અપિ ચ/વરપ્રાપ્તિ

From Ekatra Wiki
Revision as of 05:04, 16 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વરપ્રાપ્તિ

સુરેશ જોષી

હું ઓરડામાં દાખલ થયો ત્યારે એ પશ્ચિમ તરફની બારી પાસેની ટિપોય પરની ફૂલદાનીમાં, ઘૂંટણિયે બેસીને, મૅગ્નોલિયાનાં ફૂલો ગોઠવતી હતી. મારા આવ્યાની એને ખબર તો પડી જ હશે, પણ એ એણે મને જાણવા દીધું નહીં. મેગ્નોલિયાની પાંખડીઓ વચ્ચે સંતાઈ જતી અને પ્રગટ થતી એની આંગળીઓને હું જોઈ રહ્યો. નમતી સાંજની વેળાએ ઓરડામાં પડતા વસ્તુઓના પડછાયા વચ્ચે એ પોતે પણ જાણે એક પડછાયાની જેમ લુપ્ત થઈ ગઈ હતી. લવંગિકાની આ એક ખૂબી છે. પોતાના વ્યક્તિત્વનો અંચળો ગમે ત્યારે ઉતારી નાખીને એ આપણી વચ્ચે હોવા છતાં દૂર સરી જઈ શકે છે. એની પાંપણો હાલે, પણ તે તો પવનને કારણે હાલતી હશે એવું તમને લાગે. બારી પરના પડદાની ઝૂલ પવનમાં હાલે ત્યારે એની સાડીનો પાલવ પણ ફરફરે. પણ એ બે તરફ આપણું ખાસ ધ્યાન ખેંચાય નહીં.

અંધારું સહેજ ગાઢું થયું. એની આકૃતિની રેખાઓ જ માત્ર દેખાતી હતી. એ ઊભી થઈ. બોલી: દીવો કરું? એ પ્રશ્ન કાંઈ મને શોધતો આવ્યો હોય એવું મને લાગ્યું નહીં. એથી મને કશું બોલવાનું મન ન થયું. એણે ઉત્તરની રાહ પણ ન જોઈ. દીવી લીધી, ઘીનું પૂમડું મૂક્યું, ઘી પૂર્યું ( આ વિગતો કાંઈ મને દેખાતી નહોતી, એની ક્રિયાનો આભાસ જ હું તો વરતી શકતો હતો) ને દીવો સળગાવ્યો. નાની શી જ્યોતથી એની ચિબુકથી તે સીમન્તરેખા સુધીની સીધી લીટીમાં પ્રકાશની ધાર અંકાઈ ગઈ. એની આજુબાજુના ભાગમાં એના ગાલ અને એની આંખોનું સૂચન હતું. થોડી વાર એ દીવા પાસે એમની એમ ઊભી રહી. પછી એ સહેજ એક તરફ વળી. આથી પ્રકાશ એની એક આંખ પર પડ્યો. એની ઢળેલી પાંપણો ઊંચી ન થઈ. ખભા પરથી સરી ગયેલો છેડો સરખો કરતાં કે પછી હોઠ પર વળેલો પરસેવો લૂછવા જતાં ઝાપટ વાગવાથી દીવો ઓલવાઈ ગયો. એણે એ ફરી સળગાવ્યો નહીં. મારાથી થોડે દૂર, પશ્ચિમની ખુલ્લી બારીની પાળ પર એ બેઠી ને જાણે એની દૃષ્ટિનાં ટેરવાથી બહારના અન્ધકારના ઘટ્ટ પોતને સ્પર્શી રહી. હું નર્યો અન્ધકારમય હોત તો કદાચ એની દૃષ્ટિ મારી તરફ વળી હોત.

મેં ધીમેથી કહ્યું, ‘લવંગિકા…’

સરુના સમુદ્રના ઘુઘવાટ જેવા મર્મરમાં એ હળવું સમ્બોધન કદાચ ડૂબી ગયું. એ સમ્બોધન પછી ગોઠવી રાખેલી બધી વિગતવાર વાતો ઉખેળાવાની રાહ જોતી હતી. પણ પવન પડી જતાં વહાણ સ્થિર થઈ જાય તેમ મારું મન સ્થિર થઈ ગયું હતું. હવે ‘લવંગિકા’ના ચાર અક્ષર ભેગા કરવા જેટલો પણ ઉદ્યમ રુચતો નો’તો. એની આજુબાજુ ઘુમરાઈને આવતો અન્ધકાર મારી ચારે બાજુ ફરી વળતો હતો.

અન્ધકાર બિનજરૂરી બધું જ બાદ કરીને નરી શુદ્ધ આકૃતિનો જ આપણને કેવો પરિચય કરાવે છે! બારીની પાળ પર બેઠેલી લવંગિકા જાણે એક ઊછળતા મોજા જેવી હતી. એ સતત ઊછળ્યા કરે છે, એના બે ઉછાળા વચ્ચે એટલું તો ઓછું અન્તર હોય છે કે એ બે નહીં પણ એક જ ઉછાળો છે એવું લાગે છે. એની નિશ્ચેષ્ટતા છતાં એના ઊછળવાનો પછડાટ હું અનુભવતો હતો.

મારે જે બોલવાનું હતું તે બધું હું ભૂલતો જતો હતો. આથી રખેને બધું ભૂલી જાઉં એ બીકે હું એકાએક બોલી પડ્યો: ‘અતુલ કાલે આવે છે. તને ખબર છે?’ મારા અવાજથી હું જ ચોંકી ઊઠ્યો. અન્ધકારને કારણે કે કોણ જાણે શાથી, એ સહેજ ઘોઘરો લાગતો હતો. લવંગિકાએ અન્ધકારમાં જ મારી તરફ મોઢું ફેરવ્યું. કશું બોલી નહીં.

મેં પૂછ્યું: ‘તને બીક નથી લાગતી?’

મારો પ્રશ્ન અણધાર્યો હતો. એમાં રહેલી સન્દિગ્ધતાએ આખરે લવંગિકાનું મૌન તોડ્યું. એ બોલી: ‘શેની બીક?’

‘કોની બીક’ એ ન બોલી એ તરફ મારું ધ્યાન ગયું. માત્ર એના મૌનને તોડવા ખાતર મેં કહ્યું: ‘અન્ધકારમાં કોઈ પુરુષ સાથે એકલા બેસવાની?’

આ સાંભળીને એ હસી પડી. બારીની પાળ પરથી ઊઠી. મારા પગ પાસે આવીને બેઠી. મારા ઘૂંટણ પર માથું ટેકવીને મારી તરફ જોઈ બોલી: ‘યાદ છે, એક વાર મેં જીદ પકડી હતી કે મારે જીવતો-જાગતો રાક્ષસ જોવો છે.’ બાપુ ખિજાયા, મા વઢી, પણ હું કેમે કરી એકની બે ન થઈ. ત્યારે તમે કહ્યું: ‘ચાલ, હું તને રાક્ષસ બતાવું.’ એમ કહીને તમે ઘર પાછળના લીમડા તરફ મને લઈ ગયા. હું આવું તે પહેલાં દોટ મૂકીને તમે ક્યાંક સંતાઈ ગયા. પછી ઘોઘરો અવાજ કાઢીને બોલ્યા –

મેં પૂછ્યું: ‘ત્યારે તું ખરેખર બી ગઈ હતી?’

એ બોલી: ‘હા, ઘડીભર તો ધબકી જ ગઈ’તી. પછી પાછળથી આવીને તમે મારે ખભે હાથ મૂક્યો ત્યારે તમારી આંગળી પરની વીંટી પરથી તમે ઓળખાઈ ગયા.’

મેં કહ્યું: ‘હવે હું રાક્ષસ થઈને બિવડાવું એટલો અન્ધકાર મારામાં નથી રહ્યો એમ તને લાગે છે?’

એ બોલી: ‘તમે પહેલવહેલા ‘લવંગિકા’ એમ બોલ્યા ત્યારે મને તમારો એ દિવસનો અવાજ યાદ આવ્યો. પણ હવે –’

એ બોલતી અટકી ગઈ.

મેં પૂછ્યું: ‘હવે શું?’

એણે કહ્યું: ‘ના, કાંઈ નહીં.’

મેં એણે ચીઢવવા કહ્યું: ‘હવે અતુલ પડખે ઊભો હોય પછી કયા રાક્ષસની મગદૂર છે કે…’

એ વાક્ય પૂરું કરું તે પહેલાં એના હાથથી એણે મારું મોઢું બંધ કરી દીધું. મને કોણ જાણે શું સૂઝ્યું તે મેં એની આંગળીને સહેજ મારા દાંત વચ્ચે દબાવી દીધી. પણ એને છોડાવવાનો પ્રયત્ન એણે ન કર્યો.

થોડી વાર સુધી એ કશું બોલી નહીં. મારા હાથમાંની આંગળી પરની વીંટી રમાડ્યા કરી. આથી મેં પૂછયું: ‘વળી તને રાક્ષસ દેખાયો?’

એણે કહ્યું: ‘હા, એથી જ તો આ વીંટીને અડું છું. એને અડું એટલે બધા રાક્ષસ ભાગી જાય.’

મેં કહ્યું: ‘તો તો હું લગ્નમાં તને આ વીંટી જ ભેટ આપીશ.’

એ બોલી: ‘પણ એનો જાદુ તો એ તમારી આંગળી પર હોય ત્યારે જ રહે.’

આનો મને કશો જવાબ સૂઝ્યો નહીં. હું જવાબની શોધમાં જ હતો ત્યાં એ બોલી: ‘બોલો, બીજું કશું જાદુ છે તમારી પાસે? મને આપી શકાય એવું?

મેં કહ્યું: ‘હા.’

એ બોલી: ‘શું?’

મેં કહ્યું: ‘અતુલ.’

એ એકાએક ઊભી થઈ ગઈ. ફરી બારી આગળ મારી પીઠ કરીને ઊભી રહી ગઈ. મેં પૂછ્યું: ‘કેમ, એનું નામ દેવાથી શરમાઈ ગઈ?’

એ કશું બોલી નહીં. મને થયું કે હું જે કહેવા આવ્યો હતો તે મારે કહી જ દેવું જોઈએ. આથી મેં શરૂ કર્યું: ‘અતુલે મને એક કામ સોંપ્યું છે. મને ખબર નહીં કે તમે બંને આટલાં બધાં શરમાળ હશો. એ આ ઓગસ્ટમાં લંડન જવા ધારે છે. એ પહેલાં જો તું લગ્ન કરવાની સંમતિ આપે –’

મને બોલતો અટકાવીને એ બોલી પડી: ‘મારી સંમતિની શી જરૂર છે?’

મેં કહ્યું: ‘તારી સંમતિ વિના એ તને શી રીતે પરણે?’

એ બોલી: ‘તમે છો ને…’

વાક્ય એણે પૂરું કર્યું નહીં. આથી એ શું કહેવા જતી હતી તે મને પૂરું સમજાયું નહીં.

મેં કહ્યું: ‘મારા હોવાથી શું?’

એ બોલી: ‘બાળપણમાં મને ખભે બેસાડીને ચંપાનું ફૂલ તોડાવતા તેમ તમારે ખભે બેસાડીને –’ વળી એણે વાક્ય પૂરું નહીં કર્યું.

હું સહેજ ધૂંધવાયો: ‘હવે મારા ખભાની શી જરૂર? ચંપો તોડનારની ઊંચાઈ વધી છે ને ચંપાની ડાળ પણ અનુકૂળ રીતે નીચી નમી છે.’

એ બોલી: ‘તો મને ખભેથી નીચે ઉતારી દો ને?’

એનો અવાજ ગળગળો થઈ ગયો. રોષનો તાપ અને આંસુની ભીનાશ એમાં ભળ્યાં હતાં. હું સહેજ અસ્વસ્થ થયો. એની પાસે જઈને મેં એને માથે હાથ મૂક્યો, એ તરત બોલી: ‘શો આશીર્વાદ આપો છો?’

‘ઇચ્છાવર પામજે.’

એણે મારો હાથ માથા પરથી ખસેડવા દીધો નહીં. એ જાણે મારા આશીર્વાદને બાઝી પડી. પછી એ બોલી: ‘તમને કોઈ આશીર્વાદ આપે છે ખરું?’

મેં કહ્યું: ‘મારી મા દરરોજ મને આશીર્વાદ આપતી, હવે તો નથી–’

એણે કહ્યું: ‘એમના આશીર્વાદ ફળ્યા કે નહીં?’

મેં કહ્યું: ‘એટલાં મારાં પુણ્ય નથી લાગતાં.’

એ બોલી: ‘તમારાં પાપ કાંઈ ઓછાં નથી તો!’

એના વાક્યમાં રોષની આંચ હતી. મેં એના રોષને હળવો પાડવા કહ્યું: ‘મા બિચારી હતી ત્યાં સુધી દરરોજ રાહ જોતી. આંગણામાં પાલખી આવીને ઊભી રહે, એમાંથી વહુ ઊતરે, રૂપરૂપના અમ્બાર જેવી, ચાલે ત્યાં ફૂલ વેરાય, હસે ત્યાં ગુલાબ, રડે ત્યાં મોતી. સાંજે બારણું વાસવા ન દે. મીટ માંડીને બેસી રહે, વહુની રાહ જુએ. હું સાંજવેળાએ રખડીને આવું ત્યારે હાથ આખા શરીરે ફેરવીને જોઈ લે કે ક્યાંક વહુને સંતાડી તો નથી આવ્યો ને? મરતી વેળાએય એણે મારે શરીરે હાથ ફેરવીને તપાસ કરી લીધી, પછી એના હાથ શિથિલ થઈને સરી પડ્યા.’

‘તો તમે વહુ શોધવા કેમ નહીં નીકળ્યા?’

‘જે પોતાની પાસે હોય તેને શોધવા નીકળાય?’

‘ક્યાં છે?’

એ પ્રશ્નમાં અધીરાઈની કે પછી કોણ જાણે શાની તીક્ષ્ણતા હતી કે હું એનાથી છેદાઈ ગયો.

મેં કહ્યું: ‘ટબૂકડી અમથી એ હતી ને ત્યારથી રખેને એને કોઈ ચોરી લઈ જાય એ બીકે મેં એને સંતાડી રાખી છે.’

એ બોલી: ‘ક્યાં?’

મેં હસી પડીને કહ્યું: ‘એ જ તો ભૂલી ગયો છું.’

એ એકાએક ઊભી થઈને મારી માની જેમ મારા શરીરને ફંફોસી ફંફોસીને તપાસવા લાગી.

મેં હસીને કહ્યું: ‘અરે, એને મેં કાંઈ ખિસ્સામાં થોડી જ મૂકી છે! ચન્દન તળાવડીને કાંઠે આંબાનું ઝાડ છે, તેની બખોલમાં એણે મન્ત્ર ભણીને સંતાડી દીધી છે, એ મન્ત્ર ફરીથી બોલું તો એ મોટી થઈને હાજર થાય. પણ હવે એ મન્ત્ર ભૂલી ગયો છું.’

એ બોલી ઊઠી: ‘લાવો, હું શોધી આપું?’

મેં કહ્યું: ‘શું?’

એ બોલી: ‘મન્ત્ર,’ ને હજુ હું કહું તે પહેલાં મારા હોઠ પર હાથ ફેરવવા લાગી, પછી એના હોઠથી મારા હોઠને સ્પર્શીને એ મન્ત્રને જાણે મારા હોઠ પરથી સીધો પોતાને હોઠે લઈ લેવાનો પ્રયત્ન કરવા લાગી. પછી એ એકાએક બોલી ઊઠી: ‘જડી ગઈ, જડી ગઈ.’ મેં કહ્યું: ‘ક્યાં છે?’ એણે કહ્યું: ‘આ રહી.’ એમ કહીને એ મારી સામે ઊભી રહી ગઈ.