અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મુકબિલ' કુરેશી/ધરતી ઉપર માગી

From Ekatra Wiki
Revision as of 11:51, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ધરતી ઉપર માગી

`મુકબિલ' કુરેશી

તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી;
ફૂલો પાસે જઈ જઈને તમારી નિત ખબર માગી.

મહોબ્બતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી;
જિગર માગ્યું, નજર માગી, અસર માગી, સબર માગી.

ખરેખર એ સમયની પણ બલિહારી છે હે જીવન!
ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.

ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો એ મંજૂર પણ થઈ ગઈ;
ખરેખર મુજ દુઆ કાજે ભલા કોકે અસર માગી.

ધરા ત્યાગી શકાયે ના, રગેરગ લૂણ છે એનું,
અમે જન્નત — જહન્નમ બેય આ ધરતી ઉપર માગી.

બતાવી માર્ગ કોઈને જીવનસિદ્ધિ વરી લીધી,
વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.

પ્રણયમાં તર્ક-વિતર્કો સદા બુદ્ધિ, કર્યા કર તું,
નથી દીવાનગીએ કોઈ દી લાંબી નજર માગી.

મુકદ્દરને સદા આગળ ધરે છે માનવી ત્યારે,
મળે છે જિંદગીમાં જ્યારે કો વસ્તુ વગર માગી.

પતંગાએ તો પળભરમાં બળી ઠારી લીધું હૈયું,
બિચારી દીપિકાએ બળતરા આ રાતભર માગી.

નવાઈ શી કોઈ પાગલ ગણી `મુકલિબ'! તિરસ્કારે,
અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી.

(ગુલઝાર, ૧૯૭૨, પૃ. ૫૫)