કાંચનજંઘા/સૌન્દર્યપ્રણાશ

From Ekatra Wiki
Revision as of 05:25, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૌન્દર્યપ્રણાશ

ભોળાભાઈ પટેલ

થોડા દિવસ ઉપર એક સાંજે આબુના ગુરુશિખર પરથી આથમતા સૂરજની એક ઝલક નજરમાં ભરી લેવાની કેટલીક પુણ્ય ક્ષણો મળી. અ-પૂર્વતાની ક્ષણો તો ઓછી જ હોવાની. એકદમ ઊંચા શિખરેથી આથમણી તરફ ફેલાઈને પડેલા રાજસ્થાનની ધરતીની ઉપર સૂરજ- લાલા આભા સાથે લટકી રહ્યો હતો.

સાંજની એ સ્તબ્ધ ક્ષણોને શિખર પર આવેલી દત્તની દેરીના સાંકડા પ્રાંગણમાં લટકતા ઘંટને વગાડી કમ્પાયમાન કરવાની ઇચ્છા થઈ આવી. સ્તબ્ધ ક્ષણોમાં થયેલો એ ઘંટનાદ જાણે હજી શમ્યો નથી, શ્રુતિચેતનામાં વિસ્તરતો જ જાય છે. વિસ્તરતો જશે. એવું લાગે છે કે એ ઘંટનાદ થતો જ રહે છે. કદાચ પેલી દિગન્તવ્યાપી સમતલ ભૂમિ પર લટકતા સૂરજને પણ એક ઘંટની જેમ બજાવવાની ઇચ્છા થઈ આવી હોત, પણ તરત અમે ત્યાંથી નીચે ઊતરી ગયા.

એ અમારું કમભાગ્ય હતું. સૂરજ હજી અસ્ત પામ્યો નહોતો. એને અસ્ત પામતો જોવા જ અમે શિખર પરથી થોડા ઊતરી, અન્ય એક ‘પૉઈન્ટ’ તરફ બસવેગથી ધસ્યા. નજીક જ હતું આ ‘પૉઈન્ટ’ છતાં પહોંચીએ તે પહેલાં એ ડૂબી ગયો હતો.

સૌન્દર્યની ક્ષણ ચૂકી ગયા. આમ જ ઘણી વાર ચૂકી જતા હોઈએ છીએ. એની ખોટ શેં પુરાવાની? બીજા એકબે મુસાફર જેમને લીધે પહોંચવામાં વિલંબ થયો. તેઓને કંઈ રંજ નહોતો. તેમણે આવા તો કેટલાય ‘સૂર્યાસ્તો’ જોઈ નાખ્યા છે. આ એક ન જોયો તો શું? મારી સાથે કવિ ધીરુ પરીખ હતા. તે તો અકળાયા પણ ખરા. આ પૉઇન્ટ પર આવ્યા, તે કરતાં તો શિખરની ટોચ પર જ થોડી ક્ષણો રહી ગયા હોત તો કેવું?

મને વિચાર આવતો હતો કે અમારે ‘સનસેટ પૉઇન્ટ’ પરથી જ સૂર્યાસ્ત જોવો જરૂરી હતો? નક્કી કરેલાં આવાં પૉઇન્ટો-બિંદુઓ પરથી કદાચ એક સારો ‘વ્યૂ’ મળતો હશે, પણ આમ સૌન્દર્યના સાક્ષાત્કારની અંતરંગ ક્ષણોને આપણે જાડી રીતે જાહેરમાં અડવાણી કરી દેતા હોઈએ છીએ.

કોઈ જાણે છેતરી ગયું હોય તેવા ભાવ સાથે થોડી વાર ત્યાં ઊભા રહ્યા. હવે રમ્ય સંધ્યા હતી. ગમે તેવી તો એ પહાડોની સંધ્યા. આ સંધ્યા વેળાએ ગુરુશિખર પર ગોઠવેલાં રડારયંત્રો પણ વિસંગત લાગતાં નહોતાં, જે આમ તો આ શિખર પર જરાય જોવાં ગમતાં નથી.

જ્યારથી આ રડારયંત્રો ગોઠવાયાં છે, ત્યારથી ગુરુશિખરની ભવ્યતા કહો કે ‘ગુરુતા’ ચાલી ગઈ છે. પર્વતના શિખર પર તો કંઈ જ ન હોવું જોઈએ. શિખર પર માત્ર શિખર અને તેની ઉપર આકાશ. ખરેખર તો ત્યાં મંદિર પણ ન હોવું જોઈએ. શિખર એ પોતે જ તો ‘મંદિર’ છે. પર્વતનાં ઊંચે ને ઊંચે આકાશભણી જતાં શિખરોને જોઈને તો શિખરબંધી મંદિરોનો આકાર સૂઝી આવ્યો હશે. તેમ છતાં શિખર પર પાછું મંદિર… શિખર રચ્યા વિના જંપ વળતો નથી. ભલે, તે તો ચલાવી લઈ શકાય, પણ આ રડારયંત્રોનું શું?

આપણે જાણીએ છીએ કે દેશના સંરક્ષણની દૃષ્ટિએ એનું ઘણું મહત્ત્વ છે. પણ જરા આઘાંપાછાં ન સ્થાપી શકાત? ગુરુશિખરની શોભા હણાઈ ગઈ છે, એનું ગૌરવ જાણે નષ્ટ થઈ ગયું છે. ત્રણચાર વર્ષ પહેલાં તો અહીં સુધી પગે ચાલીને આવવું પડતું. એ પથ્થરિયાં પગથિયાં ચઢતાં-ઊતરતાં, શ્વાસ લેતાં લેતાં, વિરામ લેતાં લેતાં આખી સવાર કે સાંજ આપીને શિખર પર ચઢવાનો આનંદ લીધો છે. હવે તો છેક સુધી પાકી સડક થઈ ગઈ છે. સડક સાથે આવતાં બધાં દૂષણો પણ છેક સુધી આવી ગયાં છે. કોઈ કહેશે, ટુરિસ્ટો-પ્રવાસીની સગવડ વધી છે. વધી હશે, પરંતુ જે ‘યાત્રિકો’ છે તેમનું શું? થોડી દુષ્કર હોય તો યાત્રા તો ફળે છે.

પરંતુ આબુ પર્વત પર તો ટુરિસ્ટો – પ્રવાસીઓ જ વધારે જાય છે. યાત્રિકો બહુ ઓછા. ભૂલેચૂકે તમે મે-જૂનમાં કે દિવાળીના દિવસોમાં આબુ ગયા તો ભાગ્યે જ તમે એ ગિરિવિહારને માણી શકો. સાંજ પડ્યે નખી તળાવની આસપાસના વિસ્તારમાં માણેકચોકની ભીડ અને કોલાહલને ટપી જાય તેવી ભીડ, તેવો કોલાહલ જોવા મળે.

આબુનો આનંદ લેવા જનારે તો ઉનાળાના કે દિવાળીના દિવસો સિવાયના સમયમાં જવું. આ પહાડ પોતાનું તમામ સૌન્દર્ય તમારી સામે ધરી દેશે, કેમ કે એ સૌન્દર્ય ઝીલવાની તત્પરતા તમારી હશે. વરસાદની ઋતુમાં પહાડની યાત્રા અઘરી હોય છે, પણ તે કરી જોવા જેવી ખરી. અને વરસાદની ઋતુ વીત્યા પછી જો તરત જવા મળે તો એ તક ચૂકવી નહીં.

ગુરુશિખરની સૂર્યાસ્તના દર્શનની ઘટના આવા હરિયાળા દિવસોમાં બની હતી. એટલે રંજ ઓછો થઈ શક્યો. પહાડો કહેતા હતા કે એ બધું ભૂલી જાઓ. જુઓ, હજી અમે તો એ જ યુગો જૂના અને છતાં નિત્ય નવા છીએ. હા, કદાચ હવે નવેસરથી જોવા પડશે એવું થયું. જુઓને કાલે રાત્રે, જ્યારે પર્વતારોહણ સંસ્થાના સાધના ભવનની ખુલ્લી અગાશી પરથી આકાશના તારાઓ જોતાં જોતાં ઉત્તર દિશામાં નજર નીચે ઊતરી, ત્યારે ત્યાં જાણે એક ગાંધર્વનગરી વસી હોય તેવો ભાસ થયો. ખરેખર અ-લૌકિક લાગે, કાલિદાસની અલકાનગરી દૂરથી આવી દેખાતી હશે. અમે જોતા જ રહ્યા. દૂર દૂરથી જાણે એક સૌન્દર્યલોક આ રાત્રિની વેળાએ તમને નિમંત્રી રહ્યો છે. ‘અહીં આવો, અહીં આવો’ પણ એ જ તો આજે દિવસે જેને જોતાં રંજ થયો તે રડારવિભૂષિત આ ગુરુશિખર વિસ્તાર હતો. રાત્રે જે ‘આવ આવ’ કહી પોકારે છે. દિવસે જાણે તે ‘જા જા’ કહી જાકારે છે. આ તે કેવી માયા!

વળી બીજી સાંજ. વર્ષા પછીના તરતના દિવસોમાં આ પહાડ અને તેના માર્ગો પર ચાલવાનું ગમતું હતું. આ પહાડના હૃદય સમું નખી સરોવર છલોછલ ભરાયું છે. ચારે બાજુ હરિયાળા પહાડોનું તે દર્પણ બની ગયું છે. ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ એ દીક્ષાપંક્તિ કવિ ઉમાશંકરને અહીં મળી હતી.

ટુરિસ્ટો-યાત્રિકો આવવા શરૂ થયા છે, પણ બહુ ઓછા. એટલે સાંજને સમે નખીની ચારે બાજુએ પ્રદક્ષિણા કરવાની ઇચ્છા થઈ આવે. રઘુનાથજીના મંદિરથી જરા આગળ જઈએ એટલે ભાગ્યે જ કોઈ માણસ જોવા મળે. જેની ડાળીઓની ત્વચા પર લીલ બાઝી ગઈ છે, તેવાં જરઠ પણ લીલાં વૃક્ષોથી અંતરાલમાં છલક છલક થતાં પાણીને કિનારે કિનારે ચાલવું ગમે. ત્યાં બાજુમાં એક નાના મંદિરમાં દીવો બળે અને એક મહાત્મા રામચરિતમાનસની ચોપાઈઓ મધુરકંઠથી અસ્મલિત આલાપતા જાય છે. કોઈ શ્રોતા નહોતો. એ અવાજ અહીં ગુંજરાય, સમગ્ર પ્રાકૃતિક શોભાનો ભાગ બની જાય.

આખું ચક્કર લગાવ્યા પછી થયું નૌકાવિહાર પણ કરીએ. વ્યવસ્થા છે. થોડી વારમાં તો સરોવરની મધ્યમાં હતા. સૌન્દર્યની સમાધિ લાગે તેવી ક્ષણો હતી. ત્યાં સાથેના એક પ્રવાસી કહે – ‘પાણી કેટલું ઊંડું હશે?’ હોડી ચલાવનારે કહ્યું, ‘મને ખબર નથી.’ ફરીથી પેલા પ્રવાસીએ કહ્યું, ‘હોડી ઊંધી વળે અને ડૂબી જઈએ તો? વીમો લીધો નથી.’ હોડી ચલાવનારે હલેસાં મારતાં એટલી જ શાંતિથી કહ્યું, ‘ડૂબી ગયા પછી વીમો હોય તોય તમારે શું કામનો?’ પેલા ભાઈ ચૂપ. પણ હવે પેલી સૌંદર્યની ક્ષણો નંદવાઈ ગઈ હતી, કેમકે પછી સૌ વિનોદમાં – મજાકમાં સરી પડ્યા!

સુંદર સ્થળોમાં પણ સૌંદર્યનો સાક્ષાત્કાર તો ભાગ્ય હોય તો જ થાય. સૌન્દર્યના શિકારીઓ બધે જ ફરતા હોય છે. ઘણી વાર એ શિકારી આપણે જ હોઈએ છીએ. બીજા શિકારીઓથી તો છટકાય, આપણાથી ક્યાં છટકી શકાવાનું છે? અમદાવાદ
૧૯૮૧