સ્વાધ્યાયલોક—૮/રણજિતરામ સુવર્ણ ચન્દ્રક સ્વીકારતાં


રણજિતરામ સુવર્ણ ચન્દ્રક સ્વીકારતાં

આ ક્ષણે અહીં આપની સમક્ષ આમ ઊભો છું એ મારે માટે એક ભારે મૂંઝવણનો અનુભવ છે. આ અર્પણ અંગેનો આપનો નિર્ણય જાણ્યો એ ક્ષણે પણ કંઈક મૂંઝવણનો અનુભવ થયો હતો. મૌન દ્વારા જ કૃતજ્ઞતા પ્રગટ કરી શકું એવી મારી સ્થિતિ છે. પણ અત્યંત અંગત કારણોથી જે મૂંઝવણનો સતત અનુભવ કરી રહ્યો છું એ સહ્ય થાય એવું પણ આ પ્રસંગમાં કંઈક છે. ગુજરાતના સાહિત્ય અને સંસ્કારજીવનમાં આપની સભાની સિદ્ધિઓ પ્રજાને સુવિદિત છે. આ પ્રસંગ દ્વારા અન્ય જે કંઈ સિદ્ધ થતું હશે એની સાથે-સાથે મારા જેવાને નિમિત્તે આપ સૌ આપણા એક મહાન સંસ્કારસેવકને અંજલિ અર્પણ કરો છો અને એમના જીવનકાર્યનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરો છો. આમ કોઈ એક વ્યક્તિને નિમિત્તે આપ સૌ વર્ષે-વર્ષે આ ઉપક્રમ યોજો છો. પૂર્વજોનાં સદ્ગુણો અને સત્કર્મો આવા ઉપક્રમ દ્વારા પ્રજાની સમક્ષ સતત રહે એ એક અર્થપૂર્ણ અને અમૂલ્ય અનુભવ છે. જીવનના અન્ય અનુભવોની સાથે-સાથે આવા અનુભવ દ્વારા ભૂતકાળનું સંરક્ષણ, વર્તમાનનું સંવર્ધન અને ભવિષ્યનું સર્જન થાય છે. આજે આ પ્રસંગે આ અનુભવમાં આપની સાથે રહી શકું છું એને હું મારું સદ્ભાગ્ય સમજું છું. અને એથી મારી મૂંઝવણ કંઈક સહ્ય થાય છે. આપ સૌનો, ગુજરાત સાહિત્ય સભાનો હૃદયથી આભાર માનું છું. અને જે સંસ્કારસેવકના નામથી આ પ્રસંગ અને આ ચન્દ્રક અંકિત છે એમનું સ્મરણ કરીને અને એમને આપ સૌની સાથે મારી અંજલિ અર્પણ કરીને ધન્યતા અનુભવું છું. આ સદીના આરંભે લગભગ એક દસકો (૧૮૯૭થી ૧૯૦૫) આ નગરમાં રણજિતરામે અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે ‘ધ યંગ મેન્સ યુનિયન’ના સભ્ય થવાથી માંડીને ૧૯૦૫માં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક થવા લગીનો પુરુષાર્થ કર્યો તે ગુજરાતના પ્રજાજીવનના ઇતિહાસનું એક ભવ્યસુન્દર પ્રકરણ છે. નર્મદ પછી અને ગાંધીજી પૂર્વે જો કોઈ વ્યક્તિ ગુજરાતના પ્રજાજીવનના મહાપ્રશ્નો — સૌ પ્રશ્નો, આર્થિક, રાજકીય, સામાજિક પ્રશ્નો–ના પ્રાણ સમા સાહિત્ય અને શિક્ષણના પ્રશ્નો અંગે સૌથી વધુ સચિંત અને સક્રિય હોય તો તે રણજિતરામ. પાંત્રીસ વર્ષની અતિકાચી વયે અકસ્માતથી રણજિતરામનું મૃત્યુ થયું. એથી એમનું વ્યક્તિત્વ જેમાં નિ:શેષપણે પ્રગટ થયું હોત એવો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ તો વણલખ્યો જ રહ્યો. ‘રણજિતકૃતિસંગ્રહ’ અને ‘રણજિતરામના નિબંધો’ — રણજિતરામના આ બે ગ્રંથોનું મરણોત્તર પ્રકાશન થયું એમાં એમનાં નવલકથા, ટૂંકીવાર્તા, સંવાદ, નિબંધ, મૃત્યુનોંધ, અવલોકન આદિ સ્વરૂપોમાં સર્જન અને વિવેચનનાં પચાસેક જેટલાં લખાણો પ્રજાને સુલભ છે. પંદરેક વર્ષના લેખનકાળમાં રણજિતરામે વીસેક જેટલાં સામયિકોમાં સોએક જેટલાં લખાણો કર્યાં છે. આમ, હજુ એમનાં અરધોઅરધ લખાણો અગ્રંથસ્થ છે. તે સૌ સત્વરે ગ્રંથસ્થ થાય એવું ઇચ્છીએ. રણજિતરામની પુણ્ય સ્મૃતિ અને એમની એક સુંદર કૃતિના અનુસંધાન અને અનુલક્ષ્યમાં આપ સૌ વિદગ્ધોની સાથે આપણા યુગનો સમગ્ર મનુષ્યજીવનના સંદર્ભમાં સમસ્ત મનુષ્યજાતિનો જે મહાપ્રશ્ન છે તે વિશે અને એની સાથેના કવિતાના સંબંધ વિશે સ્વલ્પ સહચિંતન કરું તો મને શ્રદ્ધા છે કે રણજિતરામનો આત્મા પ્રસન્ન થશે. અને આ ચન્દ્રકમાં સુવર્ણ છે એને અલ્પાંશે પણ સાર્થક કરે એવા આ શ્રમ દ્વારા મને આશા છે કે મારું હૃદય કંઈક ઋણમુક્ત થશે. મારા વ્યાખ્યાનનો વિષય છે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’. યંત્રવિજ્ઞાનમાં કે મંત્રકવિતામાં મારું કોઈ અર્પણ નથી. હું નથી યંત્રવિજ્ઞાની કે નથી મંત્રકવિ. છતાં આ વિષય પર વ્યાખ્યાન કરવાનું સાહસ કરું છું. કારણ, આપ સૌની જેમ હું પણ એક એવા યુગમાં જીવી રહ્યો છું કે જેમાં યંત્રવિજ્ઞાન અકલ્પ્ય ગતિથી અસંખ્ય પરિવર્તનો દ્વારા સમગ્ર મનુષ્યજીવનને એવું તો વ્યાપી વળ્યું છે કે કોઈ પણ ક્ષણે સમસ્ત મનુષ્યજાતિ સમક્ષ જાણે કે જીવન-મૃત્યુ જેવા અંતિમ વિકલ્પો રજૂ કરશે એવો ભય અનુભવી રહ્યો છું. તો સાથે-સાથે મંત્રકવિતા આ અંતિમ વિકલ્પોમાં મનુષ્ય માત્રએ જે પસંદગી કરવાની રહેશે એમાં સહાયરૂપ થવાનો એનો ધર્મ બજાવશે એવી શ્રદ્ધા અનુભવી રહ્યો છું. એથી ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ પર વ્યાખ્યાન કરવાનું આ સાહસ કરું છું — બલકે એને હું મારું કર્તવ્ય સમજું છું. આજના પ્રસંગે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ વિશે વ્યાખ્યાન કરવું એવું વિચાર્યું હતું. એ અંગેનું લખાણ જેમ-જેમ લખાતું ગયું તેમ-તેમ વિસ્તરતું ગયું. અને અંતે તેનું નિબંધનું સ્વરૂપ થયું. એ સમગ્ર લખાણ સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રસિદ્ધ થશે. એના સાત ખંડોમાંથી ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્ય કૃતિઓ અંગેના બે ખંડો આજના પ્રસંગે અભિભાષણ રૂપે અહીં રજૂ કરું છું. આ અભિભાષણ પુસ્તિકા રૂપે આપના હાથમાં ધર્યું છે. હમણાં જ કહ્યું તેમ, પુસ્તકમાં સાત ખંડો છે. આપના હાથમાં જે પુસ્તિકા છે એમાં સમાવિષ્ટ એવા એના પ્રથમ ખંડમાં પુસ્તકના વિષયવસ્તુ ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ના પ્રાસ્તાવિક રૂપે રણજિતરામની સ્નિગ્ધસુન્દર ઊર્મિકાવ્યની સકલ કલા સમેતની એક વિરલ ટૂંકી વાર્તા ‘માસ્તર નંદનપ્રસાદ’માંના નંદનપ્રસાદના પાત્રનું મિતાક્ષરી વિશ્લેષણ અને વિવેચન છે. બીજા ખંડમાં યંત્રવિજ્ઞાનના જે તાત્ત્વિક પ્રશ્નો — યંત્રવિજ્ઞાનની વ્યાખ્યાથી માંડીને યંત્રવિજ્ઞાનનો ભૂતકાળ, વર્તમાન અને એનું ભવિષ્ય; એની પછવાડે મનુષ્યનો પુરુષાર્થ અને વિજ્ઞાનની પ્રેરણા અને વિજ્ઞાનનું Symbiosis તથા Ecologyનું નવું દર્શન એટલે કે વિશ્વમાં સહકાર, સહઅસ્તિત્વ અને સંવાદ છે, ઐક્ય અને અદ્વૈત છે એવું વસુધૈવ કુટુમ્બકમ્ અને એકનીડમ્‌નું જે નવું દર્શન છે તે સૌ પ્રશ્નો–નું મિતાક્ષરી આલેખન અને અવલોકન છે. ત્રીજા ખંડમાં યંત્રવિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ મહાન ક્રાંતિ, કૃષિક ક્રાંતિ પછીની એથીય વધુ મહાન એવી બીજી ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ અને એની આર્થિક, સામાજિક, રાજકીય, બૌદ્ધિક પૂર્વભૂમિકાઓ અને એના પરિણામરૂપ ઔદ્યોગિક યુગ, સમાજ, મનુષ્ય અને ઔદ્યોગિક અથવા આધુનિક સંસ્કૃતિનો મિતાક્ષરી ઇતિહાસ છે. એને ક્યાંક-ક્યાંક પ્રતીકો દ્વારા પણ પ્રગટ કર્યો છે, ઉદાહરણ રૂપે : ‘આધુનિક સંસ્કૃતિ ઇંગ્લૅન્ડનાં ઘેટાંઓની પીઠ પરથી ઊતરી આવી છે.’ અને ‘ભારતવર્ષની પરાધીનતાનો જન્મ ઇંગ્લૅન્ડની કોલસાની ખાણોમાં થયો છે.’ ચોથા ખંડમાં ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામરૂપ ભારતવર્ષની આર્થિક પરાધીનતા, એના પરિણામરૂપ ભારતવર્ષની રાજકીય પરાધીનતા અને એ બન્નેના પરિણામરૂપ ભારતવર્ષની સાંસ્કૃતિક પરાધીનતાનો એમ ત્રિવિધ પરાધીનતાનો, ભારતવર્ષની દારુણ દરિદ્રતાનો, મનુષ્યજાતિના એક મહાન કલંકરૂપ કરુણતાનો મિતાક્ષરી ઇતિહાસ છે. આપના હાથમાં જે પુસ્તિકા છે એમાં સમાવિષ્ટ એવા એના પાંચમા ખંડમાં યંત્રવિજ્ઞાન અને ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિક સંસ્કૃતિના સંદર્ભમાં તથા ભારતવર્ષની આ ત્રિવિધ પરાધીનતા, દારુણ દરિદ્રતા અને કલંકરૂપ કરુણતાના સંદર્ભમાં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓ-દલપતરામકૃત ‘હુંનરખાનની ચઢાઈ’, ગાંધીજીકૃત ‘હિન્દ સ્વરાજ’, રણજિતરામકૃત ‘માસ્તર નંદનપ્રસાદ’ (એના સામાજિક સંદર્ભમાં), બલવન્તરાયકૃત ‘ઇતિહાસ દિગ્દર્શન’ અને ઉમાશંકરકૃત ‘આત્માનાં ખંડેર’–નું મિતાક્ષરી વિશ્લેષણ અને વિવેચન છે. છઠ્ઠા ખંડમાં આજે યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિની પૂર્વસંધ્યાએ મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે અને એથી ભવિષ્યમાં, નિકટના જ ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ, મનુષ્ય અને સંસ્કૃતિનું સર્જન થશે ત્યારે સમસ્ત મનુષ્યજાતિ સમક્ષ જાણે કે જીવન-મૃત્યુ જેવા અંતિમ વિકલ્પો રજૂ થશે અને આ અંતિમ વિકલ્પોમાં મનુષ્ય માત્રએ જે પસંદગી કરવાની રહેશે એ અંગેનો અંગુલિનિર્દેશ છે. સાતમા અને અંતિમ ખંડમાં યંત્રવિજ્ઞાન સાથે મંત્રકવિતાનો શો સંબંધ છે? અને યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિ, યુગ, સમાજ, મનુષ્ય અને સંસ્કૃતિના સંદર્ભમાં મંત્રકવિતાનો શો ધર્મ છે? — આ ગહનગંભીર પ્રશ્નો પૂછવાનું નર્યું સાહસ છે. આપને ઇચ્છા હોય અને અવકાશ હોય અને આજે આ પ્રસંગે આપના હાથમાં પુસ્તિકા રૂપે ધર્યું છે તે અભિભાષણ અથવા હવે પછી પ્રસિદ્ધ થશે તે પૂર્વોક્ત પુસ્તક આપ વાંચશો તો હું કૃતાર્થતા અનુભવીશ. જે કૃતિ અથવા કૃતિઓને નિમિત્તે આજે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ તે સૌ કૃતિઓનું ‘છંદોલય બૃહત્’ એવા નામથી પુનર્મુદ્રણ પ્રસિદ્ધ થયું છે. એમાં ‘છંદોલય (૧૯૪૯),’ ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘છંદોલય’ (૧૯૫૭)’, ‘પ્રવાલદ્વીપ’, ‘૩૩ કાવ્યો’ અને અન્ય અલ્પસંખ્ય અગ્રંથસ્થ કૃતિઓનો સમાસ થયો છે. આ પ્રસંગે ‘છંદોલય’નો કૉપીરાઇટ લોકસ્ય તીર્થેષુ એટલે કે મુંબઈના પરિચય ટ્રસ્ટને સુપ્રત કર્યો છે એ જાહેર કરવાની તક લઉં છું. અંતમાં ફરીથી એક વાર આપ સૌનો, ગુજરાત સાહિત્ય સભાનો હૃદયથી આભાર માનું છું, અને જે સંસ્કારસેવકના નામથી આ પ્રસંગ અને આ ચન્દ્રક અંકિત છે એમનું સ્મરણ કરીને આપ સૌની સાથે એમને અને એમની દ્વારા કાવ્યપુરુષને મારી અંજલિ અર્પણ કરું છું.

(ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદના ઉપક્રમે રણજિતરામ સુવર્ણ ચન્દ્રક અર્પણ વિધિ પ્રસંગે વક્તવ્ય. ૧૯૭૪.)

*