અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આયુષ્યના અવશેષે: ૧. ઘર ભણી

From Ekatra Wiki
Revision as of 07:33, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આયુષ્યના અવશેષે: ૧. ઘર ભણી

રાજેન્દ્ર શાહ

ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ર મહીં ઘન;
સ્વપ્ન મધુરી નિદ્રાનું તે દૃગો મહીં અંજન
ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.

ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,
સ્મૃતિદુ :ખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ—ને ઓઢી પાછું જતી પડખું ફરી.

પથ—તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદીક અથવા તારો કોઈ ખરે, બસ, એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણ કણની આ માટી કેરી કથા નીરખી રહે.

જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.