અહો બત કિમ્ આશ્ચર્યમ્/માનવીય ગૌરવ

From Ekatra Wiki
Revision as of 06:06, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માનવીય ગૌરવ

સુરેશ જોષી

માનવી શા માટે પોતાના કાર્યની છબિને ધૂંધળી બનાવી દેતો હશે? હિંસા, હત્યા આખરે તો કાયરતાનો એકરાર છે. માણસ એની શક્તિને છેડે પહોંચી ગયા પછી જ આવું હિચકારું કૃત્ય કરે છે. વળી લોકોનાં મનને વિચારને માર્ગેથી વાળીને ટોળાંના આવેગના વહેણમાં વાળી દેવા એટલું જ શું નેતાનું કાર્ય રહ્યું છે? કોઈ પણ માનવી પાસેથી આત્મનિષ્ઠા અને પ્રામાણિકતા ઝૂંટવી લઈ શકે નહીં. માણસ પોતા પ્રત્યેની નિષ્ઠાને પોતાનામાંથી ખસેડીને અન્યત્ર સ્થાપે ત્યારે એક મોટું જોખમકારક પગલું ભરતો હોય છે. પોતાના પોતાપણા વિશેની નિષ્ઠાના કેન્દ્રમાં જો એ સ્થિર હોય તો જ વિશ્વ અને બ્રહ્માણ્ડ સુધીની એની ત્રિજ્યાઓ વિસ્તરી શકે છે. પણ આ નિષ્ઠાનું મૂલ્ય જ તમે ઓછું આંકતા હો છો ને એને તુચ્છ ગણીને એનો સહેજ સહેજમાં રાજ્યને નામે, પક્ષને નામે, ધર્મને નામે ભોગ આપવા તૈયાર થઈ જાઓ છો. માનવી પાસેથી એના પ્રત્યેની નિષ્ઠા જ ઝૂંટવી લેવાય પછી એની કિંમત શી રહી?

જ્યારે માનવી પોતાની ને પોતાના કાર્યની મોઢાદેખ ઓળખ કરવાનો માર્ગ જ બંધ થયેલો જુએ છે ત્યારે એ આત્મહત્યાને માર્ગે વળે છે. એ હિંસાને માર્ગે વળે છે તે પણ આખરે તો આત્મહત્યા જ છે. પોતાને ઇજા કર્યા વિના કોઈ બીજાને ઇજા કરી શકે નહીં. હિંસાનો આધાર શો છે? પોતાનું રક્ષણ? ના, એ નકારાત્મક વસ્તુ છે. એ કાયરની ઢાલ છે.

આજે જે ગુણો વિધેયાત્મક છે તેને કેળવવાનું કેમ આટલું બધું અઘરું થઈ પડ્યું હશે? આપણે ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ કહીએ છીએ, પણ દ્વેષ અને હિંસા જ ફાલે છે. શાન્તિ ને કલ્યાણની વાતો ચાલે છે, ને છતાં યુદ્ધની જામગરી સળગતી જ રહે છે. સંસ્કૃતિને ઉગારવાની જવાબદારી સૌ ઉપાડવા ઇચ્છે છે, પણ કૃત્યો એવાં થાય છે કે સંસ્કૃતિનાં મૂળ સુધ્ધાં હચમચી ઊઠે છે. આનું કારણ શું?

ઉત્ક્રાન્તિને આ તબક્કે આવી પહોંચ્યા પછી માનવી કદાચ પોતાનું સાચું પરિમાણ ઓળખવામાં નિષ્ફળ ગયો છે. એના પરિમાણની અપેક્ષાએ એ બહુ ક્ષુદ્ર વસ્તુમાં પોતાને સંડોવતો રહ્યો છે. પોતાની જ જુદી જુદી બે છબિઓને એ પાસે રાખીને જોવાનું ચૂકી ગયો છે. ચન્દ્ર સુધીની ફાળ ભરનારો માનવી જંગલોમાં સંતાઈને દરમાંના કોઈ જન્તુના જેવો બની હજી યુદ્ધ ખેલે છે. ઉત્તુંગ પર્વતશિખરને સર કરનારો માનવી એ વિરાટ વિશાળતા હૃદયમાં ભરીને નીચે આવતો નથી. આથી માનવીની જે સિદ્ધિ છે તેને એ પોતે જ જાણે કે આત્મસાત્ કરી શક્યો નથી. એ સિદ્ધિઓ ઇતિહાસની વિગત બની છે, એના વ્યક્તિત્વનો અંશ નહીં. આજ સુધી આ સિદ્ધિઓને તો એ જાણે એનામાં રહેલા પેલા ગુફાવાસી આદિમાનવને બલિરૂપે અર્પતો રહ્યો છે. મરણને માનવીએ ઘણી વાર હસતે મોઢે સ્વીકાર્યું છે, પણ જીવનને મરણથી ઢાંકી દેવાનો એનો પ્રયત્ન શા કારણે એ કરતો હશે તે સમજવું બાકી છે.

ધર્મ માટેની શ્રદ્ધા, ચિન્તનની પ્રખરતા, કાર્યદક્ષતા – આ બધા ગુણો જે મહાન વસ્તુ કરી શકે તેનો એને ખ્યાલ નથી એમ નહીં પણ એની જાણ છતાં આ બધાંને એ કેવાં ક્ષુદ્ર પ્રયોજનો માટે આજે વાપરી રહ્યો છે! માનવી માનવ્યનું ગૌરવ નહીં કરે ત્યાં સુધી એ પોતાને બાજુએ હડસેલીને ગમે તે ક્ષુદ્ર વસ્તુને સ્વીકારી બેસે એવો સમ્ભવ તો રહેવાનો જ.

માનવ્યનું આ ગૌરવ તે શી વસ્તુ છે? એ સદાકાળનું કશું ધ્રુવ તત્ત્વ નથી. એ સિદ્ધ કરતાં રહેવાની માનવીની જવાબદારી છે. બુદ્ધિ, કલ્પના, અનુકમ્પા આ ગુણો કેળવીને એ પોતાની સીમાઓને ઉલ્લંઘી શકે છે ને આલ્બેર કામ્યૂ જેને ‘છનન સ્ચહ’ કહે છે તે બની શકે છે. પોતાની આવે રૂપે ઝાંખી કરવામાં એ પોતાનું ગૌરવ અનુભવે છે, કારણ એ ગૌરવ પોતાને અંગત રીતે મળતાં ધન, પ્રતિષ્ઠા કે સ્વર્ગમાં નથી. જો એવું હોત તો ગૌતમ બુદ્ધ નિર્વાણના ઉમ્બર પર પગ મૂકીને પાછા ન ફર્યા હોત. આપણે વૈકુણ્ઠની આશા રાખીએ છીએ; પણ વૈકુણ્ઠનો સાચો અર્થ સમજતા નથી. જેની કુણ્ઠા એટલે કે દ્વિધા, સંકોચ જતાં રહ્યાં છે તે જ સાચો વૈકુંઠવાસી છે. માનવી વૈકુંઠને દ્વારે ભોગલાલસાથી યાચક બનીને ઊભો રહેતો નથી. એનામાં ત્યારે નિસ્પૃહતા આવે છે. એ કશા સંકોચથી વામણો લાગતો નથી.

કશું પણ મૂલ્ય વારસામાં મળતું નથી. જે આપણે સિદ્ધ કર્યું નથી તે કદી પૂરેપૂરું આપણું થઈ શકતું નથી, ને માટે જ એના પર આપણો હક્ક પણ હોઈ શકે નહીં. આપણો માનવજાતિના ઇતિહાસ સાથેનો સમ્બન્ધ છે, ને એ સમ્બન્ધ ઘણો ઊંડો ને અવિચ્છિન્ન છે. આથી જે આપણા પુરોગામીઓ કરી ગયા તેના અનુભવો તથા તેનાં પરિણામો આપણી દૃષ્ટિ સમક્ષ રહે છે પણ સન્દર્ભ બદલાતો નથી. આથી એના એ સ્વરૂપનાં કાર્યો તથા એ જ પ્રકારનાં એનાં પરિણામોથી આપણું નભે નહિ. આપણા યુગની સમગ્રતાને ખ્યાલમાં રાખ્યા વિના આપણે જે કાંઈ કરીશું તે ખણ્ડિત તથા અપર્યાપ્ત જ રહેવાનું.

આથી જે પ્રત્યક્ષપણે આત્મસાત્ નથી થયું તેનું મૂલ્ય કશું નથી. આચારને મહત્ત્વ આપનારા વાસ્તવવાદી હતા પણ એ આચાર પ્રેરે કોણ? એનું સ્વરૂપ નક્કી કોણ કરે? સ્મૃતિ અને શ્રુતિ? મનુસ્મૃતિ આપણા જમાનામાં લેખે લાગે? મનુએ પણ એમ ઇચ્છ્યું નહોતું. આથી આચારનાં ધોરણો નિરપેક્ષ અને સદાકાળનાં ન હોઈ શકે. તેમ એ કોઈ અમુક વર્ગ કે વ્યક્તિની ઇચ્છા પર પણ આધાર રાખી શકે નહિ.

27-2-67