સ્વાધ્યાયલોક—૮/મનુષ્ય વિશે


મનુષ્ય વિશે — અર્ધ સત્ય, પૂર્ણ સત્ય

૧૯૬૦ની આસપાસના વરસમાં રવિવારની એક સવારે ઉમાશંકરના ઘરમાં એમના નાના ભાઈ દેવેન્દ્ર (મારા પરમ મિત્ર દેવુભાઈ)ના દીકરા મલય સાથે વાતો ચાલતી હતી. મેં પૂછ્યું, ‘મલય, ગયા રવિવારે શું કર્યું?’ એણે કહ્યું, ‘કાંકરિયા ગયો હતો. પ્રાણીબાગ જોયો.’ મેં પૂછ્યું, ‘બહુ પ્રાણીઓ જોયાં?’ એણે કહ્યું, ‘હા, બહુ જોયાં.’ મેં પૂછ્યું, ‘પણ મલય, સૌથી વધુ ક્રૂર પ્રાણી કયું હશે?’ એણે કહ્યું, ‘વાઘ.’ મેં કહ્યું, ‘ના.’ એણે પૂછ્યું, ‘તો કયું?’ મેં કહ્યું — બલકે મારાથી કહેવાઈ ગયું, ‘માણસ.’ એણે ભય અને આશ્ચર્યના મિશ્ર ભાવ સાથે પૂછ્યું, ‘કેવી રીતે?’ આઠ-દસ વરસની નાની વયના મુગ્ધ બાળકને બુદ્ધિના એકાદ ચમકારાથી ચકિત કરવાની તક હતી. એટલે મેં કહ્યું, ‘વાઘ કે અન્ય કોઈ પણ પ્રાણી ક્રૂર છે, કારણ કે એ બીજાં પ્રાણીઓનો શિકાર કરે છે. પણ એ તો એનો ખોરાક છે. એને જીવવું છે એટલે એ શિકાર કરે છે. પણ એક માણસ બીજા માણસનો ખોરાક નથી, છતાં પણ માણસ માણસને મારે છે. માણસ માણસને માર્યા વિના જીવી શકે છે, છતાં મારે છે. તો પછી માણસ સૌથી વધુ ક્રૂર પ્રાણી ખરું કે નહિ?’ બાળકબુદ્ધિને કારણે બાળક તો ગૂંચવાઈ ગયું. પણ હવે હું એનાથી પણ વધુ ગૂંચવાઈ ગયો. કારણ કે મેં જે કહ્યું તે મનુષ્ય વિશેનું સત્ય તો હતું, પણ અર્ધ સત્ય. વળી એક નિર્દોષ બાળકના મનમાં એનાથી મનુષ્ય પ્રત્યે કદાચને જીવનભર પૂર્વગ્રહ પણ થશે, જાણે એક પવિત્ર મનને પ્રદૂષિત કર્યું હોય એવો અપરાધનો ભાવ અનુભવ્યો. પછી મેં કહ્યું, ‘પણ મલય, સાથે-સાથે મારે તને એ પણ કહેવું જોઈએ કે માણસ માણસને મારે છે એટલું જ નહિ, માણસ માણસને માટે મરે પણ છે, એનામાં પ્રબળ જિજીવિષા છે છતાં મરે છે, જોઈ-વિચારીને મરે છે, સૂઝસમજથી મરે છે. સૌ પ્રાણીઓમાં માણસ સૌથી વધુ ક્રૂર છે તો સાથે-સાથે સૌ પ્રાણીઓમાં માણસ સૌથી વધુ કરુણામય પણ છે.’ આ હતું મનુષ્ય વિશેનું પૂર્ણ સત્ય. આ કહ્યું પછી જાણે મારું હૃદય કંઈક હળવું થયું.

૧૯૯૪

*