આવીએ. હું ટાઉન હૉલ પાસેના મારે ઘરેથી મહારાષ્ટ્ર સૉસાયટીમાં એમને ઘરે સાયકલ પર પહોંચી જતો. આ ત્રિપુટીને મોટે ભાગે રસ્તા પરના કંપાઉન્ડના દરવાજા પાસે કે મકાનના પગથિયા પાસે પરસ્પર ‘ગૂડ મોર્નિંગ, કેમ છો?’ પૂછીને પછી એમની સાથે અમારે એકબે વાક્યનો હળવી મજાકનો સંવાદ કરવાનું થતું. એ ત્રણેનો પોશાક વિશિષ્ટ. ઠાકોર સાહેબને માથે અવારનવાર સોલો હેટ હોય, અંગ પર રંગીન સૂટ અને ટાઇ હોય. ખારોડ સાહેબને માથે હંમેશાં ઊંચી દીવાલની કાળી ટોપી હોય, અંગ પર સફેદ પાટલૂનની સાથે બંધ ગોળ કોલરનો સફેદ લાંબો કોટ હોય. પંડિત સાહેબને માથે હંમેશાં સાદી કાળી ટોપી હોય, અંગ પર સફેદ સૂરવાલ અને બંધ ઊંચા કોલરનો સફેદ લાંબો કોટ હોય. ઠાકોર સાહેબના વસ્ત્રો જાણે બારે માસ ચોમાસુ ન હોય એવાં હવાઈ ગયેલાં, ઢીલાંપોચાં, લોબરાંલબડતાં. પંડિતસાહેબનાં વસ્ત્રો જાણે બારે માસ ઉનાળો ન હોય એવાં કડક, અસ્ત્રીબંધ ગળી નાંખેલાં, ખારોડ સાહેબના વસ્ત્રો જાણે બે બાજુ આ બે મિત્રોનાં વસ્ત્રોના સરવાળા જેવાં લીસાં મુલાયમ રેશમ જેવાં, ખારોડસાહેબના દેહનું કદ પણ આ બે મિત્રોના દેહના કદના સરવાળા જેવું. ઠાકોર સાહેબની ચેમ્બર તથા લૉ વિભાગનો કૉમન રૂમ ભોંયતળિયે જમણી બાજુ. આર્ટ્સ વિભાગનો કૉમન રૂમ પહેલે માળે, ડાબી બાજુ. લાઇબ્રેરી સહિયારી, ભોંયતળિયે વચમાં પછવાડે. આર્ટ્સ વિભાગના કૉમન રૂમમાં ખૂબ આનંદ કર્યો છે. મુકુન્દ ભટ્ટ ભાવનગરના, પ્રશ્નોરા બ્રાહ્મણ. એમનો મુખ્ય વિષય સંસ્કૃત છે એ આપણે પ્રયત્નપૂર્વક શોધ કરીએ તો જ જાણી શકીએ એવી એમની અંગ્રેજી-ગુજરાતી ભાષાની શક્તિ. ત્રણે ભાષાનું ઘણુંબધું સુભાષિત કંઠસ્થ. એ આ જ લૉ કૉલેજમાં થોડાક સમય પૂર્વે વિદ્યાર્થી હતા અને ત્યારે એમણે વક્તૃત્વકળાની સ્પર્ધાઓમાં વારંવાર પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. એથી એમને માટે અહીં નિયુક્ત થવું એ પુનરાગમન જેવું હતું. એમને અહીં બધું પરિચિત હતું અને એ બધાને પરિચિત હતા. એમના ઉચ્ચાર અત્યંત શુદ્ધ. પોતાની ઉચ્ચારશુદ્ધિથી એ પૂરેપૂરા સભાન. ભાવનગરના હતા ને! ભાવનગરના નાગરોનો આ સંસ્કાર-વારસો છે. એમનું બોલવાનું બધું જાણે શૈલીબદ્ધ, કલાત્મક, સ્વચ્છ, સુઘડ, સંયમી, સંસ્કારી, વાક્પટુ એટલે વાક્યે વાક્યે જાણે વાક્છટાનો, વક્તૃત્વકળાનો પ્રયોગ! બોલે ત્યારે આંખ ઠરડીને, હોઠ મરડીને, હાવભાવ સાથે, આરોહઅવરોહ સાથે, લયલહેકા સાથે, હલક સાથે બોલે. જાણે સંગીતના રાગનો ટુકડો. ક્યારેક અવાજથી બોલે છે કે મુખની રેખાઓથી અને હાથની મુદ્રાઓથી એ નક્કી કરવું મુશ્કેલ. અવાજ ઘેરો અને ગંભીર. ચારે ભીંતો પરથી પડઘાતો પાછો આવે. એમની સાથે વાતોમાં એમને કંઈ કલાકોના કલાકો સાંભળવાનો આનંદ કર્યો છે. રવીન્દ્ર ઠાકોર કવિજન, ચોવીસે કલાક કવિજન, અત્યંત શરમાળ. મોઢે કાયમના શરમના શેરડા. ઓછાબોલા. બોલે તો મૂંગા રહેવાની આળસે બોલે. એક ક્ષણ પણ જે મૂંગા ન રહી શકે એવા રેડિયોની સંસ્થામાં કામ કર્યું હતું છતાં, અથવા તો એથી જ. ગુસ્સે થાય અને જેટલા ગાલ લાલ લાલ થાય એટલા જ શરમાય ત્યારે થાય. ગુસ્સો પણ શરમાતા-શરમાતા કરે, દિવસે વર્ગમાં અધ્યાપન ઉપરાંત નૃત્યનાટક, ગરબા આદિ અભ્યાસેતર પ્રવૃત્તિઓને કારણે ઉજાગરાથી આંજેલી આંખો સતત જાણે ઊંઘતી જ હોય. પણ હૃદય સદા જાગ્રત. એટલા એ મૃદુ કોમળ. પોયણી જેવા. ના, લજામણી જેવા. અમથું અડકો ત્યાં બિડાય. ભરૂચના બ્રહ્મક્ષત્રિય છે. બલવન્તરાયની જ્ઞાતિના છે, બલવન્તરાયના સગા છે એ કલ્પી તો ન શકો પણ પુરાવો આપવામાં આવે તોપણ માની ન શકો એટલા એ અહિંસક અને અનાક્રમક. એમની સાથે વાતોને બહાને કલાકોના કલાકો બોલવાનો આનંદ કર્યો છે. આ પ્રથમ વર્ષમાં આર્ટ્સ વિભાગના કૉમન રૂમનું સૌથી વધુ મધુર સ્મરણ છે દર મંગળવારે સાંજે કૉલેજના સમય પછી પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠક અને નલિન રાવળ આદિ કવિમિત્રો સાથે અનેક કાવ્યો અને નાટકોનું વાચન. રજાઓમાં મુંબઈ ગયો હોઉં અને નવાં-નવાં પુસ્તકો લાવ્યો હોઉં એનું આ મિત્રોની સાથે આ મંગળ-મિલનમાં વાચન થતું. આજે પણ મુંબઈ જાઉં છું અને નવાં-નવાં પુસ્તકો લાવું છું અને અમદાવાદમાં જૂના અને નવા મિત્રો સમક્ષ એનું વાચન કરવાની જે ટેવ છે તેનો આરંભ અહીં થયો હતો. આ પ્રથમ વર્ષમાં આર્ટ્સ વિભાગનું સૌથી વધુ મધુર સ્મરણ વર્ગના વિદ્યાર્થીઓ અને સવિશેષ તો મુખ્યત્વે ભટ્ટસાહેબને કારણે જાણે બ્રાઉનિંગના પાયેડ પાઇપર ઑફ હેમલિનની પાછળ-પાછળ આવેલાં બાળકો જેવાં લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજના ફર્સ્ટ ઇયર આર્ટ્સના વર્ગમાંથી અમારી પાછળ-પાછળ આવેલાં વિદ્યાર્થીઓ સાથેની મૈત્રી. એમાંથી પછીનાં બે વર્ષોમાં ૧૯૫૪–૫૬માં જે વિદ્યાર્થીઓએ બી.એ.માં અંગ્રેજી ઑનર્સનો વિષય રાખ્યો હતો તેમની સાથે તો આત્મીયતાનો અનુભવ થયો હતો. આજે પણ એ અનુભવ એટલો જ જીવંત છે. એમની સાથે તો વર્ગમાં જ નહિ, રજાઓમાં મારે ઘરે પણ કલાકોના કલાકો એલિઝાબેથના યુગથી તે આધુનિક યુગ લગીના લગભગ એકેએક મુખ્ય અંગ્રેજ કવિની મહત્ત્વની એકેએક કાવ્યકૃતિનો આનંદ લૂંટ્યો છે. એમાંથી આજે નલિન રાવળ પ્રસિદ્ધ કવિ-વિવેચક છે અને અમદાવાદની એક અગ્રણી કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક છે અને નિઝામી ગુજરાત લૉ સોસાયટીની આ જ કૉલેજની સહોદર કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક છે. ૧૯૫૬માં આ વિદ્યાર્થીઓ અને હું એકસાથે કૉલેજમાંથી વિદાય થયાં ત્યારે આ અનુભવમાંથી મેં એક કાવ્ય રચ્યું હતું. એ ક્ષણ મારા જીવનની એક ધન્ય ક્ષણ છે. એ ચરિતાર્થતાની ક્ષણ છે, કૃતાર્થતાની ક્ષણ છે. એ મારા જીવનની મધુરતમ અને સુંદરતમ ક્ષણોમાંની એક ક્ષણ છે :

         અંગ્રેજી ઓનર્સના વિદ્યાર્થીઓને વિદાય
સુરમ્ય સુખસ્વપ્ન શાં સભર ચાર વર્ષો વહ્યાં,
લહ્યાં વયવસંતમાં કુસુમ સ્નેહની વૃદ્ધિનાં,
ઉદાર ઉરથી પરસ્પર સ્વભાવ ને બુદ્ધિના
અનેકવિધ દોષના કદીક કંટકો યે સહ્યા,
વિવેચન વળી કથા નવલ નાટ્ય કાવ્યો ભણ્યાં :
સુપ્રજ્ઞ કવિ મિલ્ટને અસલ ક્રાંતિની ક્હૈ કથા,
વદંત ઋષિ વર્ડ્ઝવર્થ પૃથવી પરે જે વ્યથા,
અભિન્ન સમ સત્ય-સુન્દર ક્લાજ્ઞ કીટ્સે ગણ્યાં;
જિહાં લગ ધરાતલે જીવન આપણે ધારશું,
ક્ષણો વિરલ રૂપની, રસસમાધિ આનંદની,
સદા નીરસતાભર્યા ભવરણે રસસ્યંદિની,
વિરૂપ જગની વ્યથા સમજવા ન સંભારશું?
ભણ્યા જ નહિ માત્ર, કિંતુ મુજને ભણાવ્યો તમે;
તમે જ ગુરુ, શિષ્ય હું, શિર સદૈવ એથી નમે.

(ગુજરાત લૉ સોસાયટી આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, રજત જયંતી વર્ષ ૧૯૭૮, ‘સ્મરણિકા’માં લેખ. ૧૯૭૮.)

*