સ્વાધ્યાયલોક—૮/પ્રિય મિત્ર પ્રિયકાન્ત મણિયાર

From Ekatra Wiki
Revision as of 20:18, 24 April 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રિય મિત્ર પ્રિયકાન્ત મણિયાર


હું એમનો મિત્ર હતો. આ વાક્ય કંઈક અચકાતી કલમે લખું છું. કોઈનાયે મિત્ર થવું એ સોહ્યલું નથી. એમાંયે પ્રિયકાન્તના મિત્ર થવું એ તો દોહ્યલું હતું. પ્રિયકાન્તને તો આ ક્યારનુંય સમજાયું હતું. હમણાં જ — ત્રણેક વરસ પર — એક રાતે નવથી બે લગી, પૂરા પાંચેક કલાક લગી, સતત એમણે મને આ સમજાવવાનો એક પ્રબળ પ્રયત્ન કર્યો હતો, ‘તમે મારા મિત્ર નથી. તમે મારા મિત્ર હોત તો તમે આ કર્યું હોત, તમે તે કર્યું હોત, તમે… તમે મારા મિત્ર નથી.’ અને ત્રણેક દિવસ પછી મને પ્રેમપત્ર લખ્યો હતો, ‘તમે મારા મિત્ર માત્ર જ નથી, તમે તો મિત્રથીયે વિશેષ છો. તમે તો…’ ત્રીસેક વરસ પર પહેલવહેલા એ મને મળ્યા તે ક્ષણથી જ એ બાળક જેવા હતા એની મને ખબર હતી. પણ હમણાં જ મને સમજાયું કે એ બાળક જેવા નહિ, બાળક જ હતા. અને બાળકના મિત્ર થવું એ દોહ્યલું છે. બાળકના મિત્ર થવું હોય તો તમારામાં બાળકના જેટલી જ નિર્દોષતા અને કોમળતા હોવી જોઈએ. એમનામાં હતી એટલી નિર્દોષતા અને કોમળતા મારામાં નથી. આ ક્ષણે પણ હું એમનો એ બાળક-અવાજ સાંભળું છું, ‘તમે મારા મિત્ર નથી…’ અને છતાં… હું એમનો મિત્ર હતો. ત્રીસેક વરસ પર પહેલાવહેલા મળ્યા ત્યારે એ પાતળા હતા. હંમેશાં કફની અને છુટ્ટી પાટલીની ધોતી પહેરતા હતા. સાઇકલ પર ફરતા હતા. સહેજ ચીપીચીપીને બોલતા હતા. પણ વિશ્વથી એટલા જ વિસ્મિત હતા, એની રહસ્યમયતા અને અદ્ભુતતાથી એટલા જ આશ્ચર્યચકિત હતા અને મનુષ્યોથી એટલા જ આનંદવ્યથિત હતા. અંગત સંબંધમાં વધુ મુગ્ધ અને શરમાળ હતા અને કંઈક ઓછાબોલા હતા. ત્યારે એ અમદાવાદમાં બાલાહનુમાન પાસેની એમની અઢી હાથની દુકાને આસપાસ નગરમાંથી અને દૂર-દૂર ગામેગામથી આવતી અનેક બહેનો — વિશેષ તો લગ્ન-કોડીલી કન્યાઓ–ના લાડીલા બાબુલાલ, બાબુલાલ પ્રેમચંદ ચૂડીવાળા હતા. પ્રિયકાન્ત ત્યારે માત્ર મણિયાર હતા. હાથીદાંત વહેરવામાં, ચૂડીઓ ઉતારવામાં, ચીપો ચડાવવામાં કુશળ કસબી કારીગર હતા. ’૫૦ના આરંભનાં વરસોમાં વડોદરા રેડિયો પર એક કવિ સંમેલનમાં પ્રમુખશ્રીએ અમે બન્ને નવા-નવા અને તદ્દન અપરિચિત એથી પ્રિયકાન્ત સામે જોઈને મને નરી નિખાલસતાથી પૂછ્યું, ‘તમારા વિશે અને આ ભાઈ વિશે પરિચયમાં હું શું કહું?’ ત્યારે મેં એમને એટલી જ સહજ સરળતાથી કહ્યું, ‘કહો કે મારી અટક જુઠ્ઠી છે પણ આ ભાઈની અટક સાચી છે.’ પ્રિયકાન્તની કવિતાની ભાષા-શૈલીમાં અને એમના કવિ-મિજાજના મરોડમાં જે સંસ્કારિતા અને નાગરિકતા છે એ પરથી માની જ ન શકાય કે પ્રિયકાન્તનો જન્મ કોઈ નગરમાં નહિ પણ વીરમગામમાં થયો હતો, નરી નવાઈ જ નીપજે. એમનું બાળપણ વીરમગામની નજીક માંડલમાં પસાર થયું. પ્રિયકાન્તની કવિતામાં વસ્તુવિષયની કેટલીક સામગ્રી એ પ્રદેશ, એની પ્રકૃતિ, એનાં પશુપંખી, એની વનસ્પતિ વગેરેની સાક્ષીરૂપ છે. માંડલ પછી સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદ, વળી પાછા રાજકોટ અને ત્યાંથી મુંબઈ, વળી પાછા અમદાવાદ. માંડલમાં મોહન વિનય મંદિરમાં કવિતાપ્રેમી જગજીવનદાસના ગુરુપદે અંગ્રેજી બીજા ધોરણ લગીનો અભ્યાસ, સુરેન્દ્રનગરમાં અંગ્રેજી ત્રીજા ધોરણમાં અભ્યાસ, અને અમદાવાદમાં ન્યૂ હાઈસ્કૂલમાં અંગ્રેજી ચોથા-પાંચમા ધોરણમાં અભ્યાસ. ૧૯૪૨માં સ્વાતંત્ર્યસંગ્રામ સમયે હંમેશને માટે શાળાનો ત્યાગ. વચમાં અલ્પ સમય રાજકોટમાં મોસાળમાં વસ્યા પછી અલ્પ સમય મુંબઈમાં પત્રકાર થવાનો પ્રયત્ન. અંતે અમદાવાદમાં ચૂડીકામમાં પારંગત પિતાશ્રી પ્રેમચંદ મણિયારની બાલાહનુમાન પાસેની પોતીકી દુકાનમાં પિતાની સાથે વ્યવસાયમાં હંમેશને માટે સ્થિર થયા. અઢી હાથની આ દુકાનમાંથી ત્રીસેક વરસમાં ક્રમે ક્રમે એમણે બાલાહનુમાન પાસે ત્રણ દુકાનો, ચૂડીકામ ઉપરાંત વસ્ત્ર-ગૃહ આદિ શૃંગારસાધનોના કામ માટે એલિસબ્રિજમાં બે દુકાનો, દેશ-વિદેશમાં અન્યત્ર બીજી બે દુકાનોની મહેચ્છા — એમ ‘મેઘધનુષ્ય’ જેવું સપ્તરંગી સ્વપ્ન સર્જ્યું હતું. વ્યવસાયના વિકાસ અર્થે એમણે તન, મન અને ધનથી કેટકેટલો પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો હતો! અંગ્રેજી પાંચ ધોરણના ઔપચારિક અભ્યાસ સાથે અને ત્રીસેક વરસના વારસાગત વ્યવસાયની વચ્ચે પ્રિયકાન્તે એમનું કવિતાસર્જન કર્યું હતું. ૧૯૪૦–૪૨માં અમદાવાદમાં ન્યૂ હાઈસ્કૂલમાં અંગ્રેજી ચોથા-પાંચમા ધોરણમાં હતા ત્યારે એક કાવ્ય રચ્યું : ‘પંખી અને દાણો.’ ગદ્યકાવ્ય હતું. પ્રિયકાન્તને ત્યારે લઘુગુરુ અક્ષર કે માત્રા એટલે શું એની ખબર ન હતી, છંદ-પિંગળનું જ્ઞાન ન હતું. ‘કુમાર’ પર બચુભાઈને મોકલ્યું. પ્રત્યુત્તરમાં બચુભાઈએ પદ્યમાં કાવ્યો રચવાનું સૂચન અને ‘બુધસભા’માં આવવાનું આમંત્રણ મોકલ્યું. પછી ૧૯૪૨–૪૩માં રાજકોટમાં મોસાળમાં વસ્યા હતા ત્યારે એક કાવ્ય રચ્યું : ‘એકરાર.’ શિખરિણી છંદમાં ૨૦ પંક્તિમાં ઈશુના વધ પછી લુહારના એકરાર અંગેનું કાવ્ય હતું. અમદાવાદમાં સ્થિર થયા પછી લગભગ ૧૯૪૮થી ‘બુધસભા’માં નિયમિત આવવાનો આરંભ કર્યો હતો. ૧૯૪૮ના ડિસેમ્બરના ‘કુમાર’માં બચુભાઈએ કવિ અને કાવ્ય વિશે એમની લાક્ષણિક શૈલીમાં મિતાક્ષરી નોંધ સાથે ‘એકરાર’ પ્રસિદ્ધ કર્યું. પ્રિયકાન્તનું આ પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય. પછી તો એમણે જોતજોતામાં સ્રગ્ધરા, પૃથ્વી, ઉપજાતિ, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા આદિ અક્ષરમેળ છંદો અને ગીત-ગઝલના માત્રામેળ છંદો તથા એમની પ્રવાહિતા અને પરંપરિતતા પર અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. માત્ર છંદ-પિંગળ જ નહિ પણ કાવ્યેકાવ્યનો સમગ્ર દેહ — ભાષા, લય, પ્રાસ, અલંકાર, સ્વરૂપ આદિ સૌ અંગોપાંગો– એમણે કલાની સૂક્ષ્મ સૂઝ-સમજથી સર્જ્યો. એ કુશળ કસબી કારીગરે જે હાથે ચૂડીકામ કર્યું હતું એ જ હાથે આ કવિકર્મ થયું. પ્રિયકાન્ત કવિ તરીકેનું શિક્ષણ જેટલું અન્યત્રથી પામ્યા નથી એટલું એમના વ્યવસાયમાંથી પામ્યા હતા. ૧૯૪૮થી કેટલાંક વરસો લગી ચંદન ભવનના હીંચકે અમારું મળવાનું થતું. કોઈ નવું કાવ્ય રચાયું હોય કે રચવાનું હોય, કોઈ અધૂરું કાવ્ય પૂરું કરવાનું હોય, દેશવિદેશની કવિતાનું વાચન કરવાનું હોય, કોઈ વાત કે ચર્ચા કરવાની હોય — આમ, અનેક કારણોએ એમનું મારી પાસે આવવાનું થતું. ‘એકરાર’નો ‘ખીલા’ રૂપે પુનર્જન્મ ત્યારે થયો હતો. એક મનોયત્ન રૂપે અમે એનો પ્રયોગ કર્યો હતો. ‘હરણ’, ‘હૃદય’, ‘હેમંતની મધરાત’, ‘એનું મન’, ‘ફૉકલૅંડ રોડ’, ‘(કાણાવાળો) પૈસો’, ‘ચેતવણી’, ‘આયુષ્યનું કર્મ’ — આટલાં કાવ્યોને, મને સ્પષ્ટ સ્મરણ છે, ચંદનભવનને હીંચકે એમનું અંતિમ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. વારંવાર એકસમાન માનસિક વાતાવરણ, મિજાજ કે લયકેફમાંથી અમે પોતપોતાનું સ્વતંત્ર કાવ્ય સર્જ્યું હતું. ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’ અને ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’માં એનાં અનેક ઉદાહરણો છે. એક દિવસ એ ‘અશ્વ’ કાવ્ય લઈને આવ્યા. કાવ્યનો અંત સૂઝ્યો ન હતો. અશ્વની ‘વિમાસણ’ એ એમની વિમાસણ પણ હતી, ‘આવા અશ્વને શું વિમાસણ હોય?’ અમે બન્નેએ કાવ્ય વારંવાર વાંચ્યું-વિચાર્યું. આ વાચન અને સંવાદમાંથી અંતે ‘અશ્વ’ની અંતિમ બે પંક્તિઓ સૂઝી આવી. મારે પણ વારંવાર એમની અઢી હાથની દુકાને એમને મળવાનું થતું. દુકાનમાં દોઢ માણસ બેસી શકે એટલી જગા એટલે હું અરધો બહાર બેસું. ‘ચાલતાં ચાલતાં’, ‘નક્કી અહીં આ હું રહું છું?’, ‘આપણે’ — આટલાં કાવ્યોને, મને સ્પષ્ટ સ્મરણ છે, આ દુકાનમાં એમનું અંતિમ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. આ અસંખ્ય મિલનોમાં ક્યારેક હસમુખ, ક્યારેક નલિન, ક્યારેક શેખાદમ, ક્યારેક એમનામાંથી એકસાથે બે તો ક્યારેક ત્રણે હાજર હોય. આ મિત્રોની સાથે દેશવિદેશની કવિતાના સહવાચનનો, પૂર્વે મુંબઈમાં રાજેન્દ્રની સાથે અનુભવ્યો હતો તેવો જ, આનંદ અનુભવ્યો હતો. એ અમારા સૌના જીવનનું એક મધુર સુખદ સંસ્મરણ છે. અનેક કવિસંમેલનોમાં અમે પાંચેય મિત્રોએ સાથે કાવ્યપઠન કર્યું હતું. એમાંથી એકમાત્ર પ્રિયકાન્તે જ પછીથી આ કાવ્યપઠનનો અનુભવ સતત વરસો લગી, આયુષ્યના અંત લગી કર્યો. પ્રિયકાન્તને માત્ર વાચકવર્ગ જ ન હતો, ગુજરાતભરમાં અને મુંબઈમાં એક વિશાળ અને વિવિધ શ્રોતાવર્ગ હતો. કાવ્યપઠનમાં શ્રોતાઓ સાથે એમનો આત્મીયતા અને એકતાનતાનો અનુભવ હતો. પ્રિયકાન્તનું કાવ્યપઠન એથી આપોઆપ સાભિનય કાવ્યસંભાષણ બની જતું. ૧૯૫૩માં મેં ‘કવિલોક’ નામની એક પ્રકાશન સંસ્થા સ્થાપવાનું વિચાર્યું અને એના ઉપક્રમે અમારા કાવ્યસંગ્રહો ‘અલ્પવિરામ’ અને ‘પ્રતીક’નું પ્રકાશન કર્યું. અને એમ ‘અલ્પવિરામ’ની સાથે-સાથે ‘પ્રતીક’નું નામકરણ, એનાં કાવ્યોની પસંદગી, કાવ્યોનો ક્રમ, સ્વહસ્તે કાવ્યસંગ્રહની હસ્તપ્રત તથા મુદ્રણ દરમિયાન પ્રૂફવાચન સુધ્ધાં અનેક મિત્રકાર્ય કરવાનું અને ‘પ્રતીક’ના પ્રકાશનમાં નિમિત્ત થવાનું બન્યું એને મારા જીવનનું એક સદ્ભાગ્ય સમજું છું. કાવ્યસંગ્રહનું ‘સાંપ્રત’ નામ વિચાર્યું હતું. પણ એમાં ધ્યાન કાવ્યેતર વસ્તુઓ પર, સમકાલીન જીવન અને જગત પર કેન્દ્રિત થતું હતું. એથી અંતે એનું ‘પ્રતીક’ નામ નિશ્ચિત કર્યું. પ્રિયકાન્તનાં કાવ્યોમાં કાવ્યેતર વસ્તુઓ નહિ પણ કવિતા, કવિતાના આત્મારૂપ પ્રતીક કેન્દ્રમાં છે. પ્રિયકાન્તે અનેક વાર અંગત મિલનોમાં અને જાહેર સમારંભોમાં મારો ‘ગુરુજન’ તરીકે ઉલ્લેખ કર્યો છે. એ એમનો મુગ્ધ ભ્રમ હતો. એટલા એ બાળક હતા મને આ ભ્રમ કદી ન હતો. પ્રિયકાન્તનું કવિતાશિક્ષણ ચંદન ભવનને હીંચકે કે બુધસભાની પાટલી પર થયું ન હતું. પ્રિયકાન્ત, કવિ માત્રની જેમ, સ્વશિક્ષિત હતા. એમનામાં કવિનું સ્વયંસ્ફુરિત જ્ઞાન હતું, કવિની સ્વયંપ્રેરિત પ્રતિભા હતી. શબ્દનો દેહ ભલે બહારનાં સાધનોની સહાયથી રચાતો હોય પણ શબ્દમાં જે ફૂંકથી કવિતાનો આત્મા પ્રગટે છે તે ફૂંક તો કવિની અંદરની ફૂંક છે, એ કોઈ જાદુઈ ફૂંક છે. વળી પ્રિયકાન્ત તો અખો, કબીર કે રૉબર્ટ હૅરિકની જેમ પોતાના હાથ વડે કામ કરનાર કારીગર હતા. પ્રિયકાન્ત મણિયાર હતા. હાથીદાંત જેવો કઠણ મજબૂત પદાર્થ ઘડવામાં એમનો હાથ કેળવાયેલો હતો. એમણે એ જ શિક્ષિત અને શિસ્તબદ્ધ હાથ — અને એ હાથને પણ કેવળનાર એમની એવી જ બુદ્ધિથી એમની કવિતાનો, એના શબ્દોનો પણ ઘાટ ઘડ્યો હતો. કાવ્યે-કાવ્યે એમનો આ ‘હાથ’ વરતાય છે. ગુર્જર સન્નારીઓના કર પર એમનાં કંકણોની જેમ ગુર્જર સરસ્વતીના કર પર એમનાં કાવ્યકંકણો કમનીય છે. ૧૯૫૦ની આસપાસ પ્રિયકાન્તની કવિતાનો જન્મ થયો. એ પ્રિયકાન્તનું સદ્ભાગ્ય હતું. ગુજરાતી ભાષામાં એક નવા કવિજન્મ માટે આ શુભમૂહુર્ત હતું. ૧૯૩૦ની આસપાસની સુંદરમ્-ઉમાશંકરની કવિતાની સમાજ-અભિમુખતા અને ૧૯૪૦ની આસપાસની પ્રહ્લાદ-રાજેન્દ્રની કવિતાની સૌંદર્ય-લુબ્ધતા આ બે નિકટવર્તી પુરોગામી પરંપરાઓ ૧૯૫૦ની આસપાસના કવિને સુલભ હતી. પ્રિયકાન્તની કવિતામાં આ પરંપરાઓનો સુભગ સમન્વય થયો છે. ૧૯૫૩ લગીમાં ગુજરાતના કવિતારસિકો પાસે નવીનતર કવિનો જો કોઈ ઉત્તમ કાવ્યસંગ્રહ હોય તો તે પ્રિયકાન્તનો ‘પ્રતીક’. વચમાં ‘છંદોલય’ આદિ સંગ્રહત્રયી પ્રસિદ્ધ હતી છતાં હું આનંદ અને પ્રેમપૂર્વક આ વિધાન કરું છું. ‘પ્રતીક’ પ્રસિદ્ધ થયો કે તરત ઉમાશંકરે એનું હોંસપૂર્વક અને હેતપૂર્વક અવલોકન કર્યું. ઉમાશંકરના આ અવલોકનથી પ્રિયકાન્ત રાજી રાજી હતા. અમારા બેમાંથી વધુ રાજી કોણ હતું એ પ્રશ્નના ઉત્તરની પ્રિયકાન્તને ખબર હતી. ૧૯૫૫માં મેં ચંદન ભવન છોડ્યું અને વચમાં વરસેક આંબાવાડીમાં વસીને હું ટાઉનહૉલ પાછળ સ્થિર થયો. પ્રિયકાન્તનું લગ્ન થયું. એ પણ બાલાહનુમાનથી એલિસબ્રિજમાં સ્થિર થયા. હવે એ સ્કૂટર પર ફરતા હતા. ૧૯૫૭–૫૮થી મારું કવિતા લખવાનું બંધ થયું, એમનું ચાલુ રહ્યું. ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯), ‘સ્પર્શ’ (૧૯૬૬), ‘સમીપ’ (૧૯૭૨) અને ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪) — આટલા કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ છે. (‘વ્યોમલિપિ’ અને ‘લીલેરો ઢાળ’ બન્નેની હસ્તપ્રત એમણે તૈયાર કરી છે.) બે કાવ્યસંગ્રહોની પ્રકાશન-યોજના પ્રિયકાન્તે વિચારી હતી. ઉપરાંત અનેક અપ્રસિદ્ધ કાવ્યો છે. છેલ્લાં વીસેક વરસમાં એ ઓચિંતા ઘરે આવે અથવા ટાઉનહૉલથી ગુજરાત કૉલેજના રસ્તે મળી જાય તો સ્કૂટર અટકાવે અને તરત ખિસ્સામાંથી કાવ્ય કાઢે અથવા મનમાંથી પ્રશ્ન કાઢે, ‘કેમ છો? બા શું કરે છે?’ એવું કશું ન પૂછે કે ‘તમે કેમ છો? બા-બાળકો-પત્ની કેમ છે?’ એવું કશું ન પૂછવા દે. આ અમારી મૈત્રીનું સામાન્ય સ્વરૂપ. કલાકેક કાવ્ય વિશે કે પ્રશ્ન વિશે વાત થાય. રસ્તામાં મળીએ ત્યારે રસ્તાની વચ્ચોવચ સ્કૂટર અટકાવે, લાંબું ચાલશે એ હું જાણું એથી વાહનોને નડતરરૂપ ન થવાય એમ એક બાજુ બન્ને ખસીને ઊભા રહીએ. કાવ્ય વિશે વાત થાય તો એનો સમ હોય કાવ્ય એટલે આશ્ચર્ય, વિસ્મય. કોઈ પ્રશ્નના ઉત્તર રૂપે વાત થાય તો એમાં સતત જીવન વિશે વ્યાખ્યા, વ્યવસ્થા, અંતિમ વિધાન કે સારરૂપ કોઈ સિદ્ધાંત સામે એમનો પુણ્યપ્રકોપ હોય. જીવન વિશે કોઈ પણ અંતિમ નિર્ણય પ્રત્યે એમનો તિરસ્કાર હોય. ૧૯૭૨માં અમેરિકાથી આવ્યા તો ત્યાંની સ્વચ્છતાથી પ્રભાવિત, ભારત એમને હવે મલમૂત્રપૂર્ણ ગાયની ગમાણ. પણ યંત્રવિજ્ઞાન કે યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ વિશે કોઈ પણ અંતિમ નિર્ણય એમને નામંજૂર હોય. પ્રિયકાન્ત બાળક હતા. એમણે બાળકની જેમ ચોમેરથી સૌંદર્ય અને આનંદની લૂંટ ચલાવી છે. એ જે કંઈ જુએ એમાં તલ્લીન, તન્મય. એથી જ મકરન્દે પ્રિયકાન્ત વિશે આરંભમાં જ કહ્યું હતું કે વ્રજની એક ગોપી ગુજરાતમાં આવી છે. એ બાળકની જેમ ચારે બાજુથી, જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરે, બધું ગ્રહણ કરે. ક્ષણભંગુર હોય તે પણ ગ્રહણ કરે, ક્ષણેક માટે હોય તોપણ ગ્રહણ કરે. વસ્તુને વળગે તો તીવ્રપણે, ઉત્કટપણે. વસ્તુ હાથમાંથી છૂટી જાય તો એને ભૂલી જાય પણ એટલી જ સરળતાથી અને સહજતાથી. એમને માટે કશું જ ક્ષુદ્ર નહિ, ક્ષુલ્લક નહિ. બધું જ અગત્યનું, મહત્ત્વનું. પ્રિયકાન્તનો અસંખ્ય પદાર્થો, સ્પર્શ-ગંધ-રસક્ષમ, શ્રાવ્ય અને દૃશ્ય સૌ પદાર્થોમાં રસ. અનેક ઇન્દ્રિયગમ્ય અનુભવોમાં રસ. પણ બાળક જેવો, કુતૂહલભર્યો. એ દ્વારા એમનામાંનો કવિ કોઈ અતીન્દ્રિય તત્ત્વને પામવાનો પ્રયત્ન કરે તો તે બાળક જેવો, કુતૂહલભર્યો. પ્રિયકાન્તમાં બુદ્ધિ હતી. પણ તે ચિંતકની કે વિદ્વાનની બુદ્ધિ ન હતી, તર્કબુદ્ધિ ન હતી. કવિને જરૂરી એવી અને એટલી બુદ્ધિ હતી. વસ્તુને ઉથલાવી-ઉલટાવીને એની બીજી બાજુ જોવી-જાણવી, બે વિભિન્ન, વિરોધી વસ્તુઓને સાથે-સાથે જોડી-ગોઠવીને જોવી-જાણવી અને એ દ્વારા એક સંકુલ સંવેદના, સૌંદર્યાનુભૂતિ અને સહાનુભૂતિ પ્રગટ કરવી — એમની કવિતામાં આ પ્રકારની મૅટાફિઝિક્લ બુદ્ધિ (વિટ) અને કોટિ (કન્સીટ) છે. પ્રિયકાન્ત સમગ્ર વિશ્વથી વિસ્મિત, એની રહસ્યમયતા અને અદ્ભુતતાથી આશ્ચર્યચક્તિ હતા. એમની કવિતામાં — સવિશેષ કાવ્યના આરંભે કે અંતે કેટકેટલા આશ્ચર્યાર્થો અને પ્રશ્નાર્થો છે! એ આ આશ્ચર્યાર્થો અને પ્રશ્નાર્થોને ક્યારેક તો ‘(એની તો અચરજ થતી)’માં છે તેમ કૌંસમાં તો ક્યારેક ‘રે કશું’માં છે તેમ એક સ્વતંત્ર પંક્તિ રૂપે પ્રગટ કરે છે. ક્યારેક એ અન્ય મનુષ્યો માટે આહ્વાનાર્થોરૂપ પણ હોય છે. એમને બુદ્ધ-ઈશુ-ગાંધી મંજૂર, પણ બુદ્ધ-ઈશુ-ગાંધીને નામે જે વાદ કે વ્યવસ્થા હોય તે નામંજૂર. એમને કીટ્સની જેમ વાદ, વ્યવસ્થા, ફિલસૂફી, પ્રતિપાદન, વિચારસરણી માત્ર અસ્વીકાર્ય. એમને સ્વીકાર્ય માત્ર આશ્ચર્ય, વિસ્મય. એમને પશુ-પંખી, પુષ્પ-વૃક્ષમાં અતૂટ-અખૂટ રસ. એમની કવિતામાં જેવી અને જેટલી સભર અને સમૃદ્ધ પશુ-પંખી આદિ જીવસૃષ્ટિ અને પુષ્પ-વૃક્ષ આદિ વનસ્પતિસૃષ્ટિ છે એ અન્ય કોઈ ગુજરાતી કવિની કવિતામાં નથી. એટલો એમની સંવેદના અને સહાનુભૂતિનો વિશ્વવ્યાપી વિકાસ અને વિસ્તાર હતો. એવા એ બાળક હતા. પ્રિયકાન્ત શિશુ, ચિરશિશુ હતા. પ્રિયકાન્તની કવિતાને જરા અને મૃત્યુ નથી.

૧૯૭૬

*