કોડિયાં/આદર્શો

From Ekatra Wiki
Revision as of 12:24, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આદર્શો|}} <poem> {{Space}} સબળ દિવ્ય કુમાર મનસ્વી કો, {{Space}} ભરતી, ઓટ, ન વા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આદર્શો


          સબળ દિવ્ય કુમાર મનસ્વી કો,
          ભરતી, ઓટ, ન વારિ નિહાળતો;
          નવ લહે જલધિજલ ઉગ્રતા,
          નવ ઉષા, ન વ સાંધ્ય પ્રસન્નતા.
અનિમિષ નેનથી જોતો દૂરની ચક્રવાલને;
હલેસું ટેકવી ઊભો, ચંદ્ર ચૂમે કપાલને.

          ક્ષિતિજ પામું, ન થંભું જરા કદી.
          કમર કૌવત-ભેટ કસી, વદી.
          અડગ કિશ્તી કુમાર હલેસતો,
          રજનિનાથ સમુદ્ર ઉજેસતો.
ઊછળે પ્હાડ શાં મોજાં, ઝંઝાવાત તુફાનના;
મૂંઝવે મૃત્યુના દૂતો, રૂંધતી સુખ-કામના.

          ક્ષિતિજ આવતી પાસ કદી નહિ;
          જ્યમ નજીક જતો ત્યમ ભાગતી.
          વહન થાય અનંત યુગો થકી,
          અમર સાહસ ધૈર્ય નવાં નકી.
દૂર જાતાં જતાં પાસે, આદર્શો ચક્રવાલ શા!
પ્રગતિ પામવામાં ના, બિંદુ ક્યાં? ભવ્ય આભ ક્યાં?

6-1-’29