ગુજરાતનો જય/૧૬. વણિક મંત્રીઓ

From Ekatra Wiki
Revision as of 07:52, 30 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. વણિક મંત્રીઓ|}} {{Poem2Open}} “સોમેશ્વરદેવ! તમે મને અંધારામાં ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૬. વણિક મંત્રીઓ

“સોમેશ્વરદેવ! તમે મને અંધારામાં રાખ્યો,” વીરધવલ રાજગઢમાં ઠપકો દેતા હતા, "તમને કશી ખબર નહોતી?” "થોડી થોડી ખબર હતી.” “તોપણ ચૂપ રહ્યા?” "મારો ધર્મ હું બજાવ્યે જતો હતો. હું સમયની રાહ જોતો હતો, રાજન! યોગ્ય સમય આવ્યા પહેલાં કાંઈ કરવું એ ઉચિત લાગ્યું નહોતું.” "પણ તમે મને સૂચન પણ ન કર્યું?” "પરિસ્થિતિને પક્વ થવા દેવામાં જ મને ડહાપણ દેખાયું એથી હું ચૂપ રહ્યો હતો. એથીયે વધારે: હું રાહ જોતો હતો કોઈ વણિકબુદ્ધિની. રાજ્યને વણિકબુદ્ધિની વિશેષ જરૂર છે.” "તેજપાલ ને વસ્તુપાલનો તમને કેવોક પરિચય છે?” “મારા પિતા પાસે બેઉ ભણતા હતા, પણ એ નાનપણનો પરિચય વધુ ન કહેવાય. રાણાજી પોતે જ જોઈ વિચારીને નક્કી કરે.” "પણ હું અભણ છું તેની જ મોકાણ છેને?” "માટે જ રાણાને ભણેલાઓની – બોંતેર કળાના જાણકારોની જરૂર છે. માત્ર ભણેલો હશે તે તો ભયંકર બનશે, રાણા! ભણતર એકલું હશે તો પ્રપંચે જ ચડી જશે. જીવનની કળાના જાણકારો જોઈશે.” "કળાના જાણકારો મારે આ વાટકીના શિરામણ જેવડા ધોળકામાં ક્યાંથી કાઢવા? આ કુગ્રામમાં કોણ કળાનો જાણનારો આવવા નવરો હશે?” રાણા વીરધવલ એમ કહી કહીને પોતાના કાંડા પરના કંકણ-કાવ્ય પર નજર ઠેરવતા હતા ને હસતા હતા. સોમેશ્વર પણ હસતો હતો. રાણાએ ગુરુને પૂછ્યું: “કેમ હસો છો?” “ના રાણા, આપ હસો છો. એથી મને હસવું આવે છે.” "મને કેમ હસવું આવે છે તે તમે ક્યાં નથી જાણતા? બાપુએ મારે કાંડે કોણ જાણે કયા સોલંકી મહારાજના કાંડાનું આ કંકણ પહેરાવ્યું છે, આ કંકણ પર કાવ્ય કોતરેલ છે ને તેનું મારે મૂંઝવણને સમયે ધ્યાન ધરવું એમ બાપુએ કહ્યું છે. કહ્યું છે કે રાજા ભોજ પણ આમ જ કરતા. પણ આ તે કંકણ પર કાવ્ય કોતરેલું છે કે કાળા મંકોડા, એ હું શું સમજું? મને વેશ પહેરાવી બેસાડ્યો છે, પણ ભજવતાં આવડતું નથી. તે માટે હું હસું છું. હસી હસીને રડવું આવે છે.” "માટે જ કહું છું કે મંત્રીઓ વસાવો.” "તેજપાલ બહાર બેઠે બેઠે આવાં તોફાન કરે છે તે મંત્રી બન્યા પછી શું નહીં કરે?” "તેજપાલની તો મને ખબર નથી, પણ બેજવાબદારી જે તોફાન કરાવે છે, તે જવાબદારીનો ભાર માથે પડતાં શમી જાય છે.” "તો બોલાવીને એને.” તેજપાલે આવીને રાણાને વસ્તીના રોદણાનું પૂરું કારણ સમજાવ્યું. રાણાએ ઠાવકું મોં રાખીને કહ્યું: “રાણીને ને કુંવરને તમે બચાવ્યાં એમ રાણી કહે છે, પણ હું નથી માનતો, શેઠ. રાણી તો સોરઠિયાણી છેને, એટલે છેતરાઈ ગઈ. પણ તમે તો મને લાગે છે કે ચાલાકી જ કરી છે. ક્યાં છે જેતલ?” "આ રહી.” ચંદ્રશાલામાંથી આવીને જેતલદેવીએ કહ્યું. "આ તમારા ભાઈએ તમને ઠીક ભૂ પાયું! હવે કહો એને કે ઘરેણાં ઘડાવી આપે.” "રાણાજીના મોંમાં અમૃત,” તેજપાલે કહ્યું ને હાથ જોડી વિનંતી કરી કે, “એક વાર અમારે ઘેર જમવા પધારો.” “લૂંટાવી કરીને પછી બેનને મિષ્ટાને રીઝવી લેવાં છે?” “ના, ના,” જેતલદેવીએ કહ્યું, “બેનનો લૂંટાયેલો માલ ભાઈની બહાદુરી પાછો અપાવશે. ફિકર રાખો મા.” “સગા ભાઈને જે ન ઓળખી શક્યાં તેને હવે આ શ્રાવક ભાઈ સ્વાદ ચખાડશે... વીરપહલીનો!” તેજપાલ આ બધા વિનોદ સામે ગંભીર અને વિનયશીલ જ રહ્યો. એને ખબર હતી કે રાજાઓ કોઈ કોઈ વાર મશ્કરીએ ચડે છે ત્યારે સામો માણસ ગફલતમાં પડી જાય છે. વળતા દિવસે વસ્તુપાલ-તેજપાલને ઘેર ભોજન લઈને રાણી ને રાણી બેઠાં ત્યારે એમને આ વણિક-ઘરની સુશીલતા ને સંસ્કારિતાની પૂરી ઓળખાણ મળી. મુખવાસ લઈને ઊભાં થાય છે તે વખતે અનુપમાદેવી થાળમાં આભૂષણો લઈને હાજર થઈ. જેતલદેવીને પહેરાવવા એણે એક રત્નહાર ઉપાડ્યો. "આ શું કરો છો?” જેતલદેવી તો દિમૂઢ બની. “બા,” તેજપાલે ઊભા થઈ હાથ જોડ્યા, “તમારા ભાઈઓના ઘરની ચિંતા કર્યા વગર જ પહેરી લ્યો. એ તો એના પિયરનું છે; એની કુલમુખત્યારીનું છે.” “પણ... પણ.... હું કેમ પહરું?” “હું મારાં નણંદની અડવી ડોક કેમ જોઈ શકું?” અનુપમા બોલી, “ને નણદીબાની આવી સ્થિતિ જેણે કરાવી છે તેના અપરાધની પણ હું તો અર્ધભાગિની છુંને!” "ઊભાં રહો, ઊભાં રહો,” એમ કહેતાં જેતલદેવી રાણા તરફ વળ્યાં, “આ પહેરીને હું રાજગઢમાં જાઉં તો તેની રક્ષા કરવાની ત્રેવડ તમારી છે?” “બિલકુલ નહીં ચોખ્ખું કહી દઉં છું. મારે ઘેર લાવલશ્કર નથી, ને તારું પિયર વામનસ્થલી, પોતાની બહેન પર હોય તે કરતાં બહેનનાં ઘરેણાં પર વધુ પ્રેમ ધરાવે છે.” રાણાએ ભય બતાવ્યો. “તો હું શું કરું?” "પૂછી જો તારા ભાઈઓ થવા આવનારને. એમનાં બાવડાંમાં બળ છે?” “બહેનનો રાજગઢ તોડવાનું બળ જ હતું તો બહેનના શણગાર ઉપર હાથ નાખનારા લૂંટારુઓને ભાંગવાનું તો બળ હશે જ ને?” રાણીના મોં પરથી એ બોલતી વેળા વિનોદ ઊડી ગયો. “પિયરને દાઢમાં લીધું લાગે છે!” રાણા ખીલ્યા. "પતિના ઘરની આબરૂ સાટુ.” એમ બોલતાં રાણી જેતલદેવી પોતાના મનમાં ઘડાઈ ગયેલ એક ભયંકર નિશ્ચયની ઝાંખી કરાવી રહ્યાં હતાં. અને રાણા વીરધવલે પણ જોયું કે હાંસી બહુ આગળ વધી ગઈ હતી. રાણીના મોં પર સ્વસ્થતા નહોતી. “બા” વસ્તુપાલે કહ્યું, “તમે પહેરી લો. એ ઘરેણાંની તો હવે અમે જ રક્ષા કરશું.” "સમજીને બોલો છો?” રાણીનો પ્રશ્ન સૂચક હતો. વણિકો હજુ કંઈ સમજતા નહોતા. વીરધવલને રાણીની વાતમાં રહેલા મર્મની સાન આવી ગઈ હતી. પણ હજુ પોતાને પૂછવું બાકી હતું. તેથી તેણે વાતનો અંત આણ્યોઃ “અત્યારે તો પહેરી લો. રક્ષાની વાત વિગતે કરશું.”

તે જ રાત્રિએ ઉપાશ્રયમાં વિજયસેનસૂરિની પાસે ચાર પુરુષો એકઠા થયાઃ વસ્તુપાલ, તેજપાલ, સોમેશ્વરદેવ અને દેવરાજ પટ્ટકિલ. પટ્ટકિલ ધોળકામાં છુપાઈને રહ્યો હતો. વિજયસેનસૂરિએ ઊંચી પાટ પર ન બેસતાં સૌની સાથે ધરતી પર જ રજોહરણ ફેરવીને નાનું પાથરણું પાથર્યું. પછી વસ્તુપાલ-તેજપાલે મંત્રીપદ સ્વીકારવું કે કેમ તેનો પ્રશ્ન ચર્ચાયો. સોમેશ્વરદેવે ખબર આપ્યા કે, “રાણા લવણપ્રસાદને તેડવા તો સાંઢિયો આજ સવારનો ગયો છે એટલે એ રાતોરાત આવી પહોંચશે. સવારે જ કદાચ મંત્રી-મુદ્રા સોંપાશે.” “તો શું કરવું? તમારો મત શો છે?” વિજયસેનસૂરિએ ગંભીરપણે પૂછ્યું. “સ્વીકારી લેવી. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવું.” સોમેશ્વરે કહ્યું. “રાજાની મંત્રી-મુદ્રા એ લક્ષ્મીનો ચાંદલોયે હોય અને મેશની ટીલીયે નીવડે,” વિજયસેનસૂરિ બોલ્યા, “આ કાંઈ ઊગતા સૂર્યની પૂજા કરવાની નથી. આ મંત્રીપદ તો લોઢાના ચણા છે.” “પણ રાણા અને રાણી બન્ને બહુ જ ઇંતેજાર લાગ્યાં.” તેજપાલે કહ્યું. “વત્સ!” વિજયસેનસૂરિએ સહેજ હસીને જવાબ વાળ્યો, “રાજાને ગરજ હોય છે ત્યારે ગળપણનો પાર રહેતો નથી. પણ એ જ ગળપણ ઝેર થઈ જતાં કેટલી વાર?” "તો શું કરવું?” “પહેલાં તો પ્રજામત તમારે પક્ષે મજબૂત છે કે નહીં તે નક્કી કરો.” “એ તો બે દિવસ પર જ જોવાઈ ગયું છે.” સોમેશ્વરદેવે ઝટ ઝટ કહ્યું. “ના, એના પર વિશ્વાસ ન રખાય. રાજની સામે હોબાળો ચડ્યો હોય ત્યારની વાત એક છે, અને રાજની સેવા સ્વીકારો ત્યારની વાત જુદી બને છે.” "તો આપ શું સૂચવો છો?” “જો હાડોહાડ જૈન ધર્મનો પક્ષકાર હોત તો કહી દેત કે ઝટ મંત્રીપદ લઈ લો, ઝટ રાજ્યમાં દ્રવ્યપ્રાપ્તિ કરાવી આપો, ને ઝટ ઝટ શ્રાવકો અને સાધુઓ માટે વિશિષ્ટ હકોનાં પત્રકો કરાવી વાળો. પણ એ વાતનો ઇતિહાસ તો દુઃખદ છે. એટલે પહેલું તો એ કહું કે તમારે મંત્રીપદ લેવું હોય તો તમે શ્રાવકોના સમૂહની કે સાધુઓના સંઘની વાહવા પર વિશ્વાસ ન મૂકજો. બીજું, રાજની આંખ બદલે - ને એ તો ગમે ત્યારે બદલે – તે સમયની સદાકાળ તૈયારી રાખજો.” "કેવા પ્રકારની?” “દંડાવાની, લૂંટાવાની, જીવથી પણ જવાની.” “ના ના, મારો વીરુ...” એમ કહેતા એકાએક થોથરાઈને દેવરાજ પટ્ટકિલ બોલ્યા, “મારો ધણી રાણો વીરધવલ એવો નથી, હો પૂજ!” એના બોલમાં કોઈ ન સમજે તેવો ગદ્ગદિત ભાવ હતો. “એ નહીં ને એનો દીકરો વીફરે; એના કાનમાં કોઈ ખટપટનાં ઝેર રેડાય. વસ્તી જ સામી થઈ બેસે. કંઈ કહેવાય નહીં. એટલે બુદ્ધિ, ચિત્તવૃત્તિ અને ત્રીજી તલવાર એ ત્રણે જો તમારી સાબૂત રહે તેવી હોય તો જ હા ભણજો, વત્સ! પણ કુટુંબના કે ન્યાતના, ધર્મના કે પંથના જયજયકાર પૂરતું જ પ્રલોભન હોય તો ન સ્વીકારજો. આજ સુધી એ જ ભૂલ થતી આવી છે. જિનમંદિરો તો અસંખ્ય છે, નવાં નહીં બંધાવો તો ચાલશે. શિવપ્રાસાદોનો પાર નથી, એનેય વિશ્રામ દઈ શકશો. પણ મસીદો ક્યાં ક્યાં નથી ને કઈ કઈ પડી ગઈ છે તેના પર લક્ષ વધુ દઈને વણકર, ખેડુ અને કારીગર મુસ્લિમ વસ્તીનાં દિલ જીતવાં જોશે. છેવટ એક જ વાત, તમારું, બે ભાઈઓનું ને દેવ સોમેશ્વરનું સ્વપ્ન સાબૂત હોવું જોઈએ. એ સ્વપ્ન આજ સુધીના કોઈ ગુર્જરરાજને કે ગુર્જર મંત્રીને આવ્યું નથી. એ સ્વપ્નની લીલાભૂમિ ફક્ત ગુર્જર દેશ નહીં પણ...” અહીં એ જૈન મુનિના શબ્દો પર જાળિયામાં થઈને કોઈનો પડછાયો પડ્યો અને વાક્ય ખડિત બન્યું. સૂરિજીને લાગ્યું કે કોઈક બહાર સાંભળતું હતું. “ખેર એ વાત તો આગળ ઉપર.” એમ કહીને સૂરિએ સોમેશ્વરદેવને કહ્યું, “દેવ! તમારું સ્થાન હંમેશાં મધ્યસ્થ તરીકેનું રહેશે.” “એટલે કે સૂડી વચ્ચે સોપારીનું.” સોમેશ્વરદેવ હસ્યા. “હા, ને સોપારી પોતાનું સ્થાન સાચવશે તો તો ચૂરો ચૂરો થઈ જઈને પણ રાજાપ્રજાનો મુખવાસ શોભાવશે, સૂડી ચલાવનાર હાથને તો નહીં વઢાવે! ખરી વાત છે દેવ, કે તમારી હાલત કપરી બનશે. શંભુ તમને શક્તિ સીંચો” "હું તો ફસાયો.” વસ્તુપાલે કહ્યું, “હું આહીં આવ્યો તે તો સોમેશ્વરદેવની જોડે કવિતારસ લૂંટવા; ને ખેંચાઉં છું રાજપ્રપંચોમાં.” “તમારી કવિતારસ પરીક્ષામાં મુકાશે. કવિતા તો અંદરની વસ્તુ છેને યુદ્ધમાં ઘૂમતા હશો ત્યારે એનું તો પાન કરી શકશો. કવિ એટલે એક કવિતા કરવા સિવાય બીજી બધી વાતે નાલાયક, એવી માન્યતાને ઉચ્છેદી નાખજો.” "કોને ખબર છે કે કેટલું જીવીશ?” “એ જાણવાની ઉતાવળ નથી. યોગ્ય અવસરે એ પણ જ્ઞાન મળી જશે.” "આપ કહેશો?” "હું શું કહેવાનો? કાળ જ કહેશે. તે વખતે પછી બીજું સમસ્ત સ્વપ્ન સંકેલી લઈ સચ્ચિદાનંદને શરણે ચાલી નીકળવાની વાર ન કરજો.” “ત્યારે કોઈ કલ્યાણસ્તોત્ર સંભળાવો હવે.” એમ કહી બધા ઊભા થયા. “સ્તોત્ર ફક્ત આટલું જ” સાધુ વિજયસેને કહ્યું, “જે મંત્રી કોઈના માથા ઉપર હાથ મૂક્યા વગર ભંડાર વધારી શકે, કોઈને દેહાંતદંડ દીધા વગર દેશનું રક્ષણ કરી શકે, ને લડાઈ કર્યા વિના રાજ્ય વધારે, તે મંત્રીને કુશળ સમજવો.”