ગુજરાતનો જય/૧૫. મહામેળો

From Ekatra Wiki
Revision as of 10:37, 30 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. મહામેળો|}} {{Poem2Open}} વિ. સં. ૧૨૭૬ના માઘ મહિનાની એ અંધારી આઠમ હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૫. મહામેળો

વિ. સં. ૧૨૭૬ના માઘ મહિનાની એ અંધારી આઠમ હતી. યાત્રાસંઘ તલપાપડ ઊભો હતો. ધોરી અને ઘોડા, હાથણીઓ અને સાંઢ્યો, થનક થનક પગે ઊપડવા આતુર હતાં. બ્રાહ્મણોની કતારો વેદના ઘોષ કરતી હતી. ભોજકો ગાતા હતા. ચારણો પ્રશસ્તિના છંદો લલકારતા હતા. સૌની આગળના સુશોભિત એક રથમાં પ્રભુનું દેવાલય સ્થપાયું. દેવને માથે ત્રણ છત્રો ધારણ થયાં. સૌભાગ્યવતી સોખુએ ને લલિતાએ હાથમાં ચામર લઈને અંગને એક પ્રકારના નૃત્યમરોડમાં હિલોળીને દેવમૂર્તિ પર વીંજણા ઢોળ્યા, તૂરીભેરીના નાદ થયા, અને દેવરથના પૈડાંનું પહેલું ચક્કર ફર્યું, પછવાડે હજારો પૈડાંએ આંટો લીધો, સાંઢ્યોએ કણકાર કીધા. જમણે પડખે ગઢ ઉપર બેઠેલી દુર્ગા બોલીઃ “રથ થોભાવો!” સંઘપતિ વસ્તુપાલે આજ્ઞા આપી અને શુકનાવળિને પૂછ્યું: “પંખીએ શું ભાખ્યું?” પ્રભુ!” કાગરાશિયાએ ઉકેલ આપ્યો, “દુર્ગા દુર્ગની દીવાલના સાડાબારમા થર પર બેઠી છે. આપના ભાગ્યમાં સાડીબાર જાત્રાઓ સૂચવેલ છે, બાર પૂરી ને એક અરધી.” “અરધી! એનો શો અર્થ?” “એ આજે નહીં, પછી કહીશ, પ્રભુ!” વસ્તુપાલ પામી ગયો. એણે દેવરથને ફરી હંકારવાની રજા આપી, પણ પોતે વિધાતાના અરધા આંક પર ધ્યાન ઠેરવી લીધું. છેલ્લી યાત્રા શું અધવચ્ચે પૂરી થવાની હશે? પાંચસો કુહાડિયાને પાંચસો કોદાળિયા મળીને એક હજાર મજૂરોની બે હજાર લઠ્ઠ ભુજાઓ ઊંચકાતી હતી. એક હજાર ઓજારોનાં પાનાં પૃથ્વી પર પડતાં હતાં.સસલાની પણ ખાલ ઉતરડી લ્યે એવી ગીચોગીચ કાંટાળી ઝાડીઓ વચ્ચે પહોળો રસ્તો, એ હજાર હથિયારોની ઝીંક ઝીકે પડતો જતો હતો. ઝાડીઓનાં સનાતન અંધારા ઉલેચાતાં હતાં, સૂર્યનાં કિરણો કેટલાંય વર્ષો બાદ એ ઢંકાયેલી પૃથ્વી પર પહેલી વાર આળોટતાં હતાં. તસ્કરો, નિશાચરોનાં લૂંટણસ્થાનો નાશ પામતાં જતાં હતાં. એક વારના ધોરી માર્ગો પોતાના પર ફરી વળેલાં આ ઝાડીઝાંખરાંનાં ખાંપણોમાંથી મોકળા બનીને, લૂંટાયેલાં ને હણાયેલાં કંઈક મુસાફરોની તરફડતી લાશોથી ગંધાતાં મટી જઈને, મોટો જુગ વીત્યે જાણે પહેલી જ વાર સોહામણાં માનવીના મહામેળાની અભય યાત્રાના સાક્ષી બનતા હતા. મહામેળો ચાલ્યો જતો હતો – શત્રુંજયની વાટે વાટે, શકટો ગાડાંઓની 'હારોહાર, સુખાસનોની લારકતાર, વ્રતીઓની ને સૂરિઓની જમાતો, કવિઓના અખાડા અને નાટારંભો કરતી નટેશ્વરીનાં વૃંદો. બળદોની ઘૂઘરમાળ વાગતી હતી. યાત્રિકોનાં ગાડાં સ્તવને સજ્જાયે ગુંજતાં હતાં. ભયાનક સૌરાષ્ટ્ર સોહામણો બન્યો હતો. ધોળકાના મહામાત્ય વસ્તુપાલે કાઢેલી આ સમસ્ત ગુર્જરભૂમિની પ્રથમ પહેલી દેવયાત્રા એ વસ્તુતઃ તો વિજ્યયાત્રા હતી. કેટલાં વર્ષો પહેલી વાર સામટાં સેંકડો નરનારીઓ ચોરહત્યારાના ભય વગર સોનારૂપાં પહેરી ને શણગારો સજી દેવનાં દર્શને વિચરતાં હતાં! ગઈ કાલ સુધી તીર્થાટન મોતના મોંમાં પગ મૂકવા સમાન હતું. આજે તીર્થાટન ગૌરવરૂપ બન્યું છે. દાટેલા દાગીના બહાર કાઢીને નરનાર આવે છે. તેમને રક્ષનારા સાંઢણીસવારો, ઘોડેસવારો ને પેદલોની મોટી ફોજ તેમની સંગાથે ચાલે છે. દડમજલ તેમના પડાવો થાય છે ત્યાં આગલા દિન લગીના લૂંટણહારો ને ગળાકાટુ ઠાકોર-ઠાકરડા મસ્તક ઝુકાવીને ચોકિયાતો બની જાય છે. કરડો કાળઝાળ વાણિયો વસ્તુપાલ એ સંઘનો સંઘપતિ છે. નથી એ નરી દેવયાત્રા, નથી એ નરી વિજયયાત્રા, એ તો છે લોકયાત્રા. એની તો પગલે પગલે પડતી આવે છે સામાજિક અસરો. ઘરેઘરમાં માટીના પોપડા હેઠળ થીજી ગયેલી માયા કોઈ ઋતુપલટો થતાં ઓગળી હતી. જાણે દ્રવ્યની નીકો બંધાઈ હતી ને તેનો મહાપ્રવાહ સોરઠને ગામડે નગરે ફોળાતો, ફેલાતો, રેલાતો, ચાલ્યો હતો. વાવરનારા ઊલટથી વાવરતા હતા – વહાલા દેવને નામે, અને એ વાવર્યું સર્વ વહેંચાઈ રહ્યું હતું દીનો, મધ્યમો ને શ્રીમંતોના લોકસમૂહમાં સરખે હિસાબે. સંઘપતિ જેનો વસ્તુપાલ હતો, તે સંઘની અધિષ્ઠાત્રી હતી દાનમૂર્તિ અનુપમાદેવી. લલિતા અને સોખુ જેઠાણીઓ હોવા છતાં અનુપમાનું એ સ્થાન ત્યજાવવા તૈયાર નહોતી. સોખુને તો પહેલવહેલું આ પરદેશ-દર્શન, પ્રકૃતિ-દર્શન અને પરમેશ-દર્શન સાંપડ્યું હતું. એ તો પંથે પગપાળા ચાલતાં થાકતી નહોતી. પાંખો વગરની એ જાણે વિદ્યાધરી હતી. પાલખીમાં એનો પગ ટકતો નહોતો. વગડાનાં આવળ-ફૂલોને એ ઝુલાવી ઝુલાવી ગાલે સ્પર્શાવતી હતી ને કોઈ શ્રાવક જોઈ ન જાય તેવી છૂપી રીતે લજામણીનાં પાંદડાંને લગાર અડકીને ચીમળાઈ બિડાઈ જતાં જોવાના એના ક્રૂર કોડ તો અણપુરાયા ને અણધરાયા જ હતા. અને આ કુદરતખોળે ક્રીડા કરતી જોતો પતિ ચિંતવતો હતો, કે કેટકેટલી સામાન્ય ગૃહનારીઓનાં હૈયાં આવી ક્ષુધાએ દિવસ-રાત તલસતાં હશે. એવાં લાખો હૃદયોને રમાડી શકું ને વારંવાર આવી યાત્રાઓ કાઢી શકું! આખરની ઘડી પણ આવી કોઈ યાત્રાને માર્ગે જ આવો! લલિતાને તો બીજી જ લેર લાગી ગઈ હતી. ડોલતાં ડોલતાં ટેકરા-ટેકરીઓની ચડઊતર કરવી, બોરડીઓનાં બોર વીણવાં ને આંબળાંની ખટાશ ચખાડીને સોખુની ને અનુપમાની જીભ ત્રમત્રમાવવી; લાગ ફાવે તે યાત્રિકના શકટમાં ચડી બેસવું, તેમની જોડે લાંબીચોડી વાતો ચલાવવી. તેમને તેમના વતન વિશે હજાર હજાર પ્રશ્નો પૂછતાં જીભ થાકે નહીં, અને એ કરતાં પણ વધુ તો કોઈ યાત્રિકનાં રાભડાં રતુંબડાં નીરોગી બાળકો દીઠાં કે તરત તેને પોતાને ઘેર લઈ જવા માટે માગી લેવાનો નાદ લાગ્યો હતો. એ કોઈ કોઈને તો કહી લેતી: “મારી બેન સોખુને માટે મારે એક છોકરું તો જોઈએને!” છોકરાં દીઠાં કે એના ગજવામાં એકાદો દ્રમ્મ છૂપી છૂપી એ સેરવી જ દેતી. વિધવા અનાથ બાઈ દીઠી કે તેને માટે એણે પચાસ-સો દ્રમ્મ કાઢ્યા જ હોય. તે છતાં વસ્તુપાલ જ્યારે એને કહેતો કે “દેવી! તું અનુપમાને દાનાદિકમાં મદદ કર” ત્યારે એ એવો ઉત્તર વાળીને છટકી જતી કે, “ના રે ના, એ તો છે ઉડાઉ, મારો જીવ એમ ઘી ઉરાડતાં ચાલે નહીં. આટલાં બધાં ઘીનાં કડાયાં ભર્યા છે તે હમણાં જ ખાલીખમ થઈ જવાનાં છે એ વિચારે મારું તો હૈયું જ ફાટી પડે છે.” એમ કહીને એ સવારના ભોજનદાન સમયે પતિથી દૂર ભાગતી ને જતી જતી અનુપમાના કાનમાં કહેતી જતી કે “અલી જૂઠું જૂઠું કહ્યું હતું, એ તો તારા જેઠને ફસાવવા માટે. મારાં તો બાઈ, વસ્ત્રો બગડે એ મારે ન પોસાય. હું તો ફૂલ ફૂલ થઈને જ ફર્યા કરવાની. તું એકલી વહેંચ્યા કર ઘીની કડાઈઓ ને કડાઈઓ. કોઈ તારો હાથ નહીં ઝાલે. દીધા કર, તારા ને મારા લલાટમાં ઘીનાં કડાયાં ભર્યા છે ત્યાં સુધી દીધા જ કર, ત્યાંસુધી હાથ સંકોડતી ના, અનુપમા” આમ દાનાદિક દેવાનું કામ અનુપમાને જ ભળ્યું હતું. શત્રુંજયની તળેટીમાં એ અભ્યાગતો-અકિંચનોનાં ઊમટતાં ટોળાં વચ્ચે વીંટળાતી હતી. ભરેલાં કડાયોમાંથી એના હાથ ઘીની લહાણી કર્યે જતા હતા, પણ ક્ષુધિતોનું ટોળું ખાળ્યું રહેતું નહોતું. એમાં એક અભ્યાગત કંગાલે કડાયું ઝૂંટવ્યું. ઘીની ઝાલક ઊડી. અનુપમાનાં નવોનકોર હીરનાં ચીર ઘીમાં ખરડાયાં, એ ભાળતાંની વાર જ એના સંરક્ષકે એ કડાયું ઝડપનાર કંગાલના શરીર પર લાકડીનો હળવો ઘા કર્યો. એ ધીરો એવો પ્રહાર નજરે નિહાળ્યો તે જ પળે અનુપમાની કાયાએ એક આંચકો અનુભવ્યો. એની આંખના ડોળા લાલ રંગે રંગાઈ ઘૂમવા લાગ્યા. કોપાયમાન બનવાનો આવો પ્રસંગ અનુપમાના જીવનમાં પહેલો હતો. એણે પોતાના લાકડીધારી સેવકને કહ્યું: “આ ક્ષણથી જ તું આ સંઘના સીમાડા છોડી જા, યાત્રામાં ક્યાંય ઊભો ન રહેતો. જાણતો નથી રે મૂઢ, કે હું ભાગ્યવશાત જો કદી ઘાંચણ સરજી હોત કે માલધારીના ઘરમાં અવતરી હોત તો! તો મારાં લૂગડાં ડગલે ને પગલે ઘી-તેલ ન બગડ્યાં કરત? એથી તો આ ઘીના ડાઘ-મેલ શું મહાભાગ્યની વાત નથી? પ્રભુદર્શને આવ્યાં તો મેલ પામ્યાંને? અને ગંડુ!” એમ બોલતે બોલતે અનુપમાની દ્રષ્ટિ એ ભિક્ષુકો-અભ્યાગતોની જામી પડેલી ઠઠમાં, એક બાજુ છેક છેવાડે ભીંસાતા એક ભૂખ્યા યાચક પર પડી, ને એ સૂચક શબ્દ બોલી - "ને ગાંડા! આ ઘીના છાંટા પણ મારા વસ્ત્રે ક્યાંથી! આ ઘી અને સર્વ દાનપુણ્ય તો આપણા રાણાનું છે. આ સંપત્તિ તો બાપુ લવણપ્રસાદની ને રાણક વીરધવલની વપરાઈ રહી છે. પુણ્ય તો સર્વ એને જાય છે. મારા ભાગ્યમાં તો આટલા તો છાંટા ને ડાઘા મળે છે એટલા જ એમાંથી રહેશે.” એ શબ્દો સાંભળીને છેવાડે ઊભેલો એ યાચક નીચું જોઈ ગયો ને છાનોમાનો સૌની પછવાડે સરકી ગયો. ફક્ત અનુપમાએ જ એને ઓળખી પાડ્યો. તળેટીમાં ઊભાં ઊભાં વસ્તુપાલ આ નાનકડા દેવગિરિનો આંતરિક મહિમા એક ભક્ત કવિની નજરે નિહાળતો હતો. એની વીરશ્રી અને એની રાજનીતિજ્ઞતા થોડો વિસામો લેતાં હતાં. એની સંસ્કારિતા અને પારગામિતા પટમાં આવી રહ્યાં હતાં. એના પ્રાણમાં વાચા આકાર ધરવા ગડમથલ કરતી હતી. વાગ્દેવીનો વીણારવ વાગું વાગું થતો હતો. એની પાસે શોભનદેવ સલાટ ઊભો હતો. પીઢ વયના મહામાત્યની વેશપોશાકની સરખામણીમાં યુવાન શોભનદેવનાં વસ્ત્રો ગરીબી દાખવતાં હતાં, છતાં તેના રૂપમાં વસ્તુપાલની કોઈ નિગૂઢ છાયા છવાઈ હતી. “આ બાજુએ લલિતા-તળાવડી બાંધી છે,” એણે મંત્રીને એની પત્નીના નામના નવા બાંધેલા જળાશયની દિશા બતાવી. "પણ અનુપ-સર ક્યાં છે?” મંત્રીએ અનુપમાન નામનું બંધાવેલું તળાવ યાદ કરાવ્યું. "જી, આ બાજુ.” "ને મારી માતાના નામની તળાવડી?” "જી, એ તો રેવતગિરિ પર.” “ત્યારે શું અહીં માતાનું કોઈ સ્મારક નહીં? આ સિદ્ધાચલની છાયામાં મારી બા...” એમ બોલતો બોલતો વસ્તુપાલ પ્રકૃતિલીલામાં પોતાની જનેતાના રસરૂપગંધની કલ્પનાને અનુભવતો, નાક વડે કોઈ સુગંધ લેતો, ચક્ષુઓમાં કોઈકની છબી ઝીલતો એકાગ્ર બન્યો. શોભનદેવે પણ આ પ્રશ્નનો કશો જવાબ દીધા વગર વસ્તુપાલની પાછળ પાછળ પગલાં ભર્યા; પ્રત્યેક પગલે શત્રુંજયની લીલા વિસ્તરતી હતી. લૂખો ને સૂકો. એ ડુંગરડો, ચાર મહિના પહેલાં વરસી ગયેલી વાદળીઓની થોડીઘણી લીલી સાંભરણો સમી હરિયાળીને હૈયે ધરી રહ્યો હતો. પછવાડે આવતાં લલિતા, સોખુ ને અનુપમા એને આંબી ગયાં. મંત્રીશ્વરે અનુપમાને કહ્યું: “રાણાને ઠીક સંભળાવ્યું તમે તો.” “આપે ક્યાંથી જાણ્યું?” અનુપમાએ નીચે જોઈને લજ્જાભેર પૂછ્યું. “જાણવાના સાધનો ન રાખું તો તો આવી યાત્રાઓ કેમ જ માણી શકું? એ તો પધાર્યા છે મજૂરરૂપે, ભિક્ષુકરૂપે, આપણી ફનાગીરી નિહાળવા. સારું સારું, ભોળિયા રાજા કરતાં ચતુર ને ચબરાક, થોડોક અવિશ્વાસુ ધણી જ સારો. પોતે જાગ્રત રહે ને આપણનેય સાવધ રાખે.” "તમારે તો બેઉને રાજપ્રપંચની જ વાતો!” લલિતાએ ત્રાસ અનુભવતે કહ્યું, “અહીં તીર્થાટને આવીને તો એ લપ છોડો.” “તો ઘણીય લપોને છોડું, લલિતા! પણ લપો મને નહીં છોડે. હવે તો એ લપોમાંથી જ રસ કેળવવો રહ્યો. લપોને છોડી શકીશ તે દિવસ તમને બેઉને પણ શાનો રાખીશ?” એવા કુટુંબ-વિનોદને મોકળાશ આપવા માટે શોભનદેવ શિલ્પી આગળ ને આગળ ચાલતો હતો; પણ શોભનદેવને પોતાની પાછળ ચાલતા આ પરિહાસની કોઈક નિગૂઢ ચણચણાટી પીઠમાં ચાલતી હતી. શોભનદેવને પોતાને જ ખબર નહોતી પડતી કે આ મંત્રી-પરિવાર એને પોતાના માનાં જણ્યાં જેવો કેમ ખેંચી રહ્યો હતો. એને થતું હતું કે અનુપમાને તો પોતે ઘણાં વર્ષો પૂર્વે ક્યાંઈક જોઈ છે – ઘણાં વર્ષો પૂર્વે એટલે કે પોતાની વય કરતાં પણ વધુ વર્ષો પૂર્વે જોઈ છે, મેળાપ કર્યો છે ને કશોક સંદેશો પણ દીધો છે. અનુપ-સર અને લલિતા-સરનાં શિલ્પ કોતરતાં કોતરતાં એનાં ટાંકણાંએ ન સમજાય તેવી કોઈ સુખવેદના અનુભવી હતી. એણે પાછળ ન જોવાનો નિશ્ચય રાખ્યો હતો. એ નિશ્ચયને એણે છેક નાભેયમંદિર સુધી ટકાવી રાખ્યો. આદિનાથનું દેવાલય દીપેધૂપે ને કર્પરકેસરે, પુષ્પચંદને ને કસ્તુરીની ગંધે મહેકી ઊઠ્યું. જ્યોતિર્માળા ગિરિલક્ષ્મીના સ્મિતમાંથી ચળકતી દંતાવલિ સમી પ્રકાશી ઊઠી. સૂરિઓ, કવીશ્વરો, શ્રાવકો ને શ્રાવિકાઓની હારબંધ મેદનીમાં કદાવર મંત્રીકાયા, શ્વેત વસ્ત્ર, પુષ્પમાળાએ ને ચંદનતિલકે શોભતી પ્રવેશ કરે છે. એની પાછળ નારી-પરિવાર છે. દ્વાર પાસે જ ઊભો છે શિલ્પી શોભનદેવ. એને અનુપમાએ એક જ પલકારે ઓળખ્યો. પોતાનાથી નાનો છતાં કોઈ વડીલ હોય એમ એણે ઓઢણાનો પાલવ સંકોડી અદબ કરી. "આ....” એમ કરીને શોભનદેવે અંદર જતા મંત્રીનું ધ્યાન દ્વાર પાસે ઊભેલા એક પાષાણ-મૂર્તિ તરફ ખેંચ્યું. મંત્રી થંભ્યો. એણે પૂરા માપની સ્ત્રી-પ્રતિમા નિહાળી. એણે ચકિત લોચને શોભનદેવ તરફ જોયું. શોભનદેવે કહ્યું: “આ બા...” શોભનદેવ શિલ્પીનું મોં એ બોલતાં નાના બાળકની આનંદલાલી ધારણ કરી રહ્યું.