અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/વ્હેતું ના મેલો

Revision as of 11:49, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ! સાંજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

         વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
                  કે ખાલી બેડાંની કરે વાત;
         લોકો કરે છે શાને દિવસ ને રાત
                  એક મારા મોહનની પંચાત?

વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે, કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!

         કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ?
                  એની પૂછી પૂછીને લિયે ગંધ;
         વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ,
                  જોકે હોઠોની પાંખડીઓ બંધ.

મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!

(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૦)