પ્રવીણસિંહ ચાવડા/૭. ઓળા

From Ekatra Wiki
Revision as of 05:08, 24 March 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭. ઓળા

ધનાના બાપનું મરણ સાંજ પડ્યે થયું. આવા માણસોનાં મોતનુંય શું? ખેતરના કોઈ ખૂણે કે રસ્તા ઉપર કૂતરાની જેમ પડીને મરી ગયો હોત, પણ આજે વળી બપોર પછી ઘેર હતો. પટેલના ઘરની સામે ઢોર બાંધવાની છાપરીમાં સૂતો હતો. સાંજે ઊઠ્યો નહોતો. બસ, આટલી જ વાત. આ માણસની વાત પણ અજબની હતી. ગામ આખું એ જાણતું અને વાતો કરતું. ધનો નાનો હતો, છ મહિનાનો, ત્યારે એના બાપને જીવલી સાથે કોણ જાણે શું વાંકું પડ્યું તે ઘર છોડી દીધું. આમે નાનો હતો ત્યારથી પટેલને ઘેર કામ કરતો હતો. રોટલા પણ બે વખત પટેલના ઘેર જ ખાતો. રાત્રે સૂવા ઘેર જતો તે બંધ કરી દીધું અને ઢોર બાંધવાની કોઢમાં કે ખેતરમાં એક ખૂણે પડી રહેતો. આવું ચાલીશ વરસ ચાલે? એક જ નાના ગામમાં આ માણસ રહે, એનાં વહુ-દીકરો પણ રહે અને છતાં એ પોતાને ઘેર ન જાય? પણ આ ગામના માણસોની આશ્ચર્યો પચાવવાની શક્તિ અદ્‌ભુત હતી. આ વાત પણ કોઠે પડી ગઈ. છેલ્લા વર્ષોમાં તો ખાસ એની ચર્ચા પણ થતી નહીં. નાના છોકરા મોટા થાય એટલે કોઈ આંગળી ચીંધીને બતાવતું – પેલો ધનાનો બાપ. પણ એને થયું હતું શું? કોઈને એની ખબર નહોતી. કોઈએ એને ગામમાં ક્યાંય ઊભા રહેતાં કે કોઈની સાથે વાત કરતાં જોયો નથી. ખભે દોરડું અને હાથમાં દાતરડું. આઠ-દસ દિવસની દાઢી વધી હોય અને ડોકી સહેજ એક બાજુ નમેલી રાખી રસ્તાની એક બાજુ દીવાલ કે વાડને લગભગ ઘસાતો ઘરથી ખેતર અને ખેતરથી ઘર. મોં ઉપર ખાસ કોઈ ભાવ નહીં પણ કોઈ-કોઈને એ ચહેરા ઉપર એક સાવ ઝાંખું, અસ્પષ્ટ હાસ્ય દેખાઈ જતું. પણ એ તો કોઈકોઈને. શરૂમાં ગામ જીવલીની વાતો કરતું. આ બાઈએ જે રીતે છોકરાને મોટો કર્યો એ ગામ ક્યાં નહોતું જાણતું? ધણી ગયો અને જીવલીનો કાછોટો બંધાયો તે બંધાયો. પાતળી, સુક્કી જીવલી હડફ-હડફ ઘર અને ખેતર કરતી. એને કદી કોઈએ ઉદાસ જોઈ નથી. જીવલી સદાય હસતી અને હસતી. અને ધનાના બાપનું પણ એટલું ખરું કે ગયો તે ગયો, પછી મિલકત, ઘર, ખેતર – કશું જોવા કે હક કરવા આવ્યો નહોતો. બે-ત્રણ નાના-નાના જમીનના ટુકડા હતા. ધનો ક્યારે મોટો થઈ ગયો એ પણ ખબર પડી નહીં, ચાર ચોપડી ભણાવ્યો પણ ખરો. સોળનો થતાં તો જીવલીએ એને પરણાવ્યો. નાતીલા એટલા સારા. એનો બાપ ક્યાં? બાપ કેમ હાજર નહીં? કોઈ વાત નહીં. ધનો પરણી ગયો. એટલે બધું સરખું ચાલતું હતું. ત્યાં ધનાનો બાપ પટેલના ઘરની આગળ કોઢમાં નાની ખાટલી ઉપર ટૂંટિયું વાળીને મરી ગયો. પટેલના ઘરનું પણ ખરાબ બોલાય નહીં. ગામ એ પણ જોતું-જાણતું હતું. એને રોટલાનું દુઃખ નહોતું. પટલાણી છોકરાઓને આપે એ એને ખાવા આપતાં. એને બોલવાનું તો હતું નહીં. જે આપે એ ઊંધું ઘાલીને ખાઈ લે. પટેલની પણ કોઈ વાતે ખટખટ નહીં. પટેલના છોકરાય મોટા ચાલીસ-ચાલીસના હતા. તોય આને કહેતા – જગતાકાકા! આખી જિંદગી રાખ્યો હતો. પાળ્યો હતો. ટાઢ-તડકે એનું ધ્યાન રાખ્યું હતું. કોઈ પટેલના ઘરનું ઘસાતું બોલી શકે નહીં. પણ આજે બનેલી ઘટના? ઘર આગળ છાપરી નીચે પડેલી લાશ? આ કોણ માણસ? એની નાત કઈ? પટેલના મહેલ્લામાં અને ગામમાં ગુસપુસ ચાલતી હતી. આને કોણ બાળશે? કોણ ખભે ચડાવીને મસાણે લઈ જશે? કોણ જમણા અંગૂઠે આગ ચાંપશે? ધનાને અને એની મા જીવલીને આ વાતની ખબર વહેલી પડી હતી, પણ બંનેએ એકબીજા સાથે વાત કરી નહોતી, ખેતરેથી આવીને હાથ-પગ ધોઈ એ ઘરની બહાર ખાટલા ઉપર ચત્તો પડ્યો હતો અને આકાશ સામે જોઈ રહ્યો હતો. ત્યાં નાતના ચાર માણસો એની પાસે આવ્યા. ખાટલો ઢાળીને બેઠા. એકે કહ્યું, ‘ધના, આનું શું કરીશું?’ ‘શાનું શું કરીશું?’ ‘જગતાભૈનું.’ ‘તે એનું શું?’ ‘ભૈ, એનું શાસ્તર તો કરવું પડશે ને!’ ‘તે મારે શું?’ ‘એવું ના બોલાય, ધનાભઈ. આપણે બેઠા હોઈએ અને એનું મડદું ચૂંથાય?’ કંઈ લાશ પડી રહેવાની છે? કાલે સવારે પટેલો તો કોઈને બોલાવીને બાળી કુટાવશે, પણ આપણી આબરૂનું શું?’ ‘આબરૂ આબરૂ!’ ધનો એકદમ ઊભો થઈ ગયો. તમને કોઈને લાજશરમ ન આવી મારી પાસે આવતાં! ઊઠો-ઊઠો અહીંથી. હું તો આ હેંડ્યો ખેતર!’ આવનારા અપમાનિત થઈને ચાલ્યા ગયા. ધનો થોડી વાર કંઈ બોલ્યા વગર બેસી રહ્યો. પછી ચલમ લઈને ગામબહાર નીકળી ગયો. આ વાતચીત થઈ ત્યારે જીવલી બારણા પાસે ભીંતમાં દબાઈને બેઠી હતી. એ આખી રાત ધનો ખેતરમાં પડ્યો રહ્યો. ત્યાં શું બન્યું એ વિશે ગામમાં જુદીજુદી વાતો ચાલે છે. પણ ગામને તો ઉપજાવીને વાતો કરવાની ટેવ છે. લોકો કહે છે કે એ આખી રાત એના ખેતરની આજુબાજુ શિયાળવા ખૂબ બોલ્યાં. જરખના અવાજો આવ્યે ગયા. આખો લીમડો ભરીને ચીબરીઓએ ‘ચેં ચેં’ કર્યે રાખ્યું. ઘણા તો કહે છે કે વડલેથી ઊતરીને ગામનાં બધાં ભૂત ધનાની છાપરીની આજુબાજુ આખી રાત બેસી રહ્યાં હતાં. એમાં એની ચાર પેઢી પહેલાની ડોશીઓ હાથ જોડીજોડીને કંઈક કહેતી હતી પણ ધનાને કંઈ સંભળાતું નહોતું. આ બધી તો વાતો. નવરું ગામ. એને ચગાવી-ચગાવીને વાતો કરવાની ટેવ. પણ એટલું ખરું કે સવારે અજવાળું થયું એ પહેલાં ઘેર આવ્યો ત્યારે ધનાનું શરીર ધ્રૂજતું હતું. આંગણામાં પ્રવેશ્યો ત્યારે જીવલી અંધારામાં બારણા પાસે ઊભા પગે બેઠેલી હતી. ખાટલો ઢાળીને બેસતાં ધનાએ કહ્યું, ‘મા, આનું કાંક કરવું પડશે.’ જીવલી આટલું જ બોલી, ‘બેટા, ભગવોંન તમારું ભલું કરજો.’ આ વાત પણ એટલી જ ઝડપથી ગામમાં ફેલાઈ ગઈ. ધનિયો માની ગયો! ધનિયો માની ગયો! નાતના પાંચ આગેવાન આગળ થયા. પાછળ ધનો. સહુ પટેલને ઘેર ગયા. ત્યાં સન્નાટો હતો. કોઈએ સવારની ચા પણ પીધી નહોતી. છાપરામાં ખાટલી ઉપર લાશ પડેલી હતી. ઉપર એક લૂગડું ઓઢાડેલું હતું. બધા ઊભા પગે આંગણામાં બેઠા. પટેલે આવકાર આપ્યો, ‘બધા આવો, ભાઈ.’ ધનાના એક વડીલે કહ્યું, ‘પટેલ, જે થયું તે થયું, હવે અમને અમારું માણસ આપી દો.’ પટેલે કહ્યું, ‘ભાઈ, તમે બધાએ ખૂબ ડહાપણ બતાવ્યું. અમારે મૂંઝવણનો પાર નહોતો.’ આજુબાજુ અડધું ગામ ઊભું. બારણા આગળ ઊભેલા પટેલ નીચે બેઠેલા પાંચ-સાત આકારો. પટેલની આંખમાં પાણી આવ્યાં, ‘છોકરાની જેમ રાખ્યો હતો. એની લાશ ચૂંથાય! વધારે શું કહુ?’ પછી તો નાતના જુવાનિયા હડિયો કાઢતા આવ્યા. હડફ-હડફ, લાશ ખાટલામાં નાખીને ધનાને ઘેર. પટેલે બે આગેવાનોને બાજુએ બોલાવીને કહ્યું, ‘લો. આ પાંચસો રૂપિયા ધનાને આપજો.’ ધનાને કોઈએ કહ્યું ત્યારે એની લાલલાલ આંખો કહેનારની સામે તાકી રહી. પછી ઝડપથી કંઈ બોલ્યા વગર એ દોણી લઈને આંગણા બહાર જઈને ઊભો રહ્યો. પાંચસો રૂપિયા પટેલને ઘેર પાછા ગયા. આગ મુકાઈ, બધા આઘા ખસી ગયા, કાગળની જેમ લૂગડું બળી ગયું ત્યારે એકાદબે ક્ષણ ધનાને બાપનો ચહેરો દેખાઈ ગયો. આજે પહેલી વાર નિરાંતે એ આ માણસને જોતો હતો. ધુમાડા અને અગ્નિની આરપાર ધનાએ જોયું. એ ચહેરા ઉપર એક નરવી શાંતિ હતી. પણ એ રડ્યો નહીં. રડવા જેવું હતુંય નહીં. કોઈએ કહ્યું, ‘પતી ગયું. ધનાએ એક દા’ડો આ કરવાનું જ હતું ને!’ બધું પૂરું થયું. સહુ છૂટા પડ્યા. ધનો પણ નાહીને લૂગડાં બદલી આંગણામાં ખાટલા ઉપર બીડી સળગાવીને બેઠો. ઘરમાં આંગણામાં કદી નહીં જોયેલી હળવાશ હતી. મોડે સહુ આવીને એના આંગણે બેઠા. એ એકલો ખાટલે અને બીજા બધા નીચે. એના વડીલો પણ આજે નીચે ઊભા પગે બેઠા હતા. મોડે સુધી અંધારામાં એ બધા આકારો બોલ્યા વગર બેસી રહ્યા. થોડીથોડી વારે એકાદ બીડી તગતગતી હતી અને એક પાસેથી બીજા પાસે જતી હતી. ઘરમાં જીવલી ખૂણે બેઠેલી હતી. ખાસ્સીવાર પછી થોડોક સળવળાટ થયો. છેડા ઉપરથી એકાદ-બેએ ઊઠવાનું કર્યું એટલે ધનાએ ગળું ખંખેર્યું, ‘બેસજો ભાઈઓ, કોઈએ ઊઠવાનું નથી.’ પછી બારણા તરફ ફરીને એની વહુને કહ્યું, ‘ચા મૂકજે.’ ઊભા થયેલા પાછળ ઉભડક બેસી ગયા. થોડી વાર પછી ધનાએ કહ્યું, ‘મારે ભાઈઓને પૂછવાનું છે.’ મૌન. એણે આગળ કહ્યું, ‘મારે રજા લેવાની છે. મને ભાઈઓ રજા આપે તો શાસ્તર પ્રમાણે કરીએ. મારે...’ પછી અટકીને એણે શબ્દ શોધ્યો – ‘મરનારની પાછળ આખી નાત જમાડવી છે.’ આ ભીષણ શબ્દોથી હાહાકાર થઈ ગયો. આજ સુધી મહોલ્લાને પણ કોઈક જ જમાડી શકતું. આ તો આખી નાત! આજુબાજુનાં બાર-પંદર ગામ! ખાવાનું કોને ન ગમે? પણ આજે અંધારામાં ગણગણાટ થતો હતો. આંગણામાં બધાં ડોકાં નકારમાં હાલતાં હતાં. ‘ડાબું બોલો, ધનાભઈ, ડાબું બોલો.’ પણ ધનાએ કહ્યું, ‘હું સમજીને બોલું છું. હાથ જોડીને નાતની સામે ભીખ માગું છું.’ મોડેથી બધા ઊઠ્યા ત્યારે ઘરના ખૂણે બેઠેલી જીવલીએ મોં વાળ્યું. ગઈ કાલે મરણ થયું હતું પણ એ રડી આજે. પછીની વ્યવસ્થા કોઈ ધમાલ વગર, કોઈને ખબરે ન પડે એમ થઈ. પટેલે બે હજાર રૂપિયાનું કહેવડાવ્યું ત્યારે પાછી ધનાની આંખો લાલઘૂમ થઈ. બે વીઘાંનું એક ખેતર નંદાવે મુકાયું. બારમા દિવસે બધું પત્યું, મહેમાનો વેરાયા અને પાછો ધનો એકલો આંગણામાં રાતના અંધારામાં બેઠો હતો ત્યારે એની વહુ આવીને એના ખોળામાં એના બે વરસના છોકરાને મૂકી ગઈ. અંધારામાં લાંબો સમય તાકી રહ્યા પછી ધનાએ છોકરા સામે જોયું, એના માથે હાથ ફેરવ્યો અને એના કપાળે બચી કરી.