અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સોનલ પરીખ/ગીત (લયની લહરાતી...)

From Ekatra Wiki
Revision as of 11:30, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગીત (લયની લહરાતી...)

સોનલ પરીખ

લયની લહરાતી ભૂમિમાં હાલક-ડોલક નાવ લઈ
હું દરિયા-દરિયા ખેડું
મુજને કિયા મલકનું તેડું?

સાદ અજાણ્યો સૂર અજાણ્યા શબ્દ અજાણ્યા
ક્ષિતિજના કયા વળાંક પરથી ઊઠે?
અને ક્યાંકથી હળવે હળવે કંઈ કિનારા કયા આભમાં
આંખ માંડતા મને ઉઠાવી ઊડે?
કયાં રહસ્યો થઈ હું પોતે ખૂલતી-છૂપતી ક્યાં ને
ફરતું કોણ આ મારી ભેળું
મુજને કિયા મલકનું તેડું?

પંથોના પિંજરની છટકી વણખેડી કેડી પર વીંઝી પાંખ
હવામાં રસ્તાઓ કંડારે
સ્વપ્નોની ચકમકના તણખે કોણ મને આ મારગ ચીંધે
સૂતાં-જાગતાં, અજવાળે-અંધારે?
પાણીમાં હું ઊડું, તરું વાયુમાં, નક્ષત્રોનાં નીતર્યાં તેજ
પીઉં ને તમસ યુગોનાં ફેડું
લયની લહરાતી ભૂમિમાં હાલક-ડોલક નાવ લઈ
હું દરિયા-દરિયા ખેડું
મુજને કિયા મલકનું તેડું?
(નવનીત સમર્પણ, એપ્રિલ)