અપિ ચ/પ્રત્યાખ્યાન

From Ekatra Wiki
Revision as of 05:06, 16 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રત્યાખ્યાન

સુરેશ જોષી

રૂમા ચાલતી હતી. એની ચારે બાજુ જાત્રી ભજનિકોનાં ટોળાં, ભજન ગાતાં ગાતાં, ભક્તિના નશામાં ઝૂમીને, ચાલતાં હોય તેમ એક દોઢ માથોડા ઊંચા સૂરજમુખીના છોડ પરનાં પૂરાં ખીલેલાં ફૂલો પર ચાલી રહ્યાં હતાં. એમનાં અર્ધાં અસ્પષ્ટ સંગીતને એ પણ ગૂંજી રહી હતી. એ કોણ જાણે ક્યારથી આમ ચાલ્યે જતી હતી. મોખરે ચાલતાં ફૂલોનો સૂર એને આગળ ને આગળ પ્રેર્યે જતો હતો. વચ્ચે ક્યારેક ક્યારેક મંજીરાના રણકાર જેવો કે પછી એકાએક ખડખડ હસી પડતાં બાળકોનો કે પછી રૂમઝૂમ રૂમઝૂમ કરતી દોડી જતી પરીઓનો મંજુલ ધ્વનિ એને કાને પડતો હતો. આકાશમાંના સૂરજમાંથી સાત રંગનાં ઝરણાં દોડી જતાં હતાં. એના ઊડતા સીકરથી એ ભીંજાઈ જતી હતી. એવામાં એકાએક સૂર થંભી ગયો, ગીત અટકી ગયું, કોઈના ઊંડા નિ:શ્વાસ જેવી પવનની લહરી એના ગાલને હળવેકથી સ્પર્શીને પસાર થઈ ગઈ. એ થંભી ગઈ. એણે જોયું તો કોઈ ખૂંધું પ્રાણી ફૂલોની ડોક મરડીને દોડ્યે જતું હતું. પરીની તૂટેલી પાંખ ઊડતી ઊડતી આવીને એના વાળની છુટ્ટી લટમાં ભેરવાઈ ગઈ. થોડી વાર સુધી તો એ ધૂંધવાઈને એમ ને એમ ઊભી જ રહી ગઈ. પછી ચારે બાજુ છવાઈ ગયેલી નિ:શબ્દતાના ભારથી પોતે કચડાઈ જશે કે શું એવી ભીતિથી એ સફાળી ચાલવા લાગી. એણે પગ ઉપાડ્યો ત્યાં જ એની પાછળ કશોક સળવળાટ થયો. એણે જોયું તો પેલું ખૂંધું પ્રાણી એની સામે તાકીને ઊભું હતું. એ પ્રાણીની આંખમાં કશીક અકળ વ્યથા હતી. એને જોઈને રૂમા છળી મરી નહીં, ચીસ પાડી ઊઠી નહીં, લાચારીભરી એ દયાજનક આંખોને એ એકીટશે જોઈ રહી. ત્યાં ક્યાંકથી કશોક સંચાર થતાં ભયનું માર્યું એ પ્રાણી દોડવા માંડ્યું. રૂમાને પાછળ દોડતી જોઈને પેલું પ્રાણી બમણા વેગથી દોડવા માંડ્યું. રૂમાએ એક અચરજભરી વાત, મનની એ ભયવિહ્વળ સ્થિતિમાં પણ, નોંધી લીધી, પેલા પ્રાણીનો જ્યાં જ્યાં પગ પડતો હતો ત્યાં ત્યાં ઘાસ સુકાઈ જતું હતું, છોડ મરી જતા હતા, ફૂલો કરમાઈ જતાં હતાં. જો એ પ્રાણીનો પંજો પોતાના પર પડે તો? તો એ પણ પેલાં સૂરજમુખીનાં ફૂલોની જેમ કરમાઈને ડોક ઢાળી દે? આ વિચારે એને ઊભા રહી જવાનું મન થયું, પણ એ એના વશની વાત નહોતી રહી. પેલું પ્રાણી દોડતું હતું ત્યાં સુધી એ દોડવાનું અટકાવીને ઊભી રહી જાય તે જાણે શક્ય જ નહોતું. આથી એ દોડ્યે જ ગઈ. વૃક્ષોના પડછાયા ભેગી કોઈક વાર એ પ્રાણીની છાયા ભળી જતી, પણ બીજી જ ક્ષણે એ છલાંગ ભરીને એમાંથી બહાર નીકળી આવતું, આમ ને આમ આગળ જતાં એક સુકાઈ ગયેલી નદી આવી. એનાં હાડપાંસળા જેવા મોટા મોટા ખડકો બહાર નીકળી આવ્યા હતા. પેલું પ્રાણી તો આસાનીથી એ ખડકો ઠેકીને દોડવા માંડ્યું. રૂમા તો ઠોકર ખાઈને પડવા માંડી. એક વાર તો એ એવી ઠોકરાઈને પડી કે બધાં હાડકાં ખોખરાં થઈ ગયાં. કળ વળતાં એણે ઊભા થઈને આજુબાજુ જોયું તો ક્યાંય કશું દેખાયું નહીં. બધા ખડકોની વચ્ચે પેલું પ્રાણી ક્યાંક અદૃશ્ય થઈ ગયું હતું. એ થોડી વાર વિમાસણમાં ઊભી જ રહી ગઈ. ત્યાં એની લટ વચ્ચે ઝીલાઈ રહેલી પાંખમાં લપાઈ રહેલી પરીએ એના કાન આગળ ઝૂકીને કહ્યું: ‘એ તો એક રાક્ષસ પ્રાણીનું રૂપ ધારણ કરીને દોડાવતો દોડાવતો તને અહીં લઈ આવ્યો છે. અનેક બાળકોની હત્યા કર્યાથી એને શાપ લાગ્યો છે. એ ખડકો ભેગો ખડક થઈને અહીં લપાઈ ગયો છે. જે ખડકની પાસે પીળા રંગનું પતંગિયું ઊડતું હોય તેને લાત મારવાથી એ બહાર આવશે.’

રૂમા અચરજ પામીને વાળમાં ભેરવાઈ ગયેલી એ પરીને હાથમાં લેવા ગઈ. લટથી પાંખ છૂટી પડીને પંખીના પીછાની જેમ પવનમાં ઊડીને ક્યાંની ક્યાં અદૃશ્ય થઈ ગઈ. આખરે રૂમા એક પછી એક ખડક પર થઈ પીળા પતંગિયાવાળા ખડકની શોધમાં આગળ વધી. ત્યાં એણે એક મોટો ખડક જોયો. એ ખડક વચ્ચે મોટી બખોલ હતી. એમાં બે મોટાં ઈંડાં હતાં. એ ઈંડાં દૂરથી તગતગ થતાં હતાં, ને સાવ સોનાનાં હોય એવું લાગતું હતું. રૂમા એ ઈંડાં પરથી આંખ ખસેડી શકી નહીં, એ પેલા રાક્ષસની વાત સાવ ભૂલી ગઈ. એણે ઈંડાં લેવા, બખોલની બહાર રહીને, હાથ લંબાવ્યો. આમ તો ઈંડાં હાથવેંત લાગતાં હતાં, પણ ખરેખર એટલાં પાસે નહોતાં. લોભની મારી રૂમા જાળવીને બખોલની અંદર ઊતરીને એક ઈંડું હાથમાં લેવા જાય છે ત્યાં બહારથી એક પથ્થર ગબડતો ગબડતો આવ્યો ને બખોલના મોઢા આગળ આવીને પડ્યો. એથી બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો, રૂમા બે હાથે એ પથ્થરને દૂર કરવાને મરણિયો પ્રયત્ન કરવા લાગી. પથ્થરની ખરબચડી ધાર સાથે ઘસાવાથી એના હાથે ઊઝરડા પડ્યા, એનો શ્વાસ રુંધાવા લાગ્યો. એવામાં એનો પગ લપસ્યો ને એ પડી. એ નીચે ને નીચે પડ્યે જ ગઈ, ત્યાં પેલા પ્રાણી જેવું રુવાંટીવાળું ને તગતગતું કશુંક એને એક સ્થળે પડેલું દેખાયું. એને એ બાઝી પડી. પેલું પ્રાણી જાણે ઊંઘમાંથી ત્રાડ નાખીને જાગ્યું, એણે પંજો પ્રસાર્યો, એ પંજો રૂમાના મોઢાની નજીક ને નજીક આવતો ગયો. રૂમા એક હાથે એ પ્રાણીના શરીરને બાઝી રહી ને બીજે હાથે એ પંજાને ઝાલી લેવાને મથવા લાગી…

રૂમાને શરીરે પરસેવો વળી ગયો, એની પાસે સૂતેલા એના પતિનો વાળની રુવાંટીવાળો હાથ એ જોઈ રહી.

એ ઊઠીને ઊભી થઈ. બારી આગળ જઈને ઊભી રહી. એક મોટા કાળા વાદળને લીધે ચન્દ્ર ઘડીભર ઢંકાઈ ગયો હતો. તેમ છતાં ચાંદનીનો આભાસ બધે પ્રસરેલો હતો. પવન સાવ થંભી ગયો હતો, વૃક્ષો પોતાનાં ભૂત જેવાં લાગતાં હતાં. એ હજુ પૂરતો શ્વાસ લઈ શકતી નહોતી. દૂર દૂર ડુંગરીઓની આછી રેખાઓ દેખાતી હતી. એને વટાવીને પેલે પાર રહેલા કોઈ માયાવી લોકમાં નવું રૂપ ધારણ કરીને અદૃશ્ય થઈ જવાનું એને મન થયું. અત્યારે એ અહીંથી ચાલી જાય તો એને કોણ રોકે? કોઈ બે નાના નાના હાથ એના હાથને વીંટળાઈ વળે, ઊંઘમાંય સ્તનાગ્રને મુખમાંથી ન છોડીને કોઈ એને પડખું સુધ્ધાં બદલવા ન દે…

રૂમા પાછી પથારીમાં આવી. વાદળ ખસી જતાં ચાંદની ઓરડામાં ફેલાઈ ગઈ. એ ચાંદની એના પતિ પર ઢોળાઈ. સમુદ્રનાં પાણી ખડક સાથે પછડાઈને પાછાં વળે તેમ ચાંદની એના પતિના શરીર સાથે પછડાઈને પાછી વળતી ન હોય એવું એને લાગ્યું. એના મુખમાંથી આછો નિ:શ્વાસ સરી પડ્યો. એ ક્યાંય સુધી પથારીમાં એમ ને એમ બેસી રહી. એણે પતિના સુપુષ્ટ શરીર તરફ જોયું. ઊંઘમાં એનું મોઢું અર્ધું ખુલ્લું રહી ગયું હતું. એના શ્વાસોચ્છ્વાસનો લય એને સાવ અજાણ્યો લાગતો હતો. નિદ્રાએ ચહેરા પર બાઘાઈનું એક પોતું ફેરવી દીધું હતું. હોઠને ખૂણે સિગારેટને ત્રાંસી ગોઠવીને અદાથી મોટરના સ્ટીઅરિંગ વ્હીલને સંભાળતો એ કાલે એની પડખે પોતાને બેસાડીને ફરવા નીકળશે: રોટરી ક્લબ…. હલો મિસિસ દીક્ષિત… વો’ટ અ ચામિર્ંગ લેડી, ધૅટ દિક્ષિત ઇઝ અ લકી ડોગ… આવો ને, એક રબર તો રમી લઈએ, બાય ધ વે, આઇ જસ્ટ રિમેમ્બર્ડ, કેન યુ સ્પૅર વન ઇવનંગિ, રૂમા?… ઓફ કોર્સ, ઓફ કોર્સ… સિનર્સ પેરેડાઇઝ… એક્સ્ક્યુઝ મી ઇફ આઇ સેય સો, બટ વો’ટ અ બોર હી ઇઝ… બસ, એકાદ વાર… જસ્ટ ફોર વન્સ… રૂમાદેવી…’

રૂમાએ પવનને કારણે ખભા પરથી સરી પડેલા સાડીના છેડાને સરખો કર્યો. એના શરીરમાંથી ધ્રૂજારી દોડી ગઈ. એને કશીક હૂંફની જરૂર લાગી. એ જ વખતે કશુંક અસ્પષ્ટ બબડીને એના પતિએ પડખું બદલ્યું. રણક્ષેત્રમાં ઘવાયેલા કોઈ સૈનિકની જેમ બે હાથને પથારીમાં પસારીને એ ચત્તોપાટ પડ્યો હતો. હમણાં એની ચીસ વાતાવરણમાં ગાજી ઊઠશે એવું રૂમાને લાગ્યું. પથારીમાંની રહીસહી બચેલી જગ્યામાં એ શરીરને સંકોચીને પડી. દીવાલ પરના ઘડિયાળના ટકટક અવાજને એ ધ્યાન દઈને સાંભળવા લાગી. એ ટકટક અવાજને એણે કલ્પનામાં પૂરપાટ દોડ્યે જતી ગાડીના અવાજમાં બદલી નાખ્યો. એ ગાડીમાં બેસીને ભાગવા લાગી. દૂર, દૂર, દૂ…ર…દૂરના નશાથી એ ચકચૂર બની ગઈ, એની આંખો ઘેરાઈ ગઈ…

ત્યાં પણે ઓરડાના ખૂણામાં એ શું હતું? બહારથી ઊડી આવેલું ઝાડનું ખરેલું પાંદડું? પણ આ તો ચાલે છે… એની આંખો ક્યાં? ના, આ બારીના ફરફરતા પડદાનો પડછાયો જ લાગે છે… અરે, પણ આ તો નજીક આવે છે… ઊંધા પડી ગયેલા સાપના જેવું એ કેવું ધોળું ધોળું લાગે છે! એના મોઢામાંથી આ શું ટપકે છે? એને મોઢે વાળના કેવા ગુચ્છા છે! અરે, એને આંખ જ નથી લાગતી! એ ભરાઈ જવાને દર શોધે છે કે શું?… આ તો મારા પગ પર ચઢવા મથે છે…. ક્યાં ગઈ લાકડી… અરે, આ તો લાકડી પર ચઢ્યું… શું કરું? ચીસ પાડું? મોઢું ખોલીને ચીસ પાડું છું તોયે મારી ચીસ મને જ કેમ નથી સંભળાતી? બાપ રે, આ તો મોઢાને દર માનીને અંદર ભરાઈ ગયું! અંદર જઈને એણે તો ફૂલવા માંડ્યું, મારું પેટ પણ ફૂલવા માંડ્યું… એ બહાર આવવા મથે છે, મારા શરીરમાંથી બહાર આવવાનો એને રસ્તો જડતો નથી…શિરાએ શિરાને તોડીને એ બહાર મથે છે…એની આ છટપટ ને તડફડાટ નથી સહેવાતાં. કોઈ એને બહાર કાઢો… બહાર કાઢો…

શુક્લપક્ષની દશમીનો ચન્દ્ર આથમી ગયો હતો. વૃક્ષોમાંથી આછો મર્મર આવતો હતો. સચરાચરમાં કશાકનો હળવો ગુપ્ત સંચાર વરતાતો હતો. હવાના કવોષ્ણ સ્પર્શમાં એનો ઇશારો હતો. રૂમા એ સુખદ સ્પર્શને આવકારતી અગાશીમાં ઊભી રહી, એ સ્પર્શ આડે એ કશોય અન્તરાય રાખવા માગતી નહોતી. પવન વધતાં સરી પડેલી સાડીને એણે શરીર પરથી પૂરેપૂરી સરી જવા દીધી. ઉદય નહીં પામેલા સૂર્યના આછા આભાસથી આકાશની કાન્તિ બદલાઈ હતી. આ નિરાવરણતાના પરમ મુહૂર્તે એ શરીરની નગ્નતાને પણ વધારાનું આવરણ ગણીને ઉતારી નાખવા ચાહતી હતી. એનું શરીર પેલી ઊંડી બખોલ જેવું જાણે હતું. એની અંદર ક્યાંક ક્યાંક પેલું સોનાનું ઈંડું હતું. પોતાની અંદરના એ સોનાના ઈંડામાં જ જાણે કોઈએ એને કેદ કરી દીધી હતી. એમાંથી એ આજે છૂટવા ઇચ્છતી હતી. આજે બની શકે તો એ પોતાના શરીરને બધે વિખેરી દેવા ઇચ્છતી હતી, જે ગાંઠ આજ સુધી છૂટતી નહોતી તેને એ આજે છેદી નાખવા તૈયાર હતી. સહસ્રબાહુ પવનના હાથમાં એણે પોતાની જાતને સોંપી દીધી. આછા તેજથી લપાયેલા અન્ધકારને એણે પોતાના રન્ધ્રેરન્ધ્રમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરી દીધો. આજે એ બધાથી ભેદાઈને છિન્ન થવા તત્પર હતી.

બાગને ખૂણે વાંસની ઝાડીમાં વાંસને અંકુર ફૂટવાનો અવાજ એણે સાંભળ્યો. અંકુરથી ભેદાયેલી ધરતીની વિહ્વળતાનો રોમાંચ એને સ્પર્શી ગયો. એ અધીરી બની. અશરીરી અન્ધકાર અને પવનના પરિરમ્ભણથી એને સન્તોષ થયો નહીં. એની કાયાના વિરાટ વિસ્તારો હજુ તો વણસ્પર્શ્યા રહી ગયા હતા. એ સૂર્યના ઉદયને ઝંખવા લાગી. શતલક્ષ વીર્યબિન્દુ જેવાં કિરણોને પોતાનામાં રેલાઈ જતાં અનુભવવાને એ અધીરી બની. સાગરની બાથમાં ભીડાઈને કચડાઈ જવાનું એને મન થયું. પોતાનામાં ક્યાંક ઊંડે ઊંડેથી કશીક સરવાણી ફૂટીને રેલાઈ જવાનો માર્ગ શોધવા લાગી.

પૂર્વમાં અરુણિમાનો આભાસ અંકાઈ ગયો. કોઈ નવોઢાના પિયળ કાઢેલા લલાટના જેવી પૂર્વ દિશાને એ ભારે લાલસાથી જોઈ રહી. એનાથી સહેવાયું નહીં. એણે આંખો બીડી દીધી, કાયાને અનાવૃત કરીને ઢાળી દીધી. કિરણના પ્રથમ સ્પર્શની પ્રતીક્ષાથી એની કાયા તસતસ થઈ ઊઠી… ને કિરણો પ્રગટ્યાં, વિસ્તર્યાં, એને સ્પર્શવા આગળ વધ્યાં. નાનું બાળક પડતું આખડતું ચાલે ને ચાલતાં ચાલતાં જે આધાર મળે તેને પકડી લેવા જાય તેમ એ કિરણો એને ઝાલી લેવા આગળ વધ્યાં, પણ એની નિકટ આવતાં જ એ દૂર સરી ગઈ. પવનની આછી લહર, પંખીનો ટહુકો, બહાર જાગેલા જીવનનો પ્રવાહ – એ બધું એના ઉમ્બર આગળ ઊભા રહીને બારણું ઠેલવા લાગ્યું. એનેય બારણું ખોલીને આખા વિશ્વને પોતાનામાં સમાવી લેવાની ઇચ્છા થઈ, પણ કોઈકના શાપથી એ શિલાની જેમ પડી રહી. એના ઉમ્બરે માથું પટકીને બધું પાછું વળવા લાગ્યું. એને ધીમે ધીમે બધું પોતામાંથી ઓસરી જતું લાગ્યું. પથારીમાં પોતાના હાડપંજિરની જેમ એ પડી રહી.