અષ્ટમોઅધ્યાય/નવો અવતાર–એક અવાન્તર મુદ્દો

From Ekatra Wiki
Revision as of 09:06, 4 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નવો અવતાર–એક અવાન્તર મુદ્દો

સુરેશ જોષી

ન્યાય, કાયદો, કાયદાનું ચુસ્ત પાલન, દણ્ડ, શિક્ષા – આ બધી સંજ્ઞાઓથી આપણે સહુ પરિચિત તો છીએ જ. કોઈક વાર એવી ઘટનાઓ બને છે. જેને કારણે સમાજનો ચિન્તક વર્ગ આ બધી સંજ્ઞાઓની ફેરતપાસ કરવા પ્રેરાય છે. હમણાં જ આપણે એવા એક તબક્કામાંથી પસાર થઈ ગયા. ‘અનુશાસન’ જેવો શબ્દ ચકડોળે ચઢ્યો. શિસ્ત, શાન્તિ, વ્યવસ્થા – આ બધા શબ્દોના સંકેતો બદલાયા હોય એવો વહેમ ગયો. અપરાધ અને શિક્ષા વચ્ચેના સમ્બન્ધો વિશે પુનવિર્ચારણા કરવી પડી. ન્યાયની સંસ્થાના સ્વરૂપ વિશે પણ આલોચના કરવાનો વારો આવ્યો.

માનવસમ્બન્ધો ભારે અટપટી વસ્તુ છે. જે ધારાધોરણ કે નિયમને ગાંઠે નહિ તેને જેર કરવાના પ્રયત્નો માનવીએ અનેક સંસ્થાઓ દ્વારા કર્યા છે. તત્કાળ પૂરતા તે કામયાબ પણ નીવડ્યા હશે; પણ માનવસન્દર્ભ બદલાતાં જો એમાં ફેરફાર ન કરીએ તો ન્યાય ચૂકવવાની આખી પ્રક્રિયા જ અન્યાયમૂલક થઈ પડે. કાયદો જ્યારે માનવને કેન્દ્રમાં નથી રાખતો, માનવીને ગૌણ બનાવીને કાયદાના પાલનને જ મહત્ત્વનું માનવામાં આવે છે, ત્યારે માનવીના પક્ષકાર થવાની આપણી ફરજ થઈ પડે છે.

વાત જરા અટપટી છે, કારણ કે માનવી પોતે અટપટો છે. પોતાના કાર્ય પાછળના સભાન-અભાન આશયોની જટાજાળ ઘણી વાર એ પોતે જ સમજી શકતો નથી, એમાં જો મુત્સદ્દીગીરી, બુદ્ધિની કુશાગ્રતા, કુટિલતા, જેવાં તત્ત્વો ઉમેરાય તો? આને કારણે જમાને જમાને એવા તબક્કા આવે છે ત્યારે શાસક અને પ્રજા વચ્ચેના સમ્બન્ધો ખતરનાક રીતે કથળી જાય છે. આવા જ એક તબક્કા દરમિયાન ટોલ્સ્ટોયે આ મુદ્દાને હાથ પર લીધો અને એક સર્જકની હેસિયતથી એને એની નવલકથા ‘નવો અવતાર’ (Resurrection)માં નિરૂપ્યો. આ જ ગાળા દરમિયાન એના ધર્મ વિશેના વિચારોમાં પણ મોટું પરિવર્તન આવ્યું. એના જમાનાની મોટા ભાગની ‘કળા’ સમાજના ઉપલા થરના ભદ્ર લોકોનું જ સમારાધન કરતી હતી એવું એને લાગ્યું, શ્રમજીવી તો એને માણી શકતો જ નહોતો. આ ઉપલા વર્ગની કળા અભિમાન, યૌનવૃત્તિ અને જીવન પ્રત્યેની વિરતિ – આ ત્રણ લાગણીને જ પોષતી હતી. વ્યાપક સ્વરૂપની કળાથી વિચ્છિન્ન એવી આ કળા એવો ભ્રમ પોષતી હતી કે કળા, કળા હોઈને પણ મોટા માનવસમૂહને માટે દુર્બોધ કે દુષ્પ્રાપ્ય રહી શકે!

ટોલ્સ્ટોયને આ મંજૂર નહોતું. મહાન કળાકૃતિઓની મહત્તા એ સર્વ કોઈને માટે સુલભ અને સુબોધ બની રહે તેમાં જ રહેલી છે એવું એનું માનવું હતું. એવી કળા જ માનવીઓમાં રહેલી અનેકવિધ વિભિન્નતા છતાં માનવ્યની એકતાની દૃઢ પ્રતીતિ કરાવતી હતી.

ટોલ્સ્ટોય કળાને એમાં નિરૂપાતા વિષયવસ્તુથી જુદી પાડીને જુએ છે. સાચી કળાને નકલી કળાથી જુદી પાડી આપનારું તત્ત્વ તે સાચી કળામાં રહેલી પ્રભાવકતા – ચેપીપણું છે. માનવીને સત્ય અને સૌન્દર્યનો ચેપ લગાડવો તે કળાનું કામ છે, કળાકૃતિના સમ્પર્કમાં આવનાર માનવી જો એવી મનોસ્થિતિ અનુભવે જેના બળે કરીને એ પોતાને કળાકાર સાથે તથા એ કૃતિના સહભાગી બીજા માનવીઓ સાથે જોડાયેલો અનુભવે તો એ કૃતિ સાચા અર્થમાં કળાકૃતિ છે એમ માનવું.

આ ચેપ જેમ વધુ ઉત્કટ પ્રકારનો તેમ કળાકૃતિ મોટી. સંસ્કૃત કાવ્યમીમાંસામાં મમ્મટ કદાચ આને જ ‘વિગલિતવેદ્યાન્તરત્વ’ (જ્ઞાનના બીજા બધા જ વિષયોનું ઓગળી જવું) કહે છે; પશ્ચિમની રસમીમાંસા આ સ્થિતિને transpor કહીને ઓળખાવે છે. આ દૃષ્ટિએ જોતાં ટોલ્સ્ટોયને મતે, કળાને નીતિ સાથે કશો સમ્બન્ધ નથી. જે લાગણીનું કળાકૃતિ દ્વારા સંક્રમણ થયું હોય તે સારી કે ખરાબ પણ હોઈ શકે, કળાનો સૌથી મોટો ગુણ તે એની નિષ્ઠા, એની પ્રભાવકતા છે.

કળાની આન્તરિક કસોટીની આ વાત થઈ. મોટો માનવસમૂહ એને માણી શકે તે એની બાહ્ય કસોટી. કળા માનવીઓને લાગણી દ્વારા જોડે છે; આથી જો એ, એ સારી લાગણી દ્વારા માનવીને જોડે તો સમાજને માટે એ હિતાવહ લેખાય. એ કબૂલ રાખે છે કે સારું શું અને નરસું શું તેની વ્યાખ્યા જમાને જમાને બદલાયા કરતી હોય છે. કોઈ યુગમાં એવી લાગણી કળાને ધર્મ પાસેથી પ્રાપ્ત થતી હોય છે. પણ કળા એટલા પૂરતી જ મર્યાદિત રહે એવી ટોલ્સ્ટોયની માન્યતા નથી. માનવીઓને જોડનારી કોઈ પણ પ્રબળ લાગણી – આનન્દ, કરુણા, લુત્ફે હયાત, ઉપશમ કળાનો વિષય બની શકે. કળાકારના કાર્યક્ષેત્રને સીમિત કરી દેવું ન જોઈએ. પોતાની કળા વિશેની આ વિચારણાને કેટલાક બુદ્ધિહીનતાભર્યો વિરોધાભાસ કહેશે તેની એને જાણ હતી. આ વિચારણાથી એને પોતાને જ ઉગ્ર અસન્તોષ હતો. પણ કળાને એણે કોઈ પણ સંસ્કૃતિની સહુથી ઉદાત્ત સંસિદ્ધિ ગણીને એનું ગૌરવ તો કર્યું જ છે.

ટોલ્સ્ટોયે આ ગાળામાં પોતે જે સમાજમાં જીવતો હતો તે સમાજ સામે જ યુદ્ધ માંડ્યું હતું. એ યુદ્ધ ક્ષયિષ્ણુ સમાજ સામે હતું. એ સમાજને સંતોષવા, અધ:પતન પામેલા ભોક્તાઓનું સમારાધન કરવા કળા પણ નીચી ઊતરે તે સામે એને વિરોધ હતો.

‘નવો અવતાર’ માનવ સમ્બન્ધની એક મહત્ત્વની સમસ્યાનો ઉકેલ આપવા મથે છે. આવો ઉકેલ આપવો તે એક સમયે ટોલ્સ્ટોયને પોતાને જ અભિમત નહોતું. સામાજિક સમસ્યાઓનો ઉકેલ પોતાની કૃતિઓ દ્વારા આપવાનું પોતે શા માટે ટાળે છે તેનો ખુલાસો કરતાં એક મિત્રને ટોલ્સ્ટોયે લખ્યું હતું, ‘કળાના આશયો સામાજિક હેતુઓના સમ-પરિમાણ હોઈ શકે નહીં. કોઈ સમસ્યાનો નિવિર્વાદ ઉકેલ લાવવો તે કળાકારનો આશય નથી. જીવનને એના સમસ્ત આવિષ્કારો સહિત – અને એ તો અખૂટ છે – ચાહવા જેવું કરવું તે એનું કામ છે. જો કોઈ મને કહે કે હું મારી કૃતિ દ્વારા સમાજના બધા પ્રશ્નો વિશેના મારા દૃષ્ટિબિન્દુને નિવિર્વાદ રીતે સાચું ઠરાવી શકું તો હું તો એવી કૃતિ પાછળ બે કલાક સુધ્ધાં બગાડું નહિ; પણ જો કોઈ એમ કહે કે મારી કૃતિ વીસ વર્ષ પછી પણ વંચાશે, આજે જે બાળકો છે તે મોટાં થઈને એ વાંચશે; એ વાંચીને હસશે, રડશે, એમાં નિરૂપાયેલાં જીવનને ચાહશે, તો એવી કૃતિ માટે મારું સમસ્ત અસ્તિત્વ અને મારી બધી શક્તિ હું જરૂર ન્યોચ્છાવર કરી દઉં.’

આમ કહેનાર ટોલ્સ્ટોયે જ ‘નવો અવતાર’ દ્વારા સમસ્યાનો ઉકેલ આપવા માટે વર્ષો ગાળ્યાં. એ દ્વારા ટોલ્સ્ટોયે સરકાર તરફથી થતી, માટે જ કાયદેસર ગણાવાતી હિંસા, માનવે બનાવેલા કાયદાઓથી જ થતો અન્યાય, ધામિર્ક સમ્પ્રદાયોની દામ્ભિકતા ઉઘાડાં પાડ્યાં. ‘આપણે કોઈનો ન્યાય ચૂકવવો નહીં, નહીં તો કોઈ આપણો જ ન્યાય ચૂકવશે’ એવા બાઇબલના ઉપદેશનું એણે આ કૃતિ દ્વારા સમર્થન કર્યું. છતાં, ટોલ્સ્ટોયમાં પોતાની જાત સાથેની પાયાની પ્રામાણિકતા હતી. આ કૃતિથી એને સન્તોષ થયો નહોતો. એ પૂરી કર્યા પછી, 1899ના ડિસેમ્બરની 18મી તારીખે એણે પોતાની ડાયરીમાં નોંધ્યું છે: ‘RESURRECTION’ પૂરી કરી. કાંઈ બહુ સારી નથી, સુધાર્યા વગરની રહી ગઈ, ખૂબ ઉતાવળ થઈ ગઈ. પણ આખરે કામ પત્યું. હવે મને એમાં જરાય રસ નથી.’

છેક 1857માં બોટકિનને લખેલા પત્રમાં ટોલ્સ્ટોયે કહ્યું હતું, ‘રાજતન્ત્ર તે નાગરિકોનું શોષણ કરવા માટેનું જ નહીં, પણ એમને નૈતિક અધોગતિએ પહોંચાડવા માટેનું ષડયન્ત્ર છે.’ આ વિચાર એના મનમાં લાંબા સમયથી ઘોળાયા કરતો હતો. એનો જ એક ફણગો ‘નવો અવતાર’માં દેખાય છે, એમાં કેન્દ્રસ્થાને રહેલો પ્રશ્ન આ છે: કયા હકને દાવે સમાજની એક વ્યક્તિ, બીજી વ્યક્તિ પર, જુલમ ગુજારી શકે? એમાંથી જ બીજા પ્રશ્નો પણ ઉદ્ભવે: બીજાઓના પર જુલમ કરવાનો પોતાને અધિકાર છે એવું કોઈ શાને આધારે કહી શકે તે સમજાવી શકાશે ખરું? માનવી માનવી વચ્ચેના માનવ્યનો જ અન્ત આવે એવો વ્યવહાર કરવાનું એ શાને જોરે કરે છે? ટોલ્સ્ટોયને મન ‘માનવ્ય’ એટલે માનવી માનવી વચ્ચેનો પ્રેમનો સમ્બન્ધ. આ પછી પણ બીજો એક પ્રશ્ન ઉદ્ભવે છે: બીજા માનવીઓ પ્રત્યેની ફરજને સ્થાને અમુક હોદ્દો કે પદવીને માટેની ફરજને માનવી શી રીતે સ્થાપી શકે છે? ટોલ્સ્ટોય પોતે આ વાતને આ રીતે રજૂ કરે છે: નેખ્લ્યુદોવે (કથાનો નાયક) એક સાદો સીધો પ્રશ્ન પૂછ્યો: કયા અધિકારથી અને શા માટે કેટલાક લોકો બીજાને તાળું વાસીને પૂરી દે છે, એમના પર ત્રાસ ગુજારે છે, એમને હદપાર કરે છે, મારપીટ કરે છે અને મારી સુધ્ધાં નાંખે છે? એઓ પોતે તો, જેમને એઓ ત્રાસ આપતા હોય છે, ફટકારતા હોય છે અને મારી નાંખતા હોય છે તેમના જેવા જ હોય છે!’

આ પાયાનો પ્રશ્ન છે. એ આપણને મૂંઝવી નાંખે છે. આ પ્રશ્નનો એવો જ સરળ જવાબ ટોલ્સ્ટોય આપી છૂટે છે: પ્રેમપૂર્વક અન્ય માનવીઓ સાથે વર્તવું અથવા તો ધર્મના આદેશને અનુસરવો. પણ માનવી હંમેશાં ક્યાં પ્રેમપૂર્વક વર્તતો હોય છે? એ ક્યાં હંમેશાં ધર્મના આદેશને માથે ચઢાવતો હોય છે? આથી કૃતિની નૈતિક બાજુ તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું છે અને એની કળા તરફ જ મોટે ભાગે લોકોનું ધ્યાન ગયું છે. માનવીની અધમતાના આટલા બધા પુરાવાઓ મળી ચૂક્યા છતાં આપણે આવા સાદા જવાબ આપવાનું વલણ શા માટે રાખીએ છીએ?

અનિષ્ટ સામે આપણે જીતીશું શી રીતે એવો પ્રશ્ન ટોલ્સ્ટોય પૂછતા નથી. એનો પ્રશ્ન તો આ છે: ‘કયા અધિકારથી કોઈ બીજાના પર જુલમ કરી શકે?’ આ જવાબદારીપૂર્વક પૂછેલો એક ગમ્ભીર પ્રશ્ન છે. પ્રચલિત માનવવ્યવહારથી, રાજતન્ત્રથી આપણે એવા તો ટેવાઈ ગયા છીએ કે આ પ્રશ્નને આપણે ગણનામાં લેતા જ નથી. અહીં જાણે અધિકારનો પ્રશ્ન છે જ નહીં, સત્તાનો જ મુદ્દો છે એમ આપણે માનતા થઈ ગયા છીએ. કોઈને સત્તા ગમે તેટલી હોય, પણ અધિકારનો પ્રશ્ન તો ઉઠાવી જ શકાય. ટોલ્સ્ટોયની દૃષ્ટિએ સત્તા ધરાવનારને આવો અધિકાર હોતો નથી. સત્તા અખત્યાર કરવી એ જ એને મન તો એક અનિષ્ટ છે. પણ આપણે વાસ્તવિકતાનેય ધ્યાનમાં લેવી જોઈએ. સત્તાનો ઉપયોગ થતો હોય એવી અનેક પ્રકારની પરિસ્થિતિઓ હોય છે. કેટલાક સંજોગોમાં લોકો થોડાઓની ઘણાઓ પરની સત્તાને છૂટથી સ્વીકારી લેતા હોય છે. પણ એથી તો માનવીની, ભૂલો કરી બેસે એવી વિચારણાથી નિયન્ત્રિત થતી સંસ્થાઓને શરણે જવા જેવું નથી થતું?

આ જાતની સમાજરચનાને જ પડતી મૂકવી એ ટોલ્સ્ટોયને મતે વધુ સારું છે. જ્યાં નિયમો છે ત્યાં કાનૂની દૃષ્ટિએ અધિકારને માટેની ભૂમિકા છે; જ્યાં નિયમ છે ત્યાં સત્તાને વાજબી ઠરાવવામાં આવે છે. આવી સમાજરચનાની ભૂમિકાને ટોલ્સ્ટોય આ કૃતિમાં તપાસવાનું માથે લે છે. બીજાઓ પર વર્ચસ્ ભોગવનારા નર્યા સ્વાર્થથી જ એ પ્રમાણે વર્તતા હોય છે એવું માની લેવાની બાઘાઈ ટોલ્સ્ટોયમાં નથી.

રિચાર્ડ કુહન્સે આ આખા પ્રશ્નની મીમાંસા ઝીણવટથી કરી છે તે અહીં તપાસીને. હિટલરે નિ:શસ્ત્ર અને નિર્બળ યહૂદીઓને ગૅસચૅમ્બરમાં ધકેલ્યા ત્યાં અધિકારનો પ્રશ્ન હતો ખરો? દમનખોર ન્યાયાધીશો એમની સ્વાર્થવૃત્તિને વશ થઈને વર્તતા હોય છે ત્યારે એમના ચુકાદા પરત્વે અધિકારનો પ્રશ્ન ઊભો થાય છે ખરો? ના, આવો પ્રશ્ન પૂછવો એ જ, કેટલાકને મતે, બાઘાઈ કહેવાય; કારણ કે આપણે જાણતા હોઈએ છીએ કે જુલમ ગુજારવાનું કાર્ય આક્રમક વૃત્તિમાંથી ઉદ્ભવતું હોય છે, જેનો હેતુ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો જ હોય છે. આવા ખુલાસાનો વાસ્તવિકતા સાથે હંમેશાં મેળ ખાતો નથી. ગેરવાજબી વર્તાવ અને જુલમ વિષેની મહત્ત્વની વાત એ છે કે આ વર્તાવને વાજબી ઠરાવનારા નિયમો હોય છે. ટોલ્સ્ટોય આ આંગળી ચીંધીને બતાવે છે. આવા વર્તનને દોરનારા અને વાજબી ઠરાવનારા નિયમો સમાજ રચતો હોય છે. આ નિયમોના માળખામાં રહીને આપણે જીવવાનું હોય છે તે સ્પષ્ટ છે. આવું માળખું ટોલ્સ્ટોયે આ નવલકથામાં રચી આપ્યું છે. વર્તન પાશવી હોય ત્યાંય એનો નિયમથી બચાવ થઈ શકતો હોય છે. (આપણી નજીકના જ ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ હકીકતનું સમર્થન કરશે).

કાયદાની ફિલસૂફીના નિષ્ણાત એમ.એલ.એ.હાર્ટ નામના વિદ્વાને આ દમન અથવા જુલમની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: ‘દમન એ ફરજ પાડીને કરાવવામાં આવતું કાર્ય છે. એની પાછળ અમુક વ્યક્તિઓને સત્તા આપતી નિયમોની વ્યવસ્થા હોય જ છે. આ લોકો અમુક પ્રકારના વ્યવહારને નિષિદ્ધ લેખાવે છે અને જો નિયમનો ભંગ કરીને એવો વ્યવહાર કોઈ કરે તો આ નિયમોની વ્યવસ્થામાં યથાયોગ્ય દમનની કે દણ્ડની જોગવાઈ કરેલી જ હોય છે.’ કોઈ સૈનિક ચોકીદાર પહેરો ભરવાની ફરજમાંથી ચૂકે તો એને કારાગારમાં પૂરી દેવામાં આવે. લશ્કરી કાયદો આવી પરિસ્થિતિમાં કેવાં પગલાં લેવાં તે વિશે વિગતે સૂચના આપે છે. ફરજ આચરી નથી એવું ક્યારે ગણવું તે પણ એ નક્કી કરી આપે છે. દમનની નિયમબદ્ધ વ્યવસ્થાનું ઉત્તમ નિદર્શન આવો લશ્કરી કાયદો છે.

નાગરિક જીવનવ્યવહારને નિયન્ત્રિત કરનારા કાયદાઓ પણ હોય છે. એમાંય નિષિદ્ધ વ્યવહારને માટે દમન અને દણ્ડની જોગવાઈ હોય છે. આ કાયદાઓ લશ્કરી કાયદાઓ જેટલા જડબેસલાક નથી હોતા તે ખરું, છતાં મહત્ત્વનો મુદ્દો એ છે કે દમન ગુજારવાને માટે કાયદાકાનૂન ઘડવા પડે છે. દમન ગુજારવાનું બહુ સહેલું થઈ પડતું હોય તોય એને માટે નિયમો અને ધારાધોરણોની જરૂર પડવાની. ધારાધોરણોની મદદ વિના આમ કરવું હજી આપણને જરા ખૂંચે છે. પણ ધારાધોરણ મુજબનું આપણું વર્તન છે એમ સ્થાપિત કરાય તો પછી દમન ગુજારવામાં ખંચકાવાનું રહેતું નથી. આથી ગમે તેવા બેહૂદાં પણ ધારાધોરણો ઘડી કાઢવાં જોઈએ. પછી કોઈ પણ પરિસ્થિતિ દમનને માટે યોગ્ય છે એવું આ નિયમો લાગુ પાડીને બતાવી આપનારા મળી રહેશે. જો ધારાધોરણો નથી હોતાં તો આ લોકો બિચારા મૂંઝવણમાં પડી જાય છે!

ટોલ્સ્ટોયે ‘નવો અવતાર’માં આવાં ધારાધોરણોનું ઉદ્ગમસ્થાન ક્યાં છે તથા આ ધારાધોરણોને કેવી રીતે લાગુ પાડવામાં આવતાં હોય છે તે વિશે ઊંડી નજરે જોયું છે. આવાં ધારાધારણો માનવીની જરૂરિયાતો, રાજતન્ત્ર, શાસકોની જરૂરિયાત, પુરાણી પરમ્પરાની અપેક્ષાઓને વશ વર્તીને ઘડાતાં હોય છે. કોઈ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સત્તાસ્થાને રહેલાઓ તાકીદે નિયમો ઘડી કાઢતા હોય છે. જો ધારાધોરણોનાં આટલાં બધાં જુદાં જુદાં ઉદ્ગમસ્થાનો હોય તો પ્રશ્ન થાય: કાયદાઓ ઘડનારા સિવાયનું બીજું એવું કશું છે ખરું જેને કારણે આ કાયદાઓને વાજબી કે ન્યાયી ઠરાવી શકાય? કયા હકથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર નિયમ લાદી શકે? આ પ્રશ્નોનો જવાબ આપતાં સાધ્ય-સાધનના વિવેકનો મુદ્દો પણ ધ્યાનમાં લેવાનો રહે.

ટોલ્સ્ટોય આ નવલકથામાં આ મુદ્દો ઉઠાવીને કહે છે: ‘આ બધા જુદા જુદા પ્રકારના લોકો જેલમાં છે ત્યારે એમના જેવા જ બીજા લોકો શા માટે બહાર છે?’ એટલું જ નહીં, ‘આ બહાર રહેલાઓએ જ જેલમાંના લોકોનો ન્યાય ચૂકવ્યો છે!’ આ મુદ્દાની પંડિતાઇભરી ચર્ચા કરનારાઓ પર ટોલ્સ્ટોય વ્યંગ કરતાં કહે છે: ‘મનુષ્યને સ્વતન્ત્ર ઇચ્છાશક્તિ છે કે નહીં એ વિશેનો ઊહાપોહ, ખોપરીનું માપ કાઢવાથી માનવીમાં રહેલી ગુનાહિત વૃત્તિનો અંદાજ આવે કે નહીં, આ ગુનાહિતવૃત્તિ વારસામાં મળતી હોય છે કે કેમ, અનીતિયમ કોણે કહેવાય, સ્વભાવ એટલે શું, આબોહવા, ખોરાક, અજ્ઞાન, નકલ કરવાની વૃત્તિ, વશીકરણ – આ બધાં કેટલે અંશે જવાબદાર, સમાજ એટલે શું, એની ફરજો શી – વગેરે પ્રશ્નો વિશે જીભાજોડી ચાલ્યા કરે છે.’ પણ કયા અધિકારથી એક માનવી બીજા માનવીને શિક્ષા કરે છે એ મૂળ પ્રશ્નનો કોઈ જવાબ આપતું નથી!

માનવીઓ સ્વતન્ત્રપણે નિયમોનું પાલન કરવાનું સ્વીકારે તોય ટોલ્સ્ટોયને મતે, એ એક ઇષ્ટ પરિસ્થિતિ તો નથી જ. ‘નવો અવતાર’ આ બાબતમાં ભારે ક્રાન્તિકારી વિચારસરણી રજૂ કરે છે. જે અનિશ્ચિતતાભરી સ્થિતિમાં નિયમો ઘડવામાં આવે છે અને એનો બચાવ કરવામાં આવે છે તે તરફ ટોલ્સ્ટોય આંગળી ચીંધે છે; પણ આ જુલમના અનિષ્ટને દૂર કરી શકે એવી કશી વ્યવસ્થા ટોલ્સ્ટોય શોધી શકતા નથી. પણ એમાં રહેલી ટોલ્સ્ટોયની પારદર્શક પ્રામાણિકતા આપણને સ્પર્શી જાય છે. ઇન્દ્રિયવિલાસી કળાને એણે વખોડી કાઢી તો એમાં પોતાની આગલી અત્યન્ત પ્રશંસિત કૃતિઓને પણ એમાં અપવાદ રૂપ ગણી નહિ.

  • * *

‘નવો અવતાર’માં એક રીતે ટોલ્સ્ટોય જાણે પોતાના આરમ્ભબિન્દુ તરફ પાછો વળતો હોય એવું લાગે છે. આ વાર્તાનો નાયક નેખ્લ્યુદોવ ટોલ્સ્ટોયની પ્રારમ્ભની કૃતિ ‘ચાઇલ્ડહૂડ, બોયહૂડ એન્ડ યુથ’માં હતો જ. એમાં એ એક ઉત્સાહી સ્વભાવના યુવાનને રૂપે રજૂ થાય છે. એને સાત્ત્વિક વૃતિને માટે ભારે આદર છે. ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધવો એ જ માનવજીવનનું લક્ષ્ય છે એવી એને પ્રતીતિ છે. આ નેખ્લ્યુદોવને જીવનના ઉત્તરકાળની એ કૃતિના નાયક તરીકે પસંદ કરે છે તે સૂચક છે. એના નૈતિક તેમ જ રસકીય અભિગ્રહો આ કૃતિમાં બરાબર વ્યક્ત થાય છે. આપણી ફરિયાદ એક જ છે: પ્રામાણિકતાના વિકાસને કારણે કૃતિનું કળાતત્ત્વ કથળવું જોઈએ તે જરૂરી નથી; એનો પણ સમાન્તર વિકાસ શા માટે ન થાય? આ નવલકથાનો પ્રારમ્ભ જ અસન્તોષ, અસ્વસ્થતા અને બેકારીથી થાય છે. એમાં પહેલેથી જ આક્રોશ વર્તાય છે.

2

‘નવો અવતાર’ના પ્રારમ્ભમાં એક પ્રકારની બેકરારીનું વાતાવરણ છે. નેખ્લ્યુદોવને સહીસલામતી લાગતી નથી. આ સંજોગોમાં એણે કેવી રીતે વર્તવું જોઈએ, બીજાઓ પ્રત્યેનો એનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ, એ વિશે એ વિચાર્યા કરે છે. કોઈના આદેશાનુસાર વર્તવાનું હોય છે ત્યારે એ ખંચકાતો નથી. એને ન્યાયપંચમાં બેસવાનું કહેણ આવ્યું છે, જો એ ન જાય તો ત્રણસો રૂબલનો દણ્ડ થાય તે એ જાણે છે. એટલી જ કીમતનો ઘોડો એ લઈ શક્યો નહોતો, આથી ત્રણસો રૂબલની કીમત શું તે એ બરાબર જાણે છે. આપણે નેખ્લ્યુદોવને સૌ પ્રથમ આ વિશિષ્ટ પરિસ્થિતિમાં જોઈએ છીએ. આ પરિસ્થિતિમાં નિયમો છે, ન્યાય ચૂકવવાનો છે. આપણું વર્તન આ બધાંથી શાસિત થતું હોય છે તેનું પૂરું ભાન એને છે. બાહ્ય સત્તાનો એને આદેશ થયો છે અને તે મુજબ એણે બીજાનો ન્યાય ચૂકવવા બેસવાનું છે. ધારાધોરણો લાગુ પાડીને વર્તવાની બધી જ પરિસ્થિતિઓ મૂળમાં આ જ પ્રકારની હોય છે. નિયમોને વશ વર્તવાના અને નિયમોને ઘડવાના સન્દર્ભો અનેકવિધ હોય છે. આ કૃતિમાં નેખ્લ્યુદોવને આપણે આ બધાંમાંથી પસાર થતો જોઈએ છીએ. અન્તે એ પોતે પોતાના પર લાદેલાં નૈતિક ધોરણોને વશ વર્તતો દેખાય છે.

નેખ્લ્યુદોવને અસુખની તીવ્ર લાગણી રહ્યા કરતી હોય છે. એ જીવન વિશે ચિન્તન કરે છે ત્યારે વારે વારે આવી લાગણીના નિર્દેશો કર્યા કરે છે. આપણને પણ આ કૃતિ કંઈક અસુખકર લાગે છે. ટોલ્સ્ટોયને આ અભિપ્રેત હશે ખરું? લેખકના આશય વિશે તો કશું કહેવું એ દુસ્સાહસ જ લેખાય, તેમ છતાં કૃતિમાં અમુક પરિસ્થિતિ પરત્વે અણગમો કે જુગુપ્સા ઉપજાવવાનો લેખકનો પ્રયત્ન હોય એવું લાગે છે. નેખ્લ્યુદોવને પોતાનું જીવન અણગમો ઉપજાવે એવું લાગે છે. એના પ્રેમપ્રસંગો, એની જમીનજાગીર, એની સામાજિક ફરજો, કળા વિશેના એના પ્રયત્નો, ભાવિ વિશેની યોજનાઓ, માતાપિતાના ઘરમાંની જીવનરીતિ, ભૂતકાળની ઘટનાઓની સ્મૃતિ – આ બધાં સાથે તીવ્ર અણગમાની લાગણી ભળેલી છે. આથી એનો સૌ પ્રથમ પ્રયત્ન આ અસુખકર લાગણીમાંથી છુટકારો મેળવવાનો છે. આ સ્થિતિમાં ન્યાય જેવી અમૂર્ત ભાવના સાથે એને ઝાઝી નિસ્બત ન હોઈ શકે. આ અસુખકર લાગણીને જે જડ કરી નાંખે અથવા એને સ્થાને કશી સુખકર અનુભૂતિ જે લાવી શકે તેની સાથે જ એને તો નિસ્બત છે. કંઈક ચેનનો અનુભવ થાય પછી જ સારાંનરસાંની ચિન્તા કરવાનું મન થાય. અસુખકરથી ડરીને નેખ્લ્યુદોવ ચાલે છે. આમ આવા ભય અને વિધિનિષેધોથી જ એનું જીવન નિયન્ત્રિત થયેલું દેખાય છે. એ જેમ વધુ નિયમવશ અને સાવધ રહીને વર્તવા જાય છે તેમ તેમ એને વધારે સહેવાનું આવે છે. આવી સ્થિતિ કેવળ એની એકલાની જ છે, એવું નથી, આખાય સમાજમાં આવી જ સ્થિતિ પ્રવર્તે છે, બીજાઓ પર નિયમો લાદવાનું સ્વીકારીને આ અસુખની લાગણીને ભૂંસી નાંખવાનું એને મંજૂર નથી. એનું આ વલણ જ એને બીજાઓથી જુદો પાડે છે. પોતાના સમકાલીનો જે દશાનો ભોગ બને છે તેમાંથી એ શી રીતે બચી જાય છે?

ભૂતકાળનાં એનાં સંસ્મરણોને આધારે આપણે જાણી શકીએ છીએ કે એણે બીજાના પર જુલમ અને દમન કર્યાં છે; પણ મોટે ભાગે એનું જીવન નિયમને વશ વર્તે છે. જે નિયમોને કારણે એને બીજા પર જુલમ કરવો પડે તે પરત્વે એ કંઈક ઉદાસીનતાનો ભાવ સેવે છે, એથી એને મનમાં ગ્લાનિ થાય છે. આ વ્યાપક અસુખની લાગણીને એ વાજબી ઠરાવવાનો પ્રયત્ન કરે છે. ન્યાયપંચમાં બેસવા માટેનું તેડું, તે દિવસ પૂરતો તો, આ પ્રશ્નને ટાળવામાં મદદ કરે છે. આમ તો નિરુપદ્રવી લાગતા નિયમોને આધારે એને વર્તવાનું છે. એના વર્તનને કાયદાનું સમર્થન પ્રાપ્ત છે. પણ આ પરિસ્થિતિ તો ધાર્યા કરતાં વધારે અટપટી પુરવાર થાય છે. આદેશાનુસાર ન્યાયપંચમાં બેસીને કોઈનો ન્યાય ચૂકવતાં મુકદ્દમો, કાયદો, કાયદા પ્રમાણેની શિક્ષા, કેદ – આ બધું કરવામાં સંમત થનાર વ્યક્તિમાં એ જે કરે તે તે વિશે તથા એના હેતુઓ વિશેની વિશદ પારદર્શક સૂઝની અપેક્ષા રહે. આનો તો નેખ્લ્યુદોવમાં નર્યો અભાવ જ છે પણ એ એક જ અપવાદ રૂપ છે એવું નથી, આ ન્યાય ચૂકવવામાં સંડોવાયેલા બધાની જ આ સ્થિતિ છે. ન્યાયાધીશથી માંડીને તે વકીલ, પાદરી, અદાલતના કર્મચારીઓ બધા જ દક્ષતા વિનાના છે. એ બધાને આ નિયમોની વ્યવસ્થામાં પરાણે જોતરવામાં આવ્યા છે. એ સૌને એમની પોતપોતાની લાગણીઓ, જરૂરિયાતો, વૃત્તિઓ, ક્ષુદ્ર આકાંક્ષાઓ છે જેને એઓ જે કરવા બેઠા છે તેની સાથે કશો સમ્બન્ધ નથી. આમ છતાં એઓ આ ધારાધોરણોની વ્યવસ્થાને વશ વર્તે છે, કારણ કે એને સ્વીકારવાથી જ આપણાં કાર્યોને કશો અર્થ પ્રાપ્ત થાય છે એવું આપણે આપણી જાતને મનાવતા હોઈએ છીએ. ટોલ્સ્ટોય આને પડકારવા ઇચ્છે છે, પણ આથી તો આખું કાયદાનું માળખું જ તૂટી પડે તેનો એમને ખ્યાલ નથી.

ન્યાયપંચના એક સભ્ય તરીકે એ પોતાની ફરજ બજાવવા તૈયાર તો થાય છે. પણ ફરજ અદા કરવાના ભાન સાથે એને એક વિલક્ષણ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે: જેનો ન્યાય ચૂકવવાનો છે તેને એણે જ એક વાર ફસાવી હતી અને તેથી જ એ ગર્ભવતી બની હતી. જેના જીવનમાં બરબાદી લાવવા માટે એ જવાબદાર હતો તેનો જ એ ન્યાય ચૂકવવા બેઠો હતો! આ મુદ્દો ચર્ચવા માટે ટોલ્સ્ટોયે આવી અસાધારણ પરિસ્થિતિ ઊભી કરી તે આપણને જરા વધારે પડતં લાગે છે. આવી આકસ્મિકતાનો ઉપયોગ કળાદૃષ્ટિએ પણ કંઈક સ્થૂળ લાગે એવો છે. પણ ટોલ્સ્ટોયના જીવનમાં આવો બનાવ બની ચૂક્યો હતો અને એક મિત્રે પણ આવી જ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, એટલે આ ઘટનાને કાકતાલીય ન્યાયના જેવી ગણી શકાય નહિ. ‘આવું ખરેખર બન્યું છે’ એ જવાબ સન્તોષકારક લાગતો નથી. ટોલ્સ્ટોયે સહેલો રસ્તો શોધ્યો છે એવો આપણને વહેમ જાય જ છે. ધારો કે કથાનાયકના જીવનમાં આવો પ્રસંગ નહિ બન્યો હોય તો? એમ તો, બાઇબલમાં બતાવ્યું છે તેમ, કોણ છાતી પર હાથ મૂકીને પોતાને નર્યો શુદ્ધ અને અવ્યભિચારી કહી શકશે? અહીં, આ પરિસ્થિતિમાં તો કાટુશા અપરાધી તરીકે ન્યાયાલયમાં ઊભી છે, છતાં એ નિર્દોષ છે; કારણ કે સ્ત્રી હોવાને કારણે સમાજમાં જે લાચારી ભોગવવી પડે છે તેથી જ એ કહેવાતા ખાનદાન કુટુમ્બના નબીરાની હવસખોરીનો ભોગ બને છે. ન્યાયપંચમાં ન્યાય ચૂકવવા બેસનાર નેખ્લ્યુદોવ જ સાચો અપરાધી છે, કારણ કે એણે જ સૌ પ્રથમ કાટુશાનું શિયળ લૂંટીને એને વ્યભિચારને માર્ગે વાળી છે.

માનવજીવનમાં નિયમો લાદવાની અને એ ધારાધોરણોને વશ વર્તવાની પરિસ્થિતિ કેવી છે તે તરફ ટોલ્સ્ટોય આંગળી ચીંધે છે. કાટુશાને માટેનાં ધારાધોરણો જુદાં છે? નેખ્લ્યુદોવ શાથી વિશિષ્ટાધિકાર ભોગવી શકે? આથી નેખ્લ્યુદોવ મનમાં વિચારે છે: ‘જો કોઈ એને પૂછે કે મોટા ભાગના લોકો કરતાં એ પોતાને શા કારણે ઊંચી કક્ષાનો ગણે છે તો એનો એ જવાબ આપી શક્યો ન હોત. આજકાલ એ જે પ્રકારનું જીવન જીવી રહ્યો હતો તેને સદ્ગુણસંપન્ન તો ભાગ્યે જ કહી શકાય!’ આમ છતાં એણે પોતાનું ચઢિયાતાપણું સહજ રીતે જ સ્વીકારી લીધું હતું. જો કોઈ એનું આ ઊંચું સ્થાન ન સ્વીકારે અને એને માન ન આપે તો એની લાગણી ઘવાતી. આવાં જુદાં ધોરણો ધરાવતી ન્યાયપદ્ધતિ પરત્વે એ ઉદાસીન રહી શકે? પણ અહીં તો એ પોતે જ સંડોવાયેલો છે. અપરાધી જોડે એને સમ્બન્ધ હતો. આથી તાટસ્થ્ય તે એને માટે તો હૃદયજડતા જ બની રહે, અને જાણીકરીને કેળવાયેલી હૃદયજડતા પોતે જ એક અપરાધ નથી? ટોલ્સ્ટોય પરિસ્થિતિમાં રહેલા સંઘર્ષ તરફ આંગળી ચીંધવા ઇચ્છે છે. આપણે ન્યાયની પ્રક્રિયામાં ‘વસ્તુલક્ષી તાટસ્થ્ય’નું આરોપણ કરીએ છીએ તે કેટલે અંશે સમ્ભવિત છે? આવાં ધોરણો તો લોકોમાં ભેદ પાડે છે. લાગણીઓને રૂંધે છે; આપણા કાર્યને નિયમને વશ વર્તી બનાવીને લાગણી સાથેની એની કડીને તોડી નાંખે છે. આવા સામાજિક વ્યવહારની સામે માથું ઊંચકનાર કથાનાયકની ટોલ્સ્ટોયને જરૂર હતી. એ પોતાને થતી લાગણીનો તાત્કાલિક પ્રતિભાવ પાડે અને એવી માનવસહજ સહાનુભૂતિ પ્રકટ કરે જે આવાં ધારાધોરણોની ઉપરવટ જઈ શકે.

  • * *

આમ ‘નવો અવતાર’નું રચનાતન્ત્ર કંઈક નિરાશાજનક છે. ધોરાધોરણોના વાજબીપણા વિશે પ્રશ્ન ઉઠાવવો અને એને ટોલ્સ્ટોયની આ ધારાધોરણો વિશેની માન્યતાને વ્યવહાર માટે માર્ગદર્શક ગણવી એવો એનો અર્થ થાય! ટોલ્સ્ટોય તો ધારાધોરણો નામે નકારી કાઢે છે – પછી એ ધારાધોરણો બહુજનસુખાય રચાયાં હોય કે બધાંને લાગુ પડતી એવી નૈતિક કર્તવ્યભૂમિકા પર રચાયાં હોય. ટોલ્સ્ટોય આ ધારાધોરણો વિશે આપણને ફેરતપાસ કરવા પ્રેરતો હોય તોય કથામાં મૂકેલો મુકદ્દમો આપણને જરા નાટકી લાગે જ છે.

આ મુકદ્દમો તે જમાનાનાં રશિયામાં પ્રવર્તતી ન્યાયપ્રથાને આધીન રહીને ચાલે છે. એ ન્યાયપ્રથા પણ ટોલ્સ્ટોય વિગતે સમજાવે છે. એનો પાયો તે વખતની વર્ગભેદવાળી સમાજવ્યવસ્થા પર રચાયો છે. આજે આપણા સમાજમાં, કંઈક જુદે સ્વરૂપે, વર્ગભેદ તો પ્રવર્તે જ છે અને એની ન્યાયની પ્રક્રિયા પર અસર પડે જ છે. આ જો સ્વીકારીએ તો ટોલ્સ્ટોયની મીમાંસા આપણે માટે પણ પ્રસ્તુત છે. ઇન્દિરા ગાંધીને શાહ પંચે જે અપરાધો માટે તકસીરવાર ઠરાવ્યાં છે તેવા ગુનાઓ જો કોઈ સામાન્ય પ્રકારના માનવીએ કર્યો હોત તો? અથવા આપણે એમ કહેવું રહ્યું કે ઇન્દિરા ગાંધીએ કોઈ ઇન્દિરા ગાંધી કરી શકે એવા જ અપરાધો કર્યા છે!

કારાગારનાં જીવનનાં દૃશ્યો, નિર્ણયો લેવામાં થતો સરકારી તન્ત્રોનો વિલમ્બ, આ અપરાધીઓની ફેરબદલી, હદપારીનાં સ્થાન તરીકે સાઇબેરિયા – આ બધાંમાં ટોલ્સ્ટોયનું નિરૂપણ વાસ્તવલક્ષી છે. પણ આ નિરૂપણ એવી રીતે થયું છે કે આપણને એની પાછળ રહેલી એક મૂળભૂત સમસ્યાની એંધાણી મળે. એ સમસ્યા તે માનવજીવનમાં વ્યવસ્થા લાવીને જીવનને અર્થપૂર્ણ બનાવવાની છે. રશિયાની ન્યાયવ્યવસ્થા ધર્મની અવેજીમાં કામ કરતી હોય એવો દેખાડો કરતી હતી. આજે પણ ધર્મનો પ્રભાવ ઓસરી ગયો છે એમ કહીએ છીએ તે છતાં, ધર્મની અવેજીમાં મૂકીને જ કોઈ પણ આચારસંહિતાને સ્વીકાર્ય બનાવવાનું વલણ તો દેખાય જ છે.

ટોલ્સ્ટોય સમાજે જેને ધર્મ કહીને ઓળખાવ્યો છે તેને ઉઘાડો પાડે છે. એના રચનારા સમાજના ભદ્ર વર્ગના લોકો છે. કશુંક માનવતાવિરોધી એવું તત્ત્વ આવા પરમ્પરાગત ધર્મમાં પ્રવેશી ગયું છે અને તે મુખ્યત્વે સરકારી અમલદારશાહી અને એની સાથે સંકળાઈને રહેલી દણ્ડની પદ્ધતિમાં દેખાય છે. એથી સમાજમાં લોકોને લોકોથી નોંખા પાડવા જેવું થાય છે. ભૂખમરાને કારણે લાચાર બનીને ખાદ્યપદાર્થની ચોરી કેવળ ભૂખ સન્તોષવા કરનારને પોલીસ ઝપેટી નાંખે છે. કરોડોનાં કાળાબજાર કરનારને એની કુશળતા બદલ લોકો વધાવી લે છે. સરકાર એને હાથ લગાડતાં પહેલાં સો વાર વિચાર કરે છે! સમાજમાં કાયદા ઘડીને એનો અમલ કરાવનારો અને કાયદાનું ઉલ્લંઘન કરનારો – એવા મુખ્ય બે વર્ગો ઊભા થાય છે. આવા ભેદને વાજબી ઠરાવાયો છે. એક વર્ગ અને બીજા વર્ગ વચ્ચેના અન્તરને સામાજિક મૂલ્ય માટે અનિવાર્ય લેખવાનું વલણ આમાંથી ઊભું થાય છે. ખરું જોતાં આવાં ધોરાધોરણો માનવસ્વભાવની ઊંડી અને વ્યાપક એવી કશીક આવશ્યકતામાંથી ઊભાં થવાં જોઈએ એમ ટોલ્સ્ટોય માને છે. આવાં ધોરણો શા માટે અમુક વર્ગની સ્વાર્થપરાયણતા, શોષણવૃત્તિ અને આક્રમકતાના આવિષ્કાર રૂપ બની રહેવાં જોઈએ? આ પારકા અને પ્રતિકૂળ લાગતા વિશ્વમાં માનવ-માનવ વચ્ચેના સૌહાર્દને વિકસાવવા માટેની જે વ્યવસ્થા હોવી ઘટે તે જો આવી અનિષ્ટ વૃત્તિઓથી પ્રેરાઈને થતી હોય તો એ માનવ્યના ગૌરવને વિઘાતક જ નીવડે એવો ટોલ્સ્ટોયનો દૃઢ મત છે.

  • * *

ટોલ્સ્ટોય આ સમસ્યાનો જે ઉકેલ બતાવે છે તે ધર્મપરક છે. એથી સમાજનો આધ્યાત્મિક દૃષ્ટિએ નવો અવતાર થાય એવી એની મહેચ્છા છે. સમાજની યોગ્ય અને સાચી વ્યવસ્થા કેવી હોવી ઘટે? આ સાચા અર્થમાં તો ધર્મનો મૂળભૂત મુદ્દો છે, પણ ઓગણીસમી સદીના રશિયામાં દમનકારી ધારાધોરણો ઠોકી બેસાડનારી અને નિયમોને વશ વર્તીને વ્યવસ્થા લાવનારી ભદ્ર વર્ગની પ્રજા અને એનો ભોગ બનનારો અદના આદમીઓનો વર્ગ – આ બે અન્તિમો રૂપે જુદા પડી ગયા હતા.

ટોલ્સ્ટોયની રાજકારણની મીમાંસાનો પાયો પણ ધર્મ છે, આથી એ આ સમસ્યાને સમાજવિજ્ઞાની કે ફિલસૂફથી જરા જુદી રીતે જુએ છે. કહેવાતા ઉપયોગિતાવાદીઓ અને સમાજકલ્યાણવાદીઓની પ્રચારપત્રિકાઓ એણે વાંચી હતી, એઓ જે પ્રકારની ઝુંબેશ ચલાવતા હતા તે પણ એણે જોઈ હતી. એમની ઊમિર્જડતાથી એમના પ્રત્યે એને સખત અણગમો થયો હતો. ‘નવો અવતાર’માં ટોલ્સ્ટોય સૂચવે છે કે આખી દણ્ડવ્યવસ્થાએ સમાજના વર્ગો વચ્ચે જે ઊંડી ખાઈ ઊભી કરી છે તે વિકૃત પ્રકારની ધામિર્ક વૃત્તિનું જ દ્યોતક બની રહે છે. ‘સાધુ’ અને ‘શેતાન’ વચ્ચે ભેદ કરવો જોઈએ તે ખરું, પણ કાયદો જેને અડી ન શકે અને કાયદાની દૃષ્ટિએ જેઓ શિક્ષાપાત્ર ઠરે એ બે વચ્ચેના ભેદનું શું?

કારાગાર અને દણ્ડની વ્યવસ્થા ટોલ્સ્ટોય આ નવલકથામાં વિગતે તપાસે છે. સમાજમાં નૈતિક પ્રદૂષણ વ્યાપેલું છે એ હકીકતનો સ્વીકાર કરવાનો ટોલ્સ્ટોય આગ્રહ રાખે છે. જો આનો સ્વીકાર કરીશું તો એ પ્રદૂષણ માટેનાં જવાબદાર ઘટકોને જુદાં પાડી શકાશે. અમલદારશાહી રસમથી અને એના હાથમાં જે દણ્ડનું શસ્ત્ર છે તેનાથી જ આ થઈ શકશે એવું ટોલ્સ્ટોયને લાગતું નથી, કારણ કે આ અમલદારો માનવીઓનો કે એમની પ્રત્યેની માનવી તરીકેની પોતાની ફરજનો વિચાર કરવાને બદલે પોતાના હોદ્દાનો અને હોદ્દાની જવાબદારીનો જ વિચાર કરતા હોય છે. સરકારી તન્ત્ર ચલાવવા માટે જ એઓ ગવર્નરો, ઇન્સ્પેક્ટરો, પોલીસ થતા હોય છે. એમને મન આ એક વ્યવસાય છે જે મનુષ્યને પદાર્થ લેખવાની છૂટ આપે છે. પછી એની પ્રત્યે ‘માનવ’ લેખેનો ભ્રાતૃભાવ રાખવાની જવાબદારીઓમાંથી એઓ મુક્ત થઈ જાય છે. એઓ કેવળ સરકારી નોકરો હોવાને નાતે જ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આથી તેમના કોઈ કૃત્યની જવાબદારી એક વ્યક્તિની નહીં, પણ તન્ત્રની લેખવાની સુવિધા રહી હોય છે. બઢતી મેળવવા માટે કાર્યદક્ષતા નહીં પણ ઉપરીની કૃપા પર એઓ આધાર રાખે છે. બીજાને એમના દ્વારા થતી હાનિ કે ઇજાને એઓ કાયદેસરની ઠરાવી દઈ શકે છે. નિયમો ઘડ્યા એટલે એમના વર્તનની ન્યાય સાથેની સુસંગતતા સ્થપાઈ જ ચૂકી. આ ધારાધોરણો લોકોના હિત માટે જ હોય છે એમ કહેવાય છે, પણ એનું અર્થઘટન એ એક ભારે પેચીદો મામલો બની રહે છે. એ માનવીની ધૂર્તતા અને કુટિલતાને પૂરો અવકાશ કરી આપે છે.

ઉપયોગિતાવાદને ધ્યાનમાં રાખીને ઘડાયેલા કાયદાની મુશ્કેલી એ છે કે માનવહિત વિશે અસન્દિગ્ધપણે આપણે એકમત થઈ શકતા નથી. (કટોકટી રાષ્ટ્રના અને ભારતવાસીના હિતમાં જ નહોતી લાદવામાં આવી? એ હિતને નક્કી કરી આપનારો વર્ગ તરત અસ્તિત્વમાં આવી જાય છે. વીસ મુદ્દાના કાર્યક્રમોમાં એ હિતને આવરી લેવામાં આવે છે. અર્થઘટન કરી આપનારી સંસ્થાઓ સમર્થ સરકારી સંસ્થાઓ હોય છે).

આમ છતાં, ગાંધીએ સવિનય અને અસહકારની વાત ટોલ્સ્ટોયને અનુસરીને કરી તે આપણે જાણીએ છીએ. માનવહિતમાં જ આ અસહકાર, સવિનયભંગ અને વિદ્રોહી આંદોલનો અનિવાર્ય થઈ પડે છે.

આ ધારાધોરણો બીજી એક સગવડ પૂરી પાડે છે. શિક્ષા કરનારને માથે કશી જવાબદારી આવતી નથી. એનો ચુકાદો કે નિર્ણય ધારાધોરણોને અનુસરીને જ થતો હોય છે. આથી કોઈનું અહિત કે નુકસાન કરવાની ‘અપરાધબુદ્ધિ’નો, આ પરિસ્થિતિ, એને અનુભવ થવા દેતી નથી. એ બધી જવાબદારી સરકારી તન્ત્ર પર નાંખી દે છે. જે વૈયક્તિક ભૂમિકાએ, વૈયક્તિક રાગદ્વેષ અને મર્યાદાઓને વશ વર્તીને કરવામાં આવે છે તેની જવાબદારી તન્ત્ર પર નાખીને છટકી જવાની સગવડ આથી મળી રહે છે. સરકારી નોકરોને મોઢે ઘણું ખરું આપણે સાંભળીએ છીએ, ‘એની અમે રજા આપી શકીએ નહીં, એ કાયદાની વિરુદ્ધનું છે.’

નેખ્લ્યુદોવ એક ઊંચી પદવી ધરાવનારા સરકારી અમલદાર પાસે જઈને કહે છે કે એને એક સ્ત્રી અપરાધીમાં રસ છે, એને ખોટી રીતે શિક્ષા કરવામાં આવી છે. એ બદલ ઝારને અરજી કરવામાં આવી છે:

અમલદારે પૂછ્યું, ‘વારુ, તેનું શું છે?’

‘પિર્ટ્સબર્ગમાં મને વચન આપવામાં આવ્યું હતું કે એના ચુકાદા અંગેના સમાચાર મને એક મહિના પહેલાં અહીં પહોંચાડવામાં આવશે –’

અમલદારે એની જાડી બુઠ્ઠી આંગળીઓવાળો હાથ ટેબલ તરફ લંબાવ્યો અને ઘંટડી વગાડી. નેખ્લ્યુદોવ તરફ જોઈ રહેતાં એણે સિગારેટમાંથી ધુમાડો કાઢ્યો અને જોરથી ખાંસી ખાધી.

‘એ સ્ત્રી વિશે કશો ચુકાદો આવે ત્યાં સુધી એને અહીં જ રાખજો એવું કહેવા હું આવ્યો છું.’ એક ગણવેશ પહેરેલા ઓર્ડરલીએ પ્રવેશ કર્યો.

‘આન્ના વાસિલ્યેવના છે કે નહીં, તપાસ કર.’ અધિકારીએ હુકમ કર્યો, ‘જરા વધારે ચા આપી જા.’ પછી નેખ્લ્યુદોવ તરફ ફરીને કહ્યું, ‘વારુ, બીજું શું?’

નેખ્લ્યુદોવ બીજા એક કેદીની વાત કરે છે જે ખૂબ માંદો છે. જો એને હોસ્પિટલમાં નહીં ખસેડવામાં આવે તો એ મરી જશે એવું લાગે છે. એની કાળજી લેવા માટે એની સાથે એક સ્ત્રી કેદીને રાખવા વિનંતિ કરે છે. એ સ્ત્રી આ કેદીની સગી નથી, પણ જો જરૂરી હોય તો એની સાથે રહેવા માટે એને પરણવા તૈયાર છે. અધિકારી સિગારેટનો ધુમાડો કાઢતાં કાઢતાં આ સાંભળ્યા કરે છે. પછીથી ટેબલ પર પડેલી એક ચોપડી ઉપાડીને લગ્ન અંગેનો કાયદો વાંચે છે. એ સ્ત્રીને સખત મજૂરી સાથેની આકરી સજા થઈ છે. એને લગ્નનો લાભ મળે નહીં. કેદી નહીં એવો કોઈ એણે પરણે તોય એની શિક્ષા પૂરી ભોગવવાની જ રહે. અહીં પ્રશ્ન આ છે: સ્ત્રી કે પુરુષ એ બેમાંથી કોની સજા વધારે છે? આ બધી પંચાત કર્યા પછી એ વિષે ઘટતું કરવાનું કહીને વાત પૂરી કરે છે. મરવા પડેલા કેદીને મળવાની રજા નેખ્લ્યુદોવને મળતી નથી.

3

ધારાધોરણોને આધારે થતા કાર્યનું બીજું પાસું પણ ટોલ્સ્ટોય બતાવે છે: જેને ધારાધોરણો લાગુ પાડે છે તેણે એમ માનવાનું રહે છે કે પોતે સાંસ્કૃતિક મૂલ્યોના પક્ષે છે; આ સાંસ્કૃતિક મૂલ્યો માનવ્યના સંવર્ધક છે; આપણા સાંસ્કૃતિક વિશ્વને આ ધારાધોરણો જ સુદૃઢ બનાવે છે. જો એ ધારાધોરણો કોઈના કલ્યાણ માટે ન બનાવ્યાં હોય તો કોઈ એનો બચાવ શી રીતે કરી શકે? આમ છતાં આવાં ધારાધોરણો આ કલ્યાણ આડે જ મર્યાદારૂપ બની રહે છે, એટલું જ નહીં, યાતનાનું કારણ પણ બની રહે છે. જે સમાજને લક્ષમાં રાખીને આ ધારાધોરણો રચાતાં હોય છે તે સમાજ કયો? સમાજનો એવો એક વર્ગ છે જ્યાં આ ધારાધોરણો નાકામયાબ નીવડે છે; પણ એમનું ઉપરાણું લઈને જ આ ધારાધોરણોને વાજબી ઠરાવવામાં આવે છે!

ટોલ્સ્ટોયે કથાનાયકની પસંદગી આવા વર્ગમાંથી કરી છે તે યોગ્ય જ છે. નેખ્લ્યુદોવ ધારાધોરણો જેને અડી ન શકે એવા સમ્પન્ન અને સામર્થ્યવાન વર્ગનો પ્રતિનિધિ છે, પણ ધારાધોરણોનં જેમના પર નિયન્ત્રણ છે એવા ગરીબોના વર્ગ સાથે એ સંડોવાઈ જાય છે. આથી એની સ્થિતિ વિલક્ષણ છે: એ આ ધારાધોરણોથી પર છે અને સાથે સાથે એ ધારાધોરણોને વશ વર્તતો પણ હોય છે. અત્યાર સુધી તો પોતાને જ્યારે અસલામતી લાગે ત્યારે જ એણે કાયદાકાનૂનનો આશ્રય લીધો છે; પણ હવે એને સમજાય છે કે એવાય લોકો છે જેમનું આખુંય જીવન જે કાયદાકાનૂન વિશે કશી જ ખબર નથી હોતી તેનાથી નિર્ધારિત થતું હોય છે.

ટોલ્સ્ટોયને તો આ આખો મુદ્દો અમલદારશાહીની તોછડાઈભરી બેપરવાહીના નમૂના જેવો લાગે છે. આ અમલદારશાહી કાયદાકાનૂનને લાગુ પાડવામાં જેટલી ઉત્સાહી છે તેટલી સહાનુભૂતિ દર્શાવવામાં નથી.

આમ, આ નવલકથાનું દાર્શનિક પાસું કંઈક નબળું લાગે છે. પણ માનવસન્દર્ભને રજૂ કરવામાં એની કળાકાર તરીકેની શક્તિ વરતાયા વગર રહેતી નથી. ‘નવો અવતાર’માંનો સમાજ સુસંગત અને અર્થપૂર્ણ વ્યવસ્થામાં શ્રદ્ધા ધરાવતો લાગે છે. એમને સારાંનરસાંની કોઠાસૂઝ છે. પણ એનો પાયો તે સારાંનરસાંનું દ્વન્દ્વ સદા ચાલ્યા કરતું હોય છે અને નરસાંને જો પારખી લઈ શકાય તો પછી એને દૂર કરી જ શકાય એવી ભોળી શ્રદ્ધા છે. ટોલ્સ્ટોયને મન સમાજ એક માનવકુટુમ્બ છે. કુટુમ્બમાં એકાદ છોકરું વંઠેલું હોય તો તેને ઠેકાણે લાવી શકાય. પણ સમાજ કાંઈ બાળકોનો બનેલો નથી હોતો. માનવીઓ શિશુસહજ રીતે વર્તી શકે નહીં. બાળકોની આક્રમક વૃત્તિને કાબૂમાં લાવી શકાય; એમનામાં પરસ્પરાવલમ્બન અને સહકારની માત્રાને વધારી શકાય, કારણ કે કુટુમ્બનું શાસન પિતા દ્વારા થતું હોય છે, રાજતન્ત્ર કે શાસક દ્વારા નહીં. દમન અને જોરજુલમને શી રીતે ટાળી શકાય? ટોલ્સ્ટોયનો સાદો જવાબ આ છે: ‘આપણે બધાં ભગવાનના ઘરમાં બાળકોની જેમ રહેતાં શીખીએ.’

ટોલ્સ્ટોયે નવલકથામાં જે સંઘર્ષ ઊભો કર્યો છે તે તો પેચીદો છે. એ જે સમાજ બતાવે છે તેમાં ન્યાયનું સ્થાન નક્કી કરવું જરા અઘરું થઈ પડે છે. નવલકથામાં આપણે જે સમાજ જોઈએ છીએ તે, રશિયાના નગરસમાજ અને ગ્રામસમાજની બહારનો, સાયબિરિયામાં જેની હકાલપટ્ટી થઈ છે તેવા કેદીઓનો સમાજ છે. એ લોકો અન્યાયી સમાજમાંથી આવ્યા છે અને હવે નવો અવતાર પામવાને મથી રહ્યા છે. એમની આ પ્રક્રિયા ટોલ્સ્ટોય આપણને બતાવે છે. સમાજમાંથી હડધૂત-તિરસ્કૃત થયા પછી માનવીઓ નવે નામે સાચા અર્થમાં માનવ બનવાનું શરૂ કરી શકે. આમ, ટોલ્સ્ટોય એવું સૂચવે છે કે જે ન્યાય અને નીતિને નામે એમને દણ્ડ દઈને સમાજની બહાર ધકેલી દેવામાં આવ્યા તે ન્યાય અને નીતિને સ્થાને આવા લોકો જ સાચાં ન્યાય અને નીતિની પુન:પ્રતિષ્ઠા કરી શકે. આવો સમાજવિચ્છેદ, ટોલ્સ્ટોયને મતે, પાયાની આવશ્યકતા હોય એવું લાગે છે!

આના સમ્ભવિત સૂચિતાર્થો તપાસીએ: સુગ્રથિત એકસૂત્રિત સમાજમાં આપણે જે ન્યાયને ઝંખીએ છીએ તે જોવા મળશે નહીં. આપણા સંકુલ વ્યવસ્થાવાળા સમાજમાં પણ ન્યાયની આશા રાખી શકાય નહીં. એને માટે તો એ સમાજમાંથી જુદા પડવાની કશી ઉગ્ર પ્રક્રિયા જરૂરી થઈ પડે છે. આ પ્રક્રિયાને પરિણામે એક જુદો સમાજ ઉત્ક્રાન્ત થાય અને તે મૂળ સમાજથી સાવ નોખો પડી જાય. આ સમાજમાં જે ન્યાયબોધ ક્રમશ: ઉત્ક્રાન્ત થાય તેને પેલા મૂળ સમાજમાંના અન્યાયની પડછે જ બરાબર વરતી શકાય.

તો પછી ભગવાનના ઘરમાં હળીમળીને રહેતાં બાળકોના જેવા સમાજની ટોલ્સ્ટોયની કલ્પના જોડે આનો શી રીતે મેળ બેસાડી શકીશું? વળી મૂળ સમાજથી નોખો પડીને રચાયેલો સમાજ પણ હંમેશાં ન્યાયી જ રહેશે એવું કહી શકાશે? એ પણ સ્ખલનવશ તો હશે જ. એને પરિણામે એમાંથીય વળી બીજો સમાજ છૂટો પડશે. આવી વિભક્ત થવાની પ્રક્રિયા ચાલ્યા જ કરશે. આથી તો અનવસ્થાનો દોષ વહોરી લેવા જેવું નહિ થાય?

ટોલ્સ્ટોયની મહત્ત્વાકાંક્ષા એને અહીં મુશ્કેલીમાં મૂકી દે છે. આ એક સાહિત્યિક કૃતિ છે, દાર્શનિક ગ્રન્થ નથી; એટલે અહીં નૈતિક મૂલ્યો ઉપરાંત સાહિત્યિક મૂલ્યોનો પ્રશ્ન પણ ઊભો થાય છે. આ કૃતિનો વૈચારિક સંભાર અને એનો સાહિત્યિક અપેક્ષાઓ સાથેનો સમ્બન્ધ એ પણ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. આપણે ત્યાં હજી આજે પણ જે માન્યતા મોટે ભાગે પ્રવર્તે છે તે જ માન્યતા ટોલ્સ્ટોયની પણ હતી: ‘જીવનદર્શન સાહિત્યકૃતિને ઘાટ આપી શકે.’ પણ આ માન્યતા પાછળ ભોળપણ રહેલું છે અને તે આ કૃતિ પુરવાર કરી આપે છે. વાસ્તવમાં તો સાહિત્યિક અપેક્ષાઓ વૈચારિક પરિણામો અંગે નિર્ણાયક નીવડતી દેખાય છે.

  • * *

ઓગણીસમી સદીની નવલકથામાં નવલકથાનો આસ્વાદ લેવો એટલે એમાં નિરૂપેલા માનવવ્યવહારનું અર્થઘટન કરવું. આ અર્થઘટનમાં લેખક પોતે પણ મદદ કરતો. એ એનાં પાત્રોનો વ્યવહાર, એમની માન્યતાઓ, આશયો અને હેતુઓ પર પ્રકાશ પાડતો રહેતો. વાચકે તો કૃતિનું સમગ્રતયા અર્થઘટન કરવાનું રહે છે; કળાદૃષ્ટિએ નવલકથાને જોઈએ તો એનું અડધિયું રોજ-બ-રોજના જીવનમાં રહ્યું હોય છે. એની વાસ્તવિકતાને અને એના અર્થને એને રોજ-બ-રોજના જીવનની પડછે તેમ જ એની સીમામાં મૂકીને પામી શકાય. આનો અર્થ એ થયો કે નવલકથાનો માનવસમાજ તે પણ ટોલ્સ્ટોય જે સાયબિરિયાના કેદીઓનો સમાજ બતાવે છે તેવો, મૂળ સમાજથી નોખો પડેલો સમાજ જ છે. એના સિદ્ધાન્તો તે આદર્શની ભૂમિકા પરના છે; એને રોજ-બ-રોજના જીવનમાં ચરિતાર્થ કરી શકાય નહિ. આ પ્રકારનો જ કંઈક સમ્બન્ધ ટોલ્સ્ટોયે નવલકથા અને જીવન વિશે કલ્પ્યો હોય એવું લાગે છે.

પણ ઓગણીસમી સદીમાં નવલકથા વિશે માત્ર આ જ એક ખ્યાલ પ્રવર્તતો હતો એવું નથી. એ વિશેની બીજી વિભાવના તો નૈતિક સંદેશાને બિલકુલ રદબાતલ કરી નાંખે છે અને કેવળ રસકીય રચનાને જ કેન્દ્રમાં રાખે છે. ટોલ્સ્ટોય તો એવી પ્રવૃત્તિને માત્ર મનોવિનોદ કરવા માટેના સાધન રૂપ જ લેખે છે. એ ઇષ્ટ મૂલ્યબોધને ઉપજાવીને જીવનને ઉન્નત બનાવવામાં મદદ કરી ન શકે. ટોલ્સ્ટોયને મતે અનિષ્ટનું મૂળ કારણ વાણી અને વર્તન વચ્ચેનો, વિચાર અને કાર્ય વચ્ચેનો વિસંવાદ છે. સાહિત્ય જાણ્યેઅજાણ્યે આ વિસંવાદને ઉત્તેજે છે. માનવજીવનને ઉન્નત અને કલ્યાણકર બનાવવું હોય તો આ વિસંવાદ દૂર કરવો જોઈએ. પણ સાહિત્ય આ કાર્ય જીવન અને કળાનો વિચ્છેદ રચીને તો નહીં કરી શકે. જીવન અને કળા અવિચ્છિન્ન હોય તો જ ભાગેડુ વૃત્તિથી કળાના ક્ષેત્રનો આશ્રય લેવાનું ન રહે.

ટોલ્સ્ટોયને મતે લેખકે જાહેરમાં બનતા બનાવોના વિશ્વ અને બનાવોના માનવીય અર્થઘટન વચ્ચે વિવેક કરવો જોઈએ. ભાષાનો ઉપયોગ કરનાર કથાસાહિત્ય ગેરસમજ ઊભી કરી શકે, એનાં એક કરતાં વધુ અર્થઘટનો સંભવી શકે. આવી પરિસ્થિતિમાં અર્થ પરત્વે મતભેદ પણ સંભવે; અને સાહિત્ય જે સરલ સત્યને ઝંખતું હોય તેને ધૂંધળું બનાવી દેવાનું કે નકારી કાઢવાનું પણ બને.

ટોલ્સ્ટોયની દૃષ્ટિએ કળાનો હેતુ માનવીઓને સલૂકાઈભર્યો વહેવાર રાખનારા સમાજમાં દૃઢ સમ્બન્ધના સૂત્રે સાંકળવાનો છે. જો આ હેતુ સ્વીકારીએ તો પછી કૃતિનો અર્થ સન્દિગ્ધ રહે તે પરવડે નહીં. લેખકની અભિવ્યક્તિ સરળ અને સીધી હોવી જોઈએ. આવી જ અભિવ્યક્તિની ધાટી ટોલ્સ્ટોયે ‘નવો અવતાર’માં સ્વીકારેલી છે.

આમ છતાં નવલકથા તે જીવન નથી. કળાના એક સ્વરૂપ તરીકે એ માનવસમાજથી સાયબિરિયાના કેદીઓ જેટલા જુદા છે તેટલી જીવનથી જુદી છે. કળાને જીવનથી થોડે અન્તરે તો રહેવું જ પડતું હોય છે. નવલકથામાં વાસ્તવિકતાને ઉદ્ધારી લેવામાં આવી છે; કેદીઓનો સમૂહ તે રોજ-બ-રોજના જીવનનું ઉદ્ધારેલું જીવન રજૂ કરે છે.

ટોલ્સ્ટોયને એવી શ્રદ્ધા હતી કે એની કળા જીવન અને કળા વચ્ચેના દ્વૈતને ઉલ્લંઘી જાય છે તેમ એ જીવનમાંના સારાં અને નરસાંના દ્વૈતને પણ ઉલ્લંઘી જશે. માનવીની ચેતનામાં જો આ પાયાના દ્વૈતભાવને ઉલ્લંઘી જઈ શકાયો હોય તો જ આ શક્ય બને.

વાણીમાં અને વર્તનમાં વિરોધ છે તેથી જ જોરજુલમ અને દમન શક્ય બને છે એવી ટોલ્સ્ટોયની માન્યતા હતી. માનવીની ‘માન્યતાઓ’ જુદી અને ‘કાર્યો’ જુદાં! જો આ વિરોધને આપણે દૂર કરી શકીએ તો ભ્રાતૃભાવ અને ન્યાય પ્રવર્તી શકે. પણ ટોલ્સ્ટોયે આ દૂર થયેલું બતાવવાને જે સાધન વાપર્યું છે તે જ આ સમસ્યાને દૃઢાવે છે. આને જ કારણે ‘નવો અવતાર’માં વિષાદની લાગણી છવાઈ ગયેલી છે. એ વિષાદ કથાનાયક નેખ્લ્યુદોવમાં પણ વારે વારે ડોકિયાં કરતો દેખાય છે. ટોલ્સ્ટોય પોતે પણ આ સમસ્યાનો ઉકેલ શોધતાં કંઈક હતાશ, વિષણ્ણ અને અધીર લાગે છે. પોતે જેનો ઉકેલ આપી ન શકે એવી સમસ્યાની એણે માંડણી કરી છે. ચેતનામાં રહેલા દ્વૈતભાવમાં જકડાઈ જવાને કારણે એનો ઉકેલ લાવી શકતો નથી. એનો ઉકેલ લાવવો હોય તો ચેતનામાં રહેલા આ દ્વૈતભાવનો અન્ત લાવવો જોઈએ. તે એનાથી બની શકતું નથી. કળા આ દ્વૈતભાવને દૂર ન કરી શકે. ફિલસૂફી પણ એને મિટાવી શકે કે કેમ તે શંકાસ્પદ છે.

એ તો દેખીતું જ છે કે આપણે ન્યાયપૂર્ણ વિશ્વમાં વસતા નથી. ફિલસૂફોએ તર્કથી પ્રતિપાદિત કરેલા આદર્શો, ધર્મશાસ્ત્રો અને સન્તોએ પ્રબોધેલાં સત્યો – આ બધું છતાં આપણે ન્યાયપૂર્ણ સમાજ સર્જી શક્યા નથી તે હકીકત છે. આપણે અપરાધ કર્યો હોવાની લાગણી અનુભવી શકીએ છીએ, ઘણી વાર આપણે અપરાધી છીએ એવું લાગતું પણ હોય છે. આ બધું છતાં આપણે કેમ ન્યાયપૂર્ણ વિશ્વની બહાર જ રહી જઈએ છીએ? આ પ્રશ્ન ટોલ્સ્ટોયને મૂંઝવે છે અને એથી જ એ ‘નવો અવતાર’ લખવા પ્રેરાય છે. માનવીઓ રાજકીય વાસ્તવિકતાવાળા વિશ્વમાં વસે છે, સાથે સાથે એનામાં ધર્મની ઝંખના પણ છે; પણ આ બન્ને વચ્ચે સામંજસ્ય સ્થાપી શકાતું નથી.

એક બાજુ નવલકથામાંનું જીવન અને રોજ-બ-રોજનું જીવન એવાં બે વિશ્વો તો છે જ; બીજી બાજુથી ફિલસૂફો અને સન્તો જે આદર્શ રજૂ કરે છે તેને જીવનમાં ચરિતાર્થ કરવાની શક્તિ માનવીમાં નથી એ હકીકતને લક્ષમાં લેવાની છે. આથી ન્યાય સિદ્ધ થઈ શકતો નથી; છતાં માનવી માનવીને છાજે એવા ગૌરવથી જીવવા ઇચ્છતો હોય તો એને માટે ન્યાયપૂર્ણ વિશ્વ જ એક શ્રેષ્ઠ અને એક માત્ર પરિસ્થિતિ છે.

દેખીતી રીતે અસમ્ભવ એવી આ પરિસ્થિતિમાંથી ટોલ્સ્ટોય જે રસ્તો કાઢે છે તેથી નથી કળાદૃષ્ટિએ સન્તોષ થતો કે નથી ફિલસૂફીની દૃષ્ટિએ. ભગવાનનું સામ્રાજ્ય આપણામાં જ છે અને આપણે કોઈ ફિરસ્તા જેવા ધર્મપુરુષના આદેશને અનુસરવો જોઈએ એવું ટોલ્સ્ટોય આપણને મનાવવા મથે છે તો તો પછી ન્યાયને ખાતર આપણે આપણા માનવ્યનો મહત્ત્વનો અંશ જતો કરવો પડે. માનવ્યનાં બે પાસાં છે: કળાગત અને દર્શનગત. આ નવલકથા આ સમસ્યાનો ઉકેલ આપી શકતી નથી એનું કારણ એ છે કે કળાકૃતિ તરીકે એને રોજ-બ-રોજની વાસ્તવિક દુનિયા તથા નવલકથામાં રચાતું આવતું વિશ્વ – આ બન્નેનો ખપ છે, કેદીઓની દુનિયાને પણ બહારની દુનિયાની પડછે મૂકીને જ જોવાની રહે છે.

ટોલ્સ્ટોયે પોતાના બૌદ્ધિક જીવનનો પ્રારમ્ભ બુદ્ધિનિર્ભર સમાજસુધારક તરીકે કર્યો હતો. એને શ્રદ્ધા હતી કે ન્યાયપૂર્ણ સુગ્રથિત એવો સમાજ રચી શકાય. નેખ્લ્યુદોવ કરના ભારણમાંથી પ્રજાને બચાવવા સુધારા સૂચવે છે અને નિ:સ્વાર્થભાવે પોતાની જમીન વહેંચણી ખેડૂતોમાં કરી આપવા ઇચ્છે છે, ટોલ્સ્ટોયે પણ પોતાની જમીન પોતાના ખેતમજૂરો વચ્ચે વહેંચી આપવાનું જાહેર કરેલું, પણ આ પ્રસ્તાવને ખેતમજૂરોએ સ્વીકાર્યો નહોતો. ઝાર કાયદો પસાર કરીને એ કરવાના જ છે, પછી શા માટે દાન સ્વીકારવું એવો કંઈક ખ્યાલ આની પાછળ હતો.

અન્યાયી વ્યવસ્થાને સામાજિક સુધારણાથી બદલી શકાય એવી ટોલ્સ્ટોયની માન્યતા હતી. પણ એણે જે વાચન-મનન કર્યું તેને કારણે એને પ્રતીતિ થઈ કે અમુક ચોક્કસ ઉપાય સૂચવનારા ચિન્તકો અને ફિલસૂફો આ દમન અને વિધ્વંસક આક્રમકતાને પહોંચી વળી શકતા નહોતા. બુદ્ધિનિર્ભર અને ઉપયોગિતાવાદના પાયા પર રચાયેલા સિદ્ધાન્તોને આધારે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢવામાં મળેલી નિષ્ફળતાને કારણે આ સંઘર્ષના ઉકેલ માટે કળાનો આશ્રય લેવાનો રહેશે તે ટોલ્સ્ટોયને મન સ્પષ્ટ થઈ ગયું. અસ્તિત્વવાદી ફિલસૂફો મૂર્ત માનવસન્દર્ભ રચીને એમાંથી ફિલસૂફીને ઉત્ક્રાન્ત થતી દર્શાવે છે તેવું કંઈક કરવાનું એને સૂઝ્યું. આથી આદર્શવાદી અર્થશાસ્ત્રીઓ પાસે હતી તેથી વધુ કાર્યક્ષમ એવી ટેકનિક એ શોધવા મથ્યો જેથી કળા જ સુધારણાનું સાધન બની રહે.

એને મતે સાચી કળાકૃતિ સર્જવા માટે સર્જકને ઘણી બધી શરતો પૂરી કરવાની રહે છે. જીવનકાળ દરમ્યાનના જીવન વિશેના સર્વોચ્ચ ખ્યાલના સ્તર પર ઊભા રહીને જ એ જીવનને બદલવાની ઇચ્છા અનુભવી શકે અને એનું વાચકોમાં સંક્રમણ કરવાની શક્તિ ધરાવી શકે. આ ઉપરાંત કળાના અમુક પ્રકાર પરત્વે એનામાં નૈપુણ્ય પણ હોવું ઘટે. આ બધી શરતોનું એક સાથે પાલન થયું હોય એ તો એક વિરલ અપવાદ જ લેખાય.

સારી કળાકૃતિ કળાકારે અભિવ્યક્ત કરેલી અનુભૂતિનું (પછી ને નૈતિક હોય કે અનૈતિક) સફળતાથી ભાવકમાં સંક્રમણ કરે છે. પછીથી બધાં અર્થઘટનો બિનજરૂરી બની રહે છે. કળાકૃતિનું અર્થઘટન ન થઈ શકે. જો એ પોતાને જે કાંઈ અભિમત છે તેને વ્યક્ત કરવાને કળાનો આશ્રય લે છે તો એમ માનવું રહ્યું કે એ એને માટે અનિવાર્ય હતું; એ સિવાય બીજી રીતે એમ કરવું શક્ય નહોતું. એનું અર્થઘટન કરનાર શબ્દો દ્વારા એ કરવા જાય તેનો અર્થ જ એ કે કળા જે ચેપ લગાડે છે તે અનુભવવાની એનામાં શક્તિ નથી. જે કળાનું ફલક વિશ્વ જેટલું વિશાળ હોય છે તેને નિ:શંક એવું એક આન્તરિક ધોરણ હોય છે અને એ ધોરણ ધર્મવિષયક આન્તર સૂઝમાંથી ઉદ્ભવતું હોય છે. આવી કંઈક ટોલ્સ્ટોયની માન્યતા છે. એને ધ્યાનમાં રાખીને જો ‘નવો અવતાર’ વાંચીએ તો સુધારા વિશેના એના ખ્યાલની અનિશ્ચિતતા વરતાઈ આવે છે: નવલકથા ન્યાયપૂર્ણ સમાજરચનાની સમસ્યાને કેદીઓના સમાજને વિશાળ જનસમાજની સાથે સંઘર્ષમાં ઊતરેલો બતાવીને રજૂ કરે છે. પણ આગળ ટોલ્સ્ટોયે કહ્યું તેમ, નવલકથા જો સુધારણાનું સમર્થ સાધન બની રહેવાની હોય તો આવા દ્વૈતભાવને ઊભો કર્યા વિના એણે સમાજની એકતા સિદ્ધ કરી બતાવવી જોઈએ. આ બની શકતું નથી કારણ કે એની રૂપરચના તો આકર્ષક બની રહે એવી, અરે મનને ફોસલાવે એવી, રસકીય ભૂમિકા પર થઈ છે; એનું વિષયવસ્તુ તે વિશાળ જનસમુદાયથી નોખા એવા જૂથમાં સહ્ય થતો બતાવાતો નીતિપરક સમાજ છે.

પણ ટોલ્સ્ટોય એમ માને છે કે યોગ્ય રીતે રચાયેલી કળાકૃતિ સમાન લાગણીથી સુગ્રથિત એવા સમાજને મૂર્ત કરી શકે. આવી કૃતિનો વાચક વર્ગ તે એને મન સમાન ધામિર્ક અનુભૂતિથી નિયન્ત્રિત વર્ગ જેવો છે; એઓ કેન્દ્રમાં રહેલી વસ્તુને વશ વર્તે છે. એમને એક બન્ધને બાંધનારો પ્રભાવ એમાંથી જ ઉત્ક્રાન્ત થાય છે. કોઈ એમ પણ ન કહી શકે કે કળા આપણા વિસંવાદો અને આક્રમકતાની હદે જતા બુદ્ધિભેદો પર સમ્મોહનની એક જાળ પાથરી દે છે?

4

આમ, ટોલ્સ્ટોયના નૈતિક આશયોનો દાર્શનિક આશયો જોડે મેળ ખાતો નથી. આ બે આશયોથી પ્રેરાઈને નવલકથા લખવામાં જ પાયાનો વિરોધાભાસ રહેલો છે: લાગણી પર આધાર રાખીને નવલકથામાં માનવવ્યવહાર પ્રધાનતયા કશીક લાગણીથી દોરવાતો હોય છે; તો બીજી બાજુથી ફિલસૂફીની દૃષ્ટિએ જોઈએ તો બુદ્ધિનિર્ભર અને ઉપયોગિતાવાદી એવી નૈતિક આચારસંહિતાએ માનવીની બુદ્ધિ પર ભાર મૂકવાનો રહે. આ બન્નેમાંથી ટોલ્સ્ટોયને માર્ગદર્શક કશું પ્રાપ્ત થતું નથી. આથી ટોલ્સ્ટોયને એની કૃતિને માનવસ્વભાવ અને વ્યક્તિના વ્યવહાર વિશેના અધૂરા અને અપૂરતા પાયા પર ખડી કરવી પડી છે. આથી આ કૃતિ એક શોધયાત્રા બની રહે છે, પણ એ શોધ નિષ્ફળ જાય છે. આ વિરોધાભાસોમાંથી ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ ટોલ્સ્ટોયને જડતો નથી. ટોલ્સ્ટોય બેમાંથી એકેય પક્ષને પસંદ કરે એમ નથી, આથી એનો ઉકેલ અસન્તોષકારક એવા ધર્મપરક રસસિદ્ધાન્તમાં એ શોધે છે.

માનવીનું માનવી દ્વારા થતું દમન એ કેન્દ્રમાં રહેલો મુદ્દો છે, પણ એ વિશે ટોલ્સ્ટોય પાસે કશો જવાબ નથી કારણ કે લાગણીનો વિકાસ અને બુદ્ધિપરક આન્તરસૂઝ આ બે વચ્ચેનો મેળ એનાથી સાધી શકાતો નથી. જો એ બની શકે તો જ ખ્રિસ્તી ધર્મના આદર્શ મુજબ નિ:સ્વાર્થ ભાવની મર્યાદામાં રહીને માનવી બીજા માનવી જોડેનો વ્યવહાર રાખી શકે. જોહ્ન હોલ નામના ચિન્તકે એના એક નિબન્ધમાં કહ્યું છે કે જેમની પાસે ન્યાયબુદ્ધિ છે તેઓ જ ન્યાયના અધિકારી છે; બધા જ માણસોમાં આ ન્યાયબુદ્ધિનું આરોપણ કરવા માટેની કશીક ભૂમિકા આપણી પાસે હોવી જોઈએ. લાગણીનિર્ભરતા કે ઉપયોગિતાવાદી વલણથી આ બની શકે તેમ નથી.

એક જ ભગવાનની હકૂમત નીચે રહેતી પ્રજા લેખે આપણે આ ન્યાયબુદ્ધિ કેળવવાની શક્યતા ધરાવનારાઓના એક સમાજ રૂપે જીવવું જોઈએ એવી ટોલ્સ્ટોય હિમાયત કરે છે. સમાજમાં જે દમન દેખાય છે તેની સામે બીજું દમન ઊભું કરવું જોઈએ અને તે ધર્મના વર્ચસ્માંથી ઊભું થઈ શકે. ટોલ્સ્ટોયનો આ ઉકેલ આપણી લાગણી તથા બુદ્ધિ બન્નેનો વિરોધ લાગે છે. માનવીમાં લાગણી અને બુદ્ધિ હોવાં ન જોઈએ એમ નહીં, પણ એ બન્નેમાં ટોલ્સ્ટોયને વિશ્વાસ નથી. આપણમાં જે કાંઈ ઋજુતાભરી સાહજિક સૂઝ હોય તેનું સંવર્ધન કરીને આખરે આપણે એને વશ વર્તવું જોઈએ એવું એ કહેતો હોય એમ લાગે છે.

ન્યાયને ખાતર થઈને દમન થઈ શકે, પણ મોટે ભાગે તો એનો ઉપયોગ અવિવેકભરી માન્યતાઓને કારણે થતો હોય છે; આ માન્યતાઓમાં સંવેદનાની અને શક્તિની એક સરખી માત્રામાં સ્વીકાર થયો હોતો નથી; એમાં નીતિ વિશેની સંવેદનશીલતા અને નૈતિક મૂલ્યવત્તા વચ્ચેના ઉગ્ર ભેદનો સ્વીકાર થયેલો હોય છે. આમ ‘નવો અવતાર’માં જ્યાં જ્યાં દમન બતાવાયું છે ત્યાં સત્તાનો ગેરવાજબી એવો દુરુપયોગ જ થયેલો દેખાય છે. એમાં એમ માની લેવામાં આવ્યું છે કે અમુક માણસો તો નીચી કોટિના જ છે. ઊતરતી કક્ષાના હોવું એટલે નૈતિક ગુણવત્તા કે યોગ્યતા ઓછી હોવી, સમાજમાં એકબીજાની સાથેના વ્યવહારમાં વધુ સક્રિય બનવાની અશક્તિ હોવી એટલું જ નથી; એમાં એમ પણ માની લેવામાં આવે છે કે નીચલા સ્તરના માનવીઓમાં ન્યાયબુદ્ધિ હોતી નથી અને એને કેળવવાની પણ એમનામાં શક્તિ હોતી નથી.

આવી માન્યતા ધરાવતા સમાજના ઉપલા થરના લોકોથી તરછોડાયેલો આ કેદીઓનો વર્ગ આપમેળે આ સૂઝ, સહિષ્ણુતા અને માનવીને સાધન તરીકે ન જોવાની વૃત્તિને કેળવે છે. હાડ ઠારી નાંખે એવી સાયબિરિયાની ઠંડીમાં આ કેદીઓ માનવ્યની હૂંફથી જીવી રહ્યા છે. ત્યાં પોતાના સમાજના દમનનો ભોગ નહીં બનેલો માનવી પોતાને પ્રેમ દ્વારા અભિવ્યક્ત કરે છે. આમ પોતાના આદર્શને ચરિતાર્થ થતો બતાવવાને ટોલ્સ્ટોયને એક કૃત્રિમ સમાજની કલ્પના કરવી પડી છે. આમાં અબુધપણું રહેલું લાગે છે. પણ આપણી ઘણી સૂઝ અને અબુધપણા વચ્ચેની વ્યાવર્તક રેખા ઘણી પાતળી હોય છે!

અમુક માણસોમાં ન્યાયબુદ્ધિની સમ્ભાવનાને નકારી કાઢ્યા પછી એને ભાંડવા એ જાણે આપણું નૈતિક કર્તવ્ય બની રહે છે. પછી એને આપણે માણસની કક્ષામાંથી પણ નીચે ઉતારી પાડીએ છીએ. એટલે આખરે તો ન્યાય અને દમન વિશેની સમસ્યા આવો પ્રશ્ન ઊભો કરે છે: ‘કયાં દમ્ભ અને આત્મપ્રતારણાને કારણે કેટલાક લોકો એમ માનતા થઈ જાય છે કે બીજાઓ કદી ન્યાયબુદ્ધિ કેળવી જ નહીં શકે?’ દમન પોતે બીજી કશીક વસ્તુનું પરિણામ છે. એ શું છે? દમન કરીને અન્યાયને પ્રવર્તાવનારા સમાજ વચ્ચે ન્યાયપૂર્વકનું આચરણ કરનારા સમાજને ઊભો કરવાથી આ પ્રશ્નનો ઉત્તર મળતો નથી; કારણ કે આ બન્ને સમાજમાં રહેનારા માનવીઓ વચ્ચે, ટોલ્સ્ટોય કલ્પે છે એવો, આત્યન્તિક ભેદ ખરેખર તો હોતો નથી, આવો ભેદ કલ્પવો તે અવાસ્તવિક છે. એવો કોઈ સમાજ હોઈ શકે નહીં. આમ છતાં ટોલ્સ્ટોયે પ્રકટ કરેલી સૂઝની સાવ હાંસી ઉડાવવી તે પણ ઠીક નથી. કેદીઓ બધા જ ગુનેગાર પુરવાર થઈ ચૂકેલા છે. આ સમાન ભૂમિકા એમની વચ્ચે છે. એવી કશી સમાન ભૂમિકા બહારના સમાજમાં હોતી નથી. આમાંથી જ ટોલ્સ્ટોયને ‘ફાર્મ’ (આશ્રમ)ની કલ્પના આવી હશે. આ વિશાળ સમાજની અંદર જ સમાન ભાવના ધરાવનારા પોતાનો સમાજ રચીને સમાન આદર્શને અનુસરીને પારસ્પરિક વ્યવહાર નભાવે એવું આશ્રમજીવન ટોલ્સ્ટોયને અભિમત છે એવું ઘટાવી શકાય. પણ આશ્રમની સમાજબાહ્યતાને આપણે સ્વીકારી લેવાની રહે. આનો અર્થ એ થયો કે આપણે વિશાળ સમાજમાં પ્રવર્તતાં ધારાધોરણોની સીમાની બહાર ચાલ્યા જવું.

આવા આશ્રમજીવનમાં તમે ઇશુપ્રબોધ્યા પ્રેમના સંદેશને આચરી શકો; દમનનું સ્થાન પ્રેમ લે. ઇશુનો આ સંદેશ કોઈ વિભૂતિના જીવનમાં ચરિતાર્થ થતો જોઈએ અને એને મુખે પ્રભાવશાળી બનેલી વાણીને સાંભળીએ. આવો આશ્રમ તે એક કુટુમ્બ બની રહે અને આવી વિભૂતિ ઈશ્વરની પ્રતિનિધિ રૂપ બની રહે. એ પિતાની છાયામાં આપણે શિશુની જેમ રહેવાનું. ટોલ્સ્ટોય કંઈક આવું કહેવા માગે છે.

ફ્રોઇડની પરિભાષામાં જો આ વાત મૂકીએ તો એમ કહેવાનું રહે કે આપણે પરિપક્વ થવાની પ્રક્રિયાને પ્રારમ્ભિક તબક્કાથી જ ધીમી પાડી દેવી જોઈએ. જે લોકો વિભૂતિના કે પિતાના આદેશથી જ કોઈ વ્યવહારની નૈતિકતા કે અનૈતિકતા પ્રમાણી શકે છે તેમનો નૈતિક વિકાસ અધૂરો છે એમ જ કહેવું પડે, કારણ કે એમને બીજાના નિર્ણય પર આધાર રાખવાનો રહે છે. નૈતિક વિકાસને માટે આવશ્યક એવી એક વાત તે સ્વયંનિર્ભરતા છે. અલબત્ત, પાછા અનેકોના અનુભવને આધારે ઘડાયેલા નિયમોનો પણ આપણે આધાર લેતા હોઈએ છીએ ખરા; પણ દરેક પરિસ્થિતિમાં એ નિયમોનું અર્થઘટન શું કરવું તેનો નિર્ણય બીજાના પર છોડતા નથી. નિયમો અને આદેશોનું પ્રાચુર્ય વ્યક્તિત્વને હણનારું નીવડે છે. કુટુમ્બમાં બાળકની જેમ જીવવાનું હોય તો એમાંય તોફાની બાળકો તો હોવાનાં જ, અને એ જ વધારે ફાવી જવાનાં, કારણ કે એમનુંય દમન નહીં થાય, એમને બધાંની જેમ પ્રેમ જ પ્રાપ્ત થશે. આથી નૈતિક બુદ્ધિના વિકાસને કુણ્ઠિત કરીએ તો જ બાળક બનીને કુટુમ્બ જેવા સમાજમાં રહી શકીએ!

તો નૈતિક બુદ્ધિના વિકાસથી આપણે શું પામીએ છીએ કે ખોઈએ છીએ? ટોલ્સ્ટોયે ધારાધોરણોનો જે વિરોધ કર્યો છે તેમાંથી જ કદાચ આપણને એ ધારાધોરણોને સંસ્કારવાનો કે એના પર નિયન્ત્રણ સ્થાપવાનો કોઈ માર્ગ જડી આવે. બાળકો તો નિયમોને વશ વર્તે એટલી આશા રાખવામાં આવે છે. એઓ બીજાને અમુક રીતે વર્તવાને ઉત્સાહિત કરે કે અમુક રીતે વર્તતાં વારે એવી કશી અપેક્ષા રાખવામાં આવતી નથી.

પ્રવર્તતી ન્યાયવિષયક પરિસ્થિતિમાં શિક્ષા બે પ્રકારની હોય છે: એક તો એ કે તમે જો અમુક રીતે વર્તશો તો તમને આ ચોક્કસ પ્રકારની સજા થશે. આપણા અમુક વર્તનનું પરિણામ શું આવશે તે વિશે એમાં સ્પષ્ટતા હોય છે તે એનો ફાયદો છે. આ ઉપરાંતની જે શિક્ષા તે તમે અમુક કરવું ઘટે તે ટાળો કે ન કરો તેને માટેની છે. આ વાત જરા અટપટી છે અને આ શિક્ષા પરત્વે સમાજ જરા ગૂંચવાયેલો રહે છે. સમાજોપયોગી કે આવશ્યક એવું કશુંક કાર્ય જો કોઈ નહીં કરે તો શું થાય? જો નિયમનો ભંગ કરનારી પ્રવૃત્તિને માટે શિક્ષા કરવાની કોઈ ના કહે તો શું થાય? સામાજિક હિતને ખાતર એમાં બીજાને ઇજા થાય એવું કરવું પડે. જો તમે આવું ન કરો તો તમને શિક્ષા થાય. આ બીજા પ્રકારમાં જે દમન રહેલું છે તે વિલક્ષણ પ્રકારનું છે. કુટુમ્બમાં તો એવું બનતું નથી. માતાપિતા એક બાળક બીજા બાળકને કુટુમ્બના હિત ખાતર શિક્ષા કરે એવું કહેતાં નથી, પણ સમાજમાં તો એવું બને છે.

આવા પ્રસંગોમાં ક્યાં તો વ્યક્તિ નૈતિક વ્યવહાર પરત્વે બેપરવાહી કેળવતી હોય છે, ક્યાં તો એનામાં ન્યાયબુદ્ધિનો વિકાસ જ થયેલો હોતો નથી. એ લોકો એવી રીતે વર્તે છે કે એમની સાથે આપણે સલૂકાઈભર્યો વ્યવહાર રાખી જ શકીએ નહીં. પણ એવું શું હોઈ શકે જે એમને આ કક્ષામાં મૂકી દે? કેટલીક વાર અમુક લોકોને સમાજના હિતના શત્રુ કે ‘અસામાજિક તત્ત્વ’ કહીએ એટલે પત્યું! કોઈ પણ સમાજ ધાકધમકી ઊભી કરી શકે. એ આન્તરિક હોય કે બહારની પણ હોય. એ ધાકધમકીને કારણે અમુક વ્યક્તિઓ અમુકને ઇજા પહોંચાડે અને અમુક વ્યક્તિઓને સહન કરી લેવાનું રહે. આ ધાકધમકી કાલ્પનિક હોય છે કે સાચી તે મુદ્દો અહીં પ્રસ્તુત નથી.

અહીં પ્રશ્ન આ છે: આપણે શા અધિકારથી એવાં ધારાધોરણો સ્થાપીને અમલમાં લાવીએ છીએ જેથી અમુક વ્યક્તિઓ બીજી અમુક વ્યક્તિઓને ઇજા પહોંચાડી શકે કે અમુક વ્યક્તિઓને ઇજા સહી લેવાની રહે? ટોલ્સ્ટોયને આ પ્રશ્ન મૂંઝવે છે. એના ઉકેલ રૂપે એ કંઈક આવું કહે છે : જો મને સજા કરનાર વ્યક્તિ મારી પરિસ્થિતિમાં મુકાઈને, મારા જેવો વ્યવહાર કરીને, મને થાય છે તે સજા સ્વીકારી લેવાને તૈયાર હોય તો હું એને હાથે થતી શિક્ષાને વેઠી લઉં. આના સૂચિતાર્થો તપાસવા જેવા છે. અમુક વ્યક્તિ કે સમૂહ દ્વારા બીજી વ્યક્તિને શિક્ષા કરવાને માટેની કાનૂની વ્યવસ્થા હશે ત્યાં સુધી અન્યાય તો રહેવાનો જ. તો પછી કાનૂન એવી રીતે ઘડવો જોઈએ કે જો અમુક વ્યક્તિએ સમાજના હિતને ખાતર કશું જતું કરવું પડતું હોય, જિંદગી સુધ્ધાં આપી દેવી પડતી હોય તો આ કાનૂન લાગુ પાડનાર પણ એનાથી મુક્ત ન હોવો જોઈએ.

આ વાત આપણે ધારીએ તેટલી સાદી નથી. એવાય પાગલ માણસો હોય છે (અને ઘણી વાર શાસનનું તન્ત્ર એવાના હાથમાં હોય છે!) જેમને મન આખી દુનિયાને તારાજ કરે એવું કશુંક કરવું અને અંગૂઠાને ઇજા કરવી એ બે વચ્ચે કશો ભેદ હોતો નથી! પાગલમાં હોય તેવી વર્તનની સંગતિ એની પાસે હોય છે; પણ મારે એનો પ્રતિકાર કરવો શી રીતે? આજે તો ખાસ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે અવિવેકી આત્મઘાતની પ્રવૃત્તિ ચાલી રહેલી દેખાય છે જેમાં કાનૂનને ખાતર થઈને મરણને રાજીખુશીથી સ્વીકારનારાઓની સંખ્યા વધતી જાય છે. અહીં નૈતિકતાની અવેજીમાં કાનૂનના પાલનને મૂકી દેવામાં આવે છે. એમ કરનારાના મનમાં ન્યાયબુદ્ધિનો અભાવ છે એમ આપણે કહીશું? માનવી હોવું એટલે વિકાસની દિશા તરફ અથવા આત્મવિલોપનની દિશામાં આગળ વધવાની શક્તિ ધરાવવી. ન્યાયબુદ્ધિની શક્યતા પણ ઘણાં અણગમતાં વિકૃત પરિણામો તરફ દોરી લઈ જઈ શકે. ન્યાયને સહન કરવાની શક્તિ છે કે નહિ તેની કસોટી કરવા ખાતર જ ઘણા યુવાનો ભોગ આપતા હોય છે.

ટોલ્સ્ટોયે જે નૈતિક વિકૃતિઓ એના સમકાલીન સમાજમાં જોઈ તે વધારે પડતી સંસ્કારાયેલી નૈતિક માન્યતાઓને કારણે ઉદ્ભવી હતી એવું એનું માનવું હતું. આથી જરા પાછળ હઠીને કુટુમ્બવ્યવસ્થા તરફ ચાલ્યા જવાનું એણે સૂચવ્યું. આ પાછા હઠવાની વાત કાઢી નાંખવા જેવી છે?સમસ્ત પ્રજાના નૈતિક વ્યવહારને લક્ષમાં રાખીએ તો પ્રજાના કલ્યાણને નામે જે દમન ચાલે તેને શી રીતે ટાળી શકીએ?

જે નૈતિકતા અનિવાર્ય છે તે કૌટુમ્બિક જીવનવ્યવસ્થામાં હોય છે તે સ્વરૂપની હોઈ શકે. ટોલ્સ્ટોયનું આ દૃષ્ટિબિન્દુ ઊણપવાળું છે; સમાજના કોઈ અંશને સાયબિરિયાના કેદીઓના સમૂહ રૂપે કલ્પી નહીં શકો. ન્યાયને નામે થતા દમનમાંથી છૂટવા માટે આપણે બાળકની અવસ્થાએ રહેવું અને આપણા ભાવિ શક્ય વિકાસને નકારી કાઢવો એ પણ ઇષ્ટ નથી. આપણી ન્યાયવ્યવસ્થામાં જે ઊણપો છે તે ટોલ્સ્ટોયે ચીંધી બતાવી છે ખરી.

ટોલ્સ્ટોયની આ દૃષ્ટિ, સ્વેચ્છાએ સ્વીકારેલો વિકાસનો અવરોધ, એની સાહિત્યકૃતિઓનો વિષય બની રહે છે. કલ્પના એના સન્તોષનું એક પ્રબળ સાધન છે. આથી એ જગતમાં જીવીને એના દમનને સ્વીકારવા કરતાં કલ્પનાના ‘સાયબિરિયા’માં જીવવાનું વધુ પસંદ કરે છે. આ જગત જ જાણે મૃત્યુ, કળા માતાની જેમ એનાથી આપણું રક્ષણ કરે. આમ કળા અને કારાગારના જીવનને સાંકળવાનું ટોલ્સ્ટોયને ગમતું. એને પ્રિય એવી ઝેવિયર દ મેઇસ્ત્રની કૃતિ ‘(અ જર્ની રાઉંડ માય રૂમ’)નો એના પર પ્રભાવ હતો. એમાં માત્ર કારાગારરૂપ બનેલી ઓરડીમાં કલ્પનાથી પોતાનું ‘સાચું’ જગત ખડું કરીને જીવે છે.

રસકીય દૃષ્ટિએ ‘નવો અવતાર’ને જોઈએ તો એમાં નિરૂપાયેલો નૈતિક યક્ષપ્રશ્ન આપણને આકર્ષે છે, એમાં રહેલી સંકુલતાથી આપણે પ્રભાવિત થઈએ છીએ, એના ઉકેલની આપણે અપેક્ષા રાખતા નથી. આ સમસ્યાની સમક્ષ ઊભા રહેવાથી આપણી માનવજીવન વિશેની અભિજ્ઞતાનાં પરિમાણ વિસ્તરે છે. ફિલસૂફી જેને નકારી કાઢે છે તેને પણ સ્વીકૃત અને આસ્વાદ્ય બનાવવાનું કળા માથે લે છે. ટોલ્સ્ટોય નૈતિક અને ધામિર્ક મૂલ્યોને રસકીય મૂલ્યોમાં બદલી નાંખવા ઇચ્છે છે તે કદાચ આપણે નહીં સ્વીકારીએ; તો પણ નૈતિક પ્રશ્નોને કૃતિનો વિષય બનાવનારી કળાને આપણે માણી તો શકીએ. ટોલ્સ્ટોયે ‘કળા એટલે શું? – માં જે કહ્યું તેનાથી કંઈક જુદું જ એની આ છેલ્લી નવલકથા પ્રસ્થાપિત કરતી લાગે છે.

નૈતિક સમસ્યાને રસકીય ભૂમિકાએ રજૂ કરવી તે એ સમસ્યાને સમજવામાં મહત્ત્વનું અર્પણ બની રહી શકે તે ટોલ્સ્ટોય જોઈ શકતા નથી. આધુનિકતાને એના રસકીય અંશો પૂરતી એણે વખોડી કાઢી ને છતાં એણે એવી નવલકથા લખી જે રસકીય મૂલ્યોની દૃષ્ટિએ સારી ગણી શકાય. નૈતિક સમસ્યા તો એનાથી ઉકેલી શકાઈ નથી. દાર્શનિક પાસું જોઈએ તો નવલકથા નિષ્ફળ નીવડી છે; એ નિષ્ફળતાનું કારણ નૈતિક સમસ્યાને એણે કળાનો વિષય બનાવી તે છે. આ જ કદાચ ટોલ્સ્ટોયે ટાળવા ઇચ્છ્યું હતું – એ ટાળવામાં એ નિષ્ફળ ગયો, તે જ કારણે આ કૃતિ નવલકથા તરીકે સફળ થઈ.