અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/પપ્પા, હવે ફોન મૂકું?

From Ekatra Wiki
Revision as of 11:56, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પપ્પા, હવે ફોન મૂકું?

મનોહર ત્રિવેદી

..તો, પપ્પા! હવે ફોન મૂકું?
તમનેયે મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટહુકું?

હૉસ્ટેલ ને?... હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે... રંગભર્યું મ્હેકે છે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.

મમ્મીબા જલસામાં? ...બાજુમાં ઊભી છે?... ના ના... તો વાસણ છો માંજતી,
કે’જો... આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો... ભોળી છે... ચિંતાળુ... ભુલકણી... પાડજો ના વાંકું કે ચૂકું.

શું લીધું?... સ્કૂટર ને?... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો... ફ્રીજ
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ?... વળી ઘર આખ્ખું ઠલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય... હું હાઇકુમાં, એટલે કે ટૂંકું.
તો, પપ્પા! હવે ફોન મૂકું?

(ચિ. ગોરજને અર્પણ) (20-9-1999, સોમ)
(ચૂંટેલી કવિતાઃ મનોહર ત્રિવેદી)