કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૯. જળ અને હોડી

From Ekatra Wiki
Revision as of 07:18, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૯. જળ અને હોડી

રમેશ પારેખ

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
છાંયડા ક્યાંક રે ડહોળા ને ક્યાંક નીતર્યા.

ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની
ક્યાંક વાગે પોચો પોચાયેલ પ્હાડ
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં.

એનો તાતો રે તાણેલ સઢ તો પાંદડું
એમાં જળના ભરોસા હિલ્લોળાય
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા.

હોડીબાઈ જળમાં બંધાણાં કાચા તાંતણે
જળની જળવત્તા જાળવતા જાય
હોડીબાઈ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યાં.

એને જળનો થાકોડો, જળનો આશરો
એને જળનાં ઘરેણાં, જળની ટેવ
હોડીબાઈ જળનાં જડબાંને સાવ વિસર્યાં.

૯-૫-’૭૯/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૩૭૬)