અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/વહવાયા

From Ekatra Wiki
Revision as of 10:34, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વહવાયા

નીરવ પટેલ

...એ મશાલો સળગી ભાગોળે,
...એ ઢોલ વાગ્યું,
...એ ટોળું આવ્યું,
...એ ધારિયા, ભાલાનાં ફળાં ચમકે,
...એ ધૂળના ગોટા ઊડ્યા અંકાશ...
લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો,
લ્યા ધાડ પડી લ્યા, ભાગો,
અલ્યા ટેણિયા ઝાડ ઉપર ના ચઢો,
એ તો એક ઝાટકે થડ હોતું ને’ચું.
લ્યા ભાગો લ્યા ભાગો લ્યા ભાગો.
હાળા ખાડામા ં ના હંતાવ,
નહિ તો લ્યા ધરબાઈ જયા હમજો.
લ્યા, કૂવાનું ઢાંકણું કુણ ઢાંકે...
નહિ તો આ બધાં ઊંચા કરીને ડફાડફ પાણીમાં,
લ્યો ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો,
ન’તો કે’તો ક પંછાયો ના પાડો
ન’તો કે’તો ક કોરે મોરે હેંડો
માળાં માંને જ નહિ —
શેરમા ંકોપ ચા પીધો કે જામે હઉ હરખાં!
લ્યા આયા, લ્યા આયા, લ્યા આયા,
લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો.
મારી ડોશી, લ્યા મારી ડોશી, લ્યા ડોશી—
ડોશી ભાગ, તારો બાપ પડ્યો પંછવાડ
ધોડ ડોહા ધોડ,
તારો કાળ પડ્યો તારી પૂંઠે
લ્યા આ બાયડી,
માળી ચ્યાં થઈ ગાભણી અટામે
હેંડ હાહુ હેંડ
નહિ તો પેઢામાં લાત ભેળાં બેઠાં
તું ન તારો મેઠિયો ગરભ.
અલ્યા... બચારી બલાડી...
રોઈ રોઈને મરી જાહે
લ્યા માળા’ તમે તો મને ય મારી નંખાવશો,
હાળા, કાળિયા તારા કાળ હાંળું ચ્યાં ધોડ્યો
હાળા ધોડ મારી પૂંઠે પૂંછે,
પૂંછડી ઘાલી કાઢ હડી
દોડો લ્યા, દોડો દોડો
...એ માળાં વરૂ તો દોડી પુગ્યાં
લ્યા માર્યા લ્યા માર્યા લ્યા માર્યા
લ્યા માર્યા, લ્યા માર્યા, લ્યા માર્યા
રે’વા દો બાપલા રે’વા દો બ ાપ લા
રે’વા દો જોરૂભા,
રે’વા દો જટાજી,
રે’વા દો કાંતિભઈ,
અમે તમારી ગાય બાપા,
અમે તમારાં છોરાં બાપા,
અમે તમારાં વહવાયાં બાપા,
રહેવા દો બા...પ ... લા...આ...



આસ્વાદ: વહવાયા કાવ્ય વિશે – ઉદયન ઠક્કર

…એ મશાલો સળગી ભાગોળે, …એ ઢોલ વાગ્યું…

આ ‘દલિત’ કવિતા છે એમ કહીને છૂટી નહિ જવાય. આપણે આ કવિતાને કવિતા તરીકે તપાસીએ?

શરૂઆતની પંક્તિઓથી જ મશાલો ભડકી, ત્રમત્રમ્યો ઢોલ, ટોળું ત્રાટક્યું. ‘એ ઢોલ વાગ્યું’ પછીની ઉક્તિઓ ધ્રબૂકતા ઢોલના દ્રુત તાલે બોલાઈ છે. આરામખુરશીને અઢેલીને નહિ, ભાગતાં હાંફતાં લખાઈ છે આ કવિતા. ‘લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો’થી તાનપલટો — લય દ્રુતમાંથી દ્રુતતર થાય છે.

ધારિયાં-ભાલાં જોઈને સામા થવાની વાત જ ક્યાં છે? નાસતાં ભાગતાં વહવાયાંનો આ સામાજિક દસ્તાવેજ છે, સુપરમેનની કોમિક પટ્ટી નહિ. કવિને વીરરસનાં બણગાં ફૂંકવામાં નહિ, સમાજનો સાચેસાચો અહેવાલ આપવામાં રસ છે.

હૂણોનું લોહીતરસ્યું ટોળું આ તો. ઝાડ પરથી ત્રાટકે, ખાડે જીવતાં દાટે, કૂવે ડફાડફ ડુબાડે… પણ એક મિનિટ, આ હૂણો નો’ય. આ તો આપણે છીએ. દુષ્યન્તકુમારના શબ્દોમાં કહીએ તો ‘ઈન્સાનોં કે જંગલ મેં કોઈ હાંકા હુઆ હોગા.’

જેમની મારપીટ કરાય છે તેમનો ગુનો શો છે, વારુ? ગુનો એ કે સમાજમાં હળ્યાંમળ્યાં. આવી ભૂલ થાય? ‘શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં!’ સૌ મનુષ્યો સમાન છે — શહેરની લોકલમાં, શાળાના પાઠ્યપુસ્તકમાં અને દેશના બંધારણમાં. બીજે બધે ઠેકામે તો જ્યોર્જ ઑરવેલે કહ્યું તેમ, ઑલ મેન આર ઈક્વલ, બટ સમ આર મોર ઈક્વલ ધેન ધ અધર્સ.

ડોહા-ડોહી ને ગાભણી બાયડીમાં કે ‘ગાંડમાં પૂંછડી ઘાલી’ હડી કાઢતાં કૂતરા-બલાડીમાં અટાણે ઝાઝો ફેર નથી. સવર્ણો એકની એક જિંદગીની પછાડી પડ્યા હોવા છતાં વહવાયાને બાપડી બલાડીને ફિકર છે, જેને આમેય નવ જિંદગી હોય છે. માથે ભમતા બલાડીની ફિકર છે, જેને આમેય નવ જિંદગી હોય છે. માથે ભમતા મોતની રુક્ષ બોલી કવિએ અદલોઅદલ ઉતારી છે. હાળા, તારો બાપ, હૈંડ હાહુ, માળાં વસુ… ડેન્ચરની જેમ રેડીમેડ જીભ પહેરનારા કવિઓ ક્યાં નથી હોતા! પણ અહીં નીરવ પટેલે પોતાની જીભે બોલી બતાવ્યું છે.

અંતે આક્રમણકારો તો ઓળખીતા નીકળ્યા. જોરૂભા, જટાજી, કાંતિભાઈ… આ બધા આપણો જીવ લેશે? પણ જોરૂભા એ જોરૂભા નથી. સળગ્યા છે; જટાજી ધ્રબૂકે છે; કાંતિભઈ ચમકે છે ફળામાં. (નામો ફરી વાર વાંચો. કેવા સંપીલા છે ત્રણેય વર્ણો, સિતમ કરવામાં.)

‘બા…પ…લા…આ…’ પોકાર પછી કવિતામાં ધારિયું અને વાચકચિત્તમાં કલ્પનાશક્તિ કામે લાગે છે.

સિતાંશુ યશશ્ચંદ્રે ‘આ માણસ મદ્રાસી લાગે છે’ નાટક લખેલું. દલિતોને જાગૃત કરતા ‘મદ્રાસી’ સાહેબને અંતે ફાંસીએ લટકવું પડે છે.

પાછળના ખેલોમાં, કોઈ કારણસર, સિતાંશુભાઈએ નાટકનો અંત બદલી નાખ્યો; હવે વેઠિયાઓ બળવો પોકારીને ‘મદ્રાસી’ સાહેબને ફાંસીને માંચડેથી ઉગારી લે છે.

નાટક અને જિંદગીમાં આટલો ફેર. નાટકમાં અણગમતો અંત બદલી શકાય.

(‘જુગલબંધી’)