એકદા નૈમિષારણ્યે/એકદા નૈમિષારણ્યે1

From Ekatra Wiki
Revision as of 11:28, 15 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એકદા નૈમિષારણ્યે

સુરેશ જોષી

‘એકદા નૈમિષારણ્યમાં એક ઋષિ હજારો વર્ષનું તપ તપતા બેઠા હતા. એમના મુખ પર બ્રહ્મતેજ હતું. આધિવ્યાધિઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત આ જગતમાં એ ઋષિ જાણે શીતળતાના દ્વીપ જેવા હતા. એમની આજુબાજુનાં વૃક્ષોનાં પાંદડાં ખરતી વખતે નિ:શ્વાસ નાખતાં ન હતાં; પુષ્પોને મુખે જાણે અશ્રુત ધ્વનિથી ઋચાગાન થતું હતું.’ બોલતાં બોલતાં એને લાગ્યું કે એની કલ્પના બહેકવા લાગી હતી. શ્વાસ ખાવા થંભ્યો હોય એમ અટકીને એણે સામે બેઠેલી નારીના તરફ જોયું. એની આંખની કિનાર સૂઝીને લાલ થઈ ગઈ હતી. આંસુ પાંપણની કિનારે ચમકી રહ્યાં હતાં. એનો દીર્ઘ ઉષ્ણ નિ:શ્વાસ એ સાંભળી શકતો હતો. એ આધેડ વયની નારીનો ચહેરો વેદનાને કારણે કંઈક કદરૂપો લાગતો હતો. એણે ફરી શરૂ કર્યું, ‘એક વાર એવું બન્યું કે શ્રાવસ્તી નગરીના કોટ્યાધિપતિ શ્રેષ્ઠી પરમાનન્દદાસ સમુદ્રયાત્રાએ ગયા તે ગયા, પાછા વળ્યા નહીં. એ વાતને બાર બાર વર્ષોનાં વહાણાં વાયાં હતાં, પણ પરમાનન્દદાસની ભાળ લાગી ન હતી. કેટલાય સૂર્ય તપ્યા પણ શેઠાણી રત્નલક્ષ્મીની આંખનાં આંસુ સૂકાયાં નહીં. દર વર્ષે વર્ષાનાં ઘેરાતાં વાદળ સાથે રત્નલક્ષ્મીના હૃદયમાં એથીય ઘેરાં વાદળો છવાય, પણ એ પછી શરદનો ચન્દ્ર અજવાળાં વેરે નહીં. તેમાં વળી ભગવાન રૂઠ્યા, પુણ્ય ખૂટ્યાં, પૂર્વજન્મનાં પાપ નડ્યાં ને એવું બન્યું કે શેઠાણી વેદનાથી મૂચ્છિર્ત થઈને પડ્યાં. એમનો એકનો એક દીકરો એક દિવસ અલોપ થઈ ગયો, શોધાશોધ ચાલી, પૈસો પાણીની જેમ વહેવડાવ્યો પણ ક્યાંય પત્તો ખાધો નહીં. હવે કરવું શું? જોષીઓને તેડાવ્યા, કુંડળી માંડી. જોષીઓ ખોટું આશ્વાસન આપીને ધન લઈને વદાય થયા. ભૂવાઓ આવ્યા, મેલી વિદ્યા જાણનારા આવ્યા. બધા જ શેઠાણીને આશ્વાસન આપે છે, પણ પતિ કે પુત્ર કોઈનાય મુખનું દર્શન થતું નથી. દાસદાસી અને આશ્રિતોથી ભર્યા ભર્યા ઘરમાં કેવળ વેદનાનો હાહાકાર વ્યાપી ગયો છે. શેઠાણીની આંખનું તેજ ઓસરવા લાગ્યું છે. ભગવાનને ચરણે ઢળીને પ્રાર્થના કરે છે; ‘ભગવાન, આંખનું તેજ લઈ લો તે પહેલાં એક વાર મારા કનૈયાકુંવરનું દર્શન કરાવો.’ દિવસ વીતે, રાત વીતે પણ શેઠાણીના મહેલ સૂનાસૂના, આંગણું સૂનું સૂનું, હૃદય સૂનું સૂનું.’

‘એવામાં કોઈ સિદ્ધ પુરુષ શ્રાવસ્તી નગરીમાં આવી લાગ્યા. નગર બહાર જીર્ણ શિવાલય પાસે એમણે વાસ કર્યો. શેઠાણી રત્નના થાળ ભરીને એમની પાસે દોડ્યાં. ગદ્ગદ્ કંઠે પ્રાર્થના કરી; ‘મારા દીકરાની ભાળ આપો, એનું મુખ દેખાડો.’ સિદ્ધ પુરુષે આંખો ખોલી નહીં. ધૂળમાં આંગળીથી રેખા દોરી, દિશા ચીંધી. એનો મર્મ કોઈને સમજાયો નહીં. સિદ્ધ પુરુષના શિષ્યે કૃપા કરીને એનું રહસ્ય સમજાવ્યું. ‘ઉત્તર દિશામાં સાત દિવસ અને સાત રાત ચાલશો એટલે નૈમિષારણ્ય આવશે. ત્યાં એક વિશાળ વટવૃક્ષની ઘટા નીચે એક ઋષિ હજાર વર્ષથી તપ તપતા બેઠા છે ત્યાં કશું પૂછશો નહીં, એમનો તપોભંગ કરશો નહીં. ધીરજથી રાહ જોજો, તમારું સદ્ભાગ્ય હશે તો ઋષિ ભાળ આપશે.’

શેઠાણી તો તરત રસાલો લઈને નીકળી પડ્યાં. તાપતડકો વેઠ્યો, ગાઢ અરણ્ય આવ્યું. ઋષિનાં દર્શન થયાં. કશું બોલ્યાચાલ્યા વગર શેઠાણી ઋષિના મુખ તરફ મીટ માંડીને બેઠાં. શેઠાણીનું ભાગ્ય ખૂલ્યું. દશમે દિવસે ઋપિ બોલ્યા: ‘પશ્ચિમમાંથી તારો દીકરો પુષ્ય નક્ષત્ર બેસતા આવશે. પણ તું એને ઓળખી શકશે તો એ ઘરમાં પ્રવેશશે. તું નહીં ઓળખી શકે તો એ ફરી અલોપ થઈ જશે. શેઠાણી તો હરખથી ઘેલાં ઘેલાં થઈ ગયાં.’

આટલું બોલીને એ એકાએક થમ્ભી ગયો. એ એકાએક ચેત્યો: ‘અરે, આ હું શું કરી રહ્યો છું? આ બાઈનો દીકરો પાછો આવશે એવું જૂઠાણું હું શા માટે કહી રહ્યો છું? દયા લાવીને કોઈને જૂઠું કહી શકાય? એ તો જુહુના દરિયામાં ડૂબી ગયો છે તે હું ક્યાં નથી જાણતો? આ બાઈના પતિએ નાસી જઈને બીજી સ્ત્રી સાથે દક્ષિણના એક શહેરમાં નવો સંસાર માંડ્યો છે તેય હું ક્યાં નથી જાણતો? પણ જેને સત્ય નથી ખપતું, અસત્ય જ જેનો આધાર, એવા લાચાર તેને હું શું આપું?’

એ નારીએ પૂછ્યું: ‘કેમ અટકી ગયા? પછી શું થયું? ઝટ ઝટ કહોને!’ આ દુરાગ્રહથી એ ધૂંધવાયો ને ફરી એણે આગળ ચલાવ્યું, ‘ શેઠાણી હરખાય પણ બીજી જ પળે વિચારમાં પડ્યાં: ‘આટલાં વર્ષો વીત્યાં, હવે કોણ જાણે કેવા હશે એના વેશ? એ જુવાન થયો હશે. રમતમાં ઘૂંટણ છોલાયેલાં તેનાં ચિહ્ન સુધ્ધાં રહ્યાં નહીં હોય, હું ઓળખીશ શી રીતે?’

શ્રોતા નારી તરત બોલી ઊઠી: ‘અરે, મા તે કાંઈ દીકરાને નહીં ઓળખે, મારો દીકરો પાછો આવે તો હું એક નજરે જ એને ઓળખી કાઢું. એનું માથું સૂંઘું, એને મોઢે હાથ ફેરવું…’

એ નારી બોલતી જ ગઈ, કેમ જાણે એનો દીકરો મોઢામોઢ નહીં ઊભો હોય! એ ફરી પોતાની જાત પર રોષે ભરાયો. આવી વાત મેં માંડી જ શા માટે? હવે આ બધું ઝટ સંકેલી લઉં અને અહીંથી ભાગું. વાત જલદી જલદી પતાવી દેતાં એણે કહ્યું, ‘ શેઠાણી ઘડીભર તો વિમાસણમાં પડ્યાં. પછી તરત એમને યાદ આવ્યું. એમના દીકરાના એક હાથની ટચલી આંગળી સહેજ ટૂંકી હતી. આ યાદ આવતાં એ તો ખુશ થઈ ગયાં. પછી તો શ્રાવસ્તી જઈને શેઠાણી ગવાક્ષમાં જ બેઠાં છે, મીટ માંડીને પ્રતીક્ષા કરે છે. પછી પુષ્ય નક્ષત્ર બેઠું. ત્યાં એક દિવસ એક જુવાન આંગણામાં આવીને ઊભો, નોકરો તો એને હાંકી કાઢતા હતા ત્યાં શેઠાણી દોડ્યાં. એ જુવાનનો હાથ હાથમાં લીધો. ટચલી આંગળી જોઈને એ જુવાનને ભેટી પડ્યાં. આટલે વર્ષે દીકરો પાછો આવ્યો. ઉત્સવ ઉત્સવ થઈ રહ્યો.’ આટલું બોલતાં એકાએક જાણે પેટમાં ગાંઠ પડી હોય ને શૂળ ઊપડ્યું હોય એવું એને લાગ્યું. એને શરીરે પરસેવો વળી ગયો. એ એકદમ ઊભો થઈ ગયો. ઘડિયાળમાં જોઈને બોલ્યો: ‘અરે દસ વાગી ગયા. ઘરે રાહ જોતાં હશે, તો સાંભળ્યું ને તમે, બધાં સારાં વાનાં થશે, તમારો હેમન્ત પાછો આવશે…’ આગળ કશું બોલ્યા વિના એ ઝટઝટ દાદર ઊતરી ગયો. પરસેવાથી એનું શરીર ઠંડું થઈ ગયું. એકાએક એની શક્તિ જાણે ઓસરી જતી હોય એવું એને લાગ્યું. પેલો ટૂંકી ટચલી આંગળીવાળો કોઈ બનાવટી આદમી પણ કેમ નહીં હોય, આટલું ધન મેળવવા કોઈ શું ન કરે? આ માણસજાત તે કેવી? – એવી ગાળો દેતો એ ઘરે પહોંચ્યો ને બારણામાં જ ફસડાઈ પડ્યો. એની પત્ની દીવો લઈને નીચે આવી. એની આ સ્થિતિ જોઈને ચિન્તાતુર થઈને બોલી ઊઠી; ‘ક્યાં ગયા હતા? હું તે તમને ક્યાં શોધું? અને આ શું થયું છે તમને? જુઓને, શરીર તો કેવું ઠંડું પડી ગયું છે!’ એ ખુરસીમાં માંડ માંડ બેઠો. એણે કહ્યું; ‘કશું થયું નથી, કશું થયું નથી.’ પણ એની પત્ની માને તો ને! એ પાછી બોલવા લાગી: ‘મેં તો કેટલીયે વાર કહ્યું છે કે આ ગામમાં તો ઘણી બધી ડાકણ છે. જુઓને, કેવી નજર લાગી છે! તમારી આંખો જ જુઓને, જરા બોલો તો ખરા, ક્યાં ગયા હતા? કોણ ભેટી ગઈ હતી?’ એ ફરી જવાબમાં બોલ્યો: ‘કશું થયું નથી, કશું થયું નથી…’

એની પત્નીએ નજર ઉતારી. એણે સંતાડેલી ગુપ્ત વાતનો તાગ કાઢવા શું કરવું તે વિચારતી તે બેઠી. તેના મુખ પરની મૂંઝવણ જોઈને એ વધારે અકળાયો. થોડી વાર તો એ આંખો બંધ કરીને બેસી રહ્યો. ઘડીભર એણે ભગવાનને પ્રાર્થના કરી. એણે ઉપજાવી કાઢેલા પેલા નૈમિષારણ્યના ઋષિને પ્રાર્થના કરી: ‘આ બધું મૃગજળ જેવું મિથ્યા કરી નાખો, સત્યનું વજન અમ માનવોથી સહ્યું જતું નથી. બધું મિથ્યા કરી નાખોને.’ એની પત્નીનો આધાર લઈને એ પલંગ પર જઈને સૂતો. પત્નીએ બે-ચાર કડવાં ઓસડ પીવડાવ્યાં તે પીધાં. પછી આંખ બીડીને એ સૂતો. તન્દ્રામાંય ફરી ફરી એને પ્રશ્નો સંભળાયા: ‘મારો દીકરો ક્યારે મળશે? તમને આ થયું છે શું? તમે ક્યાં ગયા હતા? બોલો, બોલો, બોલો…’ એ તન્દ્રામાં જ બબડતો રહ્યો: ‘કશું થયું નથી, કશું થયું નથી,

મોંસૂઝણું થયું હશે. એની આંખો ખુલ્લી જોઈને એની પત્નીએ પૂછ્યું: ‘હવે કેમ છે?’ એણે ટૂંકો જવાબ વાળ્યો: ‘સારું લાગે છે.’ એટલે પત્નીએ ફરી જીદ પકડી: ‘તો હવે બોલો, કોણ ભેટી ગઈ હતી તમને? તમે તો સાવ ભોળાભટુક છો. કોણે કામણ કર્યું હતું તમારા પર?’ એ ફરી બોલ્યો: ‘કશું થયું નથી, કશું થયું નથી.’ પણ એની પત્નીની આશંકાભરી દૃષ્ટિ જોઈને એને લાગ્યું કે આ ‘કશું નથી’માંથી જ કશું ઉપજાવવું પડશે. તો જ એની પત્નીને સન્તોષ થશે. ફરી એ કથાઓના વન નૈમિષારણ્યમાં પેઠો ને બોલવા લાગ્યો: ‘એકદા નૈમિષારણ્યને વિષે એક ઋષિ રહે. હજારો વર્ષોનું એમનું તપ. ચારે બાજુએ એમનો મહિમા ભારે. એમના અજબગજબના ચમત્કારોની અનેક વાતો ચાલે. હવે વાત એમ બની કે ચન્દ્રપુર નગરીમાં એક સુખી દમ્પતી રહે. એ જોડું જોઈને બધાંની આંખ ઠરે. બન્ને જુવાન વયનાં, જાણે કામદેવ અને રતિ. પત્ની તો પતિની છાયા જેવી. જ્યાં પતિ ત્યાં પત્ની. ઘડીનો વિરહ નહીં. એ જુગલમૂતિર્ જોઈને આખું નગર સુખ પામે.

ત્યાં નગરમાં એક દિવસ એક યોગી પુરુષ આવ્યા. મોઢા પર તેજ લખલખે. નગર આખું એમને જોવા ઊમટ્યું. યોગીરાજ રાજમાર્ગેં થઈને જતા હતા. પતિપત્ની ઝરૂખામાં ઊભા ઊભા જોતાં હતાં. પતિ કાંઈ કહેતો હતો ને યોગીરાજને જોવામાં નિમગ્ન પત્નીએ હોંકારો નહીં પૂર્યો. પતિ રિસાયો. ધડધડ દાદર ઊતરી, બંધ કમાડ ખોલી ચાલ્યો ગયો. પત્ની હાંફળીફાંફળી દોડી પણ લોકોની ભીડમાં એના પતિને ક્યાં ખોળે? એને તો ઘડીભર ચેન નથી. ચરણ થાકી ગયા છે. આંખે અંધારાં વળ્યાં છે. એ એકલી મધરાતે પેલા યોગીરાજ બેઠા હતા ત્યાં ગઈ, કહ્યું: ‘ યોગીરાજ, તમે સાચા યોગી હો તો મારા પતિને પાછા લાવી આપો.’ યોગીરાજે કહ્યું: ‘બેન, ધીરજ રાખ, બેસ. જો, હું તને કહું તે સાંભળ. હું તમારા પૂર્વજન્મની વાત જાણું છું. ગયા જન્મમાં તારા પતિ હતા ઋષિ સુભદ્ર અને તું હતી રાજકન્યા રત્નમાલા. સહિયરો સાથે તું એક દિવસ વનવિહાર કરવા ગઈ ત્યાં બધાંથી છૂટી પડી જઈને તું આ ઋષિ તપ કરતા હતા ત્યાં જઈ પહોંચી. બેબાકળી બનીને તું ચીસ પાડી ઊઠી. ઋષિનો તપોભંગ થયો. એણે તને જોઈ. એઓ મોહિત થયા. તમારી બન્નેની દૃષ્ટોદૃષ્ટ મળી. થવા કાળ તે થયું. પછી તો ગાજતેવાજતે લગ્ન થયાં. રાજપાટ ભોગવ્યાં. એક વાર તેં પતિને પૂછ્યું: ‘આવતે જન્મે આપણે જ પતિપત્ની ખરું ને?’ ત્યારે તારા પતિએ કહ્યું: ‘હા, એમ જ થશે. પણ મારે મારું અધૂરું તપ પૂરું કરવું પડશે, એ પૂરું થતાં જ આપણે ફરીથી મળીશું. તું ધીરજ રાખ.’ પાંચ વરસ પછી સૂર્ય દક્ષિણનો થાય ત્યારે આ નગરીથી પચાસ જોજન દૂર આવેલા અરણ્યમાં જજે. ત્યાં એક જીર્ણ શિવાલય પાસે એક ઋષિ તપ તપતા હશે. એને જો તું તરત ઓળખી કાઢશે તો એઓ તરત આંખો ખોલી નાખશે અને તને ભેટી પડશે. જો ઓળખવામાં સહેજ વિલમ્બ થશે તો વળી એક જન્મની રાહ જોવી પડશે.’ એ આ બોલતો જ હતો ત્યાં કોઈએ બારણું ઠોક્યું. પત્ની સફાળી દોડી. બારણું ખોલ્યું. જુએ છે તો કોઈ સ્ત્રી બેબાકળી ઊભી છે. અંદર આવીને એણે પૂછ્યું ‘હેમન્ત અહીં આવ્યો છે? મારી સહેજ આંખો મળી ગઈ ત્યાં કોઈએ બારણું ઠોક્યું હોય એવું મને લાગ્યું. બારણું ખોલીને જોઉં છું તો રસ્તા પર થઈને કોઈ ચાલી જાય છે. મેં એને તરત ઓળખી લીધો. એ જ ચાલ, એ જ છબિ, હું એની પાછળ દોડી. એ આ તરફ વળ્યો. અહીં આવ્યો છે મારો હેમન્ત?’ એ ઘડીભર જોઈ રહ્યો. પછી એણે કહ્યું: ‘બેસો, હું કહું તે સાંભળો. એકદા નૈમિષારણ્યે –’