મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૯. વઉ

From Ekatra Wiki
Revision as of 04:58, 25 March 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯. વઉ


કોઈ દિ’ નંઈ ને આજ, પેલવારુકો પમલો કાનિયાની ચિંતા કરતો’તો : એના બાપનું તો હમજ્યા, પણ આ ક્યાં ઠરીઠામ થ્યો હશે? .... પછી એકદમ મારે ખંભે હાથ મૂકીને બોલ્યો, ‘હાલ્ય તારી મોટીબા કને, એને પૂછવીં, ઓલી વારતામાં થાય એવું સાચનાવાટી થાય?’ મને કાંય હમજાતું નો’તું તે એની હામે ટીકીટીકીને જોય’ર્યો, આજ મને એણે ગાળ નો દીધી કે શરીરથી ઝંઝોડ્યૉ ય નંઈ. કાન્યાને ભાળ્યો નથી તેદૂનો ઇ જાણે પમલો જ નંઈ. સાવ બદલાઈ ગ્યૉ છ. નકર મોટીબા આરેવારે બે વેણ શિખામણનાં સંભળાવતાં : ઇ વાણિયાશેરીના પાનાચંદ હરખચંદ મિયાણીના પમલાની રવેડીએ તારે ચડવાનું કાંય કારણ ખરું? થૈ હકે તો, ભગવાને સોનાના બે હાથ આપ્યા છ, સારાં કામ કરવાં, થાય તો કરવાં, નૉ થૈ હકે તો ઘરમાં પગ વાળીને ઠઠ્યા રંઈ : ફોસલાવતાં હોય એમ કે’તાં : તારા બાપે એન ચોપડિયું લાવી આપી છ. આડે પડખે થૈને બે પાનાં વાંચવીં તો ય કાંક કાયાનું કલ્યાણ થાય. મારી બાને સાંભળીને લાગ મળી જતો. ગઈ કાલે જ પંદરમી ઑગસ્ટ ગઈ. હું નાનો નથી. દસ વરહના છોકરાને ભાન હોવું જઈ કે, આખ્ખો દેશ મારો જનમ દિ’ મનાવે છે તો મારા હાથથી એવું એક્કે કામ નૉ થાવું જોંઈ... મને કંટાળો આવતો. કે’વાનું મન થતું : કઈ ઊંધી રવેડીએ ચડ્યા અમે. કોની ભીંત્યુંમાં બાકોરાં પાડી ચોરિયું કરી?... અને જ્યારે ને ત્યારે પમલાની જ પારાણ્ય ... નિહાળ્યે વ્યાસ સાબ્ય, આપણા દેશને આઝાદ થયા ને આજ પંદર વરહનાં વા’ણાં વાઇ ચૂક્યાં. તન-મન અને વાણીવિચારની મુક્તિને સાચા અર્થમાં સમજીશું આઝાદી... : ઘરે હોંઈ કે નિહાળ્યે, બસ, બધાં પતઅડી જ ખાંડ્યા કરે. મનમાં ને મનમાં આવું થતું. બોલાય નંઇ. મોટીબા મૉગું ચડાવીને બેસે તો વારતા મૉભારેથી હેઠે ઊતરે જ શાની? અને મારી બા યે ભારે પાકી, મોટીબા હોય ત્યારે જ, આ કર્ય ને તે કર્ય, એમ ચીંધી-ચીંધીને ઠડ કાઢી નાખે. છૂટક્યો જ નંઇ, ઉશ્કેરે મોટીબાને : બા, વાળુ પછી ઓલી નભ્ભાયને તમારે હોઠે બેહવા જ નૉ દેતાં : અમે તો સમજવીંને, ‘નભ્ભાય’ એટલે કોણ? વારતા. ચીંધેલાં આહવતાં, પાછાં મૉઢાં ફુંગરાવીને કરવીં તો ય નો પોહાય. મોટીબાનું ય એવું. ગોઠે તો કે’લાંઆંઆં બી. પાંચ નંદી, પાંચ દરિયા, પાંચ જંગલ ને પાંચ પર્વતની ખેપ મારીને આવે એવી, ને નૉ ગોઠે તો છોટિયા-વા માંડ હાલે ને પોતે, માથે ગોદડું ઠાંસીને પડખું ફરી જાય, ખાટલીમાં. પગને તળિયે ગદગદિયા કરવી ને સૂવા નો દેવી, પછી ક્યાં જાય? એટલે કે’ ખરાં, પણ મજો નો પડે. એને લીધે ભાયબંધ-દોસ્તારુંય કંટાળીને પોતપોતાનાં ફળિયા ભણી વળે. આમ કો’તો બા ને મોટીબાની વાત નાખી દીધા જેવી ય નો’તી. મારા બાપુ મંડળીના મંત્રી, એટલે મને હંધાથી નાનો હોવા છતાં હાર્યે રાખતા. રમત વખતે પમલો કે’તો : જનકો દઈદૂધમાં : મોટેરા છોકરા હાર્યે આપડને કોય અમથું રમાડે? મોડી રાતે ઠેઠ ખડકી લગણ મૂકવા આવે? એક દાણ મારી બા પાણીશૅવડેથી માથે બેડું મૂકીને આવતી’તી, તયૅ અમને ભાળી ગ્યેલી. પમલો, ભોળા બચુ કુંભારની ગધેડી ઉપર સવારી કરતો’તો ને અમે વાંહે સાંઠીથી સબોડતાં સબોડતાં એને ધોડાવતા’તા. મારી બા ફૂંકણી, તે મોટીબાના કાનમાં ફૂંકી માર્યું. પત્યું. વાળુ વાળુને ઠેકાણે ને વારતા વારતાને ઠેકાણે : શારદુ, લાવ ન્યાંથી સાંઠી. એને ખબર્ય પડે, સાંઠીનો સુવાદ કેવો હોય! : જો કે માર્યું નંઈ પણ મોટીબાના વેશે માલીપા ફરફોલા ઊઠી આવ્યા. મને થયું : પમલો કે’ એટલે બીજાની હારોહાર હાલી નીકળવાનું? ઈ તો એના બાપનો સાત ખોટ્યનો છે તે એના બાપા હંધું એનું સાંખી લ્યે. ઈ એની દુકાનમાંલી છાનીમુની બીડીની ઝૂડી સંતાડીને લાવ્યો હોય, બીજા ગજવામાં દાળિયા ને ગૉળ ઠાંસ્યા હોય, બીડી પીધા પછી મોઢામાં વાસ્ય નૉ આવે એટલે ખાવા સારું. નંદીના પટમાં બીડિયુંની સટ લેવાતી જાય ને હા-હા-હી-હી. ઉપરાછાપરી ગોબરી વાતુંના છાલકાં ઠલવાતાં હોય ન્યાં : રૂખડ સવાની ઑતરાળી નવેળીમાંથી રાતના મેં રૂડીભાભીને લૂગડાં ખંખેરતીક ભાગતી ભાળેલી. ખોટું કે’તો હોવ તો નાખવા છ રવદ? એની છોડીની મૉ-કળા લગરાક નીરખીને જોજ્યોને, તાળો મળી જશે. મેં પૂછ્યું કે : મને નો હમજાણું : તો હંધાય હી-હી કરીને દાંત કાઢવા મંડ્યા, પમલો કે’ : તને અમથો દંઈદૂધમાં રમાડતાં હશું? હજી તારા મોઢામાં દૂધ ફોરે છ : એમ વાતુનાં સાંધોડિયા થતાં થતાં ઠેઠ ગામ ફરતો આંટો વાઢી લ્યે. બીજાને સામ દઈદઈને બીડી પિવડાવે, પમલો. મને તાણ્ય નો કરે. સમજે : આની મોટીબાને તમે ઓળખતા નથી. ઉધરસ ખવરાવીને આનું મોઢું સૂંઘે, મરને ગમે એટલા દાળિયા ને ગોળ ખાધા હોય. ડોસી એમ તો મંદર્યા છે : પમલા, મારી મોટીબાને ગમે એમ... : એટલું જ બોલું ત્યાં મારે મોઢે હાથ દાબીને કે’ : ભૂલ થૈ ગૈ. હવે નો કૌં. પાછો એની પાંહે બાફતો નંઈ. અમારી હાર્યે તને રમવા નંઈ આવ્વા દ્યે, ને વારતા વારતા ને ઠેકાણે રે’શે. ખડકીમાં પગ જ નંઈ મેલવા દ્યે : મને ભલે નો પાતો બીડી, પણ કાનાની તો ઈ માવડકી જ આશી નાખતો. અમારા હંધામાં સૌથી લૉઠકો ને પાંચ હાથ પૂરો. હોઠ ઉપર મૂછ્યુંના દોરા દેખાતા. પમલો કે’તો : આને પવણાવ્યો હોત તો અટાણે બેલડાનાં છોકરાં એની માની છાતીએ ટિંગાતાં હોત : કોની આમ પત્તર ફાડવામાં, ભગવાન જાણે, એને શું લેવા મજો આવતો હશે? કાનો આવું બધું સાંભળી લેતો ઈ મને નૉ ગમતું. નકર ઈ ધારે તો પગની આંટીએ એવો ચડાવે કે સવા કુંભારનો ચાકડો, જાણે. બાંબઅડા નખાવ્યે પાર. પણ કાનોભાય સીધી લેનનો તે દાંતમાં કાઢી નાખે. ઈ બીકના માર્યા જ, એણે સામીનારાણ્યની કંઠી બંધાવેલી. પમો બીડી અંબાવે તો ઈ કંઠી દેખાડતો. કાનો મોટીબાની વાતમાં આવી જતો ને માંડીને ભાયબંધ-ભેરુની વાતું કરી દેતો. ઈ રાજી થતાં : આપડા સંગનો રંગ સામાને લાગવો જોવેં. એની ઍબનો ચેપ આપણને નૉ વળગવો જોવે : અને કાનાંને માથે સુંવાળો હાથ ફેરવીને કે’તાં : ઈ પમલાનો વદાડ તમારાથી ઓછો કરાય છે? નથી તારી માથે છાપરું કે ખેડી ખાવા ભૉ. ગામમાં ગરાસ નૌં ને મોસાળે મોકાણ્ય નૈં. સગુંવા’લું જે ગણો ઈ આ ખોબા જેવડું ગામ. કે’નારે અમથું કીધું છે, બાર બાદશાઈ ભોગવતો બાપ મરજ્યો, મૂઠી હાડક્યાંની મા નૉ મરજ્યો. એના બાપને દયામાયા કેવી? કે’છે, કોક મરાઠણ હાર્યે ઘર માંડીને રે’છે, મુંબયમાં. સંધું લૂછીગાછીને, ભૉભાંખળું થાય તિ મોર્ય, અઢીતેણના છોકરાને ગામભરોસે છોડી તાંતરવી મેક્યા. આજની ઘડી ને કાલ્યનો દિ. ગ્યો ઈ ગ્યો. અરે, ગમ્મે એવું કઠણ કાળજું હોય, પોતાના પુંખડાને નીરખવા છાનોમુનો આવીનેય નેજવેથી બે ટીપાં પાડી જાય. થ્યું, જેવાં આનાં નૅ એનાં કરમ : કાના ભણી હાથ લંબાવી કે’ : ઘરેઘરનાં ઠેબાં ખાવાનું લખ્યું હશે નશીબમાં! ઓહો હતું મકાન, અટાણે નકરાં ભીંતડાં ઠઠ્યાં છે. ગાર્ય ગોરમટી વિન્યા ખોરડું ઓછું ઊભું રે?’ઃ મને થતું : મોટીબા આવું વળીવળીને શું લેવાને ઉખેળતાં હશે? હમણે હીબકે ચડશે. ઈ બે ગોઠણ વચાળ માથું રાખીને એમનેમ બેઠો’ર્યો. ઊંચું જોયું તો આંખ્યું કોરીધાકોર. મોટીબા કે’તાં એમ, પછે દખ પણ કોઠે પડી જાય. રેતાળ ભૉ ભેજને ય નીચોવી લ્યે. મોટીબા આમ ભલે વઢકણાં, મનમાં કાંય નંઈ. શેરીનું ડાંખરું કૂતરું હોય કે ભરાડી ભામણ હોય, મોટીબાથી રાશ-વા છેટાં હાલે, કે’શે : ડોશી મફતની ડાંશી નાખશે : જો કે મેં કે કાનાએ એને વારોતારો કરતાં નથી જેમાં કોઈ દિ : શું પારકું ને શું પોતાનું? ઈ બધી તો મનજીભાયની માયા છે : એટલે જ કાના માટે એને મોઢેથી આવું-આવું નીકળતું : આ તારી બાને અઘઅણીનો (દીકરો) જીવ્યો હોત તો કાનાની સારથનો હોત. જોને, થ્યો છ ને, મોંભારાને ટેકો દ્યે એવો. એની નાતમાં તો દૂંટીએ ચાંલ્લા થાય. એની મા જીવતી હોત તો વોવનો ખોળો ભરીને માવતર સાતે લૈ ગ્યાં હોત : મારી બા કે’તી : એની પાંહે એવી વાતું રે’વા દ્યો બા, જોવો, એના કાનની બૂટી રાતી થૈ ગૈ : કાનો શરમાઈને, મારું બાવડું ખેંચી, મને બા’ર લઈ જતો. એને એક વાતે સુખ હતું. ગામે મળીને પાદરમાં એક ચબૂતરો કરેલો. પારેવાંની જાર્ય રાખવા હેઠે એક ઓઅડી બનાવેલી. સરપંચે ઈ ઓઅડી કાનાને આપેલી ને સવારે ચણ નાંખવાનું ને હંદરોજ્ય વીંછળીને ઠીંબમાં પાણી રેડવાનું ય એને સોંપેલું. ચબૂતરે ચડીને વેરતો હોય ત્યારે પારેવાં એને માથે, ખંભે ને ખોળામાં બેસવા ચડસાચડસી કરતાં હોય, પારેવાં ઉપર ભાવ વગર્ય આમ ઓછું થાય? સભાવનો જ સરળ. ઘરેઘરનાં આહવતાં કરવામાં એણે મોં મચકોડ્યું હોય એવું કોઈને યાદ નથી. ધોમ ધખતો બપોર હોય, હાડ ઠારતી શિયાળાની સવાર હોય કે કાળી મેઘલી રાત્યે, બે કાંઠે ઝાલકું દેતી નંદી પાર કરવાની હોય-ઈ હાજરાહજૂર. માદાં છોકરાં છૈયા કે ડોસી-ડગરાને દવાખાનાં ભેળા કરવામાં કોઈ પણ કરતાં બે ડગલાં મોર્ય હોય. મારા બાપુ એના આવા આવા ગણની વાતું કાયમ કરતા, એની દુખતી રગ પમલાના બાપા હરખચંદ પાનાચંદ બરાબરના પામી ગયેલા. તેં વારે વારે એની ઝપટે ચડે ને કામકાજમાં તોડાવે. તતડાવે. તાવે. બદલામાં વધ્યું-ઘટ્યું શિરામણ કે ગજવામાં મૂઠી દાળિયા પડતા. બધાં જોકે હરખચંદ પાનાચંદ નો’તા. બપો૨ા કે વાળુનો વખત હોય ને ઈ જેને ત્યાં હોય-પેટની ઘંટીમાં બે ય ટંકના દાણા ઓરાઈ જતા. કામમાં ચૂક થઈ જાય તો મોટેભાગે કોઈ ગણકારતું નંઈ, પણ કોક ઉતાવળિયું બે કડવાં વેણ કે’તો એવાં વેણને વેઠી લેતો. મને થતું એની આંતરડી કેવી કકળતી હશે? બિચારો, ચબૂતરાની ઓઅડીને છાને ખૂણે, કાથીને ખાટલે પડ્યો પડ્યો, એકલોઅટૂલો રોઈ લેતો હશે. રાતનાં ઈ સૂની ઓઅડીમાં કોણ એનાં હીંબકાં સાંભળવા નવરું હોય? છૂટક દાડીદપાડીમાં એને પાંચપચ્ચીનું રોજ સૂઝી રે’તું. ખીસાખરચી બીજી તો ક્યાં એને ઝાઝી હતી? મારી બાને સાચવણ માટે પૈસા આપી જતો. મારા બાપુ મંડળીમાં, તે ગામમાં સારું બધે, ભીખા પગી કનેથી કાનાને એક ગદીડી અપાવેલી : લૈ જા. ચારા જોગું તો તને મળી રે’શે. સવાર-સાંજ, અમારા જેખું આવી ચડે તો બીજાનાં ઘર દોતવા નંઈ. બકરીનો આ વાંઘલો ટાંગો ખેંચ્યો, આ બે શેડ પાડીને મંગાળે ચા કપલેટ : સાંભળીને ઈ બૌ રાજી થ્યેલો. મારા બાપુએ કીધેલું : ચબૂતરો, રાતવરતનો, નકર ભેંકાર લાગે. એક કૂતરું ને એક બકરું પડખે હોય તો ભર્યું ભર્યું લાગે. માણહજાતની હાર્યે રે’વાની હેવાવાળાં ઈ જનાવર. દેવકું ગઢવી કે’છે એમ તારે નંઈ થાય : ભાટા, ટાટાં ને ભામણા, વેંચણ થોડીને વઢણાં ઘણાં : તારી કને ક્યાં બીજું ટાંટું છે કે ઈ બે વચાળ વઢણાં થાય? એમાં કાનિયાની સાચવણ ઉમેરાઈ. પાંગતે બેસી, કોઈ દિ’ નંઈ ને તે દિ’, મોટી બાના પગ દાબતાં કાનો કે’ : મોટી બા, આજ વારતા કે’વી પડશે. જ્યાં લગણ કે’શો ન્યાં લગણ પગ દાબતો ૨’શઃ મોટી બા કૈ’ : મારો રોયો, આ તો મને બોલીએ બાંધે છ. હું તો ઓલ્યા બિરબલની વારતા ઘોડ્યે કોઠીમાંલી એક ચકલું ઊડ્યું ... ભ૨૨૨, બીજું ઊડ્યું ભર૨૨, હાંક્યા કરીશ, સૂરજનો સાવરણો ફરે ત્યાં લગણ : કાનો કે’ : એવું નો બકે. સાચોસાચની વારતા : કાનાએ મોર્યથી કહી રાખ્યું હશે. ટોળું, ભાયબંધોનું ખાટલાની અડખેપડખે લાગઠ ગોઠવઈ ગયેલું. મોટી બા પછી ઝાલ્યાં રે’? હબ્બશારાનાં બેઠાં થ્યાં ખાટલીમાં. પમલો પાછો આગુડો ને? તે કે’ : એલા, ગોકીરો કરશો તો મોટી બાની વારતા વહૂકી જાહે, જોજ્યો : આજ મોટી બા એ ખીજવાને બદલે, દાંત કાઢ્યા : મર્ય રોયા, ઓલ્યા ભવના લેણિયાત.... : ઃ ઓલી શંકર-પારવતીની, ખિસકોલી વઉવાળી...ઃ કાંનાને માથે મોટી બાના ચાર હાથ, તે કે’ : તો ઈ કૌ : ‘રાજકુંવર છે. ઘોડેસવારી કરત કરતો એક ગામને ગોંદર્યે આવી પૂગ્યો છે. એના કાન એક મધમીઠું હાલરડું સાંભળે છે.

હાલાંવાલાંને હીરના દોર...
હાથના તો હજાર લેશું
પગના તો પાંચસેં લેશું
નાકના તો નવસેં લેશું
તો ય મારી ખિલીને તો ધોળે ધરમે દેશું

ળોળોળો... હા-હા... સૂઈ જાવ, મારો ખિલીબાઈ... ‘સાંભળીને કુંવર તો ઠરી ગ્યો છે. આ ખિલીબાઈ કેવી હશેને કેવી નંઈ? સ્વર્ગની અપશરા કે પાતાળની પદમણી? એણે ડોશીની દીકરીનું માંગું નાંખ્યું છે. ડોશી હસી : અરે દીકરા, આ તો ખિસકોલી છે. હું રંડવાળ્ય બાય. આઠે પોર એકલી ને આ મૂઈ, દીકરી જેટલાં જ લાડ કરે છે તે આ લીંબડાના બેલાખડામાં ઝોળી બાંધીને ઘોટાંડું ને હાલાં ગાઉં. કુંવરે તો હઠ પકડી છે. ડોશીએ તો નખથી તે માથા લગીના ભાવ માંડ્યા છે. કુંવર કે’છે : જી કો’ ઈ : ઘડિયાં તોરણ ને ઘડિયા લગન લેવાણાં છે. માંગ્યા ભંડાર લેવાણાં છે. માંગ્યા ભંડાર ડોશીની ઝૂંપડીમાં ઉલેચાયા છે. મોંસૂઝણું થયા મોર્ય મે’લે પૂગ્યો છે. મેલમોલાતુંમાં વાવડ પૂગ્યા છે. ભાભિયું પૂછે છે : ઓખણાંપોખણાં ય નો કરવાં દીધાં, દેરજી? : તો કે’ : વઉને વરતવરતેલાં હાલે છે. છ મઈના કોયનું મોઢું નઈ જોવાનું : ભાભિયું તો ચડે ભરાણી છે. દેરજી અમારી દેરાણીને હેઠે મેકલો. કમોદ ઓઘાવવાની છે : ખિસકોલીએ શિખવાડ્યું ઈ કીધું છે : એના ભાગની કમોદ મેડીએ મોકલી દ્યો : ખિસકોલીએ તો ચલા કાબર ને પારેવાંને વીનવ્યાં છે. સાંજ ઢળતાંમાં માણું કમોદ ઓઘાવી નાંખી છે. ભાભિયુંએ બીજો કારહો કર્યો છે : નવી વધુને લીંપણગૂંપણ કરવા મેલો : કુંવરનો જવાબ જડી ગ્યો છે : એના ભાગનું રાખી મેકો. રાતના ગાર્યું કરી નાખશે : મોર પોપટ-મેનાની જોડ્યું આવી ગઈ છે. સવારે ભાભિયુંએ જોયું તો રૂડી ગાર્યું ને એમાં ઝીણી ઝીણી ભાત્યું પડેલી છે. એમ કરતાં કરતાં તો પાંચ મઈના વયા ગ્યા છે. એવામાં કુંવરને ગામતરે જવાનું થાય છે. એણે ખિસકોલી વઉને કઈ રાખ્યું છે : હું આવું ત્યાં લગણનાં દાણા-પાણી ભરી રાખ્યાં છે. નો કરે નારાયણ ને પાણી ખૂટે તો તારે ગળે માટીની કુઅડી બાંધતો જાવ છું. સામે વાવ છે ત્યાંથી ભર્યાવજે. દિ’ ઉપર દિ’ જાય છે. કુંવર ગામતરેથી પાછા નથી કર્યા. પાણી ખૂટ્યાં છે. કુંવરે ચીધેલી વાવ ભણી ઈ તો હાલી છે. પગથિયાં ઊતરે ને પાણી ભરે. પગથિયાં ચડે ને કુઅડી ઊંધી વળી જાય છે. દિ’ આથમવા આવ્યો છે. ખિસકોલી તો મૂંઝાણી છે. ઈ જ ટાણે અંકાશમાં શિવ-પારવતી નીકળ્યાં છે. ખિસકોલીની આ આપદા પારવતીજીથી વેઠાતી નથી. શિવજી તો પરસન્ન થ્યા છે. કમંડળમાંથી પાણીની અંજલિ છાંટી છે ને ખિસકોલી-વઉ માં તો અદલ પારવતીનાં રૂપ નીતરે છે. શિવ-પારવતી એને મેડીએ ઉતારીને અંકાશમારગે અંતરધ્યાન થઈ જાય છે. આંયા, છ મઈનાની અવિધ પૂરી થાય છે. આંયા કુંવર ગામતરેથી પાછા ફર્યા છે. કુંવર તો સોણું જોતો હોય એમ, નવી વઉને નીરખ્યા કરે છે. ખિસકોલીવઉએ તો કુંવરને માંડીને વાત કરી છે. રાણી અને દાસદાસીયુંનો હરખ તો ક્યાંય માતો નથી. શિવ-પારવતી ખિસકોલીને ત્રૂઠવાન થ્યાં એવાં સૌને થાજ્યો...’ જામો પડી ગ્યો. કાનો પાછો ભોળિયો, તે પૂછી બેઠો : હેં મોટી બા, આ સાવ સાચી વાત હશે? મોટી બા કે’ : તે તમને અમથી ઓછી કીધી હશે? શિવ પારવતીનાં તપ જેણે કર્યાં, ઈ સૌને ફળ્યાં. પમલો બા’ર આવીને કે’ : ક્યાં હશે કાન્યો? નિહાકો નાખીને પાછો બોલ્યો : આખા ગામનું પાપ હું એકલો લઉં, મારે પંડ્યે એના વગર ગોઠતું નથી. નમાયાની મેં આંતરડી દુભવી...ઃ વળી પાછો ઈ વડલાની ઓટે મારી હાર્યે આવીને બેઠો. પમલાને લીધે જ આમ બનેલું, એમાં તલભાર ખોટું નંઈ. તે દિ’ ખળાવાડ્યની ટાકર ભોંમાં, રાતે વાળુ પછી અમે બેઠા’તા. બીજું તો શું કરવાનું હોય? એકબીજાની પત્તર ફાડતા’તા. એમાં પમલો બોલ્યો : હમણાં-થો કાન્યો છેટોછેટો રે’ છે. એમાં પાછું, જનકાના બાપાના કે’વાથી ભીખાભાય પગીએ એક ટાંટું આપ્યું છ, તે એની વાંહે ગુડાણો હોય. નિહાળ્યે નો આવે ઈ તો હમજ્યા. એને ક્યાં ચોપડા ફાટીને ડિપોટી થાવું છ. પણ આમ, રાતે ય ભેળું નંઈ થાવાનું? બીજો ભાયબંધ, કાળિયો કરીને, ઈ કે’, ‘એનું બકરું તો ભાદરવાના ભીંડાની જેમ કાંઈ વધણ્યે ચડ્યું છ, કાંય વધણ્યે! આવતે શિયાળે તો એનાં ગદીડાં એની પાંહે રમતાં થૈ જાહે.’ ‘ક્યાં હશે? ક્યાં તો નંદી દીમના મંદિરે, ગોદડિયાબાપુના પગ દાબતો હશે. ન્યાં નો હોય તો ચબૂતરે... ઘોંટી ગ્યો હશે. ‘ઉઠાડીને બા’રો કાઢશું.’ કિશલાએ કીધું ‘એની બકરીને હાલો, છોડી મૂકવીં. કાલ્ય આખો દી’ મર ગોતે.’ અને સૌ ખળાવાડમાંથી ઊભા થયા. હાલતાં હાલતાં મેં કીધું, ‘હમણાંથી એની ઓઅડીમાં બાંધે છે. રાતવરતનો વરસાદ પડે તો બિચારી આખી રાત્ય થથરે, એમ કે’તો તો, ઈ.’ ‘રાતવરતના વગડાઈ જાનવરની ય બીકને, પાછી.’ કો’ક બોલ્યું, ‘ચૂંથી જ નાંખે બિચારીને.’ ‘અટાણમાં ઘોંટી ગ્યો હશે? પમલાએ નાકે આંગળી રાખીને સૌને મૂંગામૂંગા આવવાનું કીધું. બૌ યાદ નથી પણ અંધારી પાંચમ કે છઠ હશે. ચાંદાનું તેજ આથમણા જાળિયાથી ચબૂતરાની ઓઅડીમાં પડતું’તું. માલીપાથી કાનિયાની હળુહળુ બોલાશ સંભળાવી, ‘સખણી રે’ બકરી વઉ..’ પમલાએ રઘુડાને ઓરો આવવા સનહ કરી. પમલાએ ઇશારાથી એને ઘોડી થઈ ઊભા રે’વાની સમજણ પાડી. એણે જાળિયામાંથી ડોકું તાણીને જોયું તો, ‘ફૂહ’ દેતાંકને એનાથી દાંત કઢાઈ ગ્યા. ‘કોણ છે એલા?’ કાનિયો એનું બાઅણું ઊઘાડે તિ મોર્ય ખેંતાવી મેલ્યા ઉતારા પછવાડે. શું થ્યું? બીજા સંધા પમલા હાર્યે દાંત કાઢતા’તા. પણ મને તો ક્યાંય ટપ્પો જ નો’તો પડતો. ‘કાલે વાત.’ પમલો દાંત કાઢી કાઢીને બઠ્ઠો પડી ગ્યો. બીજે દિ’ સાંજ સુધી કાનો ભેળો નૉ થયો. બકરી ચરાવીને સીમમાંથી વયો આવતો’તો. પમલો બોલીનો કોબાડ, તે પૂછ્યું, ‘કઈ દીમના જઈ આવ્યાં, કાનભાય, બોય, મારી ભાભી ને તમે?’ કાનિયાનું મોઢું વાઢે તો લોઈ નો નીકળે, ‘પમભાય, મેં તારું નામ લીધું? શું કામ મારી ખેધે પડ્યો છે?’ અમારી કોઈની સામું જોયા વિન્યા તે ચબૂતરા ભણી હાલ્યો. વગડો આખો ખૂંદ્યો. અંકાશમાં તારોડિયા ડોકાણા ત્યાં લગણ ગોત્યો કાનાને. વડલાને ઓટેથી ઊભા થતાં એણે વાવ ભણી આંખ્ય ઠેરવી. મને ખંભેથી ફરી દાણ હલબલાવી બોલ્યો, ‘મારાથી બૌ મોટું પાતક થૈ ગ્યું. રાનરાન ને પાનપાન થૈને, કોણ જાણે ક્યાં ઠેબાં ખાતો હશે બિચારો!’ મારું બાવડું ઝાલીને કે’, ‘હાલ્ય તારી મોટી બાને પૂછવીં, શિવ-પારવતી કાનાની બકરી પર ત્રૂઠવાન નો થાય?’ ઈ શું કે’વા માંગે છે, મને કાંક કાંક સમજાતું’તું પણ કાનો ક્યાંય નો મળ્યો એટલે મને રોવું આવતું’તું.