હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં



ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં

હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ
દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં

શું પરણ ખરેલું શું રણ વળી રહી સાથ સાથ વસંત શી
તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં

આ સમય સૂસવતો તને મને કરી દેશે હમણાં અલગ થલગ
દે પતંગિયાંનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં

તું લટક મટક છે લિપિમાં પણ તું પ્રકટ ગુપત છે અરથમાં પણ
મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં

છંદવિધાન
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા