અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુસાફિર પાલનપુરી/લખતા રહો

From Ekatra Wiki
Revision as of 13:24, 26 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લખતા રહો

મુસાફિર પાલનપુરી

શંખ ફૂંકે છે સમય લખતા રહો,
જો ધબકતું હો હૃદય, લખતા રહો.

લેખિની સાચે જ છે સંજીવની
ખોફ કોનો? કેવો ભય? લખતા રહો.

શીશ ના કોઈ સિકંદરને નમે –
એ જ સાચો દિગ્વિજ, લખતા રહો.

શબ્દ રૂપે ઊર્મિઓનું અવતરણ –
શ્વાસેશ્વાસે સૂર્યોદય, લખતા રહો.

પાણી પાણી થાય પાષણો તમામ,
ઝૂમે એકેએક શય, લખતા રહો.

પ્રેમ કેવળ પ્રેમ, બીજું કંઈ નહીં,
એ જ શાશ્વત વિષય, લખતા રહો.

શબ્દ ખખડાવ્યે કશું વળશે નહીં,
દિલ નિચોવી, દર્દમય, લખતા રહો.

જે મુસાફિર ગેબમાં ગુંજી રહી –
જાળવીને એ જ લય, લખતા રહો.

શય = ચીજ, વસ્તુ