ગુજરાતી ગઝલસંપદા/ કિરણસિંહ ચૌહાણ

From Ekatra Wiki
Revision as of 15:03, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કિરણસિંહ ચૌહાણ |}} <center> '''1''' </center> <poem> નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે? તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે?<br> મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને, હવે એના ઉપર ગઝલો લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કિરણસિંહ ચૌહાણ
1

નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે?

મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે?

અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે? છતાં ખુશ છું.
અહીં પણ છે વ્યથા તો બહુ... બધી સહેવી જરૂરી છે?

નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે,
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે.

નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે,
ઉદાસી ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે.

2

શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.

એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે.

હોય સાહસવૃત્તિ જેના લોહીમાં,
રણ કે સમરાંગણ, બધું સરખું જ છે.

રાહ જોવામાં હવે ક્યાં સાર છે?
‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.

જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.