યુરોપ-અનુભવ/જૂનો પાસપૉર્ટ મળ્યો

From Ekatra Wiki
Revision as of 11:01, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જૂનો પાસપૉર્ટ મળ્યો


આજે સૌ પ્રથમ જર્મન એમ્બસીમાં ગયાં. જર્મન એમ્બસી કહેતાં પશ્ચિમ જર્મની. અમારા કાર્યક્રમમાં બર્લિન અને બર્લિનની ઐતિહાસિક દીવાલ હતી. વળી, બર્લિનમાં સર્વાસ સભ્યને ત્યાં ઊતરવાની તારીખ પણ નિશ્ચિત હતી. પણ એ બધું તો હવે ફરી ગયું હતું. અગાઉના સમયપત્રક પ્રમાણે આમસ્ટરડામથી કોપનહેગન થઈ, ત્યાંથી પછી હાબુર્ગ-બર્લિન અને પછી ફ્રાન્કફર્ટ પહોંચવાનું હતું. પરંતુ બ્રસેલ્સમાં જ પાંચ દિવસો વીતી ગયા. અમે જર્મન યજમાનને અમારા ન જવા સંબંધી જણાવવાનો પણ ઉત્સાહ – કહો કે વિવેક બતાવ્યો નહોતો.

દરેક એમ્બસીમાં ભીડનો અનુભવ થાય. અહીં એક મિત્રની ઓળખાણથી અમારી અરજી સાથેનો પાસપૉર્ટ અધિકારી પાસે વહેલો પહોંચાડવામાં સફળ થયાં, પણ વિસા તો મળ્યા નહિ.

ત્યાંથી પછી ઑસ્ટ્રિયાની એમ્બસી પર ગયાં, એ જ પ્રમાણે નિરાશા. ઇટાલિયન એમ્બસી વિસા આપવામાં પ્રમાણમાં ઉદાર હોય છે માની ત્યાં ગયાં. અમે એ રીતે લગભગ બ્રસેલ્સનો ઘણો વિસ્તાર ખૂંદી વળ્યાં.

ઇટાલિયન એમ્બસીએ પાસપૉર્ટ મૂકી જવા કહ્યું. વિસા મળતાં થોડા દિવસ લાગશે એમ કહેવામાં આવ્યું. હવે બ્રસેલ્સમાં વધારે રોકાવા કરતાં, મારે માટે ઇષ્ટ હતું કે, યુ.કે. પહોંચી જવું, અને સાથીદારો યુરોપ પ્રવાસ પૂરો કરે. મેં પ્રસન્નતાપૂર્વક આ દરખાસ્ત પણ કરી.

પરંતુ, હજી અમારે એર ઇન્ડિયાની ઑફિસે જવાનું હતું. વિમાનની ટિકિટ રિઇશ્યૂ કરવા સંબંધી ટેલેક્સ આવ્યો કે નહિ એ જાણવા. અમે ત્યાં પહોંચી ગયાં. બાર વાગવામાં હતા. સોજાનીએ કહ્યું કે હજી ટેલેક્સ કેમ નથી આવ્યો તેની નવાઈ છે. પછી એમણે પોતાની વાત દોહરાવીને કહ્યું – ‘તમે હજુ એક વાર આમસ્ટરડામ જઈ આવો. તમારો જૂનો પાસપૉર્ટ મળી જશે. આવા અનેક કિસ્સા બને છે.’

પછી એમને એક વિચાર આવ્યો. તેમણે આમસ્ટરડામ રહેતા પોતાના એક પરિચિતને ફોન કરી ત્યાંના ‘લૉસ્ટ અને ફાઉન્ડ’ ડિપાર્ટમેન્ટમાં આવો કોઈ પાસપૉર્ટ આવ્યો છે કે નહિ તેની તપાસ કરી જોવા કહ્યું.

પેલા ભાઈ ડચ ભાષા જાણતા હતા એટલે તેમને ત્યાં ને ત્યાં ફોન દ્વારા તપાસ કરવાની સુવિધા હતી. અમારાં હૃદય હવે ઇંતેજારીથી ધડકતાં હતાં. સોજાનીને ગળા સુધીનો વિશ્વાસ હતો કે, પાસપૉર્ટ મળી જવો જોઈએ. અમારી અધીર પ્રતીક્ષા આશારહિત હતી – કમસેકમ મારી. થોડી વારમાં સામેથી ફોન આવ્યો. સોજાનીના મિત્રે કહ્યું કે, ‘બી. એસ. પટેલના નામનો એક પાસપૉર્ટ ‘લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ’ ડિપાર્ટમેન્ટમાં છે.’of course some what mutilated.

અમારા ચહેરા ચમકી ઊઠ્યા, પણ હજી એક શંકાના વાદળની છાયા તેના પર પડતી હતી. મ્યુટિલેટેડ એટલે કેટલો મ્યુટિલેટેડ હશે? ફાડી નાખેલો હશે, અંદરનાં પાનાં મિસિંગ હશે? મારા મનમાં આમ વિચાર ચાલતા હતા, ત્યાં તો અમદાવાદથી જે ટાવેલિંગ એજન્સીમાંથી અમે ટિકિટ ખરીદી હતી ત્યાંથી ટૅલેક્સ આવી ગયો કે તેમણે ટિકિટ ઇશ્યૂ કરેલી જ છે – અને એમને નવી ટિકિટ ઇશ્યૂ કરી શકાય. પેલો ટાઇપિસ્ટ દોડતો આવી, આ સમાચાર કહી ગયો. સોજાનીએ કહ્યું : ‘હું તમને પાંચ મિનિટમાં એરટિકિટ ઇશ્યૂ કરાવું છું. આ ક્ષણે જ હવે તમે આમસ્ટરડામ પહોંચી જાઓ. વધારે વખત થશે તો એ લોકો પાસપૉર્ટનો નાશ કરશે. બસ, નીચે જ સ્ટેશન છે, ત્યાંથી બેસી જ જાઓ.’

અમારે માટે ન માની શકાય એવાં આશ્ચર્યો પર આશ્ચર્યો હતાં. એમણે અમને તાત્કાલિક એરટિકિટ ઇશ્યૂ કરી દીધી અને પછી કહે : અત્યારે ૧.૧૪ (૧૩.૧૪) વાગ્યે આમસ્ટરડામની ગાડી છે. ૧.૦૦ તો ઑફિસમાં જ વાગી ગયો હતો, લગભગ દોડતાં અમે સ્ટેશને પહોંચ્યાં. ૧.૧૦ મિનિટે દાદર ઊતર્યાં, એકાદ મિનિટમાં પ્લૅટફૉર્મ નંબર ૪ પર પહોંચી ગયાં. ટ્રેન ઊપડું ઊપડું થવામાં હતી. એની વ્હિસલ પણ વાગી. દોડ્યાં અને ટ્રેનમાં ચઢી ગયાં કે તરત જ ઑટોમૅટિક બારણાં વસાઈ ગયાં.

હવે અમે શ્વાસ હેઠો મૂક્યો.

૪.૩૫ વાગ્યે ગાડી આમસ્ટરડામ પહોંચી કે તરત અમે ‘લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ’ની ઑફિસ ભણી ચાલવા લાગ્યાં. રસ્તો જાણે લાંબો થતો જતો હતો. ટ્રેનમાં થોડું ખાઈ લીધું હતું, તે ઠીક થયું. રસ્તે રૅમ્બ્રોંહાઉસ આવ્યું, પણ અત્યારે તો અમારું એક જ લક્ષ્ય હતું: ‘લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ’. પરંતુ ઑફિસે પહોંચ્યા ત્યારે ઑફિસ બંધ થઈ ગઈ હતી. આશાનિરાશાનો આજે આ તે કેવો ખેલ નિયતિ રમાડતી હતી!

પછી મેં કહ્યું : ‘આજે પાછા આમસ્ટરડામથી બ્રસેલ્સ જતા રહીએ. તમે કાલે આગળ યાત્રા કરો. હું કાલે અહીં એકલો પાછો આવીશ.’

પણ, બધાંએ ના પાડી. દીપ્તિ કહે : હવે અહીં આવ્યાં છીએ તો આવતી કાલ સવાર સુધી ચાન્સ લઈએ. કંઈ નહિ તો ઑફિસ ઊઘડે ત્યાં સુધી. એક નહેરના પુલ પર ઊભાં ઊભાં અમારી ચર્ચા ચાલતી હતી. બધાએ કહ્યું : બરાબર છે. હું મારા એ સહપ્રવાસીઓ પ્રત્યે આદરથી જોઈ રહ્યો. અમે એક હોટલ શોધી લીધી – હોટલ ટ્રાવેલ. પ્રમાણમાં સારી. અમે ફરી એક વાર પોલીસસ્ટેશને ગયાં, એ લોકો પણ કહે : ‘અમે મદદ કરવા તૈયાર છીએ, પણ આ બાબતમાં હેલ્પલેસ છીએ.’ નિરુપમાએ એક પોલીસને કહ્યું : ‘વી આર ટૂરિસ્ટ્સ, કા’ન્ટ યુ હેલ્પ અસ?’ સોજાનીએ એમના મિત્રનો ફોનનંબર આપ્યો હતો, પણ તે ઑપરેટ ન થયો. એક પોલીસને પોતાને ઇઝરાયલમાં આવો અનુભવ થયેલો, એટલે એ થોડો સહાનુભૂતિ ધરાવતો હતો. એણે ફોન જોડી આપ્યો. સોજાનીના મિત્ર સાથે વાત થઈ. એમણે સવાર સુધી રાહ જોવા કહ્યું. ચિંતા ન કરવા પણ કહ્યું. આ માનસિક અસ્વસ્થતામાં આવા બોલ પણ કેટલા આશ્વાસક થઈ પડે છે!

હોટલના બૉલરૂમમાંથી સંગીત અને નાચના અવાજો આવતા હતા, પણ અમને કશો રોમાંચ થતો નહોતો. અમારી પાસે થોડું વધેલું ભાથું હતું તે ખાઈ પડદા પાડી સૂઈ ગયાં.

સવારે ઊઠી તૈયાર થઈ પેલી ઑફિસે પહોંચી જવાનું હતું. અમારી પાસે સામાન તો હતો નહિ. દીપ્તિએ પરદો હઠાવી જોયું, તો બહાર ભીનું ભીનું હતું. એ બોલી : ‘વરસાદ પડ્યો લાગે છે.’ બહાર નીકળીને પાછું જોયું અને બધાં વિશફુલ થિંકિંગ કરતાં હોય એમ બોલ્યાં : ‘આજનો દિવસ આશાભર્યો લાગે છે.’ બધાંએ મનોમન કશીક આંતરિક શક્તિ મેળવવા કોઈ ને કોઈ સ્થળની – ભારત જઈને – યાત્રા કરવાની બાધા માની.

વાન ગોઘનું મ્યુઝિયમ પસાર થયું, રૅમ્બ્રોંનું ઘર પણ. વધારે લોકો સાઇકલ પર જઈ રહ્યા હતા. નહેરમાં હોડીઓ સરકતી હતી. ટ્રામને સમાંતર કાર રોડ હતો. એક પુલ પસાર કર્યો. નહેરમાં બૅકવૉટર્સનાં પાણી.

સવાનવ વાગ્યે તો અમે ઑફિસે પહોંચી ગયાં. ઑફિસ કામ કરતી થાય ૧૧ વાગ્યે. પણ અમે અંદર જઈને એક કર્મચારીને કહ્યું કે, અમારી ખોવાયેલી વસ્તુમાં અમારો પાસપૉર્ટ છે. એટલે એ ઊભો થયો અને અંદર જઈ એક લાંબી ટ્રે લઈ આવ્યો. એમાં ઘણા પાસપૉર્ટ હતા. એણે નામ પૂછ્યું.

‘બી. એસ. પટેલ’ એમ સાંભળતાં તો તેણે ટ્રેમાંથી એક પાસપૉર્ટ ખેંચી પણ કાઢ્યો અને નામ ચેક કરી મારા હાથમાં મૂક્યો – મેં અનિલાબહેનના હાથમાં.

એમણે જોયું, અમારી બધાની નજર પણ ત્યાં જ હતી. પાસપૉર્ટનો એક છેડો પલળવાથી વળી ગયો હતો. પછી અંદર એક પછી એક પાનાં ઉઘાડીને જોયાં તો અંદર પડેલી જુદા જુદા દેશોની વિસાની થાપો અકબંધ હતી!

પેલા કર્મચારીએ એક ફૉર્મમાં નોંધ કરી, બીજી કશી પૃચ્છા વગર પાસપૉર્ટ હસતાં હસતાં અમારા હાથમાં સોંપી દીધો! અમારી સૌની આંખોમાં આંસુ ઊભરાયાં!

મેં પોંડિચેરીનાં મધરની વાણી – જે મને હિન્દી અનુવાદમાં યાદ હતી તે કહી સંભળાવી:

‘વિચલિત મત હોઓ. ડટે રહો. ઠીક ઉસી સમય જબ સબ – કુછ ખો ગયા પ્રતીત હોતા હૈ, સબ પાયા જાતા હૈ.’

માતાજીએ શ્રદ્ધાળુ સાધકો માટે આ અભય-વચનો કહ્યાં હશે, પણ મારા જેવાના સંદર્ભે પણ એ વાણી જાણે આજે સત્ય ઠરી હતી.

અમારા મનમાં અને પગમાં અપૂર્વ શક્તિનો સંચાર થયો. તરત જ સ્ટેશને જઈ ટ્રેનમાં બેસી ગયાં. હવે બર્લિન જવું કે સીધા ફાન્કફર્ટ જવું એની ચર્ચા ચાલી. રૂપાએ કહ્યું : ‘બર્લિન જઈએ તો ગમે, પણ ન જવાય તોય બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનોએ યહૂદીઓને યાતના આપવા કૉન્સન્ટ્રેશન કેમ્પ બનાવ્યા હતા તેનો જુદી રીતનો કંઈક અણસાર આપણને યાત્રાના આ પહેલા અઠવાડિયામાં થઈ જ ગયો છે. – આપણી યાત્રાનું એ પહેલું અઠવાડિયું શું ભૂલી શકાશે?’

ગાડીમાં અમે સૌ હવે પ્રસન્નચિત્ત હતાં. ડબ્બામાં પ્રવાસીઓનું એક બીજું ગ્રૂપ પણ એવા જ પ્રસન્નતાના વર્તુળમાં હતું.

એ જ દિવસે (૩૦મી મે) બ્રસેલ્સથી નીકળી ફ્રાન્કફર્ટ તરફ જવા રવાના થઈ ગયાં, અલબત્ત, નવો પાસપૉર્ટ ઇન્ડિયન એમ્બસીને પાછો સોંપ્યા પછી જ.