‘પ્રત્યક્ષ'સૂચિ/પશ્ચાદ્ દર્શન

પશ્ચાદ્ દર્શન
‘પ્રત્યક્ષ' : ૧૯૯૧–૨૦૧૭
‘પ્રત્યક્ષ'નાં ૨૬ વર્ષોની ગતિવિધિનાં કેટલાંક સોપાનો : સંપાદકીય નોંધો અને અન્ય પ્રતિભાવોમાંથી કેટલાક અંશોનો સંચય તથા વિગત-નિર્દેશો.

રમણ સોની, સંપાદક : પ્રત્યક્ષ

 • ૦ ૧૯૯૧ : પહેલો અંક(જાન્યુ-માર્ચ) : ‘પ્રત્યક્ષીય'માંથી —
 • ગુજરાતીમાં દર વર્ષે અનેક પુસ્તકો પ્રકાશિત થાય છે, એમાં સાહિત્યનાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી છે. પણ, એની નોંધ લેતું ને એનાં અવલોકનો આપતું, કેવળ સમીક્ષાનું કોઈ સામયિક અત્યારે [‘ગ્રંથ' બંધ પડયા પછી] ગુજરાતીમાં નથી. ગુજરાતીનાં કેટલાંક ઉત્તમ સામયિકોમાં પણ ગ્રંથસમીક્ષાને બહુ ઓછી જગા મળે છે. તારવી-પસંદ કરીને, યોગ્ય સમીક્ષકને નિમંત્રીને, વ્યવસ્થિત સંપાદિત કરીને સમીક્ષા પ્રકાશિત થતી નથી, એ કારણે ઘણીવાર ઉત્તમ અને આશાસ્પદ પુસ્તકો ઉપેક્ષા પામે છે [...] આ પરિસ્થિતિમાં, સમીક્ષાપ્રવૃત્તિ જરૂરી બલકે અનિવાર્ય બની રહે છે. પણ એનું ફલક બને એટલું મોટું રહે એ આવશ્યક છે. સમીક્ષા એક છેડે એ પુસ્તકનાં ઘટકોનો ને એના સ્વરૂપ-સંયોજનનો પરિચય કરાવી આપનાર ને એમ વાચકને એમાં પ્રવેશ કરાવી આપનાર બને તથા બીજે છેડે સાહિત્યકૃતિ તરીકે પુસ્તકની કઠોર તપાસ કરનાર બને – તો બંને વાનાં સિદ્ધ થાય, પુસ્તક પરિચયનું અને પુસ્તક પરીક્ષણનું. [...] આ સર્વ સંદર્ભે અમારું આ સાહસ એક અર્થમાં તો સહિયારું સાહસ છે. વાચક/ગ્રાહક-પ્રકાશક-લેખક-સંપાદકનો આવો સંવાદ રચાશે તો અમારી મથામણો ફળશે ને મહત્ત્વાકાંક્ષી યોજનાઓની દિશામાં વધુ આગળ જવાનું બળ મળશે. – રમણ સોની, નીતિન મહેતા, જયદેવ શુક્લ.
  • ૦ પહેલા અંકના વિભાગો : પ્રત્યક્ષીય, વિવિધ સ્વરૂપોનાં પુસ્તકોની સમીક્ષાઓ; જૂની શિષ્ટ કૃતિનું પુનમૂર્લ્યાંકન (બે સમીક્ષકો દ્વારા), સામયિક-વિશેષ, મુલાકાત, પુસ્તકસ્વીકાર મિતાક્ષરી, ‘આ અંકના લેખકો' (પરિચય), પાછલે પૂંઠે વિદ્વદ્-અવતરણ [આ વિભાગ-યોજના થોડાંક ઉમેરણો સાથે છેક સુધી ચાલુ રાખી શકાઈ.]
  • ૦ પહેલા જ અંકમાં(-થી) જેમણે લેખન-સહયોગ કરેલો એ સમીક્ષકો : (લેખોના અનુક્રમે) ચંદ્રકાન્ત ટોપીવાળા, હિમાંશી શેલત, પુરુરાજ જોશી, જયંત ગાડીત, ભરત મહેતા, લવકુમાર દેસાઈ, સતીશ વ્યાસ, રાધેશ્યામ શર્મા, શરીફા વીજળીવાળા, રમેશ ઓઝા, સુભાષ દવે, શિરીષ પંચાલ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રમોદકુમાર પટેલ, જશવંત શેખડીવાળા, નરોત્તમ પલાણ, ઉશનસ્, હરિકૃષ્ણ પાઠક, ગણેશ દેવી, સનત ભટ્ટ, અને (મુલાકાત) મંજુ ઝવેરી.

સંપાદકો : રમણ સોની, નીતિન મહેતા, જયદેવ શુક્લ

 • ૧૯૯૩ : એપ્રિલ-જૂનના ‘પ્રત્યક્ષીય'માંથી :
 • પહેલા અંક વિશે ઘણા પ્રતિભાવો મળ્યા છે. અંગત પત્રો દ્વારા અને જાહેરમાં લખીને ઘણા મિત્રો-મુરબ્બીઓએ રસ અને નિસબત દાખવ્યાં છે. (મુંબઈ-સુરતનાં વર્તમાનપત્રોએ સવિશેષ). સૂઝસમજથી ઝીણીઝીણી લાક્ષણિકતાઓ પકડીને કેટલાકે અભિનંદન આપ્યાં તો વળી પૂરા પ્રેમથી ક્ષતિઓ પણ ચીંધી આપી, ઉપકારક સૂચનો પણ કયા€. એ બધાંમાંથી અનુકૂળ ઉદ્ધરણો ટાંકીને પ્રમાણપત્રો લટકાવી દેવા જેવું કરવું નથી – એવી કોઈ તાલાવેલીને વશ ન થવાની અમારી જિદ્દ છે – સૌ પ્રત્યે ઊંડા આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ, એમણે અમને બળ પૂરું પાડયું છે. [...]
 • [...] વ્યાપક રીતે જોતાં, સમકાલીન કૃતિઓ વિશે લખવાનું ટાળવાની વૃત્તિ વધતી જાય છે – સ્પષ્ટ લખીને કડવા થવાને બદલે ન જ લખીને અજાતશત્રુ રહેવું – એમ વિચારીને; અને ‘સારંુ છે' કહેવામાં તો પોતાની ઉન્નત રુચિનો મોભો જોખમાશે – એમ વિચારીને! લખવાનું આવી જ પડે ત્યારે બહુધા ગોળગોળ લખાય છે [...] નિષ્પક્ષ અને નિર્ભિક કૃતિસમીક્ષા આજે કેમ જાણે વિરલ બનતી જાય છે [...]

દૃષ્ટિમંત જાણીતા સમીક્ષકો ઉપરાંત શિક્ત અને સૂઝનો તણખો બતાવનાર નવા સમીક્ષકોની ખોજ પણ કરવી ઘટે. ‘પ્રત્યક્ષ'ને એ દિશામાં પ્રયોજવાની અમારી મથામણ છે.
[આ અંકથી સંપાદક : રમણ સોની]

 • ૧૯૯૪ જાન્યુ.-માર્ચ. પત્રચર્ચા વિશે ‘પ્રત્યક્ષીય'માંથી –

‘પ્રત્યક્ષ' એના આ ત્રીજા વર્ષથી પત્રચર્ચા-વાદ-વિવાદને લગતો વિભાગ ‘ચર્ચા' શીર્ષક હેઠળ શરૂ કરે છે. ‘પ્રત્યક્ષ' વિશેની, સામ્પદ્નત સાહિત્યિક ઘટનાઓ તથા અન્ય વિચારપ્રવૃત્તિઓ વિશેની ચર્ચાઓ આવકાર્ય. ગંભીર વિમર્શની સાથે તીવ્ર-સ્પષ્ટ-ધારદાર અભિપ્રાયો પણ આવકાર્ય. અલબત્ત, મંતવ્યો સુચિંતિત અને લાઘવભયા€ હોય અને અપરુચિને ન સ્પર્શતાં હોય એ આવશ્યક છે.

 • ૧૯૯૫ : જુલાઇ-સપ્ટેમ્બર અંકની સાથે (અલગ) ‘૧૯૯૪ના વર્ષની ગ્રંથસૂચિ' (સંકલન : કિશોર વ્યાસ) મૂકેલી. એ વિશે ‘સમકાલીન' (૭ જુલાઈ ૧૯૯૫)માં યશવંત દોશીએ લખેલું – ‘આજ સુધીની સૌથી વધુ શાસ્ત્રીય ઢબની આ સૂચિને અંતરનો આવકાર. એ કામગીરી કાયમી બની રહે, તેમાં લગભગ તમામ પુસ્તકોની માહિતી પ્રગટ થાય અને પ્રત્યેક પુસ્તકનો ટૈંકો પરિચય પણ અપાય તો ગુજરાતી ગ્રંથસૃષ્ટિની એક લાંબા સમયથી અનુભવાતી ખામી દૂર થાય. સંપાદકે એ ભાવના વ્યક્ત કરેલી જ છે.
  • ૦ ૧૯૯૫ ઑક્ટો.-ડિસે. અંક ૪ :

સામયિક-સંપાદક-વિશેષાંક (સાહિત્ય-સામયિકોના પચાસ સંપાદકોની કેફિયત. આ અંક ૧૯૯૬માં પુસ્તકરૂપે પ્રગટ કર્યો અને પછી પાશ્વર્ પ્રકાશનમાંથી ૨૦૦૫માં ‘નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં' નામે ડેમી કદમાં એનું નવેસર શોધિત-વર્ધિત પ્રકાશન થયું.

 • ૦ એે વિશેષાંકના સંપાદકીય ‘પ્રવેશક'માંથી –
 • સાહિત્ય-સામયિકોની આપણે ત્યાં આરંભથી જ (૧૯મી સદીથી) એક ઉજ્જ્વળ પરંપરા છે. [સાહિત્ય-સંસ્કૃતિના] સામ્પદ્નતનો એક જીવંત તાર રણકતો રાખવામાં, વિવેચન-સંશોધન-ચિંતનનાં અહીં પ્રગટેલાં તેમજ બહારથી આવેલાં વિચારવલણોનો પરિચય કરાવવામાં ને એને ઊહાપોહને સ્તરે સક્રિય કરવામાં, નવાં આંદોલન પ્રગટાવવામાં – આપણાં ઉત્તમ સામયિકોના સંપાદકોએ પોતાનાં સૂઝસમજનો ને સજ્જતાનો હિસાબ આપ્યો છે [...] એટલે લાગ્યું કે આપણી આજની સામયિક પ્રવૃત્તિ પણ ઓછી રોમાંચક નથી. તો એનું પણ એક ઝીણવટભર્યું બૃહત્ ચિત્ર ઊપસી શકે. અને એ ચિત્ર જો સંપાદકો/તંત્રીઓના જ પ્રતિભાવો રૂપે, કેફિયત રૂપે ઊપસતું જાય તો એ વિશેષ રસપ્રદ, જીવંત અને અધિકૃત બની શકે [...] સંપાદકો તો નેપથ્યે કામ કરનારા, એમનું કામ મોટેભાગે પરોક્ષ. સર્જકોની આંતરકથા તો સાંભળવા મળ્યા કરે છે/મળી છે. તો હવે આ સંપાદકોની અંતર-કથની. તો હવે પ્રવેશીએ ને એમને જ મળીએ.
 • ૧૯૯૬ : ઑક્ટો.-ડિસે. ‘પ્રત્યક્ષીય'માંથી –

આ વીસમા અંક સાથે ‘પ્રત્યક્ષ' પાંચ વર્ષ પૂરાં કરે છે. પાંચ વર્ષ આ અવિરત ખેપ ચાલતી રહી એના આનંદની સાથે રાહતની લાગણી પણ થાય છે – પરસેવા ઉપર પવનની લહેરખી ફરી વળે એવી. ૧૯૯૧માં આરંભ કર્યો ત્યારે, આ પ્રકારનું સામયિક પાંચ વર્ષ સુધી પણ ચાલે, ચાલશે એ તો એક સ્વપ્નિલ આકાંક્ષા હતી. કવિ કાલિદાસ યાદ આવી ગયેલા : ‘તિતીષુર્: દુસ્તરં મોહાદ્ ઉડુપેના∂સ્મિ સાગરમ્.' (પાર ન કરી શકાય એવા સમુદ્રમાં નાનકડા હોડકા [ઉડુપ] વડે મોહથી તરવા ઇચ્છું છું). પણ કવિની આવી ચેતવણી છતાં, એ મોહભરી તિતીર્ષા (તરવાની ઇચ્છા) કામ આવી ગઈ – નથી ડૂબવું, એવી જિદ્દ. અલબત્ત, ક્યારેક ડૂબકાં માયા€ છે પણ વળી પાછું સ્થિર થતા જવાયું છે. જો કે સ્થિર રહેવું છે પણ સ્થગિત નથી થવું. સાહસ-રોમાંચની મજા છે – એના ભાગરૂપે જ આર્થિક સંકડાશ, સામગ્રીની ખેંચ, વિલંબો, લેખક-સમીક્ષક વય્ચે ક્યારેક ઝરેલા તણખા, ક્રોધ-કળશનો સંપાદકને માથે પણ થતો અભિષેક – એ બધું આવતું ગયું ને લેખક-સમીક્ષક-વાચક-ગ્રાહક-શુભેચ્છકોનાં સૌજન્ય-ઔદાર્ય-સહયોગના અનુભવો સાથે એકરૂપ થતું રહ્યું છે.

 • આ જ અંકમાં : ‘પ્રત્યક્ષ'નાં પાંચ વર્ષની સૂચિ : કિશોર વ્યાસ.
 • ૧૯૯૭ : એપ્રિલ-જૂન : (૧) ‘પ્રત્યક્ષ'નાં પાંચ વર્ષ વિશે : ચંદ્રકાન્ત ટોપીવાળા

  (૨) સામયિક-લેખ-સૂચિ : ૧૯૯૬ (વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા વિવેચનકેદ્રી લેખોના વિષયો/શીર્ષકોની, સ્વરૂપવાર અને અકારાદિક્રમે સૂચિ) *સંપાદક : કિશોર વ્યાસ. આ લેખ-સૂચિ-વિભાગ એ પછી નિયમિતપણે ૨૦૧૬ સુધી ચાલતો રહ્યો.
   જુલાઈ-સપ્ટે.ના અંકમાં એ લેખ-સૂચિ વિશેના પ્રતિભાવો : જયંત કોઠારી, ભાર્ગવ જાની, મધુ કોઠારી, વિજય શાસ્ત્રી
૧૯૯૮ : એપ્રિલ-જૂન : (૧) ગતાંક (જાન્યુ.-માર્ચ)ના લેખો વગેરેની સમીક્ષા ‘પ્રત્યક્ષ'માં પહેલીવાર. આવું મૂલ્યાંકન-પરીક્ષણ પછી વિવિધ લેખકો-પ્રતિભાવકો દ્વારા અવારનવાર થતું રહ્યું.
   (૨) આ અંકથી પુસ્તકોની ‘સ્વીકાર-મિતાક્ષરી' પ્રકાશક મુજબ નહીં પણ પુસ્તકોના સ્વરૂપ-વિભાગ મુજબ અને એ અંતર્ગત અકારાદિક્રમે મૂકવાનું શરૂ કર્યું. (સૂચન શ્રી મહેદ્રભાઈ મેઘાણીનું હતું.)
૧૯૯૮ : જુલાઈ-સપ્ટેમ્બર : ગ્રંથસમીક્ષા વિશેષાંક (સ.પ.યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં ફેબ્રુ. ૧૯૯૮માં યોજાયેલી કાર્યશિબિરનાં વક્તવ્યો અને ચર્ચાઓનો અંક.)

 • ૨૦૦૫ : જાન્યુ.-માર્ચ ‘વરેણ્ય' વિભાગ [સમીક્ષક ચદ્રકાન્ત ટોપીવાળા] ચાલુ

     થયો. એ ૨૦૧૭ સુધી ચાલતો રહ્યો. પહેલો લેખ : ‘કાલાખ્યાન', ચિનુ મોદી.

 • ૨૦૦૭ : જાન્યુ.-માર્ચ થી નવો વિભાગ સંસ્થાવિશેષ [સમીક્ષક ડંકેશ ઓઝા].

    એ ૨૦૧૧ સુધી ચાલતો રહ્યો. પહેલો લેખ : સાહિત્ય અકાદેમી વિશે.

 • ૨૦૦૭ : ઑક્ટો.-ડિસે. સૂચિ વિશેષાંક : સૂચિગ્રંથોની સમીક્ષા, સૂચિસંદર્ભ વિશેના લેખો, પ્રત્યક્ષનાં ૧૫ વર્ષ (૧૯૯૧-૨૦૦૬)ની સૂચિ (કૃતિ પટેલ અને સપના મોદી) એ વિશે લેખ કિશોર વ્યાસ (‘સીધા સંપર્કમાં મૂકી આપનાર હાથપોથી')
 • ૨૦૦૮ : જાન્યુ.-માર્ચથી નવો વિભાગ રૂપાન્તર-શ્રેણી : સાહિત્યકૃતિ પરથી ફિલ્મ. સમીક્ષિત, આસ્વાદક, અને તુલનાદર્શી દીર્ઘ લેખો [લે. અમૃત ગંગર.] આ શ્રેણી ૨૦૧૪ અંક : ૨ સુધી ચાલી.
 • ૨૦૧૧ : જાન્યુ-માર્ચથી પહેલીવાર સાદા કાગળને બદલે આર્ટ કાર્ડ પર ચતુરંગી ઉપરણું (કવર) શરૂ કર્યું. એ ૧૦ અંક સુધી ચાલ્યું. ફરી પાછું સાદા કાગળ પર.

એપ્રિલ-જૂન અંકમાં એ વિશેના પ્રતિભાવો : (૧) ‘પ્રત્યક્ષ'ના મુખપૃષ્ઠને નવા રૂપમાં જોઈ આનંદ થયો. મને કેવું લાગ્યું, કહું? કોઈએ કદમ્બના વૃક્ષને ઢાકાઈ મલમલ ઓઢાડી દીધી હોય' – અરુણા જાડેજા; (૨) ‘મુખપૃષ્ઠને રંગીન બનાવી તમે પ્રત્યક્ષની એક નવી ઓળખ ઊભી કરી – ચિત્રકળા અને છબીકળાનું સાયુજ્ય સાંપડતાં એને નવો આયામ મળ્યો' – રમણીક સોમેશ્વર; (૩) ‘જોતજોતામાં પ્રત્યક્ષ ૨૦મા વર્ષમાં પ્રવેશ્યું. વીસીમાં પ્રવેશવાના માનમાં જ હશે કદાચ, એ મુખપૃષ્ઠ સુશોભનમાં નયનરમ્ય ફેરફારો જોઈને એટલો જ આનંદ થયો.' – કાન્તિ પટેલ; (૪) સામયિકનું મેટર આટલું સરસ સરસ હોય પછી કવરપેજની સજાવટમાં દોડ કરવાની જરૂર મને તો લાગતી નથી' – ઈશ્વરભાઈ પટેલ. (૫) (૬) હેમંત દવે અને શરીફા વીજળીવાળાએ ફોનમાં ‘પ્રત્યક્ષ'ની જૂની સજાવટ જ વધુ સારી હતી એમ કહેલું.

 • ૨૦૧૩ : જાન્યુ.-માર્ચ; એપ્રિલ-જૂન : વિશેષાંગ – ‘અનુવાદવિમર્શ પરિચર્ચા (કેટલાક લેખો આ બે અંકોમાં. બાકીના લેખો-સમેતનું પુસ્તક ‘અનુવાદવિચાર અને અનુવાદપ્રક્રિયા', પ્રકાશિત : ૨૦૧૮, પ્રત્યક્ષ પ્રકાશન)
 • ૨૦૧૪ : જુલાઈ-ડિસેમ્બર (સંયુક્ત) : વિશેષાંગ – ‘શાળા પાઠયપુસ્તક વિમર્શ અને અવલોકનો (પછી બે બીજા લેખો ૨૦૧૫ જાન્યુ.-માર્ચમાં)
 • ૨૦૧૫ : ઑક્ટો.-ડિસે.થી નવો વિભાગ ‘ગ્રંથગોષ્ઠિ' [ લે. જયંત મેઘાણી]
 • ૨૦૧૬ : ઑક્ટો.-ડિસે. સળંગ અંક : ૧૦૦

પ્રત્યક્ષીય : ‘સામયિકનું આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ.' એકાદ વર્ષથી કેટલાક મિત્રો પૂછતા હતા કે વાહ, હવે તો ૧૦૦મો અંક આવશે. શું વિશેષ કરવાના? હું કહેતો હતો, કંઈ નહીં, દર વખતે થાય છે એવો અંક. મને ૧૦૦-૨૦૦ એવા સ્તંભારોપણ આંકડામાં વિશેષ રસ નથી [...] અને ૧૦૦ની મગરૂરી શી, જ્યારે આપણે ત્યાં ૪૦૦-૫૦૦ અંકો કરનાર સામયિકો પણ છે (અને હતાં). ને વળી ‘બુદ્ધિપ્રકાશ' માસિક તો, એક સો ને બાસઠ વર્ષોથી ચાલે છે. જેને રસ હોય એ ગુણાકાર કરી શકે. [...] સામયિક શું કરે છે ને એણે શું કર્યુંએ જ મહત્ત્વનું ગણાતું હોય છે. અલ્પજીવી ઉત્તમ જ હોય ને ચિરંજીવી અનુત્તમ જ હોય એવું ય નથી. કોની ક્યારે કેવી શાખ બંધાય કે બદલાય છે એ જ જોવાનું હોય છે.

 • ૨૦૧૭ : જૂન – ‘અવલોકન-વિશ્વ' વિશેષાંક ગ્રંથ.

     એના ૪થા પૂંઠા પરથી –
આ ગ્રંથમાં અસમિયા, ઉડિયા, ઉદૂર્, કન્નડ, કાશ્મીરી, ગુજરાતી, તમિલ, પંજાબી, બંગાળી, ભારતીય અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી, હિંદી, એ ભારતીય ભાષાઓનાં તેમજ અંગ્રેજી દ્વારા અમેરિકન, આઇરીશ, આફ્રિકન, ઇટાલિયન, કૅનેડિયન, તિબેટન, જાપાની, પેલેસ્ટિનિયન, પૉલિશ, ફ્રેન્ચ, બ્રિટિશ ઇંગ્લીશ, સ્પેનીશ, એ વિદેશી ભાષાઓનાં – કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, આત્મકથા, સાહિત્યશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર,સંસ્કૃતિ, એ સ્વરૂપો-વિષયોને સમાવતાં છેલ્લા દાયકાનાં ૮૫ ઉપરાંત પુસ્તકો વિશે ગુજરાતી તથા અન્યભાષી અભ્યાસીઓએ લખેલા પરિચય-આસ્વાદ-મૂલ્યાંકનદર્શી સમીક્ષાલેખો સ્થાન પામ્યા છે. એથી અહીં રસપ્રદ અને વિચારોત્તેજક ગ્રંથ-વિશ્વનું એક ભાતીગળ ચિત્ર ઊપસ્યું છે.

 • ૨૦૧૭ નવેમ્બર – છેલ્લો અંક

પ્રત્યક્ષીય : ‘પ્રત્યક્ષ'ને સમેટવાનો વિચાર તો ત્રણેક વર્ષથી ચાલ્યા કરતો હતો. સો અંકોનો આંકડો પૂરો કરવામાં ય મને રસ ન હતો. લાભશંકર ઠાકરે પહેલા જ વર્ષ(૧૯૯૧)ના અંકોથી પ્રસન્ન થઈને કહેલું કે ‘પ્રત્યક્ષ' પાંચ વર્ષ પણ ચાલશે ને, તોય વસૂલ છે, એ પણ મોટું કામ થશે. પણ મને તો પાંચ વર્ષ ચાલવાની આશા પણ ન હતી. પરંતુ એ વખતે જ બે નિર્ણયો લીધેલા : વિકટ આર્થિક સંજોગોમાંય શક્ય એટલી કરકસરથી, પણ પૂરો જીવ રેડીને ઉત્તમ રીતે ચલાવવું; ને ગમે ત્યારે બંધ કરવાની તૈયારી રાખવી.
બસ, તો હવે પૂરી તૈયારી સાથે બંધ કરું છું. [...]
સામયિકનો અંત પણ એક રીતે તો ઉત્સવનો પ્રસંગ ગણાય. એ પ્રસંગે, જરા ભારે હૈયે, છતાં ભાવપૂર્વક સૌના અભિવાદન સાથે વિદાય માગું છું – કો'ક ત્રિભેટે તો આપણે મળવાના જ છીએ, એવા આનંદ સાથે.