અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિમલ અગ્રાવત/પ્રોષિતભર્તૃકાનું ગીત

From Ekatra Wiki
Revision as of 13:15, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રોષિતભર્તૃકાનું ગીત

વિમલ અગ્રાવત

ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફળિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું,
ઉંબરા નામે પ્હાડને ભીંસોભીંસ ભીંસાવે એકલતા ચોપાસ ને માથે આભ નોધારું.

ખાબડખૂબડ પડછાયાના ગોખલે બળે દીવડી નાની રેબઝેબા થૈ હુંય મૂંઝાણી;
મોભના આખા વાંસ હડૂડે, ધડ ધડા ધડા નળિયાં ઊડે, વરસે સાજણ તરસ્યું પાણી;

ભણકારાથી ઝબકી જાગી જાય પારેવાં, હાંફતાં ઘૂ ઘૂ, ફફડે પાંપણ, કેમ હું વારું?
ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફળિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું.

તળિયાઝાટક આંખ ને સોણાં દૂર દેશાવર દૂર દરોગા દૂર દેશાવર દૂર ઠેબાણા;
ભમ્મરિયે પાતાળ ધરોબી તોય લીલુંછમ્મ ઝાડ બની ગૈ નકટી તારી યાદ ઓ રાણા;

રેશમી રજાઈ ઢોલિયે ઢાળી, મોરલા દોરી, આજ આંખેથી ટપકે ટપાક્ કાંઈ ચોધારું.
ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફળિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું.
કવિતા, ડિસેમ્બર