કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪. બેઉ જીતે, બેઉ હારે

From Ekatra Wiki
Revision as of 06:10, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. બેઉ જીતે, બેઉ હારે| }} <Poem> પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે; આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે. પ્રેમ-જીવન પર ઓ હસનારા! પ્રેમ-જીવનને ખેલ ન ગણતો, પોઢું છું હું બા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪. બેઉ જીતે, બેઉ હારે


પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.
પ્રેમ-જીવન પર ઓ હસનારા! પ્રેમ-જીવનને ખેલ ન ગણતો,
પોઢું છું હું બાણની સેજે, ચાલું છું તલવારની ધારે.
એક બાજીના બે રમનારા, એક હારે તો જીતે બીજો,
પ્રેમની બાજી કિંતુ અનોખી, બેઉ જીતે; બેઉ હારે.
ભીની ભીની પ્રેમની જ્વાળા, ઝગમગ ઝગમગ આંખનાં અશ્રુ,
જાણે આગ મલ્હાર લગાવે, દીપક એનો તાપ વિદારે.
વર્ષોથી મોજાંઓમાં રમતી નાવને શાની બીક હે નાવિક?
તેં જ ડરીને બૂમો પાડી! ‘સાગરમાં તોફાન છે ભારે!’
મૃત્યુ કેરી હૂંફ સુંવાળી કેમ ન ઝંખે જીવન મારું?
શોધે છે વિશ્રામ પથિકો, લાગે છે જ્યાં થાક વધારે.
મુજ અશ્રુ પર ઓ હસનારા! જો જો કૈં ઇન્સાફ ન લાજે!
જલતી હોય શમા તે ક્યાંથી હસતાં હસતાં રાત ગુઝારે?
તારલા કોની આગળ જઈને શૂન્ય રડે છે મારાં દુઃખડાં?
કોણ પ્રભાતે રોજ ગગનથી છાનું છાનું અશ્રુ સારે?
(શૂન્યનો વૈભવ, પૃ. ૨૦)