કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૬. ઢોલક હજુ બજાવે છે

From Ekatra Wiki
Revision as of 11:48, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૬. ઢોલક હજુ બજાવે છે


આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે,
ને ઉજ્જડપાના ફળિયામાં
એ સૂતાં પ્રેત જગાવે છે.

વર્ષો વીત્યાં એ વાત ગઈ,
રજવાડી એ મો’લાત ગઈ,
ને એ રઢિયાળી રાત ગઈ

પણ ઉજ્જડપામાં આથડતા
એ પડઘા રંગ જમાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.

હલકી જ્યાં એક પડે થાપી,
કોઈ કંઠ રહે જ્યાં આલાપી,
જાણે કાળજ લેતું કાપી!

કોઈ દોડે પિયુને પૂછ્યા વિણ,
કોઈ વિનવે છે, સમજાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.

ને રાસ તણી રમઝટ જામે,
કૈં નવાં ઉમેરીને નામે,
એ જોઈ જરા કોઈ સામે

શું ગાય છટાથી! ઢોલક પણ
મદમાતો સાથ પુરાવે છે —
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.

એ હોઠ રહે આછા મલકી,
એ કંઠ રહે આભે છલકી,
ને ગામ ઊઠે આખું હલકી,

એ રાસ મહીં જાણે સૌને
ડુબાડી પાર લગાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.

કહી દઉં એ કોનાં કામણ છે?
રે! આમ તો સાવ અભાગણ છે,
દુખિયારી રગું વડારણ છે,

પણ ઢોલક પર એની થાપી
કેવો તો કેર મચાવે છે! —
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.

૧૫-૩-’૬૦ (સંજ્ઞા, ૧૯૬૪ પૃ. ૧૫-૧૬)