હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો
ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો
એ ભવાં ચડેલાં શબદ શબદ મને એક બાજુએ નાખિયો
ન ઉભાર પણ ન ઉતાર પણ ન ભમરભમણથી ઉગાર પણ
મને રાખિયો જ સપાટ પર મને સમથળે જ સમાવિયો
હું ખીલી શકત ને ખૂલી શકત હું ય મઘમઘીને ઝૂલી શકત
ન કલમમાં પણ મને રોપિયો કે ન બીજમાં મને વાવિયો
નથી જાણે અંશ લિપિનો હું લખિયો નહીં જ કદી મને
નથી જાણે અંકની ગણતીમાં ગણિયો નહીં ન ગણાવિયો
એ ફગાવતે તો ફૂટી શકત હું તિરાડથી તો છૂટી શકત
ન તો ના કહી ન તો હા કહી ન જવા દીધો ન મનાવિયો
છંદવિધાન
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા