અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીનાક્ષી ચંદારાણા/વાચા હજો

From Ekatra Wiki
Revision as of 11:26, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વાચા હજો

મીનાક્ષી ચંદારાણા

રંગ ગહેરા, ને વળી સાચા હજો,
સાવ માટીના ભલે ઢાંચા હજો.

તાવણે તાવ્યા પછી મળજો ભલે,
શબ્દ ના ઊણા, ન તો કાચા હજો.

દર્દ પણ લયબદ્ધ ગઝલોમાં વહો,
ક્યાંય ના ખૂણા અને ખાંચા હજો.

શબ્દની પોઠ્યું ભરી ઘૂમવું હવે,
સ્થૂળ સરસામાન પણ ટાંચા હજો.

શુભ્ર-સુંદર, લેશ આડંબર રહિત,
મૌનના પર્યાય શી વાચા હજો.