કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૦. મોર

From Ekatra Wiki
Revision as of 09:14, 4 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦. મોર

નિરંજન ભગત

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો,
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યાં દર્પને
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને);
પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક;
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત ર્હે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમૅન્ટિક!

વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને;
અનન્ય રસરૂપરંગસ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?:
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.

(બૃહદ છંદોલય, પૃ. ૧૩૮)