– અને ભૌમિતિકા/કવિકથન


કવિકથન

તો રાયજી રે હે, લ્યો આ મારો ચહેરો દઝાડું
આવો ઓરા સા’બ, કાનમાં વાત વજાડું.
કાનમાં વાત વજાડું એવી
જે નહિ કથવાનું (ક્યાં) કથવું એવી :
રાતી-કીડી કતાર એક
કાગળના કિલ્લાને જીતવા મૂંગી મૂંગી ચાલી છેક;
કીડીઓ તો ભઈ ચડી સૌ હેલે
લેખણને હડસેલે ઠેલે.
ઠેલં ઠેલા કરતી જાય
કાના, માત્રા મૂકતી જાય.
કાના, માત્રા ટપકું-વિરામ
કીડીબાઈનું ન્હોયે ઠામ.
તો રાયજી હે રે, આવો આણીમેર
તમુંને તીખી, તતી વાત...

કીડી કાળી કતાર હેઠી
લેખણથી કાગળ પર બેઠી,
કીડીઓ દડે : કાંઈ આભલું ચૂએ!
કાગળ તો ભાઈ રહ રહ રુએ.

આભલું કદી ન્હોય કાગળ કેદ
કીડી દોડાવ્યાનો અમથો સ્વેદ.
કીડીબાઈને તો પાંખો ઊગશે,
કાગળ ત્યજી આકાશે પૂગશે.
અમે રહ્યા લેખણના લટુ,
કાગળ પીતા કાંઈ સ્વાદે કટુ,
રાયજી રે હે, લ્યો આ મારો ચહેરો દઝાડું
આવો ભોળા સા’બ.
કાનમાં વાત વજાડું.

૧૧-૭-૧૯૭૦

'


બિલાડીના ટોપ ઊગી નીકળ્યા છે
હજાર હજાર છત્રીઓની જેમ.
ગોકળગાયો નીચે ઊભી ઊભી હાંફે;
ટોપ અદૃશ્ય થઈ જાય એકાએક ને
ઊગી નીકળે માટીમાંથી ઊંટના
અડધા અડધા તકિયાળ પગ.
ઉપર ઊની ઊની રેતી દળે વાદળના પડ.
ચંપાઈ જતી ચિત્કારે ગોકળગાયો
ત્યાં જ એરણ થઈ જાય ઊંટના પગ.
દાડમિયા દાંત વેરતું
હાથમાં કૂલનો હથોડો લઈ
ક્યાંકથી દબે પગે આવે એક કંકાલ
ટીપવા મંડી પડે હાડકાંનું હળ
દિશાઓના અરીસા દોડી આવે...
કંકાલ જુએ... અને
ફરી પેલી ગોકળગાયો
મેઘલ કાંધ ઉપર હળ લઈ...

૨૬-૭-૧૯૭૦