ગુજરાતી ગઝલસંપદા/ કિસન સોસા

From Ekatra Wiki
Revision as of 11:18, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કિસન સોસા |}} <center> '''1''' </center> <poem> ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા, પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા.<br> કદી ક્યાં ઓઝલે ચૂપચાપ શબ્દોના ગણે આવ્યા! તરન્નુમની સજેલી પાલખીએ રણઝણે આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કિસન સોસા
1

ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,
પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા.

કદી ક્યાં ઓઝલે ચૂપચાપ શબ્દોના ગણે આવ્યા!
તરન્નુમની સજેલી પાલખીએ રણઝણે આવ્યા.

ધૂળે ધરબાયેલો સિક્કો ઉજાગર થાય વરસાદે,
તમે એવું જ ઊજળું રૂપ લઈ આ શ્રાવણે આવ્યા.

હવે કેવો ઘડાશે ઘાટ, ઘડશે કોણ, ઘણ જાણે,
અર્થ કંઈ આગમાં થઈ રક્તવરણા એરણે આવ્યા.

પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયુ અર્થી ચઢી કોઈ ને કોઈ પારણે આવ્યા.

2

હું સમંદરમાં હતો ને ઝૂમતો વરસાદ આવ્યો,
પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો.

વાછટે ખૂણે ખૂણે શોધી વળ્યો અમને ધરા પર,
ને પછી દેમાર દરિયે ઢૂંઢતો વરસાદ આવ્યો.

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,
ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

ઉમ્રની વેરાન દિશામાં ચઢી આવી ઘટાઓ,
સેંકડો ભમરાને ટોળે ગુંજતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,
જ્યાં ગયો, મારું પગેરું ‑સૂંઘતો વરસાદ આવ્યો.