અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/અડવાની આંતરકથા

From Ekatra Wiki
Revision as of 10:06, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અડવાની આંતરકથા

હરિકૃષ્ણ પાઠક

આમ તો અડવો જોકે પ્હેલેથી બાંગરો હતો,
કોક વેળા અમસ્થો એ મૂંગોમંતર થૈ જતો.

તરંગે ચડતો ત્યારે ભૂલીયે જાય જાતને,
આળસુ હોત ઓછો તો મોટો માણસ થાત ને?!

ગુંજતો ગીત છાનાં ને ચિત્તમાં કૈંક ચીતરે,
લાગતો બ્હારથી બાઘો — જાણતો એય ભીતરે.

મુખની રેખ એવી કે ઓળખીતાં ભૂલી જતાં;
ગમ્મતો ચાલતી એથી, ચાલે વ્હેવાર એ છતાં.

દૂભવી કોકને પાછો છૂપો આનંદ પામતો,
ઇચ્છા-આશા-અપેક્ષાઓ થામતો ને ઉથામતો.

થોડો-શો ભાવભીરુ છે, થોડો છે અળવીતરો;
રંગ મેળવણી એવી — કેમે ના જાય ચીતર્યો.

વાંકો ને વાંકદેખો એ ચાહે માણસજાતને;
કોરો ધાકોર ર્‌હૈ જાતો કાંઠે જળપ્રપાતને.

રમૂજીલાલ જેવું એ જોકે નામ ધરે નહીં,
શોકની કો’ક છાયાને ગોપવે ચિત્તની મહીં.

આળો છે, કાંક ભોળો છે, સ્હેજમાં વટકી જતો;
આરંભે ખૂબ શૂરો ને મધ્યમાં અટકી જતો.

આપ છે અડવો તેથી અડવાને વખાણતો,
જાણતો પંડજોગું ને પંડજોગું પ્રમાણતો.

કૌપીને લપટ્યો બાવો, બાવાનો કારભાર છે,
છૂટવા બાંધતો કર્મો, — સારનો એ જ સાર છે.

શ્વેત ને શ્યામ ધાગાથી પોત આડવ્યનું વણ્યું;
થોડું આ કાનમાં કીધું : ગણી લેજો ઘણું ઘણું.

લખેલા લેખ તો જોકે મિથ્યા થાય કદી કદી,
જીવતો અડવો ર્‌હેશે — જીવે માણસ જ્યાં લગી.
(અડવાપચીસી, ૧૯૮૪,પૃ. ૩૧-૩૨)