મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૧૦. તૂટેલા ડુવાલવાળું ચપ્પલ

From Ekatra Wiki
Revision as of 06:58, 17 March 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦. તૂટેલા ડુવાલવાળું ચપ્પલ


છેલ્લા ત્રણેક દિવસથી એ દૃશ્ય સૌનાં કુતૂહલ, વિસ્મય અને ચર્ચાનું નિમિત્ત બન્યું હતું. નવનિર્માણ સોસાયટીના નાકા પર જમણી બાજુએ વીજળીનો થાંભલો છે. અનેકવાર ત્યાં જખ્મેરૂઝ કે ગડગૂમડ માટેનાં મલમનાં, શક્તિવર્ધક ઔષધોનાં કે ટ્યૂશન-કલાસીસનાં ચોપાનિયાં ચોંટતાં-ઊખડતાં-ફાટતાં, એક ઉપર બીજાને સ્થાન લેતાં લોકોએ જોયેલાં. એમાં નવાઈ જેવું કશું નહોતું. હા, એ જ થાંભલે, થોડીક ઊંચાઈએ એક આડો વાંસ બાંધેલો હતો. બીજે છેડે તૂટી ગયેલા ડુવાલવાળું ચપ્પલ. સામસામી ખેંચાણી ને મારી આંખ મિચાંણી – એવી વાણિયાવિદ્યા જનતાજનાર્દને બરાબર ગોખીને માલીપાના કોઠલામાં સંઘરી રાખેલી અર્થાત્‌ લપ્પન છપ્પન કે ચર્ચાઓનો જાહેર રસ્તા પર અભાવ વર્તાતો. અંબાકાકીએ દુલાના છોકરાને ઉપર ચડાવ્યો હતો ને વાંસને છોડવાની પ્રક્રિયામાં તે રત હતાં. મારા જેવા પડોશના બેચાર પુરુષો ને કચકચ કરતી સ્ત્રીઓ સિવાય અવરજવર રાબેતાભેર ચાલતી રહી. આછોતરી નજર નોંધી લીધી? તો શું છે? જા, આગળ ને નીકળ ખોટી ડાંફુ ભર્યા વગર, એવો કશોક ભાવ જાણે દરેક મુખમુદ્રા પર લીંપાયેલો. એ સાચું કે, તેમ છતાં, સાંજ ગુલાબી થઈ ગઈ હતી. એવું નહોતું કે શિયાળાને ઓણ વહેલો પ્રવેશ કરી લીધો હતો. આજ વગડાવૉ-વગડાળો કોઈ શરણાયું ને ઢોલ – જેવી ઊછળકૂદ ને રોમાંચ ભીતરમાં ભલે થાય, એની અભિવ્યક્તિમાં રહેલાં જોખમો આ ગુલાબીપણાને કઈ રીતે ને કઈ ક્ષણે રફેદફે કરી મૂકે... એનું અહીં કશું કહેવાય નહીં. જો કે, અંબાકાકીએ દુલાના છોકરાને થાંભલે ચડાવ્યો તે પહેલાં, પોતપોતાની ખડકીમાં લપાઈને કે ખૂણાખાંચરાની આડશ લઈને થતી ગુસપુસને તો કઈ સત્તા રોકી શકે તેમ હતી? સુશીલાને એની જાણ હોત તો જુદી વાત હોત. બારણે બારણે જઈને મણમણની રોડવત, તોય ક્યાંયથી ચૂં કે ચાં-નો હરફ સાંભળવા મળે એ વાતમાં દમ નથી. અડોશપડોશ આમેય જાહલ, ઝૂકેલાં નેવાં જેવો ને છાતી ચીંથરે હાલ. સોસાયટીની આ શેરીમાં સુશીને એકને ત્યાં જ કાર. એનો ધણી શાંત્યો તાજો તાજો જ શાંત્યામાંથી શાન્તિભાય થયેલો આથી બે વડચકાં વધુ ભરવાનો અબાધિત અધિકાર સુશીના ફાળે ગયેલો. એમ તો વારેપરબે, સાજેમાંદે એની ઉદારતા રાતવરતના ઝગારાયે મારતી. આ ઓથ ને ઓશીંગણ, તે બીજું કારણ, મૂંગાં રહેવાનું. ત્રીજું ગણો તો પોતાની હાયવોય ઓછી છે તે બીજી પળોજણ ગળે વળગાડે? આલ્યાની ટોપી માલ્યા ઉપર ને માલ્યો કરે ત્યારે માથે-ની વારસાગત ફાવટ વખત આવ્યે એણે અજમાવી હતી. પાછળ થતી ખણખોદને તે ભાગ્યે જ ગણકારતો. મેળવવું હોય તો થોડુંઝાઝું ખોવુંયે પડે. ઇ ક્યાં ઊજળાંસબાણ લૂગડાં પે’રીને ફરતો! નાનપણમાં નિશાળમાં શીખેલું મીરાંબાઈનું ભજન ઓઢું હું કાળો કામળો, દૂજો રંગ ન લાગે કોય... મંજીરાં બીજાના હાથે વગડાવીને ભાઈબંધ-દોસ્તારોમાં ગાતો. આ ટિખળનો, આ વાણીનો ભેદ ન પારખનારા જાયુંભાયુંએ ઓછા નો’તા વ્યાજની લાલચ સામેના જણને ભેખડે ભરાવવા માટે પૂરતી હતી. અધૂરામાં પૂરું ગણીએ તો માવતર. સુશીનો ભાઈ રાજકારણનો અડંગ ખેલાડી ને તાલુકા પંચાયતમાં સત્તાધારી પક્ષનો સભ્ય તે બખેડા કરવામાં ભારોભાર અનુકૂળતા હતી. દારૂ-જુગારના અડ્ડા, પોલીસ અને જિલ્લા તાલુકાના અધિકારીઓ સાથેની સાંઠગાંઠ, બાંધકામનાં ટેન્ડરની ખૂબીઓના અર્થ શાણા-સમજદારો શબ્દકોશમાં શોધવાના નહોતા. વેઠવાની વૃત્તિને શાણપણનો દરજ્જો આપીને સૌએ એને આપસૂઝમાં ખપાવી લીધી હતી. સુશીલા આ હથિયારનું પ્રયોજન અડખેપડખેવાળા માટે જ નહીં, ખપ પડે તો સાસરિયાં, અરે, ધણી ઉપર પણ કરી જાણતી. પાંદડું ફરકે તો વાઝડીની બીક રહેને? એના ગર્વ અને આછકલાઈ, પરિણામે, ઓસરવાનું નામ નહોતાં લેતાં. શાન્તિ ધંધામાં એવો ખૂંપેલો રહેતો કે ઘરમાં ક્યારેય માથું મારતો નહીં, આ બાબતને સુશી પતિની મૂક સંમતિમાં ખપાવતી. સાસુ-સસરા, બાજુમાં રહેતા કાકા-કાકીના પરિવારની સાથે એ ઈચ્છાનુસાર વર્તી શકતી, પછી બીજા પડોશીઓ તો શી વિસાતમાં હોય! સુશીનો પતિ શાન્તિ મારી પાસે ભણેલો એટલે કહેવાજોગ મારાં બે વેણ સાંભળી પણ લેતી. એની દીકરી એષાનું નામ પણ મેં જ પાડેલું. બધી છોકરીઓ હાઈસ્કૂલમાં સાયકલ લઈને આવતી ત્યારે એષા એક માત્ર એવી છોકરી હતી જે બાઈક પર આવતી. આવાં અભિમાન- આછકલાઈ દીકરીને અભ્યાસથી વિમુખ ન કરી દે એ વાતે મેં સુશીલાનું ધ્યાન ખેંચ્યું હતું. એણે જવાબ ભલે નહોતો વાળ્યો પરંતુ મેં ગાંઠ વાળી હતી કે હવે આવી વણમાગી શિખામણ આપવાથી દૂર રહેવું. બારમાનો ઉમ્બર એણે કઈ રીતે વળોટ્યો હતો, ઇનામ-અકરામ કઈ તરકીબોથી મેળવાયાં હતાં એ અંગે વિવાદ તો દૂરની વાત, ઉલટાની અભિનંદનોની ઝડી વરસી હતી, એષા ઉપર. સંસ્થા સંચાલકો, આચાર્ય-શિક્ષકો તે છેક કારકૂન-પ્યૂન સુધી કોઈએ કસર નહોતી રાખી, બદલામાં ભેટ-સોગાદો, મિષ્ટ ભોજનની મિજબાની મેળવી સૌએ ધન્યતા અનુભવી હતી. મનની ગાંઠ છોડવામાં રહેલા જોખમથી કોઈ અજાણ નહોતું તે પણ એટલું જ સાચું. વિશાળ જનસમૂહ એને કોઠાસૂઝ ગણે તો એમાં આશ્ચર્ય જેવું કશું ન ગણાવું જોઈએ. કદાચ એવી કોઠાસૂઝ સુશીલાનાં કાકીજીમાં નહોતી. કાકીજી એટલે અમ્બાકાકી. બોલે ત્યારે ટીપુંટીપું નીચોવીને, ઝાટકે ને વળગણી ભેગી કરે સામેની વ્યક્તિને. સુશીલા બીજે ધાક જમાવી શકી’તી પણ અમ્બાકાકીને જોતાં અંદર થોડી ઓઝપાઈ જતી. સદ્‌ભાગ્યે, સંજોગોએ એ બે વચ્ચે, ટકરાવ જન્મે એવી સ્થિતિથી હંમેશાં છેટાં રાખ્યાં હતાં. અંબાકાકી માટે આજની ક્ષણ ઉમંગથી ભારઝલ્લી થઈ ગઈ હતી. ન રહેવાતાં બહાર આવ્યાં, શેરીમાં. ઊંચે સાદે બોલ્યાં : સુશી, આમ બા’ર આવ્ય. તને કોઈ કે‘નારં નથી, એમ? આ શીનો ઘજાગરો ચડાવ્યો છે? ખાસડાને આમ ઊંચે થાંભલે લટકાવીને તેં દશેરા ઊજવ્યા. એમ? તને એમ હશેને, આમાં ઓધામામા ને ઈના છોકરાની આબરૂના લીરા ઊડે છે? આમાંથું આપણું કાંય નથી ઊડતું? સપેલપેલ્લા તેં જ એષલીને છુટ્ટો દોર દીધો ને તેં જ પાછી અમરેલી સંકુલમાંથી ઘરભેગી કરી. મા છો. સામું જોયું છ ક્યારેય, આંખ્યું ઉઘાડીને? નૂર છે મોઢે? પૂછ્યું? પૂછ્યું ક્યારેય પડખે બેસાડી, શું છે તારા મનમાં? બીજાની પળોજણમાંથી ઊંચી આવે તો પેટના જણ્યાની સંભાળ લેને? ગમે કે નો ગમે, કે’શે તો કાકી કડવી લાગશે....ઃ હામ જગાડવા આટલાં વેણ પૂરતાં હતાં. ધડોધડ બારણાં ખૂલ્યાં. પડોશની બાયુંના લૂમખેલૂમખાં, આ પા, તે પા. એક બાઈએ સૂર પુરાવ્યો : અમ્બાકાકી કે’છ, સુશી, ઈ વાત તારે કાને તો ધરવી જ જોવે... : સુશીલાના કાનમાં પહેલીવાર સીસું રેડાયું. આંખમાં આગ ભભૂકી. બોલનાર પડોશણ સામે નજર નોંધીને કશુંક કહેવા એણે હાથ લંબાવ્યો, ત્યાં જ કાકીએ એનું કાંડું નીચે નમાવ્યું ને કહ્યું : નાના-મોટાના ભેદને હવે તો ઓળખ્ય! છોડીના હાથ પીળા કરવાના દિ’ આઘા નથી. નછોરવી હતી ને પગથા પિ’રમાંથી આવેલી ગણીને સંધાએ મોંઢામાં મગ ભરી રાખ્યા. એમાં શાંત્યો બે પાંદડે થયો. ત્યાં તું તો ધુમાડા કાઢી ગઈ. થૈ ફૂલીને ફાળકો, નો સાસુને, નો ગણકારે હાહરાને. તું બાજરાનાં ડૂંડાં લણી લાવી છે ને આંયા ઊભાં છ ઈ જાર્યનાં કણહલાં? : કોઈ ચારણ-ગઢવીના ગળાનો આશરો લઈને કહેવું હોય તો, ચાંદો ચોકમાં ઊગ્યો છ, હો? આજે, એટલા લાંબા ગાળા પછી પડોશની બાઈઓ પૂરા સામર્થ્યથી, ખંચકાયા વગર અંબાકાકીની અડોઅડ ઊભી હતી. આટલા લાંબા ગાળા પછી પહેલીવાર સુશી મૂંગી મૂંગી સાંભળતી રહી; ભલે તોબડો ચડાવીને, અકળાતી, કશું ન સૂઝતાં, મૂંઝાતી. એની જીભ ગાભો થઈને ઊભી, ખરે ટાંકણે ઈચ્છવા છતાં વેણ જીભના ટેરવા લગી લંબાઈ ન શક્યાં. ચંપલનો તાશીરો સૌને હસાવતો હતો, છાનો છાનો. સૌ પોતપોતાની રીતે એનું અર્થઘટન કરતાં હતાં. વાતનું વતેસર થતાં તે શી વાર? નવનિર્માણ સોસાયટીની અહીંની બાયું જ નહીં, ગંજીમાં સોય ગોતવા, જૂના ગામતળનું એકેએક જણ ગાડાં-ખાતરણી લઈને તૈયાર જ ઊભાં હતાં. અસુખ થતાં, નંદલાલ પણ મારા ઘરની પાછલી ખડકીમાંથી પ્રવેશ્યો. પૂછવા જતો’તો ત્યાં એણે નાકે આંગળી મૂઠી, મને મૂંગા રહેવા સૂચવ્યું. પછી ધીમા સાદે બોલ્યો : કઉં છૌં... નાડાં તોડાવ્ય મા...ઃ ઃ તને યબાયુંની જેમ : મેં કીધું : આવાં જોણામાં કોણ જાણે ક્યાંથી નવરાઈ મળી જાય છે! : જિજ્ઞાસાવશ પૂછી લીધું મેં : આ તૂટેલા ચંપલનું શું તૂત છે? : ઃ આમ કો’તો ઈ વાતમાં ઝાજો દમ નથી ને આમ કો’તો...ઃ ઃ મોણ નાખ્યા વિના વાત નો થાય, વાણીપતિ? : સંબોધન સાંભળી તે મલક્યો; બોલ્યો : અંધારાની ઓથે કાન માંડ્ય. અરધુંપરધું વગર કીધે સમજાઈ જાહે, તને : આમ તો મને કોઈની અંગત વાતોમાં ભાગ્યે જ રસ લેવાનું ગમે, આવું આવું વિચારું ત્યાં જ નંદલાલનો અભિપ્રાય મારા કાનમાં ઘૂમરીએ ચડ્યો : વારતા જેખું. પાન-માવા-મસાલા-ફાકી... તું જિ ગણે ઈ, અટાણે આ બંગલાના નાકે... : ઊતરતી સાંજ, થોડી થોડી વારે પ્રસરતી સ્તબ્ધતા અને ઠંડી. બારીના કાનમાં કોઈ આવીને કહેતું હોય એવી બહાર થતી વાતો નિકટ લાગવા માંડી. સુશીની જીભ ઊઘડી હોય એમ લાગ્યું : તે કાકી, તમે જ ક્યો, ઈ ભૂખડી બારશને ન્યાં... મારી એષાને... છોકરાનો બાપ... લૂલો... આપણી વડ્યના ગણાય? ન્યાં...ઃ ઃ કોણ કે છે વળગાડ્ય? : અંબાકાકીના સ્વરમાં તીખાશ ભળી : હાંભળ્ય, હંભાળવા જેવી ચીજ પટારે રખાય, મોભારે નો ચડાવાય. કેતોતો... કેતીતી – ઈ હંધું કાને નો ધરિયેં. તું જ કે’, જાશ, ગામને મોઢે હવે ગવણું બાંધવા? : પછી થોડાં ટાઢાં પડીને બોલ્યાં : હમજી લે, ઓધો મામો તો મારે છેટેનો મામો, તારા જેટલો ઈ ઓછો ઢૂંકડો ગણાય? તું એમ નો માનતી કે હું પાણી વલોવ્વા બેઠી છૌં... : પછી આંખે હાથનું નેજવું ધરીને બોલ્યાં : મને નથી ખબર્ય? ઓધામામા પરાર્ય આપણે ઘિર્યેર્ આવ્યા ત્યારે તું બજારમાં મન ફાવે એવું બાફતીતી, તે, મામાએ પોતાનાં જાણી, છાતીમાં સંઘરી રાખવા જેવું એક જ વેણે કીધેલું : લાજું તો ગૈ કાલની વાત થૈ, હવે તો અમેય અમારી વવરુને આઘે ઓઢવાનું નથી કેતા... દીકરી ને વઉમાં ફરક જોવો હોય તો એટલો જ કે વઉની બોલીમાં મરજાદ દેખાય ને દીકરી? દીકરી ગળઢું માવતર થૈને બાપનેય ફુંફાડો મારી હકે, જમાનો જમાનાનું કામ કરે : આટલી વાત ને આટલી ચીત. તેદૂની તું... : પછીનું વાક્ય સ્ત્રીઓની બોલાશમાં ઓગળી ગયું. ઓધાભાઈ અને એના લંગડા દીકરાનો સંદર્ભ સમજાતાં મને વાર નો લાગી. ઓધાભાઈ અંબાકાકીના દૂરના મામા. મૂળ ગામ અહીંથી સાવ નજીક. આછીપાતળી ખેતી ને એવું જ આછું પાતળું દૂઝાણું. મોટા દીકરા સુરાએ મોબાઈલનો શૉ રૂમ અહીં કરેલો. એનો જમણો પગ ચાલતી વખતે લંઘાતો. કડબ ભરેલા ભરોટેથી ઊથલી પડેલો. મહિનો-માસ હૉસ્પિટલમાં રહેવું પડેલું પણ બચી ગયેલો. પગમાં રહી ગયેલી ખોડને લીધે વાડી-ખેતરના ધોડા ને ટાણે ટાણે કરવી પડતી ખેડ્ય – આ બધું એને માટે સરળ નહોતું. બે વરસ અગાઉ કપાસના ભાવમાં બખ્ખા પડ્યા ને નસીબે હોંકારો દીધો. નાતના બીજાઓની જેમ એમણે ય દસિયા ભાગે કપાસના વેપારમાં રોકાણ કરેલું. બીજાઓની જેમ, ઓધાભાઈના ભાગ્યે પણ જોર કર્યું. કપાસના વેપાર સાથે જ મોબાઈલનો શૉ રૂમ ઊભો કર્યો, એય પાછો બજાર વચ્ચોવચ્ચ. પડતર જમીનમાં પ્લોટ પડ્યા હતા એમાંયે વેંત જોગું મકાન ઊભું થયું. કૈંકની આંખ્યું ઓડ્યે ચડી. દીકરા સુરાનું ખોડંગાતું ગાડું હવે મોટરસાયકલનું રૂપ પામ્યું. સુરો, આમેય દિમાગથી ક્યાં તૂટી ગ્યો’તો? પગનું સાટું જીભ વાળતી હતી. ખુરસીમાં બેઠોબેઠો જ ફોન અને મોબાઈલ વાટે દુનિયાભરનો આંટો વાઢી આવતો. ખપ પૂરતી બહારના માણસની આટલી વીગત આપણી જાણમાં હોય તેને હું પર્યાપ્ત ગણું છુ. નંદલાલની વાત જુદી છે. તે ઉંદર થઈને ડુંગર ખોદવાના પરિશ્રમને પળોજણ નહોતો માનતો. દરેક ભોંયરાં રહસ્ય સાચવીને બેઠાં હોય છે, ભલે, તે પછી પોતે જ બનાવ્યાં હોય. એક દી’ આપણા માટે તે પણ ભેદભરમના ખજાનારૂપ બની જાય છે. તોતિંગ દરવાજે કાટ ખાઈ ગયેલા તાળાની કૂંચી આપણે જ બનાવવાની હોય છે. એમાં જ ઓહો ઓહો છે. મારા જ શબ્દોને પોતાની જીભે મૂકી અનુકરણના લહેજામાં કહેતો : પરિણામે બુદ્ધિમાં ચાતુરી ને તાજગીનો અનવદ્ય અનુભવ થાય છે : નાની, નાખી દેવા જેવી વાતને વળ ચડાવી રજૂ કરવાની આવડતને પુરુષાર્થના ઊંચેરા શિખરને સિદ્ધ કર્યાનો ભાવ પ્રતીતિપૂર્વક ન કરાવી શકે તેને વ્યક્તિની ક્ષતિરૂપે તે જુએ છે. નહોતી, એમ નહીં કહું. મને ય હતી, પડોશી હોવાના નાતે થોડી જિજ્ઞાસા, પત્નીને પૂછેલું : સુશીલાનું કમઠાણ, બીજું શું? : કહીને એ કામમાં પરોવાઈ ગઈ હતી. હું હતો ય મારા લખવા-વાંચવામાંય મસ્ત. નંદાને પૂછી લીધું : આ તૂટેલા ડુવાલવાળા ચપ્પલનું શું છે? : ઃ તારે વારતા માંડવી હોય તો આમ અથર્યા નો થવાય. ઓેલો, સુરા ખોડાનો દીકરો છે ને, પુનિત? મેં નંદાને અટકાવી સુધાર્યું : સુરા ખોડા નંઈ, સુરા ઓધા...ઃ હસવું રોકવા એણે હોઠ ઉપર હાથ દબાવ્યો : ખોડા ખોડા... સુરા ખોડા સાત વાર... એનો પગ ખોડો નથી? : મને એક બાજુ ગુસ્સો આવતો’તો, બીજી બાજુ હસવું, હસવું ઠહાકામાં ફેરવાઈ ન જાય એટલે દબાવીને અમે ફૂહ... કરી લીધું. નંદલાલની ટ્રેન બીજો પાટો બદલાવે તે પહેલાં મેં એના કાન પાસે મોઢું રાખીને પૂછી લીધું : તૂટેલા ડુવાલવાળું... ઃ આ પુનિત, ભણતો જાય ને નોકરી સોતે કરતો જાય. અમદાવાદમાં કાંક પીજીડીસીએ કે એમસીએની ડિગ્રી મેળવશે. હારોહાર બા’રની સરકારી પરીક્‌ષાઉં... ઓલું શું કે છે... નેટ કે સ્લેટ કે જિ ક્યો ઈ, એમાંય માળો ધમધોકાર. થાંભલાના દીવા હેઠે બેહીને વાંચનારાએ જ કાંક કરી દેખાડ્યું છે...ઃ ફરી એને આંતર્યો : હું પૂછું છું કાંય ને તું... : નંદાએ દાંત કાઢ્યા : ઈ જ. ઈ જ. હમણે વેકેશન છે એટલે આ પુનિત, સેમસંગના શૉરૂમને પગથિયે, મોબાઈલમાં વાતુંના તડાકા ઝીંકતો હોય. કાં એસેમેસ કરતી આંગળિયું ઘોયાં મારતી હોય. સુશીના બંગલાની બારિયું શેરીના નાકે પડે ને શેરી ગામની બજાર પધોર્ય, તે ભારીનો મેળ પડે. એમાં બેચાર દાણ, એની છોડી, શું નામ?... એષા... બેયની નજરુંનો મેળ થાતો સુશી જોઈ ગઈ હશે... એકાદ વાર પુનિત કને જઈને ફૂંફાડો યે મારી આવેલી : તારે બીજે બેહવાનું ઠેકાણું નથી તે મારા ઘરની બારી હામે જ ખોડાઈને બેહે છ? : ઓલ્યો કે’ : મારા શૉરૂમનો ઓટલો મૂકી, મામી, પારકા ઓટલા ભાગું? : તો કે’ : એક વાતની હજાર વાત, તને કઈ રાખું છું, હવે આંયા બેઠેલો જોશ તો મને ભૂંડી થાતાં વાર નંઈ લાગે. બાપ જેમ થાશ અધકચરો .. સંભારજે પછી, મામી શું કે’તીતી! : થયેલું ય ખરું : સુશીના ભાઈએ પુનિતને ઢીબેલો ને બજારમાં હો-હા મચી ગયેલી. ઓલો છાતી કાઢીને... ઢક્‌..ઢક્‌.. કરતો બુલેટ પર આવ્યો’તો એવો જ ગામ વીંધીને બા’રો નીકળી ગયેલો. ન ધાક, ન ધમકી. વીજળીના ચમકારે મોતી પરોવીને વે’તા... આ ઈ ઢૂંહાની પરાણ્ય તેદૂની હાલે છ... : બારી બહાર આછોતરી આંખ ફેરવી, ખુરસી મારી નજીક ખેસવીને બેઠો : હવે તારા સુવાલનો, તારી ભાષામાં કઉં તો, ઉત્તરાર્ધ : પુનિત એમ ફાટી પડે? ઈયે આ જ માટીમાંથી ફણગીને મોટો થ્યો છ. મફલર નંઈ, ગળામાં ખાંપણ વીંટાળીને ફરે ઈ જ મોબતની મજા લૂંટે. સાંજ આમ રોજ નમતી રઈ. કોઈ ફારફેર નંઈ. ડખાને આરો વારો ને ઓવારો નંઈ. ઊલટાનું વધ્યું. પુનિત, સામી છાતીએ એના બંગલાના રાઉન્ડ કાપતો થ્યો, મોટરસાયકલ ઉપર બેસીને, એમાં શું થયું, ચાર દિ’ મોર્ય? : નંદાની વાતને હવે ઢાળ મળતો હોય એમ મને લાગ્યું : ... હંદરોજની જેમ બેઠો’તો પુનિત, ઓટલે, મૂળ આમાં છે... આપણી ઓલી રાંડીરાંડ બાય-સવિતા ફૈ-નો બાલિયો... ગાંડો... કોઈ નો વતાવે ત્યાં લગણ ઈ ભલો ને ઈનો બબડાટ ભલો, ઈ તો તું ય જાણે છે ને? પોતે જ ડબલ રોલમાં, બાનો રોલ ભજવે તો બાપો ય પોતે થાય. ક્યેંક રાણક, ક્યેંક રા’ખેંગાર, એમાં કોકે મોબાઈલનું ખોટું ડબલું એના હાથમાં પકડાવી દીધેલું. ઠાલેઠાલા નંબર મેળવે. કાને માટે : વીરુનો છગ્ગો, હેટ, હાળો કે... : વળી નંબર મેળવી કાને માડે. પછી ગાળોની ઝંડી : બાલો બુંધિયાળ કેને કે’છ, હેં? તું... તારી મા... તારો બાપ બુંધિયાળ... : પાછો ફોન કાપીને બોલે : કટ્‌... : વળી પાછી રિંગ સંભળાતી હોય એવી અદા કરે : તું?... તને કીધું નંઈ? હાંભળવી લાગે છ... : અને મોંપાટ શરૂ...ઃ તારો બાપ... તારો દાદો.... એનો દાદો.... એનો ય દાદો... : સામે કલ્પિત વાત કરનારની સાત સાત પેઢીને મસાણમાંથી ઊભી કરે. બજારમાં વારેવારે ઠેકડી-મશ્કરીનો ભોગ બને. કોઈ વતાવે પછી એનું ધાર્યું નંઈ. બોલો બુંધિયાળ... બાલો ચડ્ડી... આજ રવિવાર છે તોય બાલા, તારી પોસ્ટહોફિસ ઉઘાડી ... : બજારમાં સામસામી પથ્થરવાળી થાય. બાલાની ગાળો, બીજાની મોજ : મારાથી રહેવાયું નંઇ રીતસર નંદલાલનું બાવડું પકડી મેં એને રોક્યો : મને ખબર છે. પાંત્રીશ-ચાલીશ વરસથી આ ગામમાં હું યે નાછૂટકે રહ્યો છું : કહેવાનો ટોન સમજી જતાં તે થોડો અકળાયો. થોડો લજવાયો. થોડો થોથવાયો : એમ જ કોક મસગરી કરનાર વાંહે.... હાથ લાગ્યું તે હથિયાર ગણીને, પોતાના તૂટેલા ડુવાલવાળું ચંપલ ફેંક્યું... ઓલ્યાએ માથું હેઠું કરી લીધું. તે સઊઊઊમ આવ્યું, મોબાઈલ ઘુમડતા પુનિતના મોં ઉપર... જુવાન લોઈ, તે ધગ્યા વગર રે?’ પકડ્યો ઘોડીને એણે બાલાને કાંઠલેથી. હટાણું કરનારા ને દુકાનવાળાએ બાલાને છોડાવ્યો : એમાં બાલાનો શું વાંક, પુનિત? એણે તારા ઉપર ક્યાં ફેંકવું’તું? અને આમેય, ઈ બિચારાનું મગજ ઠેકાણે છે? નથી... તું તો રાખ્ય, ભલા’દમી! ...ટૂંકમાં, આ ઈ જ તૂટેલા ડુવાલવાળું ચંપલ... સુશીએ કોક છોકરાને ફોસલાવીને મેકલ્યો ને કર્યો ન્યાં વીજળીના થાંભલે, ધજાગરો. ઓછું હતું તે, ઈ જ છોકરાને, બાલાને બોલાવી લાવવા મોકલ્યો. બાલો આવ્યો. નવાં ચંપલ લેવા એના ગુંજામાં રૂપિયા સોતે ઠાંસ્યા. મીઠાઈ ખવરાવી તે ઉપરિયામણમાં. પટાવતી હોય એમ કીધું યે ખરું : ઈ પુનિયાને બીજી વાર ઠપકારીશ તો એક જોડ નવાં લૂગડાં ને ચંપલ ને પેંડા... લ્યો કરો વાત : પછી મારી આંખમાં આંખ પરોવી બોલ્યો : એકલી શ્રીમંતાઈથી માણહ નથી ઠરતો. નથી ઠરતી બુદ્ધિ. તો તો દુન્યા આખ્ખી લેનમાં ઊભી રઈને પરસેવો નીતારતી હોત પિંડીએ....ઃ નંદાના આખ્યાનનું નામાચરણ આવે ત્યાં એના સતર્ક કાને બહારથી ઊંચા અવાજે થતી બોલાચાલી ને હીબકાંના સ્વર ઝીલ્યા. મારું બાવડું પકડીને લગભગ એણે મને ખેંચ્યો. દાદર ઊતરી અમે નીચે આવ્યા. ખડકી ખોલી, બહાર પગ મૂકતાવેંત સુશીના રડમસ શબ્દો સંભળાયા : હું શું કરું કાકી... કોઈ છે મને ટોકનારું? તમે જ માર્ગ ચીંધો...ઃ ત્યાં કોઈ છોકરી હાંફતી આવી, વાવડ આપ્યા : સુશીકાકી, તમારા અગાસીની વાંહ્યલી કોર ગાંઠ્યું વાળેલા સાડલા લટકે છે : સુશીલાના હૈયામાં પડેલી ફાળ હજી તો શમે ત્યાં હીરોહોન્ડા ઉપર આવીને એક છોકરાએ જાહેરાત કરી : લાપટ નો’તી તિ એનો લાભ લૈ પુનિત એક છોડીને વાંહે બેહાડીને વલભીપુરને કેડે ચડી ગ્યો છ. એક તો અંધારિયું ને એમાં આ બોડવાળાના ધાંધિયા... ઓલી છોડીએ, ડાકુરાણીની ઘોડ્યે એની ચૂંદડી માથે-મોઢે વીંટેલી... નકર ઓળખાય જાત : સુશી ત્યાં જ હામ હારીને બેસી પડી. અમ્બાકાકીએ એના વાંસામાં હાથ ફેરવ્યો : મુંઝાઈ નો મરતી. અમે છવીંને! આવ્વા દે તારા કાકાને,... શાંત્યાને. જાશું આપણે ન્યાં, ઓધામામાને ઘિર્યે. વાતનું વતેસર નો કરાય. ઘી તો ખીચડીમાં જ ઢોળાયું છેને? : ધીમેથી છાતીમાં શ્વાસ ખેંચીને અંબાકાકી બોલ્યાં : તમે શું કો’છ, બાયું? નંદાની પારાયણ પછીની ઘટના આટલી ઝડપથી બનશે એવી મને કે એને ક્યાં ખબર હતી? એણે મારો હાથ દબાવ્યો