કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૬. વિદાય

From Ekatra Wiki
Revision as of 08:09, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬. વિદાય

ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’]
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડું હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે;
ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે
અમારાં નેન ઊનાં ઝંપતાં આરામ-ઝોલે.

બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં,
કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં;
ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિ:શ્વાસ છેલ્લા,
અમારે રોમ-રોમેથી વહ્યા’તા રક્તરેલા.

સમય નો’તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો,
સમય નો’તો શિશુના ગાલ પણ પંપાળવાનો,
સમય નવ માવડીને એટલું કહેતાં જવાનો:
‘ટપકતા આંસુને, ઓ મા! સમજજો બાળ નાનો.’

અહોહો! ક્યાં સુધી પાછળ અમારી આવતી’તી
વતનની પ્રીતડી! મીઠે સ્વરે સમજાવતી’તી,
ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી’તી,
‘વળો પાછા!’ વદીને વ્યર્થ વલવલતી જતી’તી.

બિરાદર નૌજવાં! અમ રાહથી છો દૂર રે’જે,
અમોને પંથભૂલેલા ભલે તું માની લેજે;
કદી જો હમદિલી આવે, ભલે નાદાન કે’જે;
‘બિચારા’ ક્‌હૈશ ના – લાખો ભલે ધિક્કાર દેજે!

ઓ દોસ્તો! દરગુજર દેજો દીવાના બાંધવોને;
સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આશકોને?
દિલે શું શું જલે – દેખાડીએ દિલઆહ કોને?
અમારી બેવકૂફીયે કદી સંભારશો ને?

અગર બહેતર, ભૂલી જાજો અમારી યાદ ફાની!
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિન્દગાની;
કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ, છાની:
અમોનેયે સ્મરી લેજો જરી, પળ એક નાની!

૧૯૩૦

કારાગૃહમાં એક સાથીએ ગુંજેલી ‘હમ ભી ઘર રહ સકતે થે’ જેવી કોઈ ઉર્દૂ ગીતની કડી પરથી સૂઝેલું
(સોના-નાવડી, પૃ. ૪૪)