અહો બત કિમ્ આશ્ચર્યમ્/સ્વપ્નનો સમય

From Ekatra Wiki
Revision as of 09:16, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વપ્નનો સમય| સુરેશ જોષી}} {{Poem2Open}} મારી આજુબાજુ આ નગરના માનવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વપ્નનો સમય

સુરેશ જોષી

મારી આજુબાજુ આ નગરના માનવીઓએ ઉચ્ચારેલા ઉદ્ગારેલા ધ્વનિની ઘટા વિસ્તરે છે. એની વીથિકામાં હું ચાલ્યો જાઉં છું. હું ચાલતાં ચાલતાં ધીમે ધીમે ધ્વનિનાં આન્દોલનોમાં ભળી જાઉં છું અને આકાશમાં લય પામું છું. આકાશરૂપ બની જતાં મને તસતસતા શૂન્યની અનુભૂતિ થાય છે, એકાએક હું ગ્રહતારાનક્ષત્રખચિત બની જાઉં છું. અયુત પ્રકાશવર્ષોનો સમય અનેક નિહારિકાઓમાં પ્રસરી જાય છે.

આમ દરરોજ મારા દેહનું પૃથ્વીતત્ત્વ થોડા શા આકાશનો ઉમેરો કરે છે; થોડું તેજ મારી બહાર વિચ્છુરિત થાય છે. એથી ક્યાંક કોઈ ફૂલ રંગ ધારણ કરે છે. ક્યાંક કોઈક પંખીનાં પીંછાંનો વિસ્તરેલો કલાપ સોહી રહે છે. કોઈક વાર પવનનો અંગુલિસ્પર્શ મારા દેહને નિરાકાર બનાવી દે છે. તો કોઈ વાર જળનો નિ:શબ્દ અનુનય મને વહેતો કરી દે છે.

શરદના પ્રારમ્ભના આ દિવસોમાં બાળપણમાં અનુભવેલી કશીક સુગન્ધ મને ઘેરી વળે છે. એને હું નામ પાડીને ઓળખાવી શકતો નથી. એ ડાંગરના ખેતરમાં થઈને, ગલગોટાના વનમાં થઈને, પાતળા ઝરણાના જળમાં ઝબકોરાઈને મારી પાસે આવતી હતી. એથી ગણિતના દાખલાની રકમોની વ્યવસ્થિત કિલ્લેબંધી વચ્ચેથી હું ક્યાંક સરી જતો હતો. સમસ્ત શિશુદેહ સુગન્ધની લહેરખી બનીને શરદના પ્રાણ સાથે એકરૂપ થઈ જતો હતો.

આજે એવી જ કશી અન્યમનસ્કતા મને વિહ્વળ કરી મૂકે છે. મારી આંખો ગલગોટાને શોધે છે. એક સમારમ્ભમાં ગયો હતો. ત્યાં સભામંચ પર ગલગોટાના હાર ઝૂલતા હતા. નાના શિશુની જેમ કૂદકો મારીને એ ફૂલોમાં સંતાયેલા મારા બાળપણને લઈ લેવાનો લોભ થયો હતો. પણ ત્યારે તો હું ઠરેલ માણસને છાજે એવી ભારેખમ ગમ્ભીર વાણી બોલી રહ્યો હતો. મારા ખભા પર અડધી સદીનો ભાર હતો.

અહીં આ નગરમાં ફુવારો જોઉં છું ત્યારે જ માત્ર જળ અને પવનનું દ્વન્દ્વનૃત્ય જોવાનો લહાવો મળે છે. પણ રેલવેના પાટા પાસેના એ ઉમરાના ઝુંડની છાયા ઝીલતા પાતળા ઝરણાનો સદા કાન દઈને સાંભળેલો અસ્ખલિત છંદ અહીં સંભળાતો નથી. પશ્ચિમને છેડે મખમલી લીલના લેપવાળી કિલ્લામાંના ખંડિયેર બનેલા મહેલની દીવાલો અને બીજે છેડે આ પાતાળઝરણું આ બેની વચ્ચે ત્યારે મારું કલ્પનાજગત વિસ્તરેલું હતું. વસ્તુઓના આકાર હજી બંધાયા ન હતા. રૂપ બંધાય તે પહેલાં બધું ઓગળીને લોપ થઈ જતું હતું.

હવે તો આ નરી વાસ્તવિક દુનિયા. અનાવૃષ્ટિ, દુકાળના ઓળા, ઓસરતી માનવતા એની વાતો કરું છું. ઘાસનાં મેદાનો પર સેલારો મારતો, વડની છાયામાં ગાયોના ધણ ભેગો આરામથી પડી રહેતો કે સાંજે પ્રગટાવેલા દીવેલના દીવાની લઘુજ્યોત જેવો સ્થિર સમય અહીં નથી. અહીંનો સમય બરડ છે, રુક્ષ છે. ત્યારે તો નિશાળમાં જતી વખતે સમયને સંકેલીને ખિસ્સામાં મૂકી દેતા, છૂટતાંની સાથે જ સમય પણ અમારી સાથે હરણફાળ ભરીને યુગોના યુગ કૂદી જતો. અહીં તો ટાવરની ટોચે ઊભો રહીને સમય બરાડે છે. એ સન્ત્રી જેવો છે. એ લીલાનો સહચર નથી. એ હાથના કાંડા પર બેઠો બેઠો મારી પ્રવૃત્તિ પર ચોકી ભરે છે. એથી જ તો ગલગોટાના સોનેરી ગુચ્છોમાં પ્રસરી ગયેલા એ શૈશવના સમય માટે મારું મન આજે ઝૂરે છે.

અહીં કોઈક વાર ભર બપોરે ગાઢ નિરન્ધ્ર અન્ધકાર છવાઈ જાય છે. બધું જ એના પ્રલેપથી ભુંસાઈ જાય છે. આંખો આ અન્ધકારના એટલાન્ટિકમાં ક્યાંક અલોપ થઈ જાય છે. હું અન્ધકારના જ પરિમાણને પામીને બધે પ્રસરી જાઉં છું. આ નિ:શબ્દ અસીમનો સાક્ષાત્કાર આધ્યાત્મિક અનુભવ કહેવાય કે કેમ તેની ખબર નથી. પણ મને લાગે છે કે આવા વિલયની સ્થિતિ જ કદાચ આપણા માટે વધુ ઇષ્ટ છે. તન્મય થઈ જવું તદાકાર થઈ જવું એનું જ ઘણું માહાત્મ્ય છે. આથી જ તો બ્રહ્મનો સ્વભાવ બૃંહણનો છે. સન્તોએ કહ્યું છે કે બ્રહ્મસંકોચ જેવું બીજું કશું પાપ નથી. સન્ત દાદુ દયાળે કહ્યું કે એક નાની શી કળી પણ જો ઉપર અસીમ આકાશ નહીં હોય તો ખીલવાનું મંજૂર રાખતી નથી. પણ આપણને તો સંકોચાઈ જવાની મીઠી કસક ગમે છે. પ્રિયતમાની આંખની નાની સરખી કીકીમાં આખા બ્રહ્માણ્ડને આપણે પૂરી દઈએ છીએ. અણુ અને વિભુ વચ્ચેની આપણી આ આવનજાવનના તાણાવાણાથી કબીરે વર્ણવેલી પેલી ‘ચૂનરી’ વણાઈ છે. પણ એને ‘જ્યોં કિ ત્યોં’ ભગવાનને ચરણે ધરી દેવાની વાત અઘરી છે. પ્રભુને પણ આપણે આપણી અંગરજમાંથી મલિન થવામાં ધન્યતાનો અનુભવ નહીં થતો હોય?

વાસ્તવિકતાને વફાદાર રહેવાની ફરજનું મને ઘણી વાર ભાન કરાવવામાં આવે છે. વસ્તુ નરી વસ્તુ છે. એને દૃઢ રૂપરેખા છે. એનો મર્મ એ પોતે જ છે. એ બીજા કશાકનો સંકેત નથી. સંકેતની ત્રિજ્યા વિસ્તારવાની લીલા વાસ્તવિકતાનો દ્રોહ છે. હું મારા ઘરના કબાટને કેવળ કબાટ રૂપે કેમ જોઈ શકતો નથી? એ કેવળ મારા ઉપયોગનું સાધન બનીને કેટલું હ્રસ્વ થઈ જાય છે? એને હું બીજા અધ્યાસ, સંસ્કાર વગેરેનું આરોપણ કરીને કેટલું બધું ભૂંસી નાખું છું! આ રીતે વસ્તુ સાથેનો પ્રત્યક્ષ સમ્પર્ક આપણે સ્થાપી શકીએ છીએ ખરા? આપણે સ્મૃતિસંસ્કાર વગેરેના જાળાથી ઘેરાઈને જ જીવતા હોઈએ છીએ. આથી સાચા અર્થમાં આપણને ઇન્દ્રિયપ્રત્યક્ષ થતા જ નથી હોતા.

હું બાળપણ સુધી વારે વારે પહોંચી જાઉં છું તે જોઈને કોઈ મનોવિજ્ઞાની કહેશે કે ‘આ તો ઇન્ફન્ટાઇલ રીગ્રેસનની વૃદ્ધિ થઈ’, એના મૂળમાં કશો ‘ટ્રાઉમેટિક શોક’ હશે. આ એક ‘ફિક્સેસન’ પણ હોય વગેરે. પણ મને ઘણી વખત લાગે છે કે હું કોઈક વાર સરી જતી ક્ષણ સાથે કોઈક જુદા જ સમયમાં લસરી પડું છું. એને હું જુદો સમય કહું છું કારણ કે મારી વર્તમાન સમયની અભિજ્ઞતાનો લોપ થતો નથી. કદાચ એમ કહેવું વધારે સાચું કહેવાય કે જુદા જુદા સમયની રેખાઓ જ્યાં એકબીજાને મળીને છેદે છે ત્યાં, એ છેદબિન્દુ આગળ હું જીવું છું.

સ્થળના એક નાના શા બિન્દુ પર કેટલીક વાર કેટલો બધો સમય ઘનીભૂત થઈને પડ્યો હોય છે! પિંડીભૂત સમયના આધારરૂપ આ અવકાશ કવિતાનો વિષય છે. આ અવકાશ પાસે આપણે જતા નથી. તેથી આપણા ઘણા અનુભવો કવિતામાં ખીલી ઊઠતા નથી. એ અનુભવોની અવેજીમાં આપણે થોડીક સુફિયાણી વાતો, થોડા ઉદ્ગારો કે પછી થોડી વાચાળતા મૂકી દઈએ છીએ. પછી એને અમર ગણાવવાનો ઉદ્યમ આચરીએ છીએ. આથી જ તો ઘણી વાર કોઈ એક સ્થળ આગળ મન કશુંક આગવું આકર્ષણ અનુભવીને અટકી જાય છે.

સ્વપ્નમાં એક નવો જ સમય ઊઘડે છે. એ ભૌમિતિક રેખાની ક્રમિકતાનો બનેલો હોતો નથી. એમાં સ્થળનાં પરિમાણ પણ જુદાં જ હોય છે. વાસ્તવિકતાથી એ બીજે છેડે છે એમ માનવું કેટલે અંશે સાચું લેખાશે? હું અહીં રાત્રિનાં સ્વપ્નોની વાત નથી કરતો. પણ દિવસના આ વાસ્તવિકતાથી ઘેરાઈને બેઠા હોઈએ છીએ ત્યારે ધીમે ધીમે એક નવું જ વિશ્વ આંખ સામે પ્રગટ થતું જાય છે. સામેની દીવાલો અલોપ થઈ જાય છે. એક નવો અવકાશ અસ્તિત્વમાં આવે છે. આપણી પોતાની પણ એક નવી જ વ્યક્તિતા જાણે શાપમુક્ત થઈને સજીવન થઈ ઊઠે છે. આપણું નામ બરફના તરતા પહાડ જેવું દૂર ને દૂર સરતું જાય છે. આ અનુભવ ભલે ને એક ક્ષણનો હોય પણ એમાંથી કેટલીક વાર યુગો પાંખ ફફડાવી ઊડવા માંડે છે. અસ્તિત્વના સીમાડા નાસ્તિ સુધી વિસ્તરે છે.

સાયંકાળની આરતીથી ઝંકૃત સમય અહીં અનુભવાતો નથી. અહીં તો ફેક્ટરીની સાયરન જુદા જુદા સમયની ઘોષણા કરે છે. પાસેની બે નિશાળના ઘણ્ટ પણ એમનો જુદો સમય ઉચ્ચારે છે. રસોડામાં ટપકતો નળ ટીપે ટીપે સમય ગણે છે. દર્પણમાં ચાલતા સમયનાં થોડાંક પદચિહ્નો નોંધાય છે. અહીં સમુદ્ર નથી, નહીં તો ઊછળતા ઓસરતા મોજાઓ સમયને અનન્ત બનાવી દે તેનો અનુભવ થાય.

આપણે તો સમયનો ભાર ઉપાડીને ચાલીએ છીએ. પણ દોડતા-કૂદતા શિશુનો ક્રીડાસાથી સમય પણ એના જેવો જ હળવો હોય છે. ઘરમાંની બધી વ્યક્તિઓના જુદા જુદા સમયની કેવી તો અથડામણ થતી હોય છે! વૃદ્ધ દાદાનો સમય ધીમે ધીમે રુદ્રાક્ષની માળાના મણકે મણકે સરતો હોય છે. ઘરમાં પુરાઈ ગયેલી વધૂનો સમય પાંખો ફફડાવીને ઊડી જવાને અધીરો બની ગયો હોય છે. તાવની પથારીમાં શેકાતો સમય આપણને પણ દઝાડે છે. ઘીના દીવાની આંચે દેવ બેઠા બેઠા પોતાની મુદ્રા છાપે છે.

અવકાશનું પણ એવું જ છે. વિષ્ણુ બેઠા છે તો સાંકડા ગોખલામાં પણ એમની આજુબાજુ ક્ષીરોદધિ વિસ્તરે છે. કોઈક વાર પવનના અળવીતરાથી મારા ઓરડામાંનો અવકાશ અવળસવળ થઈ જાય છે. વર્ગમાં શીખવતો હોઉં છું ત્યારે એકાએક અવકાશ સંકોચાઈને મને રૂંધવા લાગે છે, તો ક્યાંક અવકાશ મહાવૃક્ષની જેમ ઘટાદાર બની જાય છે.

આ સ્થળ અને સમયનાં બદલાતાં પરિમાણો પ્રમાણે મારી ચેતનાના અક્ષાંશ રેખાંશ અંકાતા રહે છે. એ જ પ્રમાણે ઉષ્ણ કટિબન્ધ અને સમશીતોષ્ણ કટિબન્ધ પણ ફેરવાતા રહે છે. છતાં કોઈ વાર એ બધું જ ભુંસાઈ જઈને નર્યું શૂન્ય ચારે બાજુ ઘૂઘવી ઊઠે છે.

10-9-74