હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે



કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે
એ જેમ ચાહે મને એમ માલામાલ કરે *

એ વાવાઝોડું ફૂંકે તોય કંઈ કહી ન શકું
હું પાંદડું ય હલાવું તો એ સવાલ કરે

વહન છું હું અને એ ક્યાંક ઢાળ ક્યાંક ઉતાર
કદી એ ખુશ કરે ક્યારેક ખુશખુશાલ કરે

શિખરથી જોઉં નદીના વળાંકમાં એને
શિખરની આડમાં મારો એ પણ ખયાલ કરે

બધે જ બધબધે એ ધોધમાર વરસે છે
જરાક જેટલી ભીનાશ જેની ન્યાલ કરે

છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા



* સૂચિત