‘પ્રત્યક્ષ'સૂચિ/સંપાદકનું નિવેદન

બે વર્ષ પહેલાં ૨૦૧૬ની શરૂઆતમાં, ‘પ્રત્યક્ષ'ના તંત્રી રમણભાઈ સોની સાથે ફોન પર વાત થતાં મેં કહ્યું કે ‘પ્રત્યક્ષ'ને પચ્ચીસ વર્ષ પૂર્ણ થાય છે તો તેની સૂચિ બનાવવી જોઈએ એમ મને લાગે છે.' તેમણે કહ્યું, હા, કરવી જોઈએ. પછી કહે, ‘તો આ કામ તમે જ કરો ને? તમે કરી શકશો.' આ સામયિકે સાહિત્ય પ્રત્યે મારાં રસ અને રુચિ ખીલવવામાં લાંબા સમયથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એના અંકોમાંથી વારંવાર પસાર થવાનું થતું. એટલે સૂચિનું કામ કરવાનું આવ્યું તેથી સ્વાભાવિક હર્ષ થયો. આ પહેલાં જોકે સૂચિકાર્યનો મને બિલકુલ અનુભવ ન હતો. રમણભાઈએ મને, જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ, જ્યાં જરૂર પડે ત્યાં જયંતભાઈ મેઘાણીની સલાહ લેવાની કહ્યું. ઉમરાળાથી ભાવનગર જવું મને સરળ ને અનુકૂળ પડે. આ ઉપરાંત મારી સામે ‘પ્રત્યક્ષ'નાં પહેલાં પંદર વર્ષની, સપના મોદી અને કૃતિ પટેલ દ્વારા થયેલી ને ‘પ્રત્યક્ષ'ના અંકમાં જ પ્રસિદ્ધ થયેલી સૂચિ હતી.

સૌ પ્રથમ ‘પ્રત્યક્ષ'ના દરેક વર્ષના ચોથા અંકમાં આપેલી વાર્ષિક સૂચિને સામે રાખીને એ વર્ષના ચારેય અંકની દરેક કૃતિને વાર્ષિક સૂચિની સાથે મેળવી-તપાસી જોઈ. પછી એ દરેક વિગત કાર્ડમાં નોંધી લીધી. કાર્ડમાં લેખશીર્ષક નહીં પણ મૂળ કૃતિનું નામ લખવાનું રાખ્યું; એ પછી કૌંસમાં સર્જકનું નામ; પછી સમીક્ષકનું નામ; ‘પ્રત્યક્ષ'નું પ્રકાશનવર્ષ અને છેÍલે કૌંસમાં તે-તે વર્ષનો અંક-ક્રમાંક. ત્યાર બાદ કાર્ડની સ્વરૂપવાર, વિભાગવાર વહેંચણી કરી ને એની અકારાદિક્રમે ગોઠવણ કરી. પછી, પ્રથમ તો આ બધાંની હસ્તલેખિત પ્રત બનાવી અને પછી કમ્પ્યુટરમાં ટાઇપ કરી મુદ્રિત પ્રત શ્રી રમણભાઈને મોકલી. તેમણે જરૂરી સુધારા કરીને સૂચિને કંપોઝ માટે મોકલી. કંપોઝ થઈ આવેલી પ્રત મને મારી નકલ સાથે મેળવવા મોકલી. હું બધા જ વિભાગોની એકે એક એન્ટ્રીને મૂળ નકલ સામે રાખી જોઈ ગયો. ક્યાંક મુદ્રણદોષો સુધાર્યા, ક્યાંક મારી મૂળ નકલમાં જ રહી ગયેલી ક્ષતિઓ દેખાઈ એ સુધારી. આ સૂચિની એકેએક એન્ટ્રી એકાધિકવાર તપાસીને સૂચિ ભૂલરહિત બને તેની કાળજી રાખી છે. છતાં ક્યાંક ચૂક રહી જવા પામી હોય તો એ મારી જવાબદારી – અભ્યાસીઓ એ તરફ ધ્યાન દોરશે તો આભારી થઈશ. અન્તે આ સૂચિકાર્યના આનંદની વાત કરું. સૂચિ અને કોશનું કાર્ય ખૂબ જહેમત અને ખંત માંગનારું છે. એ શાસ્ત્રીય કામ કરતાં કરતાં મળેલી તાલીમ મારે માટે આનંદદાયક નીવડી છે. કાર્ડ બનાવવાની કામગીરી હોય કે અવળ-સવળ તપાસ (ક્રોસ-ચેકિંગ) કરવાની હોય; કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મન સતત એમાં જ રમમાણ રહે. આ બે વર્ષ સતત ‘પ્રત્યક્ષ'ના બધા જ અંકોનું ખૂબ નિકટનું સાિન્નધ્ય સાંપડયું છે. અંકમાં વિગત-તપાસ કરતી વખતે જુદા જુદા દૃષ્ટિકોણે થયેલી સમીક્ષાઓ, ઉત્તેજક પત્રચર્ચાઓ અને પ્રેરક ‘પ્રત્યક્ષીય' લેખો પર દૃષ્ટિ પડે ને (અગાઉ વાંચેલું હોવા છતાં, અને તેથી જ) મારો રસિક જીવ એ વાંચવા રોકાઈ જાય. ત્યારે સર્જકોના ખંત અને તંતથી પ્રભાવિત થવાય. વળી પાછું મન સૂચિકાર્યની કેડીએ આગળ વધે એટલે મારે માટે તો આ સૂચિકરણ રોમહર્ષક જ બની રહ્યું. આ પ્રકારના પુસ્તકથી મારી પુસ્તકજગતમાં પ્રકાશન-યાત્રાનો આરંભ થાય છે એ મારે માટે અકલ્પનીય આનંદનો અવસર છે. આવું નિમિત્ત સંપડાવનાર મુ. રમણભાઈનો અને મુ. જયંતભાઈનો (અમારી વય્ચે આભારવિધિની ઔપચારિકતા ઑગળી ગઈ હોવા છતાં) આભારી છું. સાથે મારા ગુરુવર્ય મહેદ્રસિંહ પરમારને આ ક્ષણે અહોભાવથી યાદ કરું છું. — પ્રવીણ કુકડિયા

ઉમરાળા (જિ. ભાવનગર); ૨, ફેબ્રુઆરી ૨૦૧૮

ઈમેઇલ : pravinbhaikukadiya@gmail.com

ફોન  : ૮૭૩૪૦ ૯૭૭૯૭