હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/શ્વાસમાં શ્વાસ વણી જીવવા જેવી ઘડી છે



શ્વાસમાં શ્વાસ વણી જીવવા જેવી ઘડી છે
મરવા માટે તો પછી જિંદગી આખ્ખી પડી છે

ચાલને શોધીએ આ ઘાસની ગંજીમાં સોય
ન જડી તો ન જડી ને જડી છે તો જડી છે.

ખરતા તારા તું વીણે આગિયા હું વીણું છું
રાત જેણે ઘડી છે આપણા માટે ઘડી છે

આખ્ખી ને આખ્ખી નદી આપણે શીખી લઈશું
થોડી લહેરો તને ને થોડી મને આવડી છે

કદી પાંપણ તો એ ક્યારેક વળી કેશકલાપ
કેવું કેવું તેં જે દીધી એ પળેપળ અડી છે

છંદવિધાન
ગાલગાગા/લલગાગા લલગાગા લલગાગા ગાગા/લલગા