– અને ભૌમિતિકા/મેઘલ અંધકાર, તડકો અને આપણે


મેઘલ અંધકાર, તડકો અને આપણે

વ્હાલ સભર આકાશનો
તોળાઈ રહેલ મેઘલ અંધકાર ઝરમરશે હમણાં.
વાતની વીથિકાઓ વટાવતાં વટાવતાં
છત્રી હેઠળ સાંતીને આખુંયે આકાશ
ચાલ્યાં જતાં આપણે ગોકળગાયની જેમ.
નજરને સમાંતર વિસ્તરેલી આ વૃક્ષની હારમાં
ખોડાઈ ગયેલ મૌન
કૂૂજ્યા કરે છે તારા મંજુલ અવાજમાં;
કબૂતરની પાંખ પરથી સરી પડતાં
પાણીનાં બિંદુની જેમ
ભીની હવામાં સરકે છે તારો શબ્દ,
ડુલાવી દીધું છે તારા હાથમાં વ્હેંતિયું આકાશ,
વાદળભીનાં કિરણો જેમ વ્હાલતી આંગળીઓ.
જે... ત્યાં પેલા થડની ઓથે
અસંખ્ય રંગો આંજેલી પિચ્છલ આંખો વડે તાકીને
પોતાના એકાંતનો પહેરો ભરતો કળાયેલ મોર
બીડી લઈ અનેક કીકીઓને એકાએક
ને આપણા એકાંતને ટહુકાવી દડબડતો
ઘટામાં ખોવાઈ જાય... ક્યાં...ય.
ને અચાનક તારા હોઠોની તિર્યક રેખામાંથી
સરી પડે કાનામાત્રા વિનાનો કલબલ અવાજ :
ત્યાં મારા મૌનનાં મત્સ્ય આ... મ... તે... મ
ઊલટ-સૂલટ ચોડી દઉં
ને ઘનાયેલ હું
વરસી પડું આ કળાયેલ આકાશની જેમ,
ઢળાઈ જાઉં પ્રવાહી બનીને તારા વળાંકોમાં,
પાંપણના ઉઘાડની જેમ ઊઘડી જાય સૂર્ય,
પારો થઈ અહીં તહીં ઢળાઈ જાય તડકો
ત્યાં–
સૂરજ આંખે મેઘધનુ થઈ
ચીતરાઈ જતાં
ઝલમલ ઝલમલ આપણે.

૪-૯-૧૯૭૦