સ્વાધ્યાયલોક—૮/સિત્તેરમે


સિત્તેરમે
મિત્રો,
 

મને લાગે છે સો વરસ જીવીશ. તમારા જેવા મિત્રો હોય તો સો વરસ જીવી શકાય. કૅલેન્ડરમાં વાર અને મહિનાનાં નામ ગ્રહો અને દેવો પરથી પાડવામાં આવ્યાં છે : રવિવાર, સોમવાર, મંગળવાર… જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ… કેટલાંક વરસથી તમે મારા કૅલેન્ડરમાં વારનાં નામ બદલી નાંખ્યાં છે. સોમવાર નહિ, પ્રફુલ્લવાર; મંગળવાર નહિ, અનામી વાર અથવા મારી બાને નામે અનામત વાર; બુધવાર નહિ, ધનપાલવાર; ગુરુવાર નહિ, અરવિંદવાર; શુક્રવાર નહિ, ચિંતનવાર; શનિવાર નહિ, સૌરભવાર; રવિવાર નહિ રૂપેશવાર. રવિવારે તો ઈશ્વર પણ આરામ કરે છે. હું રવિવારે સવારના અગિયારથી રાતના અગિયાર એમ બાર કલાક મિત્રો–રૂપેશ ઉપરાંત અરવિંદભાઈ, ગૌતમભાઈ અને દેવુભાઈ — ને મળવાનું કામ કરું છું. આમ, સાતે દિવસ કે રાત આ મિત્રોની સાથે એમને ઘરે નિયમિત હળવુંમળવું, ખાવુંપીવું અને વાતો કરવી. એમ મનાય છે કે ગ્રહો અને દેવો બળવાન છે. તેઓ મનુષ્યને સો વરસ જિવાડી શકે છે. પણ હું માનું છું કે ગ્રહો અને દેવો નહિ, પણ મિત્રો બળવાન છે. મને મિત્રોમાં શ્રદ્ધા છે. તમે મને સો વરસ જિવાડી શકશો. એથી મને લાગે છે કે આ કૅલેન્ડરનાં પાનાં ઊથલાવતો-ઊથલાવતો સો વરસ જીવીશ. વયમાં નાનો હતો ત્યારે મોટી વયના મિત્રો મળ્યા હતા — ચાર સર્જકો, ઉમાશંકર, જયંતિભાઈ, રાજેન્દ્રભાઈ અને પિનુભાઈ તથા ત્રણ બૌદ્ધિકો, એસ.આર. ભટ્ટ, એસ. વી. દેસાઈ અને બી. કે. મઝૂમદાર. આજે વયમાં મોટો છું ત્યારે તમે નાની વયના મિત્રો મળ્યા છો. મોટી વયના મિત્રોમાંથી આજે રાજેન્દ્રભાઈ વિદ્યમાન છે. અન્ય સૌ આજે નથી, ચાલ્યા ગયા છે. પણ તમે એમની ખાલી જગ્યા પૂરી છે. એથી મને લાગે છે કે સો વરસ જીવીશ. ૧૯૭૧માં છેલ્લું કાવ્ય કર્યું હતું, ઉમાશંકરે સાઠ વરસ પૂરાં કર્યાં ત્યારે. પચીસ વરસ પછી આજે તમે મારી પાસે કાવ્ય કરાવી શક્યા છો એથી મને લાગે છે કે તમે મને સો વરસ જિવાડી શકશો.

                           સિત્તેરમે
સિત્તેર વર્ષો વાતમાં ને વાતમાં વહી ગયાં,
જોતજોતાં વહી જશે થોડાંક જે રહી ગયાં.
પાછી એક નજર જ્યાં નાંખું,
જોઉં કંઈ દૂર ઝાંખું ઝાંખું —
મારે હતું શૈશવનું લીલું લીલું સ્વર્ગ,
એનો અચાનક થયો શો વિસર્ગ!
થાય મને કદીક એ પાછું મળે!
થાય મને આટલી જો આશા ફળે!
એકાન્ત ને એકલતા,
મનુષ્યમાત્રના ભાગ્યમાં એ અનિવાર્ય વિરહની વિકલતા,
એને જીવવાને, મરજીવવાને હતો ઝાઝો પ્રેમ, હતાં થોડાં કાવ્યો;
એમાં જોકે જાણું નહિ ફાવ્યો કે ન ફાવ્યો.
આઘી એક નજર જ્યાં નાંખું,
જોઉં છું હું આયખું આ આખું —
નાનો હતો ત્યારે મને મોટા મિત્રો મળ્યા હતા,
મોટો થયો ત્યારે એમાં નાના મિત્રો ભળ્યા હતા;
મારી વયના જે મિત્રો, એ તો એવા હળ્યા હતા,
વડલાની છાંય જેવા સદાયના ઢળ્યા હતા;
જતાં જતાં કહીશ : ન અન્ય સ્વપ્નો ભલે ફળ્યાં,
મારું મોટું સદ્ભાગ્ય મને આવા મિત્રો મળ્યા.

*

(મિત્ર ધનપાલ શાહે ૧૯૯૬ના મેની ૧૮મીએ અમદાવાદમાં ‘સેલડ ઇટરી’માં અહીં જેમનો નામોલ્લેખ છે તે મિત્રો તથા અન્ય કેટલાક મિત્રો સાથે મિલન તથા રાત્રિભોજન યોજ્યું હતું તે પ્રસંગે આભારવચન.)