અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/મુલાકાત કરશું

From Ekatra Wiki
Revision as of 07:56, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મુલાકાત કરશું

શેખાદમ આબુવાલા

સુરાલયમાં જૈશું જરા વાત કરશું,
અમસ્તી શરાબી મુલાકાત કરશું.

ઘણી વાત અંગત કરી રાતદિવસ,
હવે પારકી ચાલ, પંચાત કરશું.

ભલે રાત થૈ દિન ઊગ્યો ફરીથી,
લટોની કૃપાથી ફરી રાત કરશું.

મુહબ્બતને રસ્તે સફર આદરી છે,
મુહબ્બતને રસ્તે ફના જાત કરશું.

જમાનાની મરજીનો આદર કરશું,
વિખૂટાં પડીને મુલાકાત કરશું.

સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે,
કદી બંધ આંખો અમે રાત કરશું.

સુરાલયમાં મસ્જિદમાં મંદિરમાં ઘરમાં,
કે આદમ કહો ત્યાં મુલાકાત કરશું.

(હવાની હવેલી, કૃ. ૪૮)