અપરાધી/૧. શિવરાજ

From Ekatra Wiki
Revision as of 11:35, 25 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. શિવરાજ|}} {{Poem2Open}} પ્રભાતની પ્રાર્થના પૂરી થઈ ત્યારે આચાર્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. શિવરાજ

પ્રભાતની પ્રાર્થના પૂરી થઈ ત્યારે આચાર્યદેવે કહ્યું: “બ્રહ્મચારીઓ, હમણાં જતા નહીં.” સળવળેલા મધપૂડાની માખો પાછી ઝૂમખું વળીને ચોંટી જાય તેમ અર્ધા ઊભા થઈ ગયેલા વિદ્યાર્થીઓએ પાછી પલાંઠી ભીડી. સૌએ એકબીજા સામે જોયું. આચાર્યદેવનો ઘાંટો તરડાયેલા મૃદંગના જેવો જણાયો: “આપણા ગુરુકુલ ઉપર એક કલંક આવ્યું છે.” સૌએ માથાં હેઠાં ઢાળ્યાં. “છેલ્લાં દસ વર્ષના ઇતિહાસમાં ન બનેલી કાળી ઘટના કાલે રાતે બની ગઈ છે.” આચાર્યનો અવાજ વધુ ને વધુ તરડાતો ગયો. “ગઈ કાલની મધરાતે દરબાર તખુભાના દીકરાના માથાની ખોપરી ફૂટી છે. દરબાર શિવુભાના ઘરની વડારણ છોકરી ઝબુની કોઈએ છેડતી કરી છે.” એક સિવાયના તમામ છાત્રો જાણે કે ભોંમાં સમાઈ જવાનો માર્ગ શોધતા હતા. “ને એ કૃત્ય કરનાર તમારા માંહેનો જ એક છે.” પ્રાર્થના-મંદિરની દીવાલો ફાટું ફાટું થઈ રહી. છાત્રો ત્રાંસી નજરે ઊંચે જોઈને છોભીલા પડી ગયા. માત્ર એક વિદ્યાર્થી બારીની આરપાર આકાશના રતાશ પકડી રહેલ રૂપની સામે તાકતો બેઠો હતો, તે તેમ ને તેમ બેઠો રહ્યો. “હું પૂછું છું,” આચાર્યદેવે અવાજ ધીરો પાડ્યો: “કે એ નાદાની કોણે કરી છે?” કોઈ ન બોલ્યું. “જેણે કરી હોય તે કબૂલ કરી નાખે. હું દરબારની તેમ જ આ ગામના પ્રજાજનોની ક્ષમા માગી લઈશ. કબૂલ કરનારને કોઈ પ્રકારની શિક્ષા નહીં થાય.” તોપણ બધા શાંત રહ્યા. “અપરાધ કરનારને હું જાણું છું.” આચાર્યના એ બોલમાં કોઈ પોલીસ-અધિકારીનો ઠંડો ગર્વ હતો: “હું આશા રાખું છું કે મારો વિદ્યાર્થી એક અપરાધને ઢાંકવા માટે મૌન સેવવાનો બીજો અપરાધ નહીં ઉમેરે.” દરેક વિદ્યાર્થીએ પોતાના સિવાયના બીજાના જ એકરારની રાહ જોયા કરી. “નથી કબૂલ કરવું – એમ ને? એટલી બધી વાત!” આચાર્યનું મોં ધમણે ધમાતું હતું. એણે ઘડીભર શ્વાસ હેઠો મૂક્યો. હોઠ સુકાયા હતા તેને જીભનું અમી ચોપડી ઠંડા કર્યા. પણ ભીનાશ એ હોઠ પર ન આવી. પંચાવન વર્ષના એ પ્રૌઢ પુરુષના ખભા પરથી પીતવરણી શાલ ખસી ગઈ, તેનો જનોઈધારી દેહ થરથરતો લાગ્યો. એ દેહ પરની લાંબી રુંવાટી ઊભી થઈ ગઈ. જૂના વખતની એક રાજસ્થાની હાઈસ્કૂલમાં લાંબા વખત સુધી હેડમાસ્તરગીરી કરીને ગુરુકુલ ચલાવવા આવેલ એ આચાર્યના અંગેઅંગમાં જૂના કાળનો દેવતા સળગી ચૂક્યો. એણે પોતાની બાજુમાં રૂપાની ખોભળવાળી સીસમની લાકડી પડી હતી તે ઉઠાવી. લાકડીના છેડા વતી નિશાની કરીને એક છોકરાને કહ્યું: “આંહીં આવો.” કોણ ઊઠ્યું? બારીની આરપાર આકાશને જોઈ રહેલો શિવરાજ ઊઠ્યો. બીજા સૌએ શ્વાસ વિરામીને, ઊઠનારની સામે આંખો ફેરવી. બસો જેટલી એ આંખો અનિમેષ બની. પ્રત્યેક આંખની કીકીમાં હેરતભર્યો પ્રશ્ન હતો. શિવરાજ! હોય કદી? આપણા સર્વનો સન્માનિત, ગરવો, અણીચૂક, સદાચારી જુવાન શિવરાજ આ કૃત્યનો અપરાધી? અચંબાની લાગણીઓ વચ્ચે ચટચટ માર્ગ કરતો શિવરાજ નામનો વિદ્યાર્થી મોખરે આવ્યો. એના મોં પર, બેશક, થોડું વિસ્મય હતું – પણ ગભરાટ નહોતો. “તમે – તમે – તું મારો પ્રિય વિદ્યાર્થી ઊઠીને રાતના આ ધંધા કરવા નીકળ્યો! તું! તું! તું પોતે જ!” શિવરાજના મોં પર ભેદ અને રમૂજનું ગૂંથણકામ થઈ રહ્યું હતું. “કર્યા ઉપર પાછો ઢાંકવાનો પ્રયાસ!” શિવરાજ કશું બોલ્યો નહીં. એણે પોતાના ભરાવદાર દેહ ઉપર ઓઢેલું ધોતિયું જરા વિશેષ લપેટ્યું. “બોલ, નાલાયક! તું જ હતો કે બીજો કોઈ!” “આપ કહેતા હો તો હું જ!” બોલતાં બોલતાં શિવરાજનું મોં પણ અગ્નિકુંડની રતુંબડી આંચ પકડી ઊઠ્યું. “હું કહું છું? ચોરી ઉપર શિરજોરી? સામો મને લેતો પડે છે? દુર્જન!” પછી વાણીનાં કાણાં અંદરની વરાળને નીકળવા માટે નાનાં પડ્યાં. આચાર્યે સીસમની લાકડી ઉપાડી. જૂના વખતની ટેવ આચાર્યના ઝનૂનની મદદે આવી. ઉપરાઉપરી લાકડીના સોટા પડ્યા. સીસમ બટકણું હોય છે, અને શિવરાજના શરીરમાં રોજની કસરતે લોખંડના ટુકડા જેવી માંસની પેશીઓ ગોઠવી હતી. લાકડીના બે કટકા થઈ ગયા. એક ટુકડો ઊડી ગયા પછી બાકીનો બૂઠો ટુકડો આ મારનારની આંખો સામે દાંત કાઢતો હોય તેવી અણીઓ બતાવતો રહ્યો. શિવરાજની આંખોએ પહેલાં ધુમાડા ફૂંક્યા – ને પછી દડદડ આંસુ છોડ્યાં. એ કશું બોલ્યો નહીં; પણ એને રૂંવાડે રૂંવાડે રોષની જીભો ફૂટી રહી હતી. “જાઓ! કાળું કરો! ગાદલાંની ઓરડીમાંથી આજે ક્યાંય બહાર ન નીકળશો; આઠ દિવસ સુધી શાળામાં ન આવશો. તમારા પિતાજીને હું લખી જણાવું છું. જાઓ.” કોઈની સામે નજર કર્યા વગર શિવરાજ હમેશની એકસરખી ચાલે ચાલ્યો ગયો. એની પછવાડે નજર કરવાની પણ અન્ય વિદ્યાર્થીઓને હામ ન રહી. બધાનાં મોઢાં હજુ ભોંયમાં જ સમાવા મથતાં હતાં. “જાઓ બધા.” એટલું કહીને આચાર્ય ઊઠ્યા. એણે એક ઊંડો શ્વાસ લીધો. એ પોતાના ખંડમાં ચાલ્યા ગયા. બપોર પડ્યા. થોડે દૂર શાળાનું મકાન ગુંજતું હતું. અહીં ગુરુકુલના ગાદલાંવાળા ખંડમાં શિવરાજ એકલો હતો. માળો બાંધતાં બે ચકલાં બારીમાંથી જતાં હતાં, ને અક્કેક તણખલું ઉપાડી લાવતાં હતાં. તેને જોઈ રહેલ શિવરાજની આંખો વધુ ને વધુ ઝરતી હતી. પણ એ નહોતો ડૂસકાં ખાતો, કે નહોતો રુદનના સ્વરો કાઢતો. વરસીને રહી ગયેલા વરસાદ પછી નેવાનાં નળિયાં જે પ્રશાન્ત મૂંગી કરુણાતાથી સરખે અંતરે ટપકતાં હોય છે, તે જ રીતે શિવરાજની પાંપણો સરખે અંતરે ઝરતી હતી. એકનો ડંકો પડ્યો ત્યારે શિવરાજની એકલતા તૂટી. એક બીજો યુવાન અંદર આવ્યો. એ લપાતો અને બીતો હતો. એ પછવાડે જોતો જોતો મીની-પગલે આવ્યો. એણે ચોમેર કાન માંડ્યા. ચકલાંના પાંખ-ફરકાટથી પણ એ ફફડી ગયો. શિવરાજે કહ્યું: “રામભાઈ, તમે જાઓ; નાહક દોષમાં આવશો.” “શિવરાજ, તમે આ શું કર્યું?” “શું કર્યું?” “ખોટેખોટો અપરાધ કેમ કબૂલ કરી લીધો?” “તમે શી રીતે જાણ્યું કે ખોટેખોટો કબૂલ કર્યો?” “કહું?... કહું?” રામભાઈએ ચોપાસ જોઈ લીધું; એની છાતી ધડક ધડક થઈ. એણે શિવરાજની પાસે જઈને એનો હાથ પકડ્યો. જાણે પોતે કોઈ ઊંડી ખીણમાં પડી જતો હતો. શિવરાજે એને પંપાળીને પૂછ્યું: “કહો, શું છે?” “ગઈ રાતના બનાવનો અપરાધી હું – હું પોતે જ છું, શિવરાજભાઈ!” “હું એ જાણું છું.” શિવરાજે જ્યારે આ જવાબ વાળ્યો ત્યારે એના શામળા મોં ઉપર એક સુંવાળા સ્મિતની ઝાલક ઊડી. “તમે જાણો છો? – જાણતા હતા?” “હા; ગઈ રાતથી જ. હું નજરોનજરનો સાક્ષી હતો. તમે એકલા જ એ દુષ્ટને પૂરા પડ્યા; નહીંતર હું તમારી મદદે કૂદવાનો હતો. ઝબુની ઉપર ચડાઈ કરનારા તો એ હરામીઓ જ હતા.” “છતાં તમે એ અપરાધ કેમ માથે લીધો?” “મેં માથે ક્યાં લીધો છે? આચાર્યદેવને મેં ક્યાં એમ કહ્યું છે – કે હા, મેં જ એ કર્યું છે?” “પણ તમે જાણતા હતા છતાં મારું નામ કેમ ન આપ્યું?” “મારે એવા સત્યવાદી થવાની શી જરૂર હતી?” “પણ તમે કલંકિત બન્યા, તમે માર ખાઈ રહ્યા, એ બધું શા માટે? મારા માટે નહીં?” “ના રે ના—” શિવરાજ પોતાના આચરણનું મહત્ત્વ ઓછું આંકવાના પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ બોલતો હતો: “મને તો ખીજ ચડી ગઈ, એટલે જ હું મૂંગો રહ્યો. આચાર્યદેવ કોઈપણ જાતની તપાસ કર્યા વગર મને જ એકદમ લેતા પડ્યા, એ હું ન સહી શક્યો. એ જૂઠા તો પડ્યા ને!” શિવરાજની આ બધી વાતો રામભાઈને મૂંઝવી રહી. શિવરાજની ઉદારતા ઉપર એ ઓગળી પડ્યો. શિવરાજના નામ પર બેઠેલ બટ્ટાનો જવાબદાર એ પોતે જ છે: આવતી કાલે શિવરાજના બાપુને ખબર પહોંચશે એટલે શિવરાજનું આવી બનવાનું: બે દિવસમાં તો શિવરાજની કારકિર્દી પર પાણી ફરી જશે: ને એ બધું મારા પાપે! “નહીં, નહીં, ભાઈ શિવરાજ,” એ ઉશ્કેરાઈને શિવરાજના ખભા ધુણાવવા લાગ્યો: “હું હમણાં જ આચાર્યદેવની પાસે જઈશ: હું મારો દોષ છે એ કબૂલ કરી આવીશ: હું બધી સજા માથે ચડાવી લઈશ.” “હવે ગાંડા ન થાઓ ગાંડા!” શિવરાજે રામભાઈના હાથ પકડ્યા. “નહીં, મારાથી આ નથી સહેવાતું. તમારો મેં નાશ કરી નાખ્યો; છોડો.” રામભાઈના હૃદયમાંથી એક ધ્રુસકું નીકળી પડ્યું. એ શિવરાજના હાથમાંથી જોશભેર છૂટો થઈને ખંડની બહાર દોડ્યો. “રામભાઈ, એક વાત કરું.” શિવરાજે એને રોક્યો. રામભાઈ શિવરાજ તરફ ફરીને દૂર ઊભો રહ્યો: “શું છે?” “આચાર્યદેવને તમારે જઈને કહેવાની જરૂર નથી. તમે છતા નહીં થાઓ તોપણ છેવટે હું નિર્દોષ ઠરવાનો છું.” “શી રીતે?” “આચાર્યદેવને એની મેળે જ એની ભૂલ યાદ આવશે. એમણે ગઈ કાલ રાતની બાર બજ્યાની મારી ગેરહાજરી પરથી જ માની લીધું છે કે તખુભા દરબારના દીકરાની ખોપરી તોડનારો ને ઝબુની છેડતી કરનારો હું હતો. મારી ગેરહાજરીનું ખરું કારણ તો તે પોતે જ છે.” “એટલે?” “ચાર દિવસ પર તેમણે મને કહી રાખેલું કે કલકત્તાથી એક સંપેતરું ગઈ રાતની ગાડીમાં આવવાનું હતું, ને એ મારે લઈ આવવાનું હતું. બાપડા એ વાત ભૂલી જ ગયા છે! યાદ આવશે ત્યારે પસ્તાશે – ને તમારું નામ દેવાની કશી જ જરૂર નહીં પડે. બની ગયું તે બની ગયું.” “ના, ના, એક સેકન્ડ પણ હવે તો હું તમારા શિર પર આ ભારે કલંક નહીં રહેવા દઉં.” એટલું કહીને રામભાઈ દોટ કાઢી બહાર નીકળી ગયો. તે પછીના અરધા કલાક સુધી એ આચાર્યદેવના ઑફિસ-રૂમમાં રોકાયો હતો એ બધા વિદ્યાર્થીઓએ જોયું. રામભાઈ પોતાના વર્ગમાં ચાલ્યો ગયો તે પછી આચાર્યદેવ ખુરશી ઉપર ન બેસી શક્યા. બેત્રણ વાર બેસી બેસીને ઊભા થયા. લખવા બેસતાં એણે હોલ્ડરની ટાંકને બદલે પૂંછડીનો છેડો શાહીમાં બોળ્યો, ને અણીને બદલે ટોપકાની બાજુથી ટાંકણી કાગળમાં ભરાવવા જેવી ભૂલો એ કરવા માંડ્યા. ‘આ શું બની બેઠું મારા હાથે!’ એણે એકલા એકલા આંટા મારતે મારતે પોતાના હોઠ કરડ્યા. ‘મારી આટલી મોટી ભૂલ કેમ કરતાં બની? મારા જીવનનાં ચાળીસ વર્ષોમાં મેં કદી એક પણ વખત આવી ગલતી, આવો અન્યાય, આવી ભ્રાંતિ દાખવ્યાં નથી. આ છોકરાએ પોતાના તેજોવધનો મને ગજબ બદલો આપ્યો. એણે ચૂપ રહીને મારી તમામ વિભૂતિ હણી નાખી છે. એ એક શબ્દ સામો બોલ્યો હોત તો મને આજે થાય છે તેટલો વસવસો ન થાત. મારા પ્રકોપને ઊભા રહેવાની તસુ જેટલી પણ ધરતી એણે નથી રહેવા આપી. મારો પરાજય સંપૂર્ણપણે થઈ ચૂક્યો. હું હવે એની હાજરીમાં જીવી જ કેમ શકું? એની બે આંખો મને નિરંતર કલેજા સોંસરો પરોવ્યા કરશે. એની મહત્તા સામે મારી પામરતા મને દિવસરાત શરમાવતી રહેશે. ગજબ ગોટાળો થયો. ગજબ વિસ્મરણ, ગજબ મોટી ભૂલ!’ ફરી એક વાર એ ખુરશી પર બેઠા, એણે કાગળ ને હોલ્ડર લીધાં. એણે શિવરાજના પિતા દેવનારાયણસિંહજી પર પત્ર લખ્યો. પત્રમાં બનેલા બનાવની આખી વારતા અક્ષરેઅક્ષર લખી ને પછી ઉમેર્યું: આપ આ ગુરુકુલના પ્રમુખ છો. હું આપની પાસેથી સજા માગું છું: કાં તો આપ મને છૂટો કરો, ને કાં ભાઈ શિવરાજને અહીંથી ઉઠાવી લો. જે બનાવ બની ગયો છે તે પછી હું અને ચિ. શિવરાજ એક જ સ્થાને, એક જ સાથે, આચાર્ય અને વિદ્યાર્થીના સંબંધથી જીવી ન શકીએ. બનેલા બનાવનું નિવારણ મને બીજી એકેય રીતે સૂઝતું નથી. હું પોતે તો આ સ્થાનેથી ભ્રષ્ટ થવા તૈયાર જ બેઠો છું. ફક્ત આપના નિર્ણયની રાહ જોઉં છું. બીજા દિવસે સવારે સુજાનગઢથી શિવરાજના પિતાજીનો તાર આવ્યો. એમાં ફક્ત આટલું જ લખ્યું હતું: “શિવરાજને મોકલી આપો. બાકીની સ્થિતિ તે-ની તે જ રહે છે.”