અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/મેળો આપો તો

From Ekatra Wiki
Revision as of 09:29, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મેળો આપો તો

હરીન્દ્ર દવે

મેળો આપો તો એક માનવીની સંગ,
         અને એકલતા આપો તો ટોળે,
જીવતર આપો તો એવું આપો કે
         શ્વાસ એના કેફના કસુંબાને ઘોળે!

તરતાં ના આવડે લગાર અને તગતગતા
         તડકાનો દરિયો લલકારે,
થાકેલી આંખો અંજાતી નથી, તોય
         થોડાં મૃગજળ ચળકે છે મઝધારે,
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
         રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા
         એકલતા બોલી અકળાવો,
ઊગતી સવારના આ ડ્‌હોળાતા રંગમાં
         જો થોડી આ સાંજ ઘૂંટી લાવો,
કોઈએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
         કોણ હવે આકાશે ઢોળે?

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૦૩)