અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/તરુણોનું મનોરાજ્ય

From Ekatra Wiki
Revision as of 08:38, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તરુણોનું મનોરાજ્ય

ઝવેરચંદ મેઘાણી

[ઢાળ : ચારણી કુંડળિયાનો]


ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ :

         આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
         વિશ્વભરના યુવાનોની આંખો અડે;
         પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
         ગરુડ-શી પાંખ આતમ વિશે ઊઘડે.
કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે;
રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?

         કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ!
         યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ!
         કેસરી વીરના કોડ હરશો નહિ!
         મત્ત યૌવન તણી ગોત કરશો નહિ!

રગરગિયાં—રડિયાં ઘણું, પડિયાં સહુને પાય;
લાતો ખાધી, લથડિયાં—એ દિન ચાલ્યા જાય :

         લાત ખાવા તણા દિન હવે ચાલિયા,
         દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;
         માગવી આજ મેલી અવરની દયા,
         વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :

         લોપવી સીમ, અણદીઠને દેખવું,
         તાગવો અતલ દરિયાવ—તળિયે જવું,
         ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
         આજ યૌવન ચહે એહ વિધ જીવવું.

(સોના-નાવડી, પૃ. ૧૦)