કાવ્યમંગલા/બાનો ફોટોગ્રાફ

From Ekatra Wiki
Revision as of 02:46, 25 November 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાનો ફોટોગ્રાફ
(અનુષ્ટુપ)

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા.

ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરસી પરે,
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી.

‘જરા આ પગ લંબાવો, ડોક આમ ટટાર બા !’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે.

સાળુની કોર ને પાલવ, શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે, ફૂલ, પુસ્તક પાસમાં.

ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા. ૧૦

શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી,
લઈને જોઈતું ફોકસ, પ્લેટ તેમાં ધરી પછી,

ઢાંકણું ખોલતા પ્હેલાં સૂચના આમ આપતો,
અજાણ્યો, મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો :

‘જોજો બા, સ્થિર હ્યાં સામું, ક્ષોભ ને શોક વિસ્મરી,
ઘરમાં જેમ બેઠાં હો, હસતાં સુખડાં સ્મરી.

આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ,
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.’

અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,
જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો. ૨૦

હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું?
જિંદગી જોઈ ના જોખી કોઈ એ કદી બાતણી.

યૌવને વિધવા, પેટે બાળકો કંઈ, સાસરે
સાસુ ને સસરાકેરા આશ્રયે બા પડી હતી.

વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી,

બાએ ના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી,
એને કોએ ન સંભાળી, સૌને સંભાળતી છતાં.

ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યા,
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું. ૩૦

અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઉમટ્યાં,
એહના મનને રાજી રાખવા મથતાં બધાં.

આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી,
પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા.

બતાવ્યાં શ્હેર બાને ત્યાં બંગલા,બાગ, મ્હેલ કૈં,
સીનેમા, નાટકો કૈં કૈં, ગાડીઘોડે ઘુમાવી ને,

અમારા પ્રેમ કે સ્વાર્થ- તણા સ્મારક શો અમે,
અનિષ્ટો શંકતાં ઇચ્છ્યું બાનો ફોટો પડાવવા.

પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે, બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા,

પડાવા બેઠી ત્યાં ફોટો, ફોટોગ્રાફર ત્યાં ઊભો,
અજાણ્યો, મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો.

અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં,
બોર શું આંસુ એકેક બાને નેત્ર ઠર્યું તહીં.

ચિડાયો ચિત્ર લેનારો, ‘બગડી પ્લેટ માહરી.’
પ્લેટ શું, જિંદગીઓ કૈં બગડી રે હરિ, હરિ !

(૨૨ ફેબ્રુઆરી, ૧૯૩૩)