કાંચનજંઘા/ઇદમ્ અપિ ગમિષ્યતિ

From Ekatra Wiki
Revision as of 05:38, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઇદમ્ અપિ ગમિષ્યતિ

ભોળાભાઈ પટેલ

–આ પણ જશે.

સંસારની ક્ષણભંગુરતાની વાત કરતાં કરતાં અનેક સંત મહાત્મા આ વાત કહી ગયા છે કે એક વખત આ બધું જશે. આપણે પણ જઈશું. પણ આ જવાની વાત એ નથી.

જરા કલ્પી જુઓઃ

બળબળતા બપોર છે, સૂરજદાદા તપ્ત નયન કરી આ સમસ્ત પૃથ્વીને બાળી નાખવા તૈયાર થયા છે, પૃથ્વી ધગધગી ઊઠી છે, પવન પણ લ્હાય લ્હાય થઈ ગયો છે અને ક્યાંય એક પણ વૃક્ષ નથી એવા માર્ગ પર તમે ચાલી રહ્યા છો. તાપ સહન થતો નથી, હવે વધારે ચાલવાની તાકાત નથી. આ અસહાય સ્થિતિમાં શું એવી કલ્પના કરી શકો કે આમ એક એક ડગલું ચાલવાનું ચાલુ રાખીને પણ એક કલાક પછી તો, તમે તમારા પહોંચવાને સ્થાને પહોંચી ગયા હશો. પછી તો ઉપર ઘરની શીળી છાયા હશે; કોઈ વીંઝણો વીંઝતું હશે, બાજુમાં શીતળ જળની ઝારી હશે, અને તમે હાશ કરીને બેઠા હશો.

આમ કલ્પના કરતાં તત્ક્ષણ પેલી અસહ્ય સ્થિતિ લગભગ સહ્ય બની જવાનો સંભવ છે. એમ વિચારવાનું છે કે આ પણ જશે, ઇદમ્ અપિ ગમિષ્યતિ. થોડી વાર પછી આ બળબળતી બપોર નહીં હોય, ધગધગતી રેતી નહીં હોય, લ્હાય લ્હાય પવન નહીં હોય.

આપણે પાછળ જોઈએ છીએ, તેમ આગળ પણ જોઈએ છીએ. આગળ જોવામાં પાછળના અનુભવોનું સાતત્ય છે એ જરૂર, પણ તેથી વીતેલા અનુભવોનું સરવૈયું નિરાશાજનક છે માટે હવે પછી પણ એવી જ નિરાશાઓનું વિશ્વ આપણી સમક્ષ આવશે એમ માનવાની જરૂર નથી. તો જ આગળ ગતિ કરી શકાય. એક જ વસ્તુ બે રીતે જોઈ શકાતી હોય છે, અને તેમાં વ્યક્તિના જીવન પ્રત્યેનો અભિગમ પ્રકટ થતો હોય છે. એક અર્ધ ભરેલા પ્યાલાને કોઈ નિરાશાવાદી વર્ણવે તો કહેશે – અર્ધો તો ખાલી છે; આશાવાદી કહેશે – અર્ધો તો ભરેલો છે. આ અભિગમ આશાવાદીને તેના જીવનમાં અગ્રગામી બનાવે છે. નિરાશાઓને દુઃખની સ્થિતિ આવે છે, પણ તે વખતે અમે વિચાર્યું કે ઇદમ્ અપિ ગમિષ્યતિ — આ પણ જશે.

અને આ કોઈ મોટી ડહાપણની વાત નથી. આ કોઈ મહાન સૂત્ર નથી. આ સીધી અનુભવવાની વાત છે. જીવનમાં ઉપકારક બનનારી કષ્ટની સ્થિતિ જો લાંબો વખત રહેતી હોય છે, તો તે માણસને ભાંગી નાખવાને સમર્થ હોય છે. વારંવારના કટુ અનુભવો તેને વાંકદેખો પણ બનાવી દે છે. પણ આપણે જાણીએ છીએ કે કોઈની એની એ સ્થિતિ ક્યારેય નથી રહેતી. એ બદલાતી રહે છે, તો પછી એવી દૃષ્ટિ રાખવામાં શો વાંધો કે હવે પછીની સ્થિતિ વધારે સારી હશે.

એક વખત બીમારીમાં દિવસોના દિવસો સુધી પથારીમાં રહેવું પડેલું. તે સ્થિતિમાં પડ્યાં પડ્યાં એવો વિચાર આવ્યો કે જાણે એકદમ સ્વસ્થ છું, હરીફરી શકું છું – અરે ડુંગરો પણ ચઢી શકું છું. થોડી વાર વર્તમાનની દુઃખદ પરિસ્થિતિમાંથી મુક્તિની ક્ષણો મળી ગઈ. બીમારીની વ્યથા ઓછી થઈ ગઈ. એ જરૂર કે તેથી બીમારી મટી ગઈ નહોતી, સુસહ્ય બની ગઈ હતી. કોઈ કહી શકે કે આ તો એક પલાયનવાદી મનોવૃત્તિ છે. વર્તમાન ન જિરવાતાં એક સુંદર ભવિષ્યની કલ્પના કરી તેમાં ખોવાઈ જવાની વૃત્તિમાં પરિસ્થિતિથી ડરવાની, ભાગવાની વાત આવે છે. પણ ક્યારેક આ જાતનું પલાયન સ્વાથ્ય અને શક્તિ આપે છે. એટલે અસહ્ય તાણનો અનુભવ થતો હોય ત્યાં વિચારવું કે આ પણ જશે – ઇદમ્ અપિ ગમિષ્યતિ. ૧૯૭પ